ચીલો ચાતરવાનો ગુનો 18-11-14

02:11




છેલ્લા પંદર દિવસથી અંગ્રેજી અખબારોમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થતાં જાતિય ભેદભાવ વિશે સમાચારો આવી રહ્યા છે. અંગ્રેજી અખબારના એકાદા ખૂણામાં આવતા આ સમાચારો ભારતીય ભાષામાં પ્રગટ થતાં કોઇ અખબારોમાં નોંધ લેવાઈ હોય તો મારી જાણમાં નથી. પણ ગયા મંગળવારે અંગ્રેજી અખબારના પહેલા પાને આ યુનિવર્સિટીના સમાચાર હતા. સ્ત્રીઓને લાયબ્રેરીમાં મેમ્બરશીપ કેમ ન આપવી તે મુદ્દે. જાતિ અને ધર્મના વાડાઓને ઓળંગીને આ ઘટનાને જોઇએ તો ખૂબ જ શરમજનક બાબત છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર અને યુનિવર્સિટીની વિમેન્સ કોલેજના સ્ત્રી પ્રિન્સિપલ પણ કહે છે કે સ્ત્રીઓ શું ખરેખર લાયબ્રેરીમાં જાય છે ? લાયબ્રેરી છોકરાઓથી ભરેલી હોવાને લીધે તેમાં જગ્યા જ નથી. અર્થાત છોકરાઓથી ભરેલી લાયબ્રેરીમાં છોકરીઓને જવાની જરૂર નથી એવો સૂર આ સ્ટેટમેન્ટસમાંથી નીકળે છે. આપણે ત્યાં પણ આવું બની શકે છે તે જાણીને નવાઈ લાગે છે.
ધર્મ કે દેશ કોઇપણ હોય હજી આજે પણ સ્ત્રીઓને દાબમાં રાખવાના પ્રયત્નો યેનકેન પ્રકારે થતાં જ હોય છે.  ગ્લોબલ વિલેજ બની ગયેલા આજના યુગમાં પણ અનેક રીતે આજની નારીને ગુલામીનો અહેસાસ થતો હોય છે. તેમાંથી કોઇક વિરલ નારી જ હોય છે જે ચીલો ચાતરવાનો પ્રયત્ન કરે છે. હમણાં જ મે એક ઇરાની ભાઈએ પોતાની બહેનને બચાવવાની વૈશ્વિક અપીલમાં સાઈન કરી. 25 વરસની અમેરિકન ઇરાનીઅન ગોનચેહ ગાવામી નામની મહિલા હાલમાં ઇરાનની જેલમાં છે. તેનો ગુનો એટલો જ હતો કે તેણે વોલીબોલની મેચ જોવા સ્ટેડિયમમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. તેને એક વરસની જેલની સજા થઈ શકે. વૈશ્વિકસ્તરે ઇરાનીઅન સરકારને સાત લાખ લોકોએ ગાવામીને છોડી દેવાની અપીલ કરી છે. ઇરાનમાં છોકરીઓને પુરુષોની મેચ સ્ટેડિયમમાં જોવા જવા પર પાબંદી છે. જો છોકરી કોઇપણ રમત સ્ટેડિયમમાં જોવા જાય તો તે ગુનેગાર ગણાય છે. આ સમાચાર વાંચતા જ થોડા વરસો પહેલાં જોયેલી ઇરાની ફિલ્મ યાદ આવી ગઈ.
ઓફ્ફ સાઈડ નામની આ ફિલ્મ 2006ની સાલમાં ઇરાનના પ્રસિધ્ધ દિગ્દર્શક જાફર પન્હાઈએ બનાવી છે. આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલોમાં તે ખૂબ વખણાઈ હતી. અને ટેલિવિઝનમાં વિશ્વની ફિલ્મો બતાવતી ચેનલમાં પણ પ્રસિધ્ધ થઈ હતી. આ ફિલ્મ અનાયાસે જ ટીવીમાં જોવા મળી ગઈ હતી. ફિલ્મ કોમેડી છે. પણ કહે છે ને દરેક હાસ્ય પાછળ એક દર્દ છુપાયેલું હોય છે. તેમ આ ફિલ્મ જોનાર દરેકને તેનો અનુભવ થાય છે. 2006ની સાલમાં ઇરાને બહેરિનને ફુટબોલમાં હરાવીને જર્મનીમાં થનાર વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવ્યો હતો. કલ્પના કરો કે હજી ભારતે ક્યારેય ફુટબોલની ક્વોલિફાઈંગ મેચમાં પણ ભાગ લીધો નથી. તો ઇરાનમાં તે અંગે કેટલી ઉત્તેજના હશે. ફિલ્મમાં આ ખરી મેચ અને તેની ઉત્તેજના પુરુષ જેટલી જ અનુભવતી પાંચ છોકરીઓની વાત કરવામાં આવી છે. પાંચ ઇરાની છોકરીઓ નક્કી કરે છે કે પુરુષ વેશ પહેરીને સ્ટેડિયમમાં જઈને મેચની લાઈવ મજા માણવી. પાંચે છોકરીઓ ફુટબોલની ડાઈહાર્ડ ફેન છે. છોકરીઓના સ્ટેડિયમ સુધીનો પ્રવાસ, પોલીસના હાથે ન પકડાવાના પેતરાં, પકડાઈ ગયા બાદ છૂટવાના પેંતરા વગેરેને દિગ્દર્શકે ખૂબ જ રમૂજી રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ તમને છેલ્લે સુધી જકડી રાખે છે. પણ તેના અંતે તો છોકરીઓ પકડાઈ જ જાય છે. છોકરીઓને પકડાઈ જવાનો અફસોસ નથી હોતો પણ મેચ ન જોઈ શક્યાનો અફસોસ હોય છે. પોલીસવાનમાં બેઠા છતાં જીતના માહોલમાં ડૂબેલા ઇરાન સાથે તેઓ ઐક્ય અનુભવે છે. આ ફિલ્મ કોઇપણ જાતની ચળવળની વાત નથી કરતી. તેમાં ફક્તને ફક્ત સ્પોર્ટસ માટેનો પ્રેમ જ કેન્દ્ર સ્થાને છે. એ ભાવને સ્ત્રી પુરુષનો જાતિય ભેદભાવ નડતો નથી એ જોઇ શકાય છે. આ ફિલ્મ શક્ય હોય તો દરેકે જોવી જોઇએ.

આજે પણ આ ફિલ્મમાં દર્શાવેલી સ્થિતિમાં કોઇ ફરક નથી આવ્યો. ઇરાનમાં એક છોકરી પોતાનો દેશ જે રમતમાં ભાગ લેતો હોય તે રમત જોવા જવાના ગુનામાં જેલ ભોગવી રહી છે. તો બીજી તરફ ભારતની અલીગઢ યુનિવર્સિટીમાં છોકરીઓને કોલેજની ચૂંટણીમાં મત આપી શકાય પણ પ્રચારમાં ભાગ લેવામાં પણ પાબંદી હોઇ શકે. અન લાયબ્રેરીમાં મેમ્બરશીપ પણ ન મેળવી શકે. સ્ત્રી તરીકે જન્મવું આજના યુગમાં હજી ગુનો છે. વિકસીત શહેરોમાં અને ઉપલા વર્ગમાં આવેલા બદલાવથી આખી દુનિયા બદલાઈ ગયેલી માનવું ભૂલ ભરેલું છે. હજી આજે પણ કેટલાય ઘરોમાં જમવામાં શું શાક બનાવવું તે નિર્ણય પણ પુરુષો જ લેતાં જ હોય છે. એવામાં જો કોઇ સ્ત્રી રસોઇ જ ન બનાવવાનો નિર્ણય કરે તો પણ તે ચીલો ચાતરવાનું જોખમ ઊઠાવતી હોય છે.   

You Might Also Like

0 comments