બરાબર પાંચ વરસ
પહેલાં આ સ્થાનેથી તમારી સાથે સંવાદ સાધવાની શરૂઆત કરી ત્યારે ખબર નહોતી કે
હકિકતમાં તો હું મારી અંદર રહેલી નારી ચેતનાની સાથે પણ સંવાદ કરી રહી હતી. યોગાનું
યોગ બરાબર ઓગષ્ટ મહિનામાં જ તમને અલવિદા કહેવાનું છે. પાંચ વરસ સુધી તમારી સાથે નારીવિશ્વના અનેક સંદર્ભો જોવા જાણવા મળ્યા. અફઘાનિસ્તાનમાં
તાલિબાની શાસન હેઠળ પણ હિંમત હાર્યા વિના બ્લોગ પર પોતાના મનની વાત કહેતી નારી હોય
કે આફ્રિકામાં સામૂહિક બળાત્કારનો ભોગ બનતી સ્ત્રીઓ હોય કે પછી વિકસીત દેશોમાં પણ
ગ્લાસ સિલિંગનો સામનો કરતી આધુનિકાઓ હોય. દરેક નારી વિષમ સંજોગોમાં પણ પોતાના
અસ્તિત્વની લડત લડી રહી હતી.
શહેરમાં ઊછરેલી
શિક્ષિત નારીઓની માનસિક ગુલામી જોઈને હૃદય કકળી ઊઠતું તો ગ્રામ્ય વિસ્તારની અભણ
આદિવાસી નારીઓનું મુક્ત મન કેટલાય અંતરાયો સહજતાથી પાર કરી શકવા સક્ષમ હોય જોઈને
મન ભરાઈ આવતું. કોલમ લખતી વખતે આજની નારી વિશે તટસ્થતાથી વિચાર કરવાનો મોકો મળ્યો.
એટલું સમજાય છે કે આજની નારી વિકાસ અને ઘટમાળની વચ્ચે અટવાઈ ગઈ છે. કેટલીક જ નારી ખરા અર્થમાં શિક્ષણ મેળવીને વિકાસની તક
ઝડપી શકી છે. તો આજે એકવીસમી સદીમાં ય
ઘરમાં કે બહાર દરેક જગ્યાએ અસલામતી અનુભવે છે.
સ્ત્રીને શરીર તરીકે જ જોવાતી હોય તે સમાજમાં સલામતી કેવી રીતે અનુભવાય ? હા એ ખરું કે આજે જાગૃત નારીઓ અન્યાય, અસલામતી
અને અવહેલના વિરુદ્ધ અવાજ ઊઠાવવાની હિંમત કરી રહી છે. એટલે જ શોષણના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.
અઠવાડિયા પહેલાં માસિકની માનસિકતાની વાત કરી એ જ રીતે મોટાભાગની સ્ત્રીઓ દરેક રીતે માનસિક ઈમેજમાં બંધાઈ ગઈ છે. સ્ત્રી
હોવું એટલે તેનું ધ્યેય હોય પુરુષને ગમે તેવી બનીને રહેવાનું. આમ જોઈએ તો આજની
નારી સબ પે ભારી .... એકે એવું કામ નથી જે આજની સ્ત્રી ન કરી શકે. આજે સ્ત્રીઓ
કારર્કિદી બનાવે. પોતાની કાર ચલાવે, પોતાના ક્રેડિટ કાર્ડથી પોતાના બીલ ભરે,
પોતાને ગમતા ઈલેકટ્રોનિક ગેઝેટ ખરીદે, પોતાના નામે હોમ લોન લઈને ઘર પણ ખરીદી શકે.
રાજકારણ વિશે કે સ્પોર્ટસ વિશે તે દલીલ કરી શકે. પણ જ્યારે લગ્નની વાત આવે તો
પુરુષને ગમતી સ્ત્રી બની રહેવા તૈયાર હશે.
એટલે કે સીધી સાદી સાડી પહેરીને દરેક કામ હસતાં હસતાં અને પતિની મરજીમાં
રહીને કરે એવી. આ છે સિન્ડ્રેલા સિન્ડ્રોમ
અર્થાત કોઈ રાજકુમાર આવીને તેને પરણીને લઈ જાય એટલે બધા જ દુખો ખતમ થાય. આજે પણ તે
જીવવા માટે રાજકુમારના સપના જુએ તો
સ્વતંત્રતાનો અર્થ જ નથી રહેતો. પૈસા કમાઈને લાવતી સ્ત્રી પતિને પૂછ્યા વિના પૈસા વાપરતા પણ ડરશે. પોતાની
ઈચ્છા અનિચ્છા ખુલીને કહેશે ય નહી.
.યાદ છે “કુછ કુછ હોતા હૈ” ની સ્ટોરી. કાજોલ ટોમબોય જેવી હતી ત્યારે
શાહરુખને મિત્ર તરીકે ગમતી હતી. પણ પ્રેમિકા તરીકે ત્યારે જ આકર્ષે છે જ્યારે તે સાડી પહેરીને ફેમિનાઈન રૂપે મળે
છે. આપણી ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી તેનાથી જ ચાલે છે. થોડોઘણો સુધાર
દેખાડાય જેમકે હિરોઈન નાના મોટા પોતાના નિર્ણય લઈ શકતી હોય. તો વળી ક્યારેક
અન્યાય વિરુદ્ધ અવાજ ઊઠાવતી હોય પણ જ્યારે પ્રેમ અને લગ્નની વાત આવે ત્યારે ટ્રેડિશનલ રીતે જ
કરવામાં આવે. માથે સિંદુર અને હાથમાં ડઝન
બંગડીઓ અને શરીર પર અઢળક ઘરેણાં. વળી તે ઘરના દરેકના મન સાચવે પોતાની ઈચ્છાઓની બલિ દઈને.
ત્યાગ કરવા તત્પર હોય તેવી સ્ત્રી તરીકે જ
દર્શાવવામાં આવે. પુરુષને ગમતી સ્ત્રી એટલે સાડી પહેરેલી સબમિસિવ, સેક્સી , શરમાતી
સ્ત્રી.
પાંચેક મહિના પહેલા
બેંગલોરમાં એન્જિનયર તરીકે કારર્કિદીની શરૂઆત કરનાર 24 વરસની ઈન્દુજા પિલ્લાઈએ છાપામાં પોતાના લગ્ન માટે
વરજોઈએ છેની જાહેરાતમાં લખ્યું કે હું એન્જીનયર નથી. ક્યારેય એમએનસીમાં કામ કરવું
ગમતું નથી. ક્યારેય વાળ વધારીશ નહી. ચશ્મા પહેરું છું ત્યારે ડોબી જેવી દેખાઉં છું
અને મને ખરીદી કરવાનો કે ટીવી જોવાનો શોખ નથી. સામે છોકરો એવો જોઈએ કે જે પોતાની
નોકરીને ધિક્કારતો ન હોય, સારો અવાજ અને પર્સનાલિટી ધરાવતો હોય. અર્ધો કલાક સુધી
વાતચીત કરી શકવાની ક્ષમતા ધરાવતો હોય અને પોતાના કુટુંબના મોહમાં ન હોય. આવી હિંમત
કરી શકે તે માટે અનેક સ્ત્રીઓએ તેની સરાહના કરી તો હજારો લોકોએ તેનો પ્રોફાઈલ
વાંચ્યા છતાં માંડ ડઝનેક છોકરા તેને વાત કરવા યોગ્ય લાગ્યા. જો કે તેને હજી ભારત
ભ્રમણ કરવું છે લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી.
અનેક છોકરીઓએ લખ્યું કે મારે પણ આ જ કહેવું છે પણ મારા પરિવાર વાળા મને મારી જ નાખે. તો
કેટલીક સ્ત્રીઓએ કહ્યું કે વીસ વરસ પહેલાં હું આવું વિચારતી હતી. પણ વ્યક્ત
ક્યારેય ન કરી શકી.
આજે પણ મોટાભાગનો સમાજ દીકરીઓને તેનું વ્યક્તિત્વ ખરા અર્થમાં વિકસાવવાનો
મોકો આપતો નથી. મેરેજ મટેરિયલ માટે એક બ્રાન્ડ ઊભી કરે છે. ગોરી, દેખાવડી,
ઘરરખ્ખુ, સંસ્કારી જે ભણેલી ગણેલી તો હોય પણ સાસરામાં બધાને સાચવી લે. સાથે પતિની
સાથે પાર્ટિમાં મ્હાલે.. પોતાના
વ્યક્તિત્વને સાચવવાની તમા ન રાખે. આશા રાખીએ કે ઈન્દુજા જેવી આજની નારીઓની સંખ્યા
વધે જે સ્વની શોધ સાથે સલામતી અને સ્વતંત્રતાનો અનુભવ કરે. અનિવાર્ય સંજોગોને
કારણે આ કોલમ બંધ થાય છે. આપ સૌ
વાચકમિત્રોએ મને મેઈલ ધ્વારા, ફોન ધ્વારા પ્રોત્સાહન આપ્યું તે માટે આભાર....
- 22:10
- 1 Comments