બળાત્કારી માનસ 16-12-14
23:29આ લેખ નારીવાદી માનસિકતાથી નથી જ લખી રહી... તેની ખાતરી આપી રહી છું પરંતુ, દરરોજ બનતા બનાવો વિશે વિચારવાની, વાત કરવાની તમારી સાથે જરૂરત છે. બળાત્કાર શું કામ ? કેમ ? અને તેના કારણો વિશે સાથે મળીને ચર્ચા કરવાની જરૂર છે. આ સ્ત્રીઓની કે પુરુષોની જુદી બાબત નથી જ. આમાં બન્ને જાતિ સંકળાયેલી છે. સદીઓથી આ બાબતમાં ફરક નથી પડ્યો. બળાત્કાર કરનાર પુરુષોને એક જાતનો પાશવી આનંદ આમાંથી મળે છે. રાજાઓથી લઈને ભિખારી સુધીના દરેક સ્તરે પુરુષ ધ્વારા સ્ત્રી પર બળાત્કારો થતા આવ્યા છે અને થઈ રહ્યા છે. આ અંગે તમને પણ જાણવાની ઇચ્છા હશે જ કે બળાત્કાર કરવાની ઇચ્છા સહજતાથી નથી થતી તો બીજાને કેમ થાય છે.
પુરુષનું માનસ સેક્સ અંગે વિચાર કરતું હશે. સ્ત્રીને પાછું ફરીને જોવું પુરુષના ટેસ્ટેટોરોનમાં જડાયેલું છે તેનો અસ્વીકાર ન થઈ શકે કારણ કે તે કુદરતી છે. સ્ત્રીની ફળદ્રુપતાથી પુરુષ આકર્ષાય તે પ્રાણીઓમાં પણ બને જ છે. સ્ત્રીને જોવા માત્રથી પતી જતું નથી ત્યારે તેને પામવાની પ્રબળ ઇચ્છા જાગે છે. અને જ્યારે તેને પામી શકાતું નથી ત્યારે બળાત્કાર થાય છે. એવી પણ એક થિયરી વિશ્ર્વભરના સાયકોલોજીસ્ટ અને સોશિયોલોજીસ્ટ ધ્વારા આકારવામાં આવી છે. પરંતુ, આ માનસ જ્યારે પાશવી પીડામાં આનંદ માણતું થઈ જાય ત્યારે રુગ્ણ બને છે તે સ્વીકારવું રહ્યું. તેને સાયકોપેથ કહેવામાં આવે છે. દિલ્હીમાં હાલમાંજ ટેક્સી ડ્રાયવર યાદવ ધ્વારા કરવામાં આવેલ બળાત્કાર સાયકોપેથનો હતો એમ કહી શકાય. કારણ કે તેણે આ પહેલાં પણ બળાત્કાર કર્યા છે. ગામમાં તેનાથી સ્ત્રીઓ ડરતી હતી. તો પછી કેમ તે અત્યાર સુધી ન સારવાર હેઠળ રહ્યો કે ન તો જેલમાં રહ્યો. તે બિન્દાસ ખુલ્લેઆમ મરજી મુજબ જીવતો હતો. કારણ કે પુરુષપ્રધાન માનસિકતા આપણા સમાજમાં હજી પણ પ્રવર્તી રહી છે. સીતારામ યાદવે ગામમાં એક ચાચી પર બળાત્કાર કર્યો હતો. પણ તેના પતિએ તેને ચુપ રહેવા કહ્યું. એટલું જ નહીં જ્યારે યાદવ હમણાં પકડાયો ત્યારે પેલી સ્ત્રીએ બોલવાની હિંમત કરી તો બધાની હાજરીમાં તેના પતિએ ચાચીને મોંઢા પર થપ્પડ મારીને ચુપ રહેવા જણાવતા કહ્યું કે હજી કેટલી બેઇજ્જતી કરાવશે....? કારણ કે બળાત્કાર કરનારને આપણો સમાજ અંદરખાનેથી અસ્વીકાર કરતો નથી. પણ જેના પર બળાત્કાર થયો હોય છે તેને જ આરોપીના પાંજરામાં ઊભી રાખીને જોવામાં આવે છે. જેમ કે એ સ્ત્રીનું ચારિત્ર સારું નહોતું. બીજા પર કેમ નહીં ને તેના પર જ કેમ થયો ? ચોક્કસ સ્ત્રીએ થોડી છૂટછાટ લીધી હશે ... કે સ્ત્રીઓ કેવા ટૂંકા કપડાં પહેરે છે તો પુરુષોનું મગજ ખરાબ થાય જ ને...વગેરે બીજું કે બળાત્કાર થયો એટલે તે સ્ત્રી ખરાબ થઈ ગઈ. અપવિત્ર થઈ ગઈ. અસ્વીકાર્ય થઈ ગઈ વગેરે વગેરે આવી માન્યતા કેમ અને ક્યાં કારણોથી ઊભી થઈ તેવો પ્રશ્ન પણ આપણને થતો નથી. ચોરી થયેલા દાગીના કે રુપિયા પાછા મળે તો તે અપવિત્ર નથી થતા. પણ સ્ત્રી એ મિલકત ગણવામાં આવે છે એટલે પુરુષને તેના પર માલિકીભાવ અનુભવાય છે. તેથી બળાત્કાર કરનાર પણ એ જ વિચારધારાથી બળાત્કાર કરતો હોય છે અને જેના પર બળાત્કાર થાય છે તે સ્ત્રીને નકારનાર પુરુષ પણ એ જ ભાવના કારણે તેને અપનાવી શકતો નથી. અને સ્ત્રી જેણે બળાત્કારની શારિરીક પીડા કરતાં પણ પોતાના પુરુષની, કુટુંબીઓની અને સમાજની માનસિકતા વધુ પીડાદાયક હોય છે.
સાયકોપેથ બળાત્કારી બાળપણમાં કોઇક રીતે સ્ત્રીઓ ધ્વારા એક યા બીજી રીતે ટોર્ચર થયો હોઈ શકે. માતા ધ્વારા કે અન્ય કોઇપણ સ્ત્રી ધ્વારા. એટલે તે સ્ત્રીને પોતાની દુશ્મન ગણીને તેના પર બળાત્કાર કરીને બદલો લેવાની ભાવના પોષતો હોય છે. આમ તો મોટેભાગે પોતાની તાકાત દર્શાવવા અને બદલાની ભાવનાથી જ બળાત્કાર થતા હતા. પણ આજના યુગમાં જે બળાત્કાર થાય છે તેમાં મોટેભાગે બળાત્કારી સ્ત્રીઓને આગળ વધતી અને કામ કરતી કે સ્વતંત્ર રીતે ફરતી જોઇ શકતો નથી. સતત પડદા પર કે બહાર પોતાના વ્યક્તિત્વ સાથે ફરતી, કામ કરતી સ્ત્રીઓને જોઇને ઇર્ષ્યા અને ઘૃણાના ભાવ તેના મનમાં ભરાયા કરતાં હોય છે. પછી જ્યારે મોકો મળે ત્યારે તે બળાત્કાર કરીને પોતાના મનમા ભરી રાખેલા ઘૃણિત વિચારોથી છૂટકારો મેળવતો હોય છે. મનમાં જેટલી વધારે કડવાશ કે રોષ હોય તેટલા જ પ્રમાણમાં તે સ્ત્રી પર અત્યાચાર કરીને બદલો લેતો હોય છે.
બે વરસ પહેલાંના ગેંગરેપના કિસ્સામાં આરોપીઓને તે છોકરી સામે કોઇ અંગત અદાવતતો હતી જ નહી. પણ તે સ્ત્રી સમાજની બીજી દરેક સ્ત્રીનું પ્રતિનિધિ બની જાય છે. આરોપીઓના મનમાં વળી ગૈંગરેપ પણ એક જાતની માનસિક રુગ્ણતાનો જ પ્રકાર છે. બીજા સાથે મળીને કરેલો ગુના સમયે ગુનાહિતતાનો ભાવ નથી આવતો સાથે એમ કરવાથી તેમના ટેસ્ટેટરોન અને એડ્રિનલ ગ્રંથિઓ લોહીમાં વધુ વેગે દોડે છે તે પુરવાર કરવાનો મોકો મળી જતો હોય છે.
પુરુષપ્રધાન માનસિકતા હોવાને કારણે આરોપીઓને માટે કડક સજાની જોગવાઈ કે ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ નથી થતી. હજી ગયા અઠવાડિયે મુંબઇના એક એડવોકેટ સીમા પાટિલે હાઇકોર્ટમાં અરજ કરી કે તે પોતાની બળાત્કારની ફરિયાદ પાછી લેવા માગે છે કારણ કે પોલીસ કાર્યવાહી કરવામાં લાંબો સમય લઈ રહી છે અને પોતે ગઈ ગુજરી ભૂલીને હવે જીવન જીવવા માગે છે. કોઇપણ સ્ત્રીને આવી અરજી કરવી પડે ૨૧મી સદીમાં તે દર્શાવે છે કે સ્ત્રીના વ્યક્તિત્વનો આદર આજે પણ નથી થઈ રહ્યો. ચોરી કરનારને સજા થતી હોય છે, નહીં કે ચોરી જેને ત્યાં થાય તેને. પણ બળાત્કાર કે છેડતીના મામલામાં નજરિયો જ બદલાઈ જાય. કેમ આવી વિચારધારા છે એ વિચારીશું... તો સમજાશે કે હજી પુરુષપ્રધાન માનસિકતા જ સમાજને ચલાવે છે. સ્ત્રીઓને છૂટ આપીશું તો સમાજ ખરાબ થશે એવું પંચાયતો કહેતી હોય છે. તે પણ પુરુષોની જ બનેલી હોય છે. શું કામ મોટેપાયે તેનો વિરોધ નથી થતો ? કારણ કે મોટાભાગે પુરુષો તે વિરોધમાં સામેલ નથી થતા. અને જે પુરુષપ્રધાન માનસિકતા નથી ધરાવતા
તે વર્ગ ઘણો નાનો છે.
આજે પણ ઘરોમાં સ્ત્રીઓને માટે અને પુરુષોને માટેના નિયમો જુદા હોય છે. દીકરી અને દિકરામાં ફરક કરવામાં આવે છે. ત્યાં માનસિકતા કઈ રીતે બદલાય ? સ્ત્રીઓને જોવાની તમારી માનસિકતા બદલશો તો પણ સમાજ બદલાશે. સ્ત્રીઓના કપડાં કે શરીરની સામે જોઇને તેમનું મૂલ્યાંકન ન કરો. બળાત્કારી માનસ રુગ્ણ છે તેનો ઇલાજ થવો જોઇએ કે પછી તેને સજા થવી જોઇએ. સ્ત્રીને ગુનાહિત ભાવ અનુભવવાની જરૂર ન પડે તેવો સમાજ નિર્માણ કરવા શું પુરુષ સક્ષમ નથી ? ૧૩ ડિસેમ્બરના અખબારમાં સમાચાર છે કે છેલ્લા ચાર વરસમાં સ્ત્રીની છેડતીના કે બળાત્કારના કિસ્સાઓમાં ૧૬૦ % વધારો નોંધાયો છે. આ આંકડાતો જેની ફરિયાદ થઈ હોય તેના છે. એનો અર્થ કે ઉપભોક્તા વાદ જેમ વધી રહ્યો છે તેમ સ્ત્રીને પણ મિલકત જ માનવામાં આવતી હોય તો આ આંકડાઓમાં વધારો થાય તેમાં નવાઇ નથી.
0 comments