લોભની આદત 6-1-15

00:02

નવું વરસ શરૂ થતાં પહેલાં ગયા વરસનું સરવૈયું દુનિયાભરના મીડિયા આપણી સમક્ષ મૂકી દે છે. વરસની શરૂઆતનો આ પહેલો આર્ટીકલ લખતા પાછા ફરીને જોઉં છું તો પુરુષોના વિશ્ર્વમાં પ્રવેશવાનો મને અવસર મળ્યો તેનો બીજા વરસમાં પ્રવેશ થઈ રહ્યો છે. પુરુષોને જેમ સ્ત્રીઓના વિશ્ર્વ વિશે જાણવાની ઇંતેજારી હોય છે તે જ રીતે સ્ત્રીઓને પણ પુરુષો વિશે જાણવાની ઉત્સુકતા હોય છે. પણ તે હજી ફક્ત સબકોન્સિયસ મનમાં જ રહી જતી હોય છે.એટલે એવું દરેકને લાગે છે કે પુરુષને જાણવાની, જોવાની જરૂર હોતી નથી. પુરુષોને વિશે જાણવાની જરૂર સ્ત્રીઓને નથી હોતી એવું લાગે છે તો સામે પક્ષે પુરુષોને ય પોતાના વિશે જાણવાની જરૂર લાગતી નથી એવું જણાય છે. પણ હવે પુરુષ પણ કોમ્પલિકેટેડ બની રહ્યો છે. તેમાં પણ આલ્ફા મેલ, અર્બન મેલ, ક્ધજર્વેટિવ મેલ, ટિપીકલ મેલ એટલે કે પુરુષપ્રધાન માનસિકતા ધરાવનાર. વગેરે વગેરે

પુરુષોને પુરુષો દ્વારા પણ અનેક અન્યાય થયા છે તે દેખાય છે. તેમની પોતાની માનસિકતા, અહંકાર અને પુરુષત્વના ઓળાઓ મનુષ્યત્વ પર હાવી થઈ જતાં પુરુષ અમાનવીય બની જાય છે. આવો વિચાર આવ્યો હાલમાં જ ૨૦૧૪ વિશેના એક લેખ વાંચતા. નવાઈ લાગશે કે વરસના અંતે મોસ્ટ પાઈરેટેડ મુવીઝનું લિસ્ટ પણ બહાર પડે છે. તેમાં ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રિટ નામની ફિલ્મ પહેલા નંબરે આવી. આ ફિલ્મ ગયા વરસે ૩૦.૩૫ મિલિયન લોકોએ ગેરકાનૂની રીતે ડાઉનલોડ કરીને જોઈ. આ ફિલ્મમાં મુખ્ય પુરુષ પાત્ર ભજવે છે લિયો નાર્દો. શેરબજારની સફળતા અને પૈસાથી છકી ગયેલો પુરુષ. એની સાથે જ યાદ આવી ગયો ગેકો... માઇકેલ ડગ્લાસે ભજવેલું પાત્ર ગોરડન ગેકો આજે પણ વોલ સ્ટ્રિટમાં કામ કરતા લોકોના મગજમાં ઘૂમી રહ્યું છે. ૧૯૮૭ની સાલમાં બનેલી શેરબજારમાં સટ્ટા દ્વારા પૈસા કમાઈને સફળ થતી વ્યક્તિને લોકો પ્રેરણાસ્ત્રોત માની બેસે છે. જો કે એ ફિલ્મ બાદ પણ અનેક પુરુષો ગેકોને પોતાનો હિરો માનતા હતા. એ ફિલ્મનો ફેમસ થયેલો ડાયલોગ છે ગ્રીડ ઇઝ ગુડ, અર્થાત લોભ સારો છે. પૈસા કમાવાનો, સફળ થવાનો, બીજાની આગળ નીકળી જવાનો. આજ રીતે સતત બોલતો ગેકોની અપ્રામાણિક પદ્ધતિને ચાર્લી શીનનું પાત્ર અનુસરવાનો પ્રયત્ન કરે છે. એટલી હદ સુધી કે માઈકલ ડગ્લાસને એક પત્રકાર પરિષદમાં પત્રકારે ગોરડન ગેકોનું સંબોધન કરીને સવાલ પૂછ્યો હતો. ન્યુક્લિકેઅર વિરુદ્ધ ચળવળ ચલાવતાં માઈકલ ડગ્લાસને પત્રકારે પૂછ્યું કે ગોરડન ગેકો શું હવે ગ્રીડ ઈઝ નોટ ગુડ કહે છે. ત્યારે માઈકલે જવાબ આપ્યો હતો કે પહેલીવાત કે હું ગોરડન ગેકો નથી. અને ગેકોએ લોભ કરવા જતાં છેવટે જેલમાં જવું પડ્યું હતું તે ન ભૂલશો. 

પુરુષને સફળતા, સત્તા અને સંપત્તિનો નશો થતો હોય છે. એ નશામાં તે ક્યારેક પ્રમાણિક અને અપ્રમાણિકતાનો ભેદ ભૂંસી નાખે છે. ગેકોનું પાત્ર વિલન હોવા છતાં અમેરિકામાં ફાયનાન્સિયલ સેકટરમાં કામ કરતાં અનેક પુરુષો તેને પ્રેરણાત્મક માનતા હતા. એ ફિલ્મની સફળતા કરતાં ગેકોની જીવંતતાએ ૨૩ વરસ પછી વોલ સ્ટ્રિટની સિકવલ વોલ સ્ટ્રિટ મની નેવર સ્લીપ ૨૦૧૦માં રજૂ થઈ. એજ ગેકો તરીકે માઈકલ ડગ્લાસ અને ચાર્લી શીન. આ ફિલ્મ જોતાં હર્ષદ મહેતાની યાદ આવ્યા વગર નહીં રહે. મને યાદ છે. ૧૯૯૨ની સાલમાં જ્યારે મેં પત્રકારત્વમાં પ્રવેશ કર્યો. હર્ષદ મહેતાની કવર સ્ટોરી દરેક મેગેઝિનમાં, પેપરમાં કરવામાં આવતી. મિડલ ક્લાસ માટે તે પ્રેરણાસ્ત્રોત હતા. ગુજરાતી જૈન મિડલ ક્લાસ કુટુંબમાં જન્મેલા હર્ષદ મહેતાએ શેરબજારમાં સામાન્ય વ્યક્તિ કરોડપતિ બની શકે છે તેવા સપનાં ઊગાડ્યા. એ જ રીતે જે રીતે ગેકો માઈકલ ડગ્લાસે વોલ સ્ટ્રિટ ફિલ્મમાં ચાર્લી શીનના પાત્રને પ્રેરણા પૂરી પાડી હતી. 

સફળ થવાનો ને સંપત્તિવાન બનવાનો સરળ રસ્તો હોતો નથી તે આપણા વડીલો કહેતા તે સાચું જ છે. હર્ષદ મહેતા જે એક સમયે અનેકના હીરો હતા તે જેલમાં મૃત્યુ પામ્યા. વોલસ્ટ્રિટનો હીરો પણ જેલમાં જાય છે. બીજી ફિલ્મમાં તેની એકલતા, દીકરીએ કરેલો પિતાનો અને પિતાના પૈસાનો ત્યાગ. છતાં ગ્રીડ એટલે કે લોભ ગેકોને જંપવા નથી દેતો. વુલ્ફ ઓફ વોલ સ્ટ્રિટમાં પણ હીરો લિયો નાર્દો સફળતા અને સંપત્તિને લીધે છાકટો થઈ જાય છે. હર્ષદ મહેતાને બીગ બુલ કહીને બોલાવાતા. શેરબજારની બહાર બુલ એટલે કે બળદનું પૂતળું છે. એ પણ નરજાતિ. આજે ભલે સ્ત્રીઓ પણ શેરબજારમાં પુરુષોના ખભેખભા મિલાવીને કામ કરતી પરંતુ, પુરુષ માનસથી ન વિચારે તો તે એટલી સફળ થઈ શકતી નથી. કોઇપણ બાબતનો લોભ એ નશા જેવો છે. પુરુષ આખરે તેનો બંધાણી થઈ જાય છે ત્યારે થોડાથી બસ નથી થતું. હર્ષદ મહેતાનું ૪૦૦૦ કરોડનું સ્કેમ હતું ૨૩ વરસ પહેલાં. શેને કારણે લોભને કારણે. મોટા ફ્લેટ, વિદેશી લેટેસ્ટ ગાડીઓ ,જીવનનો દરેક વૈભવ ... જેનો અંત જ નથી. અને ધરવ જ નથી થવાનો. વુલ્ફ ઓફ વોલ સ્ટ્રિટમાં લિયો નાર્દો ડ્રગ એડિક્ટ બની જાય છે. હર્ષદ મહેતાના સમયે અનેક મિડલ ક્લાસ પુરુષોએ ઉધાર લઈને શેરબજારમાં ઝંપલાવ્યું હતું. મોટા લાભના લોભમાં સોદાઓ કર્યા હતા. અને જેવું માર્કેટ તૂટ્યું કે તે સમયે અનેક લોકોએ આપઘાત કર્યા હતા. સૌથી પહેલાં હર્ષદ મહેતાને લોભમાં સાથ આપનાર વિજયા બેંકના ચેરમેને આપઘાત કર્યો હતો. 

લિયોન સેલ્ટ્જર ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જેમણે પેરાડોક્સિકલ સ્ટ્રેટેજીસ વિષયે પુસ્તક લખ્યું છે તેઓ કહે છે કે ખૂબ પૈસા કમાવવા માટેની આદત લોભને કારણે જન્મે છે. આવી વ્યક્તિઓ અંદરખાનેથી કોઇક અભાવથી પીડાતી હોય છે. એટલે બહાર જેમ વધુ પૈસા કમાય તેમ તેમનો અહંકાર પુષ્ટ થાય. બીજાને બતાવવા માટે તેઓ વધુ પૈસા નથી કમાતા પરંતુ, જેમ વધુ પૈસા કમાય તેમ એમને પોતાને સારું લાગે. આ એક જાતની આદત છે જે તેમને માનસિક રીતે સંતોષ આપે છે. ડ્રગ એડિક્ટની જેમ સતત તેમને એ સંતોષનો લોભ લાગે છે. ક્યારેય તેઓ પૈસો કમાતા અટકતાં નથી. સતત તેમને વધુ ને વધુ પૈસાની જરૂર જણાય છે. તેમને પૂછો કે ક્યારે તમને થશે કે બસ હવે પૈસા કમાવાની જરૂર નથી ? તેઓ જવાબ નહીં આપે. તેઓ વધુ ને વધુ પૈસા મેળવવા માટે ઝનૂની થશે. સાચાખોટા કોઇપણ કામ કરતાં તેઓ અટકશે નહીં. એટલે જ તો સ્કેમ વધુ ને વધુ થાય છે. આવી વ્યક્તિઓ ક્યારેય નિવૃત્ત થવાની વાત પણ નહીં કરે. આવી વ્યક્તિઓ મોટેભાગે બિઝનેસમેન, ઇન્વેસ્ટર, સીઈઓ હોય છે. યેનકેન પ્રકારે પૈસા મેળવીને વૈભવી લાઈફસ્ટાઈલ અપનાવવી અને શો ઓફ કરવું તેમને ગમે છે. આવી વ્યક્તિઓ સમાજને કોઈ જ રીતે ઉપયોગી નથી થતી. તેઓ ફક્ત પોતાના માટે જ જીવતાં હોય છે. તેમને બીજાનો વિચાર જલ્દી આવતો નથી. એટલે જ તેને લોભી કહેવાય છે. સમાજમાં પણ પોતાનું નામ થાય, ફાયદો થાય છે કે નહીં તેનો વિચાર કરશે. જે થોડું આપશે તેની સામે કેટલું મળશે તેની ગણતરી કરીને જ જીવે. અહીં કોઈના નામ લેતી નથી. પણ આસપાસ નજર કરશો તો એવા પુરુષો તરત જ નજરે ચઢશે જ. મહત્ત્વાકાંક્ષા અને લોભ વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. વળી સમાજમાં બીજાને પણ લોભ હોવાને કારણે આવી આદતને સફળતા અને વૈભવમાં ખપાવી દેવામાં આવે છે. મોટેભાગે આવા પુરુષો સટ્ટામાં શેરબજારમાં જોવા મળતા હોય છે. લોભી પુરુષોની વાત શક્ય હશે તો આવતા અંકે પણ ચાલુ જ રાખીશું. નવા વરસે આ લોભીવૃત્તિ આપણામાં ન ઘૂસી જાય તેવી પ્રભુને પ્રાર્થના કરીએ.

You Might Also Like

0 comments