માતૃત્વને ફ્રીજ કરી શકાય ? 11-11-14

19:01




મુંબઈ લોકલ ટ્રેનના લેડિઝ ડબ્બામાં રોજ પ્રવાસ કરો તો કેટલાક દ્રશ્યો અનિવાર્ય પણે જોવા મળે. જેમકે ચાંદલા, પીન,બક્કલ, બટરફ્લાય, બંગડી,બુટ્ટી જેવી વસ્તુઓ વેચતા ફેરિયાઓ. આ ફેરિયાઓ પુરુષો ય હોય અને સ્ત્રી પણ હોઈ શકે. ક્યારેક ગર્ભવતી સ્ત્રીઓ પણ નવ મહિના સુધી મોટું પેટ લઈને વસ્તુઓ વેચતી હોય. પછી  થોડા જ દિવસમાં કપડાંથી પીઠ પર કે પેટ પર બાળક બાંધીને ફેરી કરવા માંડે.કેટલીયવાર  બાળક માને ધાવ્યા કરે અને આ બાઈ વસ્તુઓ વેચે. બાળક ચાલતું અને જાતે ખાતુંપીતું થાય  ત્યાં સુધી એ બાઈની સાથે જ બંધાયેલું રહે.
કામવાળી બાઈઓ પણ ગર્ભવતી થાય ત્યારે કામ ચાલુ રાખે. બાળક જન્મે એટલે કામ ઓછા કરે અથવા વારે વારે ઘરે જઈને બાળકને ધવરાવીને પાછી આવે. આ બધું જ પહેલાં ય મને દેખાતું હતું પણ છેલ્લા પંદર દિવસથી વારંવાર આ બહેનો યાદ આવે છે. કારર્કિદી અને માતૃત્વ એ બે અંગે આ પહેલાં પણ અનેક ચર્ચાઓ થઈ છે અને દરેક આજની નારી આ કશ્મકશમાંથી પસાર થાય જ છે. દરેકના નિર્ણયો અલગ હોય છે કારણ કે દરેકના સંજોગો જુદા હોય છે.  ફરીથી આ મુદ્દો હાલમાં ચર્ચામાં છે કારણ કે ફેસબુક અને એપલ જેવી ખ્યાતનામ કંપનીઓએ પોતાને ત્યાં કામ કરતી સ્ત્રીઓને માતૃત્વ પાછં ઠેલવું હોય તો તેનો ઉપાય ટેકનોલોજી ધ્વારા શોધી લીધો છે. કારર્કિદી બનાવવા ઇચ્છતી કંપનીની  સ્ત્રીઓ યુવાનીમાં તેમનું સ્ત્રીબીજ ફ્રિજ કરીને મુકી દેવાનો નિર્ણય લઈ શકે છે. જેથી જ્યારે તે વરસો બાદ મા બનવા ઇચ્છે ત્યારે તેનો ઉપયોગ કરી શકે. અર્થાત પોતાના માતૃત્વને ફ્રિજ કરીને પછી જરૂર જણાય ત્યારે  યોગ્ય સમયે માણી શકે છે. આ વાક્ય અને તેમાંની લાગણીઓ અટપટી લાગી શકે છે. ફેસબુક અને એપલને પગલે ગુગલ અને અન્ય મલ્ટીનેશનલ કંપનીઓ, બેંકો પણ આવી જ વધારાની સવલતો આપીને હોશિયાર સ્ત્રી કામગારોને સાચવવાના પ્રયત્નો કરી રહી છે. પહેલાં તો આ બાબત ન્યુઝ બનીને મોટા મથાડાં સાથે વિશ્વભરમાં છપાઈ અને સૌ કોઇએ તેને રસપૂર્વક વાંચી. પછી તેના પર ટીકાટિપ્પણીઓ પણ થઈ. અને જે નથી છપાયું તેની કલ્પના થઈ શકે છે.
કેટલીક કેરિયર ઓરિએન્ટેડ અર્થાત કારર્કિદી ઘેલી સ્ત્રીઓ વાઉવ કરતાંક ને  આ કંપનીઓમાં કામ કરતી મહિલાઓની ઇર્ષ્યા કરવા લાગી હશે. અને જે નારીઓ ટેકનોલોજી ક્ષેત્રે હોશિયાર છે તેઓ આ કંપનીમાં કામ કરવાના સપનાં પણ જોવા લાગી હશે.
કંપનીઓ જાતિય ભેદભાવ ભૂંસી નાખવાના દેખીતા પ્રયત્નો કરવામાં કેટલાય મિલિયન ડોલર રૂપિયા આ ટેકનોલોજી પાછળ ખર્ચી રહી છે. અને કેપિટાલિઝમનો એક ઉમદા પાઠ ભણાવી રહી છે. લાગણીઓ અને જીવન કરતાં પૈસા અને કારર્કિદી વધારે મહત્ત્વના છે. સામે એ પણ દલીલ થશે કે પાછળથી ઇચ્છે ત્યારે સ્ત્રી મા બની જ શકે છે ને ! પણ ત્યારે કારર્કિદીનો જુદો પડાવ નહીં હોય તેની ખાતરી કોણ આપશે... અને વીતેલો સમય શું મળી શકશે ?  પિતૃસત્તાક અને ઉપભોક્તાવાદની માનસિકતાથી વિચારતી કંપનીઓ જ સ્ત્રીઓને આવી ઓફર કરી શકે. શું કામ પિતાઓને પણ મેટરનિટી લીવ આપવાની  કે ગર્ભવતી સ્ત્રીને સાચવવાની અને માતા બન્યા બાદ તેના બાળકને ઓફિસમાં લઈ આવવાની છૂટ નથી આપવામાં આવતી  ?   યુવાન સ્ત્રીઓ જ કામ પર લેવામાં આવે તેવી પોલીસીઓને કારણે માતૃત્વ માણ્યા બાદ જો મહિલા પોતાની કારર્કિદી બનાવવા ઇચ્છે તો તે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ હોય છે.

જાતિય ભેદભાવ દૂર કરવાના પ્રયત્નોમાં કદાચ આ કંપનીઓ એવું ય વિચારે કે બાળક ટેસ્ટ ટ્યુબમાં જ જન્મે એવી ટેકનોલોજી પણ વિકસાવવાનું વિચારે. જેથી સ્ત્રી ક્યારેય મેટરનિટી લીવ લે જ નહીં અને બાળકના જન્મ બાદ પણ સ્ત્રીને થાક લાગવો કે સ્તનપાન કરાવવાની જરૂર ન લાગે. સ્ત્રીઓ કામ કરવા જાય છે તેમાં આર્થિક જરૂરિયાત અને પોતાના મૂલ્યાંકનનો માનસિક સંતોષ બે બાબતો મહત્ત્વની હોય છે. માતૃત્વએ સ્ત્રીનો  પોતીકો અનુભવ છે. માતા બનવું કે ન બનવું તે નારીની પોતાની ઇચ્છા  પર આધારિત હોવું જોઇએ.  માતૃત્વ જો બોજ બની જતો લાગે તો મહિલા માતા ન બને તેમાં જ સમજદારી રહેલી છે. કારણ કે બાળકનો ઉછેર સાથે ભવિષ્યની દુનિયા જન્મ લેતી હોય છે. આવનારું વિશ્વ કેવું હશે  તે આજની નારી જ નક્કી કરી શકે છે. સ્ત્રી બીજ ફ્રીજ કરી શકાય પણ ભવિષ્ય કે માતૃત્વ ફ્રીજ કરી શકાતું નથી. તે હોય અથવા ન હોય. શિક્ષણ મેળવ્યા બાદ પોતાના જીવનનો નિર્ણય પોતે ન લેતાં બીજાઓના જ હાથમાં હોય તો આપણી ગુલામીમાં કશો જ ફરક નથી  પડતો. કોઇ જ બાબત મફતમાં નથી મળતી. જો સ્ત્રીઓ આ રીતે પોતાના સપનાંઓને ફ્રિજ કરીને ન જીવવાનો નિર્ણય કરે તો પરિસ્થિતિ બદલાશે. અને સ્ત્રીઓના હક્કમાંજ બદલાઈ શકે. અઘરું છે સામા પ્રવાહે ચાલવું અને પોતાના સપનાંઓને લઈને ચાલવું પણ અશક્ય નથી તે અનેક માતાઓએ પુરવાર કર્યું છે અને કરી રહી છે. 

You Might Also Like

0 comments