કશું જ ન કરવાની પ્રેરણા...2-1-14

06:09

સાર્થકતાના શિખરેથી -  


દરેક નવો દિવસ નવા જીવનની શરૂઆત હોઇ શકે. પણ આપણે રોજ એ જ રફતારથી જીવીએ છીએ. ક્યારેય જુદી રીતે જીવવાનો પ્રયત્ન કરતા નથી. ઊફરાં ચાલતાં આપણને ડર લાગતો હોય છે. આમ જોઈએ તો દરેક શ્ર્વાસ આપણામાં નવો પ્રાણ પૂરતો હોય છે. દરેક પળ નવી હોય છે, પરંતુ જીવનની ભાગદોડમાં દરેક નવો ઊગતો દિવસ આપણા માટે નવી શરુઆત લઈને નથી આવતો. ક્યારેક એક પળ જીવનમાં એવી આવે છે કે જીવન નવેસરથી શરૂ થતું હોય તેવું લાગે છે. પણ વળી પાછા એ જ રુટિનમાં આપણે વળી જઈએ છીએ. તો વળી કેટલાક વ્યક્તિત્વો એવી હોય છે કે જેઓ એકનું એક જીવન જીવતા નથી. તેઓ જીવનના મધ્યે પહોંચીને વળી નવી દિશામાં પ્રવાસ શરૂ કરે છે. તદ્દન અજાણ્યો રસ્તો પકડી નવી મંઝિલની શોધમાં ઊપડે છે અથવા વિધિ તેમના માટે નવી કેડી રચી દેતી હોય છે. એપલ કંપનીના સ્થાપક અને ચેરમેન સ્ટીવ જોબ્સે કદી વિચાર્યું નહોતું કે તે ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ રચશે. તેણે આવી કોઈ કલ્પના સાથે ભણવાનું શરૂ નહોતું કયું કે ન તો ટેકનોલોજી ક્ષેત્રે ડિગ્રી લીધી હતી.

ધીરૂભાઈ અંબાણીએ પણ સામે જે રસ્તો મળ્યો ત્યાં ચાલવાનું શરૂ કરી દીધું અને ક્યાંક તો નવી કેડી કંડારી ઈન્ડસ્ટ્રી ઊભી કરી દીધી. અમિતાભ બચ્ચન હીરો બનવા નહોતા માગતા તેમણે પહેલાં તો ભણીને નોકરી કરી અને ફિલ્મમાં કામ મેળવવા ગયા તો તેમને લોકોએ સરળતાથી કામ નહોતું આપ્યું. ત્યાં સુપરસ્ટાર બનવાના સપના ન જ જોયા હોય ને. કેરેકટર એકટર તરીકે પ્રસિદ્ધ બોમન ઈરાનીએ અભિનય કારર્કિદીની શરૂઆત ૪૦ની ઉંમરે કરી હતી. તે પહેલાં તેઓ ફોટોગ્રાફર હતા. આપણી આસપાસ એવી અનેક વ્યક્તિઓ જોવા મળે છે જેઓ જીવનમાં એક હારને પચાવી શકતા નથી કે એક દરવાજો બંધ થતાં જ તેઓ હતાશ થઈને જીવનની બાજી હારી જાય છે. આપણે આ કોલમ દ્વારા એવી વ્યક્તિત્વોની વાત કરીએ છીએ જેઓ હંમેશા જીવનપ્રવાહમાં સામા પ્રવાહે ચાલતા હોય છે.

એવા વ્યક્તિત્વો વિશે વાંચ્યા બાદ કે મળ્યા બાદ આપણને ય નવી શરૂઆત કરવાની પ્રેરણા મળતી હોય છે.

વલસાડમાં ૭૦૦ વારના બગીચાની વચ્ચે આવેલા નાનકડા બંગલામાં હીંચકે ઝૂલતાં પક્ષીઓના અવાજને શાંતિથી સાંભળતા ૫૧ વરસીય પ્રશાંતને કશું જ કરવાની ઉતાવળ નથી. નામ પ્રમાણે જ પ્રશાંત મને તેઓ જીવન જીવે છે. પ્રશાંત છેલ્લાં સાતેક વરસથી આજીવિકા માટે કોઈ કામ નથી કરતા. તમે જો વલસાડમાં પ્રશાંત દેસાઈને શોધવા જાઓ તો તમને નય મળે કારણ કે તેઓ તેમના હુલામણા નામ કેદારને નામે જ ઓળખાય છે.

કેદારનું જીવન જોઈને ભલભલાને ઈર્ષ્યા આવે અથવા નક્કી થઈ જાય કે આપણે પણ આવું કંઈક કરવું જોઈએ. પણ એ એટલું સહેલું નથી. કેદારે આઈ મીન પ્રશાંતને પોતાની રીતે જીવવું ગમે છે. અને કશું જ કામ કરવાની આળસ આવે છે એવું કહેતા તેઓ ઉમરે છે, કદાચ મારી એ આળસમાંથી જ વહેલા નિવૃત્તિ લેવાની વાત મારા મનમાં દૃઢ થઈ ગઈ હતી. મારે તો ચાલીસમા વરસે જ ઘરમાં બેસી જવું હતું પણ હું જ્યાં કામ કરતો હતો તે મારી કંપની માઈક્રોઇન્કના મારા માલિકોએ કહ્યું કે આખો દિવસ ઓફિસ ન આવ પણ બેત્રણ કલાક કામ કરવા આવી શકે. એટલે મેં થોડો વખત એવી રીતે પાર્ટ ટાઈમ જવાનું શરૂ કર્યું. પણ જમ્યા બાદ હીંચકે બેઠો હોઉં ને મનમાં ફડક રહે કે મારે ઓફિસે જવાનું છે ઘડિયાળ તરફ નજર રહે તેય મને ગમતું નહીં એટલે ૪૬માં વરસથી તો મેં બસ ઓફિસ અને કામને સાવ જ તિલાંજલિ આપી દઈને મારી રીતે મારા માટે જીવવાનું શરૂ કર્યું. સાચું કહુ બહુ જ આનંદ આવે છે. વાંચો, કુદરતની વચ્ચે, સાથે રહેવાનું અને સંગીત સાંભળવાનું. મિત્રોને મળવાનું આ બધામાં નવરાશ જ ક્યાં છે કે કંટાળો આવે. ફરવા જવું હોય તો બસ ઉપડવાનું જ રહે. રજા કે વાર જોવાની ય જરૂર નહીં.

પ્રશાંતભાઈ માઈક્રોઈન્કમાં બોર્ડના ડિરેકટર હતા. તેમણે વડોદરાથી એન્જિનિયરીંગ કર્યા બાદ બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ પણ કર્યું છે. ત્યારબાદ તેમણે એલેમ્બિક કંપનીમાં પ્રોડકટ મેનેજર અને અતુલમાં એગ્રો ફાર્મા ડિવિજનમાં ઈન્ચાર્જ તરીકે આઠ વરસ કામ કર્યું. ત્યાર બાદ અતુલની જ આ સિસ્ટર ક્ધસર્ન માઈક્રોઇન્ક કંપનીમાં ૧૪ વરસ કામ કર્યું. પ્રશાંત કહે છે, કામ કરવાની મને ખૂબ મજા આવતી હતી. કામ નિમિત્તે મારે અવારનવાર વિદેશ જવાનું થતું. ત્યારે હું પ્લેનની લાંબી મુસાફરીમાં વાંચતો અને મારું મનગમતું મ્યુઝિક સાંભળતો, પ્રવાસ દરમિયાન ક્યારેય કામ ન કરતો. વિદેશના કવિઓ વાંચવા ગમે એટલે વિદેશમાં પણ પુસ્તકો ખરીદું , મ્યુઝિયમ જોઉં આમ કામ પણ આનંદ પડે એવું જ કર્યું છે. વહેલા નિવૃત્ત થવાના વિચાર સાથે મારા માતાપિતા કે મારી પત્નિ કોઈને જ વાંધો નહતો. હા કેટલાંક સગાંઓ જરૂર સવાલ કરતા કે કામ વગર શું કરીશ કે કેવી રીતે જીવીશ. પણ તેમને જવાબો આપવા મને જરૂરી ન જણાતા. હું સારું કમાતો હતો એટલે મેં પૈસાનું આયોજન સારી રીતે કર્યું હતું. આજે હું રૂમી, ટાગોર, ગાલિબ અને અનેક વિદેશી કવિઓની સાથે મોજ કરું છું. શાસ્ત્રીયથી લઈને ગઝલો, ફિલ્મી ગીતો મન થાય ત્યારે સાંભળું છું. ઓર્ગેનિક શાકભાજી અને ફળો ઉગાડું છું. ખરું કહો તો જીવન જીવવાનું મેં ૪૦ વરસ પછી શરૂ કર્યું. કશું જ ન કરવાનો આનંદ પણ અદ્ભુત હોય છે.

પ્રશાંતને એક દીકરો છે કવન તેને સાતમા ધોરણ બાદ હોમ સ્કૂલિંગ કરાવ્યું. અને ઓપન યુનિવર્સિટીમાંથી એક વરસ પહેલાં જ દશમા ધોરણની પરીક્ષા અપાવી. પછી દીકરાને ય કહ્યું કે એક વરસ બ્રેક લઈને જે ગમે તે શીખ અને જીવનનો આનંદ લે. મ્યુઝિક અને સાઈક્લિગંનો શોખ કવને પણ વિકસાવ્યો. અને પિતા પ્રશાંત સાથે મનાલીથી લદાખ સાઈક્લિગં કરવા ગયો. પંદર વરસની ઉંમરે જો કે તે પૂરું અંતર કાપી ન શક્યો પણ આ વરસે સ્પિતી જવાનો છે. પ્રશાંત કહે છે કે હું દીકરાને દરેક ફ્રિડમ આપવા માગું છું. તે હવે વિદેશ ભણવા જવા માગે છે કારણ કે તેને કોમર્સ અને લિબરલ આર્ટ્સ એમ બન્ને વિષયો સાથે ભણવા છે. એવી અનેક વ્યક્તિઓ જોઇ છે કે ઘરમાં અઢળક પૈસો હોય પણ કામમાંથી નિવૃત્ત થઈને પોતાને ગમે તે રીતે જીવન જીવવાની હિંમત કરતા નથી. સતત ફરિયાદો જરૂર કરતાં હોય છે. પ્રશાંત પાસેથી બસ જીવતાં શીખવાની પ્રેરણા લઈએ.

You Might Also Like

0 comments