દૃષ્ટિકોણ બદલવાથી જગત બદલાય 21-01-16
09:01મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશ આપવો જોઈએ. પૂજાનો અધિકાર મળવો જ જોઈએ તેની ચર્ચાઓ નવા વરસની શરૂઆતથી જોર પકડી રહી છે, પરંતુ સમજ્યા વિચાર્યા વિના વાદે ચઢીને અન્યાયની સામે લડવાની વાત કરવાના દિવસો ગયા. પિતૃસત્તાક માનસિકતા સામે આપણી આગળની પેઢીએ લડત ચલાવી સાથે વિષમ પરિસ્થિતિઓમાંથી માર્ગ કાઢી આપણા માટે એક રસ્તો તૈયાર કરી આપ્યો. શિક્ષણ માટે કે બહાર જઈને કામ કરવું આજની નારી માટે એટલું અઘરું નથી. અનેક સામાજિક સંસ્થાઓ, સરકારી યોજનાઓ અને આસપાસની પરિસ્થિતિ બદલાઈ છે. હા કેટલીક જડતાઓ હજુ પણ છે. તે એવી નથી કે હવે કોઈ સ્ત્રીની શક્તિને રોકી શકે. પિતૃસત્તાક માનસિકતાને કારણે કામના સ્થળે ગ્લાસ સિલિંગનો પણ સામનો કરવો પડે છે તે વાત સાચી. તે છતાં કશું જ ન કરી શકાય તેવી કઠિન પરિસ્થિતિ નથી રહી. કેટલોક પુરુષવર્ગ જ હવે એ જ સદીઓ પુરાણી માન્યતાઓને વળગી રહ્યો છે. તેની સામે લડીને શક્તિ વેડફવા કરતાં જે બદલાયું છે તેના તરફ જોવું જોઈએ. હવે જરૂર છે આપણી વિચારધારા બદલવાની.
એકાદ બે મંદિરમાં પ્રવેશ ન આપે તેનાથી કોઈ મોટો ફરક નથી પડી જતો. આજે કેટલીય સ્ત્રીઓ પુરોહિત તરીકે લગ્ન કરાવે છે, કથાઓ કરે છે, વેદપાઠ કરે છે, હોમહવન પણ કરાવે છે. તિલોત્તમા જાની નામે મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા એક ગૃહિણી જેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો તેમણે લગભગ પચ્ચીસેક વરસ પહેલાં સ્વ.ડો મનુ કોઠારીના પુત્રના લગ્ન કરાવ્યા હતા. વળી તે લગ્નની વિધિને તેમણે આપણી પરંપરા અને પર્યાવરણ સાથે સમજાવી હતી. તિલોત્તમા જાનીએ એક મુલાકાતમાં મને કહ્યું હતું કે આપણી શાસ્ત્રોક્ત વિધિમાં પાંચ વૃક્ષ વાવીને ઉછેરવાની જવાબદારીનું વચન વરવધૂએ લગ્ન સમયે લેવાનું હોય છે. તેનાથી આસપાસનું વાતાવરણ સચવાય અને પર્યાવરણ જળવાય. લગ્નની વિધિમાં જ જીવનને સમજવાના અનેક પાઠ હોય છે. તેમાં ફક્ત વરને આધિન થવાના કે છોકરીએ સાસરાપક્ષને જ સુખી રાખવાની વાત નથી. પારકી દીકરી જે તમારા ઘરમાં આવે છે તેને અનુકૂળ વાતાવરણ આપવાની વાત પણ છે. તેને લક્ષ્મી સમજી આદર સન્માન આપવાની વાત પણ છે. વર-વધૂએ બન્નેએ એકબીજાની ખામી સ્વીકારી એકબીજાને અનુકૂળ થવા સાથે એકબીજાનો વિકાસ સાધવાનો ધ્યેય નક્કી કરવાનો હોય છે. એકબીજા સાથે પરિવાર-સમાજના વિકાસમાં પણ ફાળો આપવાનો હોય છે. સમાજ આપણા દ્વારા જ તો બને છે.
આજે સ્ત્રીએ પુરુષ સમોવડા થવાના વાદ કરવાની જરૂર છે ખરી? પોતાના વ્યક્તિત્વનો સ્વીકાર કરવાની જરૂર છે. પોતાનું આકાશ અને ધરતી ઊભા કરવાના છે. ક્યાં સુધી બીજાની આપેલી સ્વતંત્રતા પર નભવાની વૃત્તિને પોષવાની. આપણને એકાદ બે મંદિરના પ્રવેશની પરવાનગી માટેના પરવાનાની જરૂર નથી. મંગળ પર યાન મોકલાય તેમાં સ્ત્રીઓએ કામ કર્યું છે. ટેક્નૉલોજી હોય કે કલાક્ષેત્ર હોય દરેક ક્ષેત્રોએ સ્ત્રીઓએ પોતાની જાતને પુરવાર કરી છે. વળી પુરુષોને જન્મ આપનાર પણ સ્ત્રી જ છે એ ન ભૂલવું જોઈએ. ભવિષ્યના પુરુષના વિચારો બદલવાની શક્તિ આપણામાં છે. આજે અનેક પુરુષો બદલાયા છે તેમાં માતા અને બહેનોનો ફાળો છે. કેટલીય સ્ત્રીઓ આજે પણ રજસ્વલા થાય તો તેને શરમજનક કે પાપ ગણે છે. પોતે ખરાબ છે કહીને ઘરમાં વાવેલા તુલસી પર પાણી નહીં નાખે. પોતે જ દીવો નહીં કરે કે મંદિરમાં નહીં જાય. હા માસિક વખતે શારીરિક તકલીફો થઈ શકે છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવાની જરૂર છે, પણ તેમાં શરમાવાની કે પોતાને ખરાબ માનવાની જરૂર નથી. પોતાના શરીરનો સ્વીકાર સ્ત્રી પોતે જ નહીં કરે. કુદરતે જે આપ્યું છે તેને સહજતાથી નહીં સ્વીકારીએ તો સમાજ તમને કઈ રીતે સ્વીકારશે? સમાજમાં પચાસ ટકા સ્ત્રીઓ છે તે સમજવાની જરૂર છે. સમાજ ફક્ત ને ફક્ત પુરુષોનો નથી બન્યો. અને પુરુષોને જન્મ આપનાર પણ આપણે જ છીએ. એ વિચારોને દૃઢ કરવાની જરૂર છે. એટલે સમાજને બદલી શકવાની શક્તિ પણ આપણામાં છે. એ દરેક વ્યક્તિ જાણે છે. જીવનમાં જે નિર્ણયો લઈએ કે કામ કરીએ તેની અસર આખા સમાજ પર થતી હોય છે. સ્વસ્થ અને સ્વતંત્ર વિચારો ધરાવતી સ્ત્રી સ્વસ્થ અને સમાન વિચારો ધરાવતો સમાજ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે સમાજની જન્મદાત્રી સ્ત્રી પોતે જ છે.
1 comments
Khub Saras
ReplyDelete