મેન એન્ડ મિથ 9-12-14

09:07


સ્ટેટ્યુટરી વોર્નિંગ – અહીં લખવામાં આવેલ બાબતો તમારા વિશે જ લખવામાં આવી છે એવું લાગે તો ઊંડો વિચાર કરવો.  આ લેખમાં લખેલ  દરેક બાબત સામાન્ય પણે દરેક પુરુષને લાગુ પડે છે.
પુરુષો માટે કેટલીક વાયકાઓ વહેતી મૂકવામાં આવી છે. કેટલીક સાચી અને કેટલીક ખોટી છે. આમાં પણ બે બાજુઓ છે એક સ્ત્રીની બીજી પુરુષની. આમ પણ આ બન્ને બાજુઓ સિક્કાની બે બાજુઓ જેવી હોય છે. એક જ હોવા છતાં ક્યારેય તેઓ એકબીજા સાથે સહમત નથી હોતા. બન્ને વિરુધ્ધ દિશામાં જ જુએ છે. અને છતાં એક જ ધાતુથી જોડાયેલા હોય છે. ગુરુત્વાકર્ષણથી વધારે બળવત્તર આકર્ષણથી. સ્ત્રી અને પુરુષનો સતત લવ એન્ડ હેટનો સંબંધ રહ્યો છે. તે આપ પણ માનશો જ.
અહીં કેટલીક વાયકાઓ જે સ્ત્રીઓ દ્રઢ પણે માને છે તે પહેલાં જોઇએ. કારણ કે દરેક પુરુષને પોતાને વિશે સ્ત્રીઓ શું વિચારે છે એ જાણવાની તાલાવેલી હોય છે. અહીં જનરલ પોઈન્ટ જ હશે. એટલે દરેકે આ  વાંચતા પહેલાં  ઉપરની સૂચના ફરીથી વાંચી લેવી.
દરેક સ્ત્રીઓ જ્યારે એકાંતમાં મળે ત્યારે કેટલીક બાબતે આડકતરો ઉલ્લેખ કરતી જ હોય છે. જેમકે
પુરુષોમાં સીધી રીતે વિચારવાની આદત  હોતી જ નથી. વાતે વાતે ઊંધા જ વિચારો આવે. એક જ રિંગ વાગતા ફોન ઉપાડે તો કહેશે આખો દિવસ ફોન પર જ હોય તરત જ ફોન ઉપાડે.  અને ચારેક વાર રિંગ વાગતા કે મિસ કોલ થાય તો કહેશે અરે ફોનની રિંગ સંભળાતી નહોતી કે શું કરતી હતી એવું કે મારો ફોન ઉપાડ્યો નહી ? ફોન આવતાં જ સ્ત્રી ચુપ થઈ જાય કે  ગંભીર થઈ જાય તો બીજી સ્ત્રી સમજી જ જાય કે સામે પતિ હશે. પતિ એટલે ઉખડેલો રહે, સતત દરેક વાતમાં ટીકાટિપ્પણી કરે અને સમજવાની વાતો સમજે જ નહી. જેમ કે તેઓ સ્ટ્રોન્ગ હોવાનો ડોળ કરે છે હોતા નથી. દ્રૌપદીને પણ તેનો અનુભવ થયો છે જ્યારે ચીરહરણ થતું હતું. આજે જ્યારે સ્ત્રીઓ પર બળાત્કાર થાય કે ઇવ ટિજીંગ થાય ત્યારે પુરુષો શાહમૃગની જેમ રેતીમાં માથું નાખી દેતા હોય છે. વળી  પત્ની સિવાયની દરેક સ્ત્રી સારી જ લાગે. ગુણો પણ બીજી જ સ્ત્રીમાં દેખાય.
બીજી એક વાયકા સ્ત્રીઓમાં પુરુષો વિશે એવી છે કે તેઓ ડિપેન્ડેબલ નથી હોતા. તેમને કોઇ કામ સોંપી ન શકાય. સોપ્યું હોય તો કરશે જ તેની ખાતરી ન હોય.વળી સામે પત્નિએ તેમના શર્ટ ધોવાયા કે ઇસ્ત્રી થયા કે નહીં તેનો જવાબ આપવાનો. સ્ત્રીની સાડી કે ડ્રેસ ધોવાયા કે ઇસ્ત્રી થઈને આવી કે નહીં તે વિશે તે પુરુષને કહી ન શકે. તો પોતાના કપડાંનું ધ્યાન પણ તેઓ રાખી નથી શકતા. આ તો ફક્ત ઉદાહરણ છે. કેટલાક પુરુષો તો શેવ કર્યા બાદ તેનો સામાન ત્યાં જ મૂકીને જાય. ભીનો ટુવાલ પલંગ પર નાખીને જાય. જેમ તેમ કપડાં તેના વેરાયેલા મૂકીને જાય. કલ્પના કરો કે જો સ્ત્રી આ રીતે પોતાના કપડાં જ્યાં ત્યાં મૂકે  તો ...બસ બૂમાબૂમ શરૂ તને ઘર સાચવતા આવડતું નથી. વગેરે વગેરે... બીજું શું બોલાય તે તમે સૌ સારી રીતે જાણો જ છો. એટલે અહીં લખવાની જરૂર નથી. પણ જો તમે કોઇ વસ્તુ મગાવી હોય તો ...પહેલાં બહાના મને સમય નથી. મારી પાસે આ બધા કામ ન કરાવ. ઓફિસેથી આવતા રસ્તામાં જ દુકાન આવતી હોય પણ તેમને દેખાય નહી. કે સૂઝે જ નહી. અને જો કહ્યું હોય અને ન લાવે તો પૂછાય જ નહીં કે કેમ ન લાવ્યા. આવી અનેક વાયકાઓ છે જે અહીં લખી શકાય પણ તે વાંચ્યા વિના જ તમે બકવાસ કહીને  છાપું બંધ કરીને મૂકી દેશો. પણ જો જાણવું જ હોય તો આવી જ વાયકાઓ સ્ત્રીઓના મનમાં પુરુષોને માટે હોય છે. તમને ગમે કે ન ગમે. 
હવે સિક્કાની બીજી બાજુ જોઇએ. એ પુરુષ માટે મહત્ત્વની છે અને સ્ત્રીએ પણ જાણવી સમજવી જરૂરી છે.
સૌ પ્રથમ તો બધા જ પુરુષો સરખા જ હોય તે મિથ ફક્ત ચીનમાં જ ચાલી શકે. આ જોક હકિકત છે. દરેક આંગળી સરખી નથી તેમ દરેક પુરુષો સરખા હોય તેવું માનવું ભૂલ ભરેલું છે. પુરુષોમાં ય સારા ખરાબ હોઇ શકે. તેમના સંસ્કાર, સ્વભાવ જુદા હોય શકે. એક પુરુષ ખરાબ મળ્યો હોય જીવનમાં એટલે દરેક પુરુષ તમારો ફાયદો ઊઠાવનાર કે તમને સમજી ન શકનાર જ હોય તે જરૂરી નથી.
પુરુષો ઇમોશનલ એટલે કે સંવેદનશીલ નથી હોતા-- એવું મોટાભાગની સ્ત્રીઓ માનતી હોય છે. અને કેટલાક પુરુષો પણ. હકિકતમાં એ સત્ય નથી. પુરુષો કેટલીક વખત સ્ત્રીઓ કરતાં પણ વધુ સંવેદનશીલ  હોઈ શકે. નારિયેળની જેમ તેમનું બહારનું માળખું કડક, મસ્ક્યુલિન દેખાય.વળી  સામાજીક માળખાઓ અને માન્યતાઓને કારણે તેઓ પોતાની લાગણીઓ સંવેદનાઓ વ્યક્ત કરતાં ડરતા હોય છે. સ્ત્રી પુરુષને એવો અહેસાસ અપાવી શકે કે સંવેદનાઓ એટલે માનવીયતા, નપુંસકતા નહી.  તે પુરુષ પોતાની પૌરુષતાને સંવદેનાથી સમજી શકે અને તેનો અહેસાસ પણ કરાવી શકે.
પુરુષોને ફક્ત સેક્સમાં જ રસ હોય છે – સેક્સ પુરુષો માટે મહત્વનો હોય છે. તેઓ પોતાના પાર્ટનર સાથે એ રીતે બોન્ડીગ બાંધે છે. અને અહેસાસ કરે છે કે તેઓ એકબીજાના કેટલા નજીક છે. દરેક પુરુષને ફક્ત શરીરમાં જ રસ હોય તો પણ તેના માટે પ્રેમ વિના સંબંધ બાંધવો શક્ય નથી હોતો. પુરુષો પણ લાગણીથી જોડાયા વિના ફક્ત સેક્સ માટે જ સંબંધ બાંધે એ દરેક પુરુષ માટે સત્ય નથી. અપવાદ હોઇ શકે.
ઓફિસ અને કામ જ તેમના માટે મહત્ત્વના હોય છે – પુરુષની ઓળખ તેના કામથી ઊભી થતી હોય છે. તેના પરિવાર માટે તે કામ કરતો હોય છે. કામ વિના તેનું અસ્તિત્વ કે ઓળખ જ નથી રહેતા. જ્યારે સ્ત્રીનું એવું નથી. તેના માટે ઘર પણ મહત્ત્વનું હોઇ શકે. એટલે પુરુષ પોતાના કામની વાત વધુ કરે તો તેને સમજવાનો પ્રયત્ન કરો. તેના કામમાં રસ લો.
પુરુષોને વાત કરવી નથી ગમતી – સાચું નથી. પુરુષોને પણ સંવાદ કરવો જરૂરી લાગતો હોય છે. પરંતુ, તે માટે તેમને સમજવાની જાણવાની જરૂર હોય છે. તેમની અંદર રહેલી પીડાઓને સ્વીકારવાની જરૂર હોય છે. તેમના રસના વિષયોને પ્રોત્સાહનની જરૂર હોય છે. પુરુષ જુદી રીતે વિચારે છે એટલે તેને સાંભળનાર મળે તે સ્ત્રી પાસે તે ખુલે છે. તેની દુનિયા વિશાળ છે બહાર છે. આડોશ પડોશ અને ફક્ત ઘરની વાતોનો તે અમુક હદ સુધી જ સાંભળી શકે. પુરુષે પણ પોતાની આ વાત પ્રેમથી પત્નીને સમજાવવી જોઇએ. તને કશી ખબર નહી પડે કહીને તેને તોડી ન પાડો. પત્નીનું જ્ઞાન વધારવાના પ્રયત્નો કરો. તેની દુનિયા વિકસાવો. પત્નીની દુનિયા જેટલી હશે તેટલી જ તે વાત કરશે ને ?તેની મર્યાદા સમજવાનો પણ પ્રયત્ન કરો.
લાસ્ટ બટ નોટ લીસ્ટ ....પુરુષો કમિટમેન્ટ કરતા ડરે છે. – જો એવું જ હોત  તો લગ્નસંસ્થા ચાલત જ નહી. લીવ ઇન રિલેશન રિલેશનશીપ અને મૈત્રી કરાર પણ એક જાતનું કમિટમેન્ટ જ છે. તેના ફાયદા ગેરફાયદા વિશે અહીં વાત નથી કરવી. પુરુષોની લાગણી દર્શાવવાની પોતાની રીત હોય છે. કદાચ તે સ્ત્રીને જે રીતે જોઈએ તેવી રીતે રોમાન્સ ન કરી શકે પણ જો તે સ્ત્રી સાથે જોડાય છે ત્યારે પૂરા હ્રદયથી જોડાય છે. પુરુષની કમિટમેન્ટ લાગણી ધ્વારા જ વ્યક્ત થાય તે જરૂરી નથી. તે પોતાની જવાબદારીઓ ધ્વારા પણ વ્યક્ત કરતો હોય છે. 

ભલે કહેવાતું હોય કે સ્ત્રીને સમજવી મુશ્કેલ છે પણ હકિકતે પુરુષને સમજવો સહેલો નથી. કારણ કે જે દેખાય છે તે મિથ પણ હોય શકે. 

You Might Also Like

2 comments

  1. પુરુષોને વાત કરવી નથી ગમતી – સાચું નથી. પુરુષોને પણ સંવાદ કરવો જરૂરી લાગતો હોય છે. પરંતુ, તે માટે તેમને સમજવાની જાણવાની જરૂર હોય છે. તેમની અંદર રહેલી પીડાઓને સ્વીકારવાની જરૂર હોય છે. તેમના રસના વિષયોને પ્રોત્સાહનની જરૂર હોય છે. પુરુષ જુદી રીતે વિચારે છે એટલે તેને સાંભળનાર મળે તે સ્ત્રી પાસે તે ખુલે છે.

    ReplyDelete
    Replies
    1. thanks prakashkumar jain તમે મારા આર્ટિકલ વાંચ્યા અને તે અંગે તમારા પ્રતિભાવ પણ મૂક્યા તે બદલ આભાર.

      Delete