આદમ, ઈવ અને સફરજન

04:01



વરણાગી રાજા - દિવ્યાશા દોશી (mumbai samachar)


લગ્નબાહ્ય સંબંધો યોગ્ય કે અયોગ્ય ? એ વિચાર કરતાં આદમ અને ઈવની વાર્તા યાદ આવી. પૃથ્વી પર માનવ વસ્તીની શરૂઆત કઈ રીતે થઈ તે વિશે અબ્રાહમ દ્વારા ઊભો કરવામાં આવેલા ધર્મમાં માનવઉત્પત્તિની વાત છે કે આદમ અને ઈવને ભગવાને બનાવ્યા સ્વર્ગ જેવી ધરતી પર રહેવા માટે. પણ તેમણે સફરજન જે નહોતું ખાવાનું તે ખાઈને પોતાના માટે દુખો ઊભા કર્યા. બુક ઓફ જેનેસિસ (હિબ્રુ બાઈબલ) માં વાર્તા છે કે ઈશ્ર્વરે માટીમાંથી પુરૂષનું સર્જન કર્યું અને પછી તેને એકલતા ન લાગે એ માટે પુરુષની જ પાંસળીમાંથી તેના માટે સાથીદાર બની રહે તેવી સ્ત્રીનું સર્જન કર્યું. ઈશ્ર્વરે તેમને ઈડન ગાર્ડનમાં આનંદ કરવા માટે મૂક્યા. એ ગાર્ડન માં અનેક વૃક્ષો અને ફળફૂલ છે. પણ એક વૃક્ષનું ફળ ખાવાની ઈશ્ર્વરે ના પાડી હતી. હવે માનવને જે ના પાડી હોય તે તરફ જ વધુ મન ખેંચાય એ માનસિકતા સદીઓથી રહી હશે એવું માનવું રહ્યું. આદમ અને ઈવે એ વૃક્ષનું ફળ સફરજન ખાધું. તેમણે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું માટે સ્વર્ગ જેવા ઈડન ગાર્ડનમાંથી દુ:ખદાયી દુનિયામાં જવું પડ્યું. એ આદમ અને ઈવના આપણે વંશ જ હોઈએ તો આજે પણ ન કરવાના કામ કરીએ છીએ અને દુ:ખી થઈએ છીએ એવું કહી શકાય.સફરજનને અહીં આકર્ષણ - મોહ કહી શકાય. લગ્ન સંસ્થા પહેલાં નહોતી. હજી કેટલીક આદિવાસી જાતિઓમાં પણ નથી. લગ્ન સાથે એકબીજા પ્રત્યેની જવાબદારી અને પ્રતિબદ્ધતા આપમેળે જ વણાઈ જાય છે. તે છતાં આકર્ષણ અને રોમાંચ માટેની લાલચ ઓછી નથી થતી.લગ્ન માં એવી કોઈ સ્વિચ નથી કે તમને બીજી કોઈ વ્યક્તિ સારી ન લાગે એ રીતે ઓફ્ફ કે ઓન કરી શકો. હા પ્રેમમાં એવું હોય છે ખરું કે કાળી લૈલા પણ મજનૂને પરી જેવી સુંદર લાગી શકે. લૈલા મજનૂના લગ્ન થતાં નથી કે રોમિયૉ જુલિયૅટના લગ્ન નથી થતાં જો થયા હોત તો રોમિયો અને મજનૂ લગ્ન ના થોડા વરસો બાદ બીજી કોઈ સ્ત્રી પ્રત્યે ન આકર્ષાયાં હોત એવું કહી શકાય ખરું? કોઈ ધર્મ કે સામાજિક સંસ્કૃતિમાં લગ્ન બાહ્ય સંબંધોને અનુમોદન અપાતું હોય તેવું જાણ્યું નથી અને જો અપાતું હોય તો ય પણ માનવની માનસિકતાનું શું? હા પુરુષો એક કરતાં વધુ લગ્ન જરૂર કરી શકે છે.

સ્ત્રીઓને એવો અધિકાર કેમ નથી? એ વિશે ખુલાસાની અહીં જરૂર નથી. કારણ સૌ કોઈ સમજે જ છે. આજે જો કોઈ કહે કે લગ્નબાહ્ય સંબંધોમાં નથી માનતું તો તે વ્યક્તિઓમાં મોટેભાગે હિંમત નથી હોતી સત્ય કબૂલવાની કે પછી બદનામીના ડરનું કારણ હોય છે. ખાનગીમાં દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે જીવનમાં રોમાંચ અને રોમાન્સ. લગ્ન કરતાં પણ સ્ત્રી પુરુષના આકર્ષણ માટે કહી શકાય કે લાકડાનો લાડુ ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય એવું મોટાભાગની વ્યક્તિ જરૂર અનુભવતી હશે. સમાજશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો માનવે સમાજની રચના કરી ત્યારબાદ આધિપત્ય -પઝેશનનો ભાવ આવ્યો. લગ્ન બાદ સ્ત્રી પુરુષ એકબીજા માટે પઝેસિવ બની જાય છે. બીજી સ્ત્રી કે પુરુષનો સ્વીકાર થઈ શકતો નથી. હા આર્થિક અવલંબનના કારણોસર સ્ત્રીઓ જરૂર પતિના અન્ય સંબંધો ચલાવી લેતી હોય છે. સ્વતંત્ર વિચારધારા ધરાવતા સમાજમાં કે લિવ ઈન રિલેશનશિપમાં પણ

બન્ને વ્યક્તિઓ કમિટમેન્ટની અપેક્ષા રાખતા જ હોય છે. જો પઝેસિવ ભાવ ન હોય તો કોઈ સમસ્યા રહેતી જ નથી. સમસ્યા આધિપત્ય અને ઈર્ષ્યાને કારણે ઊભી થાય છે. માનવજાત સિવાય

પ્રાણીસૃષ્ટિમાં હંસ અને હંસલીના પ્રેમની વાતો મશહુર છે. હાલમાં જ સંશોધકોએ જાણ્યું કે હંસ પણ પોતાના પાર્ટનર સાથે ક્યારેક અનફેઇથફુલ બને છે. આકર્ષણની સામે હાર્યા વિના ફેઈથફુલ રહેવું સહેલું નથી હોતું.

આપણે ક્યારેય લગ્ન બાહ્ય સંબંધો વિશે ચર્ચા કરવાનું યોગ્ય નથી સમજતા. મોટેભાગે આ વિષય ફિલ્મો, ટીવી ધારાવાહિકમાં કે સમાચાર-ગોસિપમાં આવે ત્યારે ટીકા કરીએ છીએ. અરરરરર..... જુઓ તો કેવું થયું એ કહીને રહી જઈએ છીએ. ને જો ચર્ચા થાય ત્યારે પણ ઉપરછલ્લી જ થાય. કારણ કે કોઈ પોતાના પ્રયત્નોની કે અનુભવોની વાત નહીં કહે. ચર્ચામાં પણ સામાન્યપણે કહેવાશે કે ભારતમાં પશ્ર્ચિમ જેવું નહીં કે અમેરિકા જેવું નહીં. અહીંયા આ બધું આવ્યું તે ય વેસ્ટર્ન કલ્ચરની દેખાદેખી, અહીંયા તો કેટલીય પંચાત થાય ગામમાં રેવું ય ભારે પડે, સમાજ પણ તરછોડે વગેરે કહેનારને સાંભળનાર બન્ને આ શબ્દોની પોકળતા જાણતા હોય છે. વિશ્ર્વભરમાં દર ત્રણમાંથી એક પુરુષ લગ્નબાહ્ય સંબંધો ધરાવે છે તો દર ચારમાંથી એક સ્ત્રી લગ્નબાહ્ય સંબંધો ધરાવે છે. ભારત હોય કે કોઈપણ દેશ હોય સ્ત્રી-પુરુષને વાત કરવાની કે મળવાની શક્યતા હોય ત્યાં આકર્ષણનું વૃક્ષ દેખાશે જ અને તેના ફળ ખાવા લલચાવશે. પહેલાં ઘરમાં, સંબંધીઓમાં અને ગામની જ વ્યક્તિઓ સાથે આવા સંબંધો રચાતા. મારી હેલ ઉતારો રાજ.... કહેણનો અર્થ છે કે જ્યારે કોઈ સ્ત્રી પુરુષના પ્રેમમાં પડે ત્યારે કૂવેથી પાણી ભરીને પુરુષના ઘર આગળ આવી ઊભી રહેને પેલો પુરુષ સ્ત્રીના માથેથી બેડું ઊતારે તો પેલી સ્ત્રી પુરુષના ઘરમાં બેસી જાય.નહીં તો પાછી વળી જાય. આમાં સ્ત્રી અને પુરુષ બન્ને પરિણીત હોય અને લગ્નબાહ્ય સંબંધ ઈચ્છતા હોય એવું પણ અનેકવાર બનતું કે પછી પુરુષ પરિણીત હોય અને સ્ત્રી કુંવારી હોય કે પછી તેનાથી વિપરીત હોય. નાતરે જવું શબ્દ પણ છે. તેમાં પરિણીત સ્ત્રી ઘર-વર-છોકરા છોડી બીજા પુરુષના ઘરે રહેવા લાગે ત્યારે નાતરે ગઈ એવો રૂઢિ પ્રયોગ થતો હોય છે. અમારા જ ગામમાં આવો પ્રસંગ બન્યો હોવાનું મેં બાળપણમાં સાંભળ્યું છે.

આ બધું જ દર્શાવે છે કે ત્યારે પણ લગ્નબાહ્ય સંબંધો હતા કેટલાક સંબંધો ફક્ત મનમાં જ રહી જતા હશે તો કેટલાક આ રીતે બધા જ બંધનો તોડી ફક્ત પોતાના માટે જીવન જીવવામાં માનતા હશે. આપણે જેમ અન્ય બાબતોમાં વિકાસ કર્યો. ટેકનોલોજી આવી તેને સ્વીકારી તે રીતે લોકોની માનસિકતા પણ બદલાઈ રહી છે. એટલે જ ટેકનોલોજી દ્વારા સંબંધો ઘર-ગામથી નીકળીને દુનિયાના કોઈપણ ખૂણાના વ્યક્તિ સાથે બંધાઈ શકે છે.

નહેરુથી લઈને બિલ ક્લિન્ટન સુધી કોઈપણ પ્રતિભાવંત કે બુદ્ધિશાળી પુરુષ આકર્ષણના આક્રમણથી બચી શકતો નથી. બદલાયેલી માનસિકતામાં હવે ઓપન મેરેજની વાત પણ આવે છે. જેમાં પતિ-પત્નીને પોતાના સાથીના લગ્નબાહ્ય સંબંધોનો કોઈ વાંધો ન હોય. કોઈપણ સંબંધો જો કે છેવટે તો કમિટમેન્ટ માગે છે ત્યારે તકલીફો ઊભી થાય છે. ઓપન મેરેજ હોવા છતાં ત્રીજી વ્યક્તિ કમિટમેન્ટ માગે તો પરિસ્થિતિ પીડાદાયક બને છે.

હજી હાલમાં જ બ્રિટિશની સૌથી પ્રચલિત ઈલ્લિસીટએન્કાઉન્ટર ડેટિંગ વેબસાઈટે એક સર્વે કર્યો તેમાં જાણવા મળ્યું કે વેબસાઈટનો ઉપયોગ કરનારા પોતાના પાર્ટનરના અગાઉના દશ સંબંધોનો સ્વીકાર કરવામાં વાંધો નથી. આમાં સ્ત્રી અને પુરુષ બન્ને આવી જાય છે. આપણે ત્યાં સ્ત્રીઓ પોતાના પતિના સંબંધો સ્વીકારે છે, બીજી પત્ની તરીકે કે ઉપવસ્ત્ર તરીકે પણ સંબંધોનો સ્વીકાર કરે છે. કારણ તે આર્થિક રીતે પતિ પર અવલંબિત હોય છે કે પછી બાળકો માટે. પૈસાદાર હોય તો પતિ કે પત્ની આવા સંબંધોનો સ્વીકાર કરી શકતા નથી કારણ કે કમિટમેન્ટ અને પઝેસિવ સ્વભાવના પ્રશ્ર્નો ઊભા થાય છે. પાંચ પતિ ધરાવતી દ્રૌપદીને પણ અર્જુનના બીજા સંબંધોથી દુ:ખ હતું એવું મહાભારતની કથામાં ઉલ્લેખ છે જ. કૃષ્ણ અને રાધા ભાવમાં પણ બીજા કોઈની સાથે તો તમે નહોતા ને? એવા ભાવના ગીતો

રચાયા છે. ગમતી અણગમતી રાણીઓની વાતો મશહૂર છે. આ બધું જ દર્શાવે છે કે પ્રેમમાં બે વ્યક્તિ જ હોય ત્રીજાનો પ્રવેશ ન હોય તેવું ઈચ્છવામાં આવે છે. પ્રેમ ગલી અતિ સાંકડી એવું વારંવાર

કહેવાયું છે.

લગ્નબાહ્ય સંબંધો યોગ્ય કે નહીં તે ચર્ચાઓ વિદેશોમાં થતી રહે  છે. તો આ વિશે અનેક સંશોધન પણ થતાં રહ્યા  છે. તે છતાં  લગ્નબાહ્ય સંબંધો યોગ્ય કે નહીં  તે વિશે  હજી સુધી કોઈ એકને એક બે એમ સ્પષ્ટ રીતે કહી નથી શક્યું. અને કહી શકે એમ નથી.  આદમ, ઈવમાં આ સફરજન નામનું આકર્ષણ તત્ત્વ ડીએનએમાં વણાયેલું છે. કોઈમાં ઓછું તો કોઈમાં વધુ તો કોઈમાં ન યે હોય. આ ન હોવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. આ સંબંધોનું સમીકરણનો ગૂંચવાડો કોઈ અભ્યાસી ઉકેલી શક્યા નથી.

દરેક કિસ્સા અને દરેક વિચારો જુદા છે. જેમ પહેલાં જ કહ્યું તેમ હવે એવો પણ વર્ગ ઊભો થઈ રહ્યો છે જે આજમાં જીવવા માગે છે. તેને પોતાનું સુખ જતું નથી કરવું. તેમણે દરેક આનંદ, સુખ માણી લેવા છે. તો કેટલાક ગુનાહિતતાનો ભાવ અનુભવતા માનસિક સમસ્યાઓમાં ઘેરાયેલા રહે છે. માનવના જન્મથી ચાલી આવતી આ સમસ્યા માનવજાત રહેશે ત્યાં સુધી રહેશે. રોબોટયુગ આવશે તો માણસ રોબોટમાં પણ આ સંવેદનાઓ મૂકશે અને મશીનને પણ દિલ તૂટ્યાની પીડા અનુભવાશે તેવી કલ્પનાઓ કરીને વાર્તાઓ લખાઈ ચૂકી છે. ફિલ્મો બની ચૂકી છે એ દર્શાવે છે કે માણસજાતને આ મળવા-છૂટા પડવાની સંવેદનાઓનો રોમાંચ ગમે છે અને તેને પોતાના બાદ પણ જીવંત રાખવાના પ્રયાસો કરશે.

You Might Also Like

0 comments