નારીવાદી પુરુષ

03:43

જુહુબીચ પર ઘણા સમય બાદ ચાલવા જવાનું થયું. સવારના સાત વાગ્યા હતા. ચોમાસામાં નીતરીને દરિયો અને આકાશ સ્વચ્છ થઈ ગયા હતા. તાજગીભરી કિનારાની મોકળાશમાં સવારે અનેક લોકો ચાલવા આવ્યા હતા. તેમાં એક પુરુષ નાનકડા બાળકને ઝોળીમાં પેટ આગળ રાખીને ચાલી રહ્યો હતો. બાળક આજુબાજુ વિસ્મયથી જોતું હતું તો દરેક ચાલનાર પણ પિતા પુત્રને જોતાં જ સ્મિત અને પ્રેમ પ્રગટ કરી બેસતા હતા. પિતાના ચહેરા પર પણ આનંદ અને સંતોષ જણાતો હતો. થોડેક આગળ જતાં બીજું એક દૃશ્ય દેખાયું. એક યુવાન પિતા વાંકડિયા વાળવાળી પાંચેક વરસની દીકરી સાથે દોડી રહ્યો હતો. બન્નેનું ઘ્યાન એકબીજામાં પરોવાયેલું હતું. 

આ દૃશ્ય જોતાં જ મને ફેમિનિસ્ટ મેન અંગે વાંચેલા સમાચાર યાદ આવ્યા. નારીવાદી પુરુષ શબ્દ જ વ્યદતોવાઘાત જેવો લાગે. તમને એવું ય લાગતું હશે કે પુરુષની કોલમમાં ક્યાંક સ્ત્રીની આ કોલમ લખવા નથી બેસી ગઇને.... વાંચીને સહેજ હસવું ય આવ્યું હશે કે આખરે નારીવાદી વલણ જ આવી ગયું. પણ આ લવારો નથી કે મજાક નથી. છેલ્લાં બે વરસથી વિદેશમાં સેલિબ્રિટી પુરુષો પોતાની જાતને ફેમિનિસ્ટ એટલે કે નારીવાદી જાહેર કરી રહ્યા છે. જો કે આ ટ્રેન્ડ નવો નથી. કેટલાંય વરસોથી પુરુષો સ્ત્રીને વ્યક્તિ તરીકે સ્વીકારીને સ્ત્રીને થતાં અન્યાય વિરુદ્ધ અવાજ ઊઠાવી રહ્યા છે. આ પુરુષો સ્ત્રીને સમાન દરજ્જો આપીને તેમના વ્યક્તિત્વનો આદર કરે છે. એટલે જ ઉપરોક્ત દૃશ્યો જોઇને સારું લાગ્યું હતું. પહેલાં આપણે ત્યાં આવાં દૃશ્યો જોવા નહોતા મળતા. પિતા પોતાના નાનકડા બાળકને આ રીતે સવારે તેડીને ચાલવા નીકળે. સૂર્યને નમસ્કાર કરાવે તે દ્રશ્યો સુંદર તો લાગતાં જ હતા પણ બદલાયેલા માનસને ય ઉજાગર કરતા હતા. પુરુષ સ્ત્રીની સાથે સંસાર માંડે છે ત્યારે સહજીવનની શરૂઆત થાય છે. એમાં દરેક તબક્કે બન્ને વ્યક્તિઓ એકબીજાને આદર, સ્વતંત્રતા અને પ્રેમ આપે છે. પારંપરિક કરતાં આ પુરુષ જુદો પડે છે. તે ખરા અર્થમાં પૌરૂષત્વને માણતો હોય છે. 

બાળકને જન્મ માતા જ આપી શકે પણ તેના ઉછેરમાં સાથ પિતા આપી જ શકે છે. અને પિતા બન્યાનો આનંદ પણ બાળક સાથે શક્ય તેટલો સમય વીતાવીને જ માણી શકે છે. પિતા હવે ડરાવવા માટેનું સાધન નથી રહ્યો તે જોઇને લાગે કે અબ જમાના બદલ ગયા હૈ.... જો કે નારીવાદી પુરુષો ફક્ત બાળકના ઉછેરની જ જવાબદારી નથી ઉપાડતાં, પરંતુ દરેક સ્ત્રીના માન સન્માન અને વ્યક્તિસ્વાતંત્ર્યનો આદર કરે છે. તેઓ ક્યારેક કોઇ સ્ત્રીને અપમાનિત થતી કે તેના વિરુદ્ધ કોઇ બોલે તો ચુપચાપ સાંભળી નથી રહેતા. હોલીવુડના જાણીતા અભિનેતાઓથી માંડીને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ પોતે ફેમિનિસ્ટ હોવાનું જાહેરમાં કહ્યું છે. સ્ત્રી પર થતાં કોઇપણ અન્યાય અને અત્યાચારને તેઓ વખોડે છે. ઇન્ટરનેટનો જમાનો નહતો ત્યારે પણ કેટલાક પુરુષો સ્ત્રીને ભોગવવી પડતી તકલીફો અને સમસ્યાઓને સમજી શકતા હતા. અને તેમની પડખે ઊભા રહેતા હતા. હવે ઇન્ટરનેટ પર આ પુરુષો પિતૃસત્તાક માનસિકતાની બહાર નીકળીને વિચારી શકે છે. સ્ત્રીને પોતાનું આગવું વિશ્ર્વ હોય તેનો આદર કરે છે. 

ફેમિનિસ્ટ ડોટ ટમ્બલર નામની વેબસાઈટ પર છેલ્લાં બે વરસમાં અનેક પુરુષોએ પોતે ફેમિનિસ્ટ હોવાનું કબૂલ્યું છે. સાથે તેઓ કોઇને કોઇ સ્લોગન લખેલાં બીલબોર્ડ લઈને પોતાના ફોટા પણ મૂક્યા છે. એક પુરુષે લખ્યું છે કે દરેક પુરુષ સ્ત્રીને સમાન વ્યક્તિ તરીકેનો દરજ્જો આપી શકે તો બીજા એ લખ્યું છે - દરેક પુરુષે સમજવું જોઇએ કે ડ્રેસ એટલે હા નહીં. ( ટુંકા વસ્ત્રો કે આપણે ત્યાં વેસ્ટર્ન વસ્ત્રો જો સ્ત્રીએ પહેર્યા હોય તો કેટલાક પુરુષો એવું માની લે છે કે તે સ્ત્રી આમંત્રણ આપી રહી છે.) તો ત્રીજા પુરુષે લખ્યું છે કે સ્ત્રી પર થતાં અત્યાચાર જોઇને ચુપ ન રહો. વિરોધ કરો. રસ્તામાં કોઇ પુરુષને તમે જુઓ કે તે સ્ત્રી તરફ કોઇ કોમેન્ટ કરે છે કે તેને હાથ લગાવીને ચાલી ગયો તો એ જોઇને ચુપ ન રહો. શક્ય છે ભારતમાં સ્ત્રીઓ શરમ અને ડરની મારી ચુપ રહે ન બોલે તો તમે એ સ્ત્રી વતી બોલો. 

મારામારી ન કરો તો પણ પેલા પુરુષને પકડીને કહી શકાય કે તે જે કર્યું એ યોગ્ય નથી. સાચો પુરુષ ન તો પોતાની પત્નીને મારશે કે તેના સ્વાતંત્ર્ય પર તરાપ મારશે કે ન તો કોઇ રીતે સ્ત્રીનું શોષણ કરશે કે થવા દેશે. 


પિતૃસત્તાક માનસિકતાની વિરુદ્ધ પુરુષો જ અવાજ ઉઠાવે તેને ફેમિનિસ્ટ એટલે કે નારીવાદી પુરુષ કહેવાય. જો કે આ અંગે ય કેટલાય ભિન્નમત છે. કેટલાક પુરુષો એમ પણ માને છે કે સ્ત્રીને સન્માન આપીએ, તેમના વ્યક્તિત્વનો સ્વીકાર કરીએ પરંતુ, સ્ત્રીને સહેવી પડતી વિટંબણાઓ કે સ્ત્રી તરીકેનાં અપમાનો પુરુષ તરીકે સમજવા અશક્ય છે. એટલે તેઓ પોતાને નારીવાદી કહેવડાવવા નથી માગતા. તો કેટલીક સ્ત્રીઓ પણ પોતાને નારીવાદી નથી કહેવડાવવા માગતી કારણ કે નારીવાદી એટલે પુરુષોની વિરોધી, પુરુષોને દુશ્મન ગણે તેવી માન્યતા છે. એટલે એવા પણ બ્લોગ છે જેમાં સ્ત્રીઓ પોતાને નારીવાદી નથી એમ જાહેર કરે છે. 

ભારતમાં ય અનેક પુરુષો છે જેઓ સ્ત્રીને પગની જૂતી નહીં પરંતુ, સમાન વ્યક્તિત્વ ગણે છે. મુંબઈમાં મેન અગેઇન્સ્ટ વાયોલન્સ એન્ડ અબ્યુઝ નામની સંસ્થા ૧૯૯૩ની સાલથી કાર્યરત છે. હરીશ સદાની સંસ્થાના ફાઉન્ડર મેમ્બર છે. અને હાલમાં તેઓ સંસ્થાના ઓનરરી સેક્રેટરી છે. આ સંસ્થા જેન્ડર બાયસ એટલે કે જાતિય ભેદભાવ અંગે કામ કરે છે. સ્ત્રી અને પુરુષોને જાતિય ભેદભાવ અંગે શિક્ષિત કરે છે અને સ્ત્રીઓ પર થતાં અન્યાય વિરુદ્ધ ચળવળ પણ ચલાવે છે. હરીશ સદાની ખૂબ ઉત્કટતાથી પોતાની વાત કરતાં કહે છે કે પુરુષોની પિતૃસત્તાક વિચારધારા નહીં બદલાય કે નારી તરફ જોવાનો દૃષ્ટિકોણ નહીં બદલાય ત્યાં સુધી સ્ત્રી સાથે અન્યાય થાય જ છે પણ પુરુષ પોતે પણ સુખ, શાંતિથી જીવન જીવી નથી શકતો. તે રુગ્ણ માનસિકતા ધરાવે છે. 

અમે કોલેજોમાં એવા લીડર તૈયાર કરીએ છીએ જે પુરુષ તરીકેની પોતાની જવાબદારી સમજી શકે છે. પોતાના આચાર, વિચારથી પોતાના ઘરમાં બદલાવ લાવે છે. સાથે જ તેમના 

સંપર્કમાં આવતા અન્ય પુરુષોની માનસિકતા પણ બદલવાના પ્રયત્નો કરે છે. 

કોલેજોમાં અમે યુવાન પુરુષો સાથે પિતૃસત્તાક માનસિકતા અને પુરુષ એક વ્યક્તિ તરીકેની માનસિકતાના ભેદ સમજાવીએ છીએ. હજી કામ ઘણું બાકી છે. કારણ કે અમે બહુ બહુ તો પાંચસો કે હજાર પુરુષ લીડર તૈયાર કરી શકીએ. આખા સમાજની માનસિકતા બદલવા માટે મોટાપાયે શિક્ષણ આપવાનું કાર્ય થવું જોઇએ.

હરીશ સદાનીને માટે આ કાર્ય સરળ નહોતું જ. પુરુષો જ નહીં સ્ત્રીઓ પણ સલાહ આપે છે કે તેઓ ખોટી દિશામાં વિચારી રહ્યા છે. સ્ત્રીઓ પોતે પણ પિતૃસત્તાક માનસિકતાની ગુલામ થઈ ગઈ હોય છે. બળાત્કાર, છેડતી કે દહેજ માટે સ્ત્રીને બાળી મૂકવી કે સ્ત્રીને શારીરિક, માનસિક પ્રતારણા કરવી તે આ પિતૃસત્તાક વિચારધારાનું અંતિમ બિંદુ હોય છે. સ્વસ્થ પુરુષ નારીવાદી પુરુષ હોય છે. તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

You Might Also Like

0 comments