ફિલ્મ રિવ્યુ - કાદંબરી 16-5-15
00:48
પિકુ અને ગબ્બર સાથે એક બંગાળી ફિલ્મ પણ મુંબઈમાં
રિલિઝ થઈ. બુક માય શોમાં નવી ફિલ્મોના ટાઈમિંગ જોતા નજર પડી કાદંબરી ઉપર ... પ્રિય લેખક
રવિન્દ્રનાથના જીવનમાં આવેલ પ્રથમ સ્ત્રી કાદંબરીની કથા પર આ ફિલ્મ હતી
એટલે જોવી જ રહી. મુંબઈના એકમાત્ર થિયેટરમાં એક જ
ભરબપોરના શોમાં ચાલતી ફિલ્મનો છેલ્લો શો જોવા પહોંચી એકલી. ફિલ્મ જોઈને
આવ્યા બાદ તેના દિગ્દર્શક વિશે ગુગલ કર્યું. કારણ કે અંગ્રેજી સબટાઈટલ ન હોવા છતાં
આખી ફિલ્મ સમજાઈ. કલકત્તાના જોરાસાંકોની ઠાકુરવાડી અને ઠાકુર કુટુંબની વાત હ્રદયને સ્પર્શી ગઈ.
સુમન ઘોષ બંગાળના બહુપ્રતિભાશાળી દિગ્દર્શક છે. આ
ફિલ્મનું પ્રિમિયર રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયું હતું. થેન્કસ ટુ મલ્ટીપ્લેક્સ
અઠવાડિયા માટે એક શો પુરતી આવી ફિલ્મો મુંબઈમાં દેખા દે છે. કોંકણા સેન અને
પરમબ્રત ચેટરર્જી મુખ્ય પાત્રો છે.
રવિન્દ્રનાથ અને તેમના ભાભી (મોટાભાઈના પત્ની) કાદંબરીના સંબંધોની કથા પર આધારિત આ ફિલ્મ છે. કાદંબરી દશ વરસની વયે
પોતાનાથી નવ વરસ મોટા જ્યોતિન્દ્રનાથને પરણીને ઠાકુરવાડીમાં આવી. તે સમયે તેનાથી
બે વરસ મોટો રબિ એકલતા અનુભવતો હતો તેને રમવા, સાચવવાને હ્રદય ખોલવા મિત્ર મળી. આ
વાત શરૂ થાય છે 5 જુલાઈ 1868માં. તે સમયે પણ ઠાકુર કુટુંબમાં સ્ત્રીઓ ઘણી આધુનિક
હતી. ગ્યાનનંદિની જે રવિન્દ્રનાથના મોટાભાઈ સત્યેન્દ્રનાથની પત્નિ હતા. તેણે બંગાળી
સાડી પહેરવાની નવી રીત આપી જે આજે પણ ભારતની મહિલાઓ એ જ રીત અપનાવે છે. બ્લાઉઝની
નવી ફેશન, અને ચણિયો પહેરવાની પ્રથા ગ્યાનનંદીનીએ શરૂ કરી. વિદુષી ગ્યાનનંદિની અને
જ્યોતિન્દ્રનાથ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો હતા. જ્યોતિન્દ્રનાથને પછી ગિરિષ ઘોષની
સાથે થિયેટરમાં કામ કરતી વિનોદિની સાથે પણ મીઠા સંબંધો હતા. તે સમયે પણ જે સ્ત્રીઓ
પોતાનું વ્યક્તિત્વ ખીલવવા માગતી તેને કોઈ અટકાવી શકતું નહીં. જોરાસાંકોમાં બીજી
અનેક સ્ત્રીઓ હતી. પણ ગ્યાનનંદિની, કાદંબરી અને રવિન્દ્રનાથની પત્નિ મૃણાલિની વિશે
જ કંઈક જાણવા મળે છે. બાકીની સ્ત્રીઓએ પરદા પાછળ રહેવાનું જ પસંદ કર્યું. તેઓ
પરંપરાને સ્વીકારીને જીવી. તેમણે આ સ્ત્રીઓની ટીકાઓ કરી. ઈર્ષ્યા કરી પણ પોતાને
શિક્ષિત ન કરી. એ જ દૌર હજી પણ શું નથી ચાલી રહ્યો ? એવો
વિચાર મનને પીડે છે.
રબિ અને કાદંબરી સાથે યુવાન થયા. રબિ જે લખતા તે
પહેલાં કાદંબરીને સંભળાવતા. કાદંબરી ભણી નહોતી પણ સાહિત્યમાં તેની રુચિ હતી. તે
ખૂબ વાંચતી. રબિની કવિતાઓને તે પ્રથમ વિવેચક હતી. કેટલીય વાર તે સમકાલીન કવિઓ સાથે
રબિની કવિતાઓ સરખાવતી. જ્યારે તે ટીકા કરતી કવિતાની તો રબિને ગમતું નહીં. પણ તેઓ
ધ્યાનમાં લેતા જરૂર. કાદંબરી તેમની પ્રેરણામૂર્તિ હતી. મેલેરિયા થતો રહેવાને કારણે
કાદંબરી એકલી પડી રહેતી. તેમના પતિ જ્યોતિન્દ્રનાથને મિત્રો અને મૈત્રિણીઓ અને
કામમાંથી ફુરસદ નહોતી રહેતી. એનું દુખ કાદંબરીને હતું. રબિ અને તેની વચ્ચેના
સંબંધો વિશે બહાર કશું નથી આવ્યું પણ કિશોરાવસ્થાથી યુવાવસ્થાનો કાળ તેમણે સાથે
ગાળ્યો છે. બન્ને વચ્ચે મીઠા સંબંધો હોવાની શક્યતા નકારી શકાતી નથી. કાદંબરીને
બાળક નથી. પોતાના એક જેઠાણીની દીકરી ઊર્મિલાને સાચવીને માતૃત્વની કમી પૂરી કરી લે
છે. પણ અનાયાસે એક દિવસ કાદંબરી બપોરે સૂઈ જાય છે અને ઊર્મિલા બહાર નીકળી જઈ દાદર
પરથી પડી જાય છે. મૃત્યુ પામેલી ઊર્મિલાને લીધે કાદંબરી પર મહેણાં ટોણાંનો વરસાદ
વરસે છે તો તેને પણ આઘાત લાગે છે. ત્યાં જ રવિન્દ્રનાથના લગ્નની વાત શરૂ થાય
છે.
સુધીર કક્કર અને અરુણા
ચક્રવર્તીએ તેમના સંબંધો વિશે લખ્યું છે. 1884ની સાલમાં રવિન્દ્રનાથના લગ્નના ચાર જ
મહિના પછી કાદંબરી ઝેર ખાઈને જોરાસાંકોના પોતાના બેડરૂમમાં આપઘાત કરે છે. તેના
અપમૃત્યુની વાત ઠાકુરબાડીની બહાર જવા દેવામાં આવતી નથી. ફિલ્મની સિનેમેટોગ્રાફી
ફિલ્મને જીવંત કરી તે સમયને તાદ્રશ્ય કરે
છે. તો બિક્રમ ઘોષનું સંગીત હ્રદયને સ્પર્શી જાય છે. કોંકણા, પરમની
કેમેસ્ટ્રી અદભૂત છે. કાદંબરીની સમજ, પ્રેમ, ઈર્ષ્યા, એકલતાને આબાદ કંડારી છે. તો
રવિન્દ્રનાથના વાળ, પહેરવેશ, મિજાજ પરમમાં
વ્યક્ત થાય છે. તો જ્યોતિન્દ્રનાથ તરીકે કૌશિક સેન અને ગ્યાનનંદિની તરીકે તિતસ
ભૌમિક પણ દાદને કાબિલ છે. દરેક રીતે અદભૂત
ફિલ્મ જોયા બાદ તેનો નશો દિવસો સુધી રહે છે. ગુજરાતીમાં આટલી સંવેદનાત્મક,
હ્રદયસ્પર્શી ફિલ્મો નથી બનતી તેનો અફસોસ
જરૂર થાય.
0 comments