પીર ન જાને કોઇ- બત્રીસ પુતળીની વાર્તા -1

02:16

બત્રીસ પુતળીની વાર્તા

હમણાં જ એક નવો તુક્કો સુઝ્યો. જેમ આપણે વ્હોટસ એપ કે મેસેજ ચેક કરીએ છીએ એમ એક સ્વીચ દબાવવાથી સામી વ્યક્તિના વિચારો વાંચી શકાતા હોત તો !  આવો વિચાર આવ્યો મૈત્રીણીઓ વચ્ચે બેઠી હતી ત્યારે.  દરેક સરસ રીતે હસી રહ્યા હતા. મારા મનમાં કોઈ બીજા જ ચાલી રહ્યા હતા તેનાથી એ સૌ અજાણ હતી.  મસ્તી મજાક અને વચ્ચે ક્યારેક ઘરની વાતો, સાસરી પક્ષના લોકોની વાતો થતી હતી. ફરિયાદો થતી હતી પરંતુ, સાચી વાતો ક્યારેય નહોતી થતી. પોતાની અંગત તમ પીડાને દરેક બહાર ન આવે તે રીતે મનના અંધારા ખૂણામાં દબાવી રાખતી હતી. કેટલીક વાતો કહેવાતી જ નથી. કે બોલાતી નથી. ક્યારેક તો પોતાનાથી પણ છુપાવી રાખવાની હોય તે રીતે અચેતન મનના બ્લેકહોલમાં ફેંકી દેવામાં આવે છે.
ધારો કે મારા હાથમાં એ સ્વીચ આવી અને દરેક વખતે એક વાર્તા મળે છે. બત્રીસ પુતળીઓની વાર્તા માંડીએ. વિક્રમાદિત્યની જેમ એક શ્રાપ હું વેંઢારી રહી છું એવી વાર્તાઓનો જેનો જવાબ ક્યારેય મળી શકે એમ નથી કે ન તો કોઈ તેમાં પ્રશ્ન છે કે ન જવાબો છે. બસ ઘટનાઓ છે. તેને વાર્તા કહી શકાય કે આર્ટિકલ કે પછી કોલમ કે પછી...... શું જરૂર છે તેને કોઈ નામ આપવાની ? આ પુતળીઓ શ્રાપિત છે કે નહીં તે નક્કી કરવાનું વાચક પર જ છોડી દેવું છે. જાઝી કોઇ પ્રસ્તાવના વિના આ પુતળીઓની વાર્તા આવતી રહેશે. વાચકોમાંથી કોઈને તેમાં ઊમેરો લખી મોકલવો હોય કે તેમાં કોઈ વાર્તા કહેવી હોય તો પણ છુટ છે. આ વાત આજની નારીની જ હશે, ગઈકાલ કે આવતી કાલની નારીની નહી. શક્ય છે તમે કદાચ  આસપાસની વ્યક્તિમાં કે પોતાની સાથે સામ્ય અનુભવો એ સામ્ય આકસ્મિક હશે.
રસ્તામાં ચાલતાં બટન દબાવ્યું ને મારી આગળ ચાલતી પુતળીના વિચારો ઊકેલાયા. વીસ બાવીસ વરસની એ પુતળી જે વિચારી રહી હતી એ જ અહીં લખું છું. મારે જ દરેક વખતે લેકચર બંક કરવાના. ઘરે મહેમાન આવવાના છે પપ્પાના પણ મારે બધું શાકભાજી લઈ જવાનું અને મમ્મીને રસોઈમાં મદદ કરવાની. ભાઈને કશું જ કહેવાશે નહીં. એને તો લેક્ચર પણ નથી અને તે મિત્રો સાથે ફરશે. ગમે ત્યારે બહાર જશે તેને કોઈ પૂછશે નહીં, વઢશે નહીં... ભગવાને મને કેમ છોકરો ન બનાવી. કેવા પાપ કર્યા હશે કે મારે છોકરી તરીકે જન્મવું પડ્યું. આજે તો મેનન સરના લેક્ચર બંક કરવા પડ્યા. એકી સાથે બે લેક્ચર બસ મંગળવારે જ હોય છે. એક લેક્ચર પણ ભરી શકી હોતતો.... આઈ લવ હીમ... ક્રશ હશે પણ એવું થાય છે શું કરું...  પણ ના હું છોકરી હોવાનો અભિશાપ લઈ ને જન્મી છું. મમ્મી પપ્પા મને લાડુડી લાડકડી કહે પરંતુ, વર્તનમાં તો તદ્દન જુદી જ બાબત. જરાક મોડું થાય તો તરત જ ઇન્કવાયરી બેસે. શું કામ ? ભાઈને તો પૂછવાનું ભાગ્યે જ હોય પૂછે તો ય એમનો ટોન બદલાયેલો હોય. ચિંતા સાથે જ પૂછે. તેમાં ઇન્કવાયરી જેવું કશું જ ન હોય. જ્યારે મને પાંચ મિનિટ પણ મોડું થયું હોય તો અર્ધોકલાક જેટલી  ઇન્કવાયરી ચાલે. ને વળી કેટલીય ઉલટતપાસ.. ..વળી છાશવારે સાંભળવું પડે કે સાસરે જશે ત્યારે કરજે. ભણવાનું પણ મારે મારા માટે ક્યાં કરવાનું છે. પાર્ટ ટાઈમ કામ કરવાનું કહ્યું તો પપ્પા તરત જ કહે કે આપણે કામ કરવાની શું જરૂર છે. તારો ખર્ચો અમે ઉપાડી શકીએ છીએ. પણ મારે તો કામ કરવું હતું  દુનિયાને જોવા જાણવા સમજવા. પોતાના કમાયેલા પૈસાનો અનુભવ કેવો હોય તે જાણવા.

પણ  પપ્પાની ના ને ના  જ. મમ્મીને કહ્યું કે પપ્પાને સમજાવે તો મમ્મી મને જ સમજાવવા લાગી. તારા પપ્પા સાચું કહે છે. શું જરૂર છે કોઇના ગોલાપા કરવાની. વળી આજકાલ જમાનો ય ખરાબ છે. નોકરી કરવી સહેલી નથી. દરેક પુરુષ ખરાબ નજર નાખે. ખાસ કરીને નોકરી કરતી છોકરીઓ સારી ન હોય... જવાદે બધી વાત કરતા મમ્મીએ વાત બદલી. ત્યારે મને જે વિચાર આવ્યો તે મમ્મીને કહી ન શકી. પપ્પાની નાનકડી ઓફિસમાં ટાઈપીસ્ટ કમ સેક્રેટરી છે. તો શું પપ્પા પણ ...છી મને કેવા વિચાર આવે છે. તો વળી ક્યારેક કહે કે સાસરે જઈને જે કરવું હોય તે કરવાનું. પણ સાસરામાં તો વર, સાસુ અને તે ઘરના નિયમો પણ હોય તેવું સાંભળ્યું છે. મારે શું કરવું કે ન કરવું તે વિચારવાની મને જરૂર જ નથી બીજા જ મારા વતી વિચારે છે. મારા વિચારોની સીમા પણ બીજાએ નક્કી કરી જ હોય છે. વાઉવ પેલી છોકરીએ કેવો સરસ ટુંકો ડ્રેસ પહેર્યો છે. શોર્ટ પહેરવી મને ગમે છે. મારા પગ પણ સેક્સી પાતળા છે. પણ પપ્પા, ભાઈ બન્નેનો વિરોધ હોય જ. મમ્મીને તો પોતાની કોઇ વિચારધારા છે કે નહીં તે જ સમજાતું નથી. અને હોય તો ય બિચારીનું ક્યાં કશું જ ચાલે છે.  (ક્રમશ...)

You Might Also Like

0 comments