શું આપણે આધુનિકા છીએ ? 7-10-14

03:22


 આપણા વિચારોમાં, વર્તનમાં જો ફેરફાર  ન થયો હોય તો બાહ્ય પરિવર્તનથી આધુનિક થયા છતાં આધુનિક કહી ન શકાય. ફક્ત બાહ્ય દેખાવ કે ફેશનથી આધુનિક કહેવડાવી ન શકીએ. આજની નારીઓનું પણ કંઇક અંશે આવું જ છે. બોલચાલ, પહેરવે ઓઢવે કે શિક્ષિત હોવા છતાં અંતરથી તે પોતાની જાતને જો તે સન્માન ન આપી શકતી હોય કે કોઇપણ સંજોગોનો સામનો કરવા સક્ષમ ન હોય તો તેનો કોઇ અર્થ નથી. ગયા અઠવાડિયાની બે ત્રણ બાબતોએ મને આ રીતે વિચારવા મજબૂર કરી.
એક તો રિયા પિલ્લાઈની બાબત જે પ્રસિધ્ધ ખેલાડી  લિયાન્ડર પેસ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી. તેઓ હવે જાહેરમાં એકબીજાના દુશ્મન બની ગયા છે. સેલિબ્રિટી હોવાને કારણે તેમની આંતરિક બાબતો પણ ચહેરાઈને અખબારોમાં છપાઈ રહી છે. તેઓ હાલમાં એકબીજાથી છૂટા થવાની મથામણમાં છે. અને વચ્ચે આવે છે પૈસાનો અને મિલકતનો મામલો. રિયાએ ટોર્ચર પણ સહન કર્યું હોઈ શકે. પણ અખબારોમાં છપાતી બાબતોથી કશું નક્કર ન કહી શકાય. આ રિયા   પિલ્લાઈ પહેલાં સંજય દત્તને પરણી હતી. રિયા અને લિયાન્ડર વચ્ચે જે પણ બાબત હોય હાલમાં તેઓ કોર્ટમાં કેસ લડી રહ્યા છે. પરંતુ, આજની આધુનિકાને લીવ ઇન સંબંધોમાંથી પણ ભરણપોષણ જોઇતું હોય છે તે નવાઈની વાત લાગે છે. વળી તેમણે મંદિરમાં જઈને એકબીજાને વરમાળા પહેરાવવાની રસમ કરી હતી. તેમના પ્રેમના સંબંધમાંથી બાળકી પણ છે. રિયા પોતે કમાઈ લે છે અને લીવ ઇન સંબંધોમાં રહી શકતી હોય. તો પોતાનું અને દીકરીનું પાલનપોષણ ન કરી શકે તે માનવું મુશ્કેલ લાગે.  શિક્ષિત હોવા છતાં સ્ત્રીઓને પોતાના પગભર ઊભા રહીને સક્ષમ શું કામ બનાવવાની વાત નથી થતી. લિવ ઇન રિલેશનમાં ય તેને ભરણપોષણ ઉપરાંત પત્નીના દરેક હક્ક જોઇએ છીએ. શું એવું ન બની શકે કે આજની નારી પોતાનું જીવન આત્મસન્માનથી જીવતા શીખે? જો તેને સ્વતંત્રતા જોઇતી હોય તો પોતાની જવાબદારી  પોતે જ નિભાવવાની તૈયારી રાખવી પડશે. જે સ્ત્રીઓ પુરુષ સમોવડી બીજી દરેક બાબતે વર્તી શકતી હોય તેમણે લગ્ન અને જવાબદારી અંગે પણ પોતાના વિચારો બદલવાની તૈયારી રાખવી જોઇએ.
આજકાલ એક જાહેરાત આવે છે જેમાં છોકરી ઇચ્છે છે કે જો છોકરો તેને પ્રેમ કરતો હોય તો ફેસબુક પર તેનું સ્ટેટસ બદલે અને ઇન રિલેશનશીપ રાખે. અને તેનું નામ જાહેર કરે. પહેલાં એવું હતું કે દરેકની સામે જાહેર થઈ ગયો એટલે સંબંધ પાક્કો ગણાતો. પછી છોકરો ફરી જશે તેનો ભય ન રહેતો. હજી આજની આધુનિક નારી શું કામ ઇચ્છે કે છોકરો જાહેરમાં ફેસબુક પર લખે તો જ એ પ્રેમ સાચ્ચો ? હજી તમે એકબીજાને જાણતા થયા હો ઓળખતા થયા હો તેવામાં પ્રેમની સાબિતીની કબૂલાતો તમને  જૂનવાણી ઠેરવે છે  કે તમારા મનની અસલામતી દર્શાવે છે. જો છોકરીને છોકરા સાથે ફરવું ગમતું હોય કે તેની સાથે સંબંધ રાખવો ગમતો હોય તો એમાં સતત સાબિતીઓની શું કામ જરૂર પડે ? જો એ સંબંધ પરિપકવ થાય એટલે કે મેચ્યોર હશે તો આપોઆપ તે સહજતાથી સાથે રહેવામાં કે લગ્નમાં પરિણમી શકે છે. સંબંધને તરત જ નામ આપી દેવાની ઉતાવળ શું કામ ? એકબીજાને જાણ્યા, સમજ્યા, પરખ્યા બાદ જ જીવનના મોટા નિર્ણયો લેવાવા જોઇએ.
છોકરી પ્રેમના આવેશમાં છોકરાએ લગ્ન કરવાનું વચન આપ્યું હોય એટલે શારિરીક સંબંધ બાંધવા તૈયાર થાય. પણ પછી જો છોકરો લગ્ન ન કરવા માગે તો તેના પર કેસ દાખલ કરે છેતરપિંડીનો, બળાત્કારનો. આ બાબતે પણ છોકરીઓએ વિચારવું જોઇએ. શારિરીક સંબંધ લગ્ન માટે જ બાંધવા તે મૂર્ખામી છે. જો એમ જ હોય તો લગ્ન કર્યા પહેલાં કોઇ સંબંધ નહીં જ સ્થપાય તેવી સ્પષ્ટતા હોવી જોઇએ. પણ જો પોતે શારિરીક સંબંધ બાંધવા મંજૂરી આપી હોય અને બે ચાર વરસ એ સંબંધો માણ્યા હોય, પછી લગ્ન  ન કરવા માગતા પુરુષને પદાર્થ પાઠ ભણાવવો તે કેટલું યોગ્ય છે ? વળી જબરદસ્તીથી લગ્ન કરવાનો ય શું અર્થ ....

શિક્ષિત આધુનિકા પોતાના દરેક વર્તનની કે નિર્ણયોની જવાબદારી ઊઠાવવા તૈયાર હોય છે. પોતે વ્યક્તિને ઓળખી ન શકી હોય કે પોતે ભૂલ કરી હોય તો તેની જવાબદારી એ બીજી વ્યક્તિ પર ઢોળીને પોતાને નિસહાય કે અબળા જ શું કામ સાબિત કરવા માગે. સ્વતંત્રતા ભોગવવા  કે આધુનિક બનવા માટે જવાબદાર બનવું પણ જરૂરી છે. ક્યાં સુધી તે પોતાને અબળાના અંચળા નીચે રાખ્યા કરશે ? શિક્ષણ ફક્ત સારો વર કે લગ્ન કરવા માટે જ નથી હોતું. પણ તે તમારી વિચારધારા બદલે, તમને ત્યાંના ત્યાં ન રાખે પણ વિકાસના પંથે લઈ જાય તો જ સાચું. દાવતે ઇશ્ક નામની ફિલ્મમાં છોકરી ખરા અર્થમાં શિક્ષિત બતાવવામાં આવી છે. દહેજ માગનાર અને પોતાની જાતને વેચવા નીકળેલા છોકરાને પોતે પ્રેમ કરતી હોય તે છતાં ગર્વથી લગ્નની ના પાડી શકે તેવી આધુનિક હિરોઇન દર્શાવવામાં આવી છે. અને આ જ આજની આધુનિક નારીનું ખરું સ્વરૂપ હોય શકે.  

You Might Also Like

0 comments