પ્યારી મા અને પ્રેયસી વચ્ચે ભેદ છે 12-5-15

04:11



બહાર કામ કરવા જતી આધુનિકા ઘરે આવીને સીધી કિચનમાં જશે. વચ્ચે પૂછી લેશે કે શું ખાધું ઓફિસમાં? જો પુરુષ ટીવીમાં કે છાપામાંથી ઊંચુ જોયા વિના કહેશે કે કંઈ નહીં... તો ચિડાઈને કહેશે.. કમાલ છે ...આટલી વાર ભૂખ્યા રહેવાની શી જરૂર  ? બિસ્કિટ કે સેન્ડવિચ કંઈ ખાઈ ન લેવાય ? કાલથી તને શીંગ ચણાનો ડબ્બો આપીશ. અને જો પુરુષ કહેશે કે નાસ્તો કર્યો હતો .... તો કહેશે... બહારનું રોજ ખાવું ન જોઈએ. થોડો કન્ટ્રોલ ન રખાય ? વગેરે વગેરે... આ સંવાદો પતિપત્ની વચ્ચે થયા ન હોય અને માતાપુત્ર વચ્ચે થયા હોય તો પણ કંઈ ફરક ન પડે. ઇન શોર્ટ પત્ની પતિને બાળકની જેમ ટ્રીટ કરે છે. કારણ કે તે એના જનીનમાં જ છે. અને પુરુષને બાળક બનીને દરેક લાડ ભોગવવા ગમે છે. કારણ કે તેને સ્વાવલંબનના પાઠ ભણાવવામાં જ નથી આવ્યા. મોટા થવામાં જવાબદારી હોય છે.
માતૃદિન હમણાં જ ગયો. તે દિવસથી વિચાર આવ્યો કે માતાને પુરુષ કેટલો મીસ કરતો હોય છે. જનનીની જોડ જગે નહીં જડે રે લોલ.. વગેરે માતૃત્વની મહાનતાના ગાણાં શીખીને મોટા થયા બાદ ખરા અર્થમાં માતાની કદર કેટલા પુત્રો કરે છે ?  કવિતા, વાર્તા અને લેખો ધ્વારા માતાના ગુણગાન ગવાય છે, માતૃદિને ગળગળા થઈને માને  યાદ કરાય છે. પણ એ સિવાય માતા એક સ્ત્રી છે, વ્યક્તિ છે તે રીતે કેટલા પુત્રો ખરા અર્થમાં વિચારે છે ? ત્યાં સુધી કે માતાનું એક્સટેન્શન તેને પત્ની કે પ્રેયસીમાં ય જોઈએ છે.   અરે પિતા તરીકે દીકરીમાં પણ માતૃસ્વરૂપ પુરુષ અનુભવે છે. જ્યારે સ્ત્રીઓ પુરુષમાં બાળક શોધે છે કે પછી પિતા શોધે છે.
સંશોધનકારને પણ આ બાબતમાં રસ પડે છે.તેમનું કહેવું છે કે  સ્ત્રી બાયોલોજીકલી માતૃત્વની લાગણી સાથે જન્મે છે. એટલે સહજતાથી તે માતૃત્વના રોલમાં આવી જાય છે. મોટેભાગે લોકો રિલેશનશીપની આ ટ્રેપમાં આવી જતાં હોય છે. એમાં અપવાદો હોઈ શકે.  જો કે મોટાભાગના પુરુષો (પરણેલા) આ બાબતનો સહજતાથી સ્વીકાર નહીં કરે. કારણ કે જો કરે તો પોતે હજી પુખ્ત નથી કે સ્વાવલંબી નથી એ સ્વીકારવું પડે.  પરંતુ, તેમના જીવનને તટસ્થતાથી જોવામાં આવે તો જણાશે કે માની જેમ કાળજી લેનારી સ્ત્રી તેમને વધુ ગમે છે. કારણ કે મોટા થાય તો પોતાના કામ પોતે કરવા પડે છે. ભારતીય અને તેમાંય આપણે ગુજરાતી પુરુષોની વાત કરીએ તો કેટલા પુરુષો જરૂર પડે પોતાના કપડાં જાતે ધોઈ લે છે કે ધોવા નાખે છે?  ચા કે નાસ્તો કરવો હોય તો સહજતાથી રસોડામાં જઈને ચા પી શકે છે ? અરે એ છોડો પાણીનો ગ્લાસ પણ જાતે લઈને પીશે નહીં.  આ સિવાય પણ અનેક બાબતો હોય છે. ઝઘડો થાય તો પુખ્ત વ્યક્તિની જેમ જાતે ઉકેલ લાવવાને બદલે પત્નીના માતાપિતાને કે ભાઈઓને ફોન કરી ફરિયાદો કરશે.
 માતાપિતાની  આગવી ભૂમિકા હોય છે. માતાનો રોલ હોય છે બાળકની દરેક બાબતની કાળજી લેવી, પ્રેમ કરવો. તેનું જીવન પુત્રને કેન્દ્રમાં રાખીને જ જીવાતું હોય છે. પિતાની ભૂમિકા હોય છે બાળકની સાથે રમવું તેને દુનિયામાં કઈ રીતે વર્તવું તે પોતાના વર્તન ધ્વારા શીખવવું. પડ્યા બાદ કેમ ઊભા થવું વગેરે બાબતો પુત્ર પિતા પાસેથી શીખે છે. 
એ જ રીતે પત્નીનું જીવન પણ પોતાને કેન્દ્રમાં રાખીને જીવાતું હોય તેવો આગ્રહ જાણેઅજાણે જોવા મળતો હોય છે.  વળી સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે જે હોર્મોન ઓક્સિટોસીન મુખ્ય ભૂમિકા ભજવે છે માતૃત્વની લાગણી માટે તે જ હોર્મોન તે કોઈ પુરુષ સાથે લાગણીથી જોડાય છે ત્યારે પણ સક્રિય થતા હોય છે. એટલે કે માતૃત્વની લાગણી સાથે તે પુરુષના જીવનની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે જેમ કે તે કોઈ કામ જાતે કરવા સક્ષમ જ ન હોય. આપણે ઘણીવાર કહેતા સાંભળીએ છીએ કે અમારા એમને તો શેક્યો પાપડ પણ ભાંગતા ન આવડે. પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા માટે ય આ માતૃત્વની લાગણીઓ ભાગ ભજવતી હોય છે. હવે જો કે સિનારિયો બદલાઈ રહ્યો છે. કામ કરતી માતાઓ પોતાના પુત્રને ઈન્ડિપેન્ડટ થતાં અને દરેક કામ કરતાં શીખવાડતી હોય છે. પણ ટોકવાની આદત અને પઝેસિવનેસ એ પણ એક જાતનું માતૃત્વની લાગણીઓનો પ્રકાર છે. પત્ર બાર કે તેર વરસનો થાય ત્યાં સુધી તેણે ક્યાં જવું ને ન જવું તે બાબતે માતા સવાલ જવાબ કરે તે યોગ્ય છે. પણ 20 વરસનો પુત્ર ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવા માટે મમ્મીની પરમિશન માગે તો એ યોગ્ય નથી. એ જ રીતે લગ્ન થયા બાદ પત્નિની પરમિશન વગર મિત્રો સાથે પાર્ટી ન કરી શકે કે ફરવા જઈ શકે તે પણ યોગ્ય નથી. જણાવવું જરૂરી હોય છે પણ પરવાનગી શેની ને ક્યારે લેવી તેના નિયમો હોય છે.
બાળક નાનું હોય ત્યારે ઘણીવાર કહેતો હોય છે કે હું તો મમ્મી સાથે પરણીશ. પુત્રને માટે માતા પોતાની પહેલી ગર્લફ્રેન્ડ હોય છે. પરંતુ, ગર્લફ્રેન્ડ કે પત્ની જેની સાથે તમે સેક્સ કરો છો તેનામાં માતા જોવી તે યોગ્ય નથી.  કોઈપણ સ્ત્રી જ્યારે તમને પસંદ કરે છે ત્યારે એ તમારામાં પુરુષ જોવા ઈચ્છે છે. તમારા બાળકની તે માતા બનવા તૈયાર હોય છે પણ તમારી માતા બનવા નહી. આપણી આસપાસ જોઈએ તો દશ કે વીસ વરસના લગ્ન બાદ પત્નીઓ મિત્ર કે પત્નીની જેમ નહી પણ માતાની જેમ જ વર્તતી હશે. અને માતા જેવી જ દેખાવા લાગે છે. વીસ કે ત્રીસ  વરસનો દીકરો રોજ મમ્મીને વળગીને સુવે કે રોજ મમ્મા જમવાનું પીરસી આપને ... એવું લાડમાં કહે તો તે માતા કે દીકરા બન્ને માટે યોગ્ય નથી.
આ તો થઈ પુરુષ સ્ત્રી અને માતૃત્વના સંબંધની વાત પણ માતા અને પુત્રનો સંબંધ પણ દરેક વરસો જતાં બદલાતો હોય છે. પાંચ વરસ સુધી તેને નવડાવવું ધોવડાવવો, બારેક વરસ સુધી શાળાએ  લેવા મૂકવા જવો. ભણાવવો. પણ ટીનએજમાં પુત્ર પ્રવેશે કે તેની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખ્યો હોય તો તે બીજી સ્ત્રીને પણ આદર આપી શકશે, ન્યાય આપી શકશે. સ્વાવલંબન પણ પુરુષે માતા પાસેથી શીખવાની જરૂર હોય છે.  જે પુરુષ માતાનો આદર કરતો હશે, પ્રેમ કરતો હશે તે પોતાની પ્રેયસીને અને પત્નીનો પણ આદર કરશે અને પ્રેમ કરશે. તે પણ હકિકત છે. આદર અને પ્રેમનો અર્થ વ્યક્તિત્વનો સ્વીકાર અને ફ્રિડમ પણ છે. વીસ વરસનો થયા બાદ પણ  છોકરો માતા પાસેથી દરેક સેવા લેતો હોય છે તો તે ક્યારેય પણ પુખ્ત કે સ્વાવલંબી થતો નથી.
માતા અને પુત્રની વાત ચાલી રહી છે તો હાલમાં જ ડિસ્કવરી પર રજુ થયેલી એક ધારાવાહિકનો ઉલ્લેખ કર્યા વિના અધૂરી રહેશે. આ ધારાવાહિક મને  મારા એકવીસ વરસીય પુત્રએ બતાવી. કહે કે જો હું પણ તને આમ જ ફરવા લઈ જઈશ. ધારાવાહિકનું નામ છે ફિફ્ટી વેઝ ટુ કીલ યોર મધર.... 40 વરસના આઈરીશ સાહસિક  બાઝ એશ્મેવી પોતાની 71 વરસની માતાને સાહસિક યાત્રાએ લઈ જાય છે. તેની માતા નેન્સીને સ્કાય ડાઈવિંગ કરવું હતું. દશ વાર સ્કાય ડાઈવિંગ કરી ચુકેલા બાઝને લાગ્યું કે 71 વરસે માતાએ આવા સપના ન જોવાય. વિચાર કરતાં તેને સમજાયું કે મારી મા ન ઈચ્છે એવા અનેક કામો મેં કર્યા છે તો એણે  શું કામ સ્કાય ડાઈવિંગ ન કરવું ? એ સાહસ પ્રવાસનો ખર્ચો કાઢવા ટીવી શોનો જન્મ થયો. મા સાથે સ્કાય ડાઈવિંગ કરતા સમયે બાઝ ડરી ગયો રડી પડ્યો. પણ નેન્સી હિંમતથી ટકી રહી. ત્યાર પછી તો બીજા અનેક સ્ટંટ અને સાહસો માતા અને પુત્રએ કર્યા. સાહસ સમયે માતા, પુત્રની તુતુ મેમે , પ્રેમ તથા કાળજી પણ દેખાય તો સાથે વ્યક્તિ સ્વાતંત્ર્યનો આદર પણ. માતાની સાહસિકતા ભલે અત્યાર સુધી બહાર ન આવી હોય પણ પુત્રમાં તે ઉતરી છે તે દેખાય.  71 વરસની  માને નવા અનુભવમાં પડખે ઊભા રહીને સાહસના નવા સોપાન સર કરાવ્યા. સાહસ માટે કોઈપણ ઉંમર મોટી નથી એવું  સાબિત કરી પુત્રની ફરજ બજાવનાર બાઝને પૈસા, પ્રસિધ્ધિ કરતાં પણ માતાને આ ઉંમરે પણ નવી રીતે પામવાનો સંતોષ મળ્યો.


You Might Also Like

0 comments