સાગરની લહેરો પર થઈને સવાર ઈશાએ લીધી હાથમાં પતવાર (mumbai samachar)
05:41
ટૂંકા વાળ, ટીશર્ટ અને શોર્ટ્સમાં ૧૮ વરસની યુવાન લાગતી ઈશા જુલાઈના અંતમાં જ બોટ રેસ જીતીને આવી અને આવતા મહિને માસ્ટર્સ કરવા માટે લંડન જતાં પહેલાં મુંબઈ પોતાની નાનીને મળવા આવી છે. ઈશા ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓની ઘણી નવલકથા લખનાર સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યની પુત્રી અને આપણાં જાણીતાં વાર્તાકાર ઈલા આરબ મહેતાની પૌત્રી છે. ગુણવંતરાય આચાર્યએ તો કાલ્પનિક કથા દ્વારા દરિયો ખેડવાનું સાહસ કર્યું હતું પણ તેમની ચોથી પેઢી ઈશાએ જાતે એવું સાહસ કરીને તેમનું નામ રોશન કર્યું છે. મૂળ બેલ્જિયમમાં રહેતા મહેતા પરિવારની ઈશાની સાથે હાથ મેળવો તો તેના રફટફ હાથની પકડ સેઈલિંગ સાહસની ચાડી ખાય છે. ઈશાએ બાયો સાયન્સમાં ગ્રેજયુએશન કર્યું છે ત્યાર પછી એણે હોસ્પિટલમાં અનુભવ લેવા માટે કામ કર્યું ત્યારે એને સમજાયું કે તેને બીમાર માણસો સાથે કામ કરવું નહીં ફાવે એટલે તેની સામે પ્રશ્ર્ન હતો કે શું કરવું ? દરમિયાન તેણે એકવાર ફેસબુક પર પોતાના એક મિત્રએ પ્રોફેશનલ સેઈલિંગ રેસ જીતી હતી તેને એમાં રસ પડતાં તે મિત્રના સેઈલિંગને ફેબી પર ફોલો કરવા લાગી. તેને પાણી ગમે છે. બાળપણ ઈઝરાયેલમાં વીત્યું હોવાથી તરવાનું અને સ્કૂબા ડાઈવિંગ તેને ગમતો શોખ છે. જીવનમાં શું કરવું તેે સૂઝતું ન હોવાથી તેને થયું કે કંઈક હટકે કરીએ, એકાદું સાહસ જ કરી જોઈએ. બસ તેણે તો ક્લિપર રેસિંગ આવી રહી હોવાથી તેમાં ભાગ લેવા માટે અરજી મોકલી દીધી. આ એમેચ્યોર બોટ રેસિંગમાં ક્રૂ તરીકે કોઈપણ વ્યક્તિ ભાગ લેવા માટે અરજી કરી શકે. તમારી અરજી સ્વીકારવામાં આવે તો ચાર મહિનાની ટ્રેઈનિંગ લેવાની હોય ફરજિયાત. એ ટ્રેઈનિંગમાં પાસ થયા બાદ તમને એક વરસ ચાલતી બોટ રેસમાં એકાદી બોટમાં તમને ભાગ લેવાની તક મળે. આ પહેલાં ઈશાને ક્યારેય બોટ સેઈલિંગનો અનુભવ નહોતો.
ઈશાએ જ્યારે ટ્રેઈનિંગ માટે જવાનું હતું ત્યારે ઘરમાં વાત કરી. ઈશાની મમ્મી સોનાલી અને પપ્પા ચેતનભાઈને બીજો કશો વાંધો નહોતો પણ છોકરી હોય અને મધદરિયે જવાનું હોય જ્યાં ક્યારેક ભયંકર તોફાનોનો સામનો કરવાનો હોય એટલે સહજ ચિંતા થાય તે સ્વાભાવિક છે. સોનાલી એટલે ભારતની પહેલી લિરિલ ગર્લ. એ જમાનામાં એટલે કે ત્રીસેક વરસ પહેલાં બિકિની પહેરીને જાહેરખબર કરવી એ પણ એક સાહસ જ કહેવાય. ગુજરાતી સમાજમાં ત્યારે ચર્ચાનો વિષય બની હતી. આમ, સાહસ તો ઈશાના લોહીમાં જ હતું એટલે ચિંતા થતી હોવા છતાં દીકરીને એક વરસ માટે દરિયો ખેડવાની મંજૂરી આપી. ઈશાને હવે મંજૂરી લેવાની હતી દાદા, દાદીની. તેને હતું કે તેઓ ના પાડશે. પણ તેમણે તો આવું સાહસ કરવાની હિંમત કરવા બદલ બિરદાવી. બસ પછી તો ચાર મહિના તેણે બોટ સાફ કરવાની, બોટ પર રહેવાની, બોટના સુકાન સંભાળવાની, જમવાનું બનાવવાની અને તોફાનમાં કઈ રીતે બોટને સંભાળવી વગેરે અનેક જાતની ટ્રેઈનિંગ લીધી.
ઓગસ્ટ ૨૦૧પના રોજ બાર બોટ લંડનથી સાત સાગર પાર કરીને પાછા લંડન આવવાની રેસ શરૂ થઈ હતી. આ રેસ દરમિયાન દુનિયામાં જુદા જુદા કિનારાઓ પર આઠ હોલ્ટ કર્યા બાદ પાછા લંડન પહોંચવાનું હતું. બરાબર વરસે જુલાઈમાં પાછા ફરવાનું. ઈશા તે સાહસ વિશે વાત કરતાં કહે છે કે, ‘ દરિયો દૂરથી જોવો અને તેને ખેડવો એ બે તદ્દન જુદા અનુભવ છે. તેમાં પણ રેસમાં હો ત્યારે ગમે તે પરિસ્થિતિમાં પણ તમારે કેટલુંક અંતર કાપવાનું જ હોય છે. તમે ક્યાંય અટકી ન શકો. હા ક્રૂ મેમ્બર તરીકે તમે કેટલો સમય રેસમાં ભાગ લેવો છે તે નક્કી કરી શકો. કેટલાક બે મહિના કે છ મહિના પણ બોટ પર આવીને જાય. પણ મેં નક્કી કર્યું હતું કે મારે પૂરો અનુભવ લેવો છે. સઢવાળી યાટ્ઝ બોટ જ્યારે તોફાન ન હોય ત્યારે તો અદ્ભુત લાગે પણ હવા ફુંકાયને દરિયો હિલ્લોળે ચઢે ત્યારે સઢના સુકાન સંભાળવાના, બોટની ગતિ સાથે તેનું બેલેન્સ સંભાળવા ખૂબ જ ત્વરિત નિર્ણયો લેવા પડે. બોટના તૂતક પર હો ત્યારે સતત તમારે ગળામાં લાઈફ સેવર જેકેટ પહેરી રાખવાનું અને દોરીથી બંધાઈને રહેવાન,ું કારણ કે ઊંચા ઊછળતાં મોજાંમાં ગમે તે ક્ષણે તમે દરિયામાં પડી જઈ ખોવાઈ જાઓ. એવું ન બને તે માટે કેટલીક તકેદારીઓ લેવી પડે. તેમાં પણ પેસિફિક સાગરમાં ઈલેકટ્રિક સ્ટોર્મ ખતરનાક હતું. તેમાં વીજળીઓથી બચવાનું હતું નહીં તો બોટ ખતમ જ સમજો. એ સ્ટોર્મ એટલું ખરાબ હતું કે લગભગ દરેક બોટને થોડું ઘણું નુકશાન તો થયું જ. વળી બોટ પર ખાવાનો કે સૂવાનો સમય કંઈ નક્કી ન હોય. ખરાબ મોસમ શરૂ થાય કે તરત જ જે હાલતમાં હો તે હાલતમાં તૂતક પર પહોંચી જવાનું. કેટલીકવાર ખૂબ ગરમી હોય તો કેટલોક વખત ખૂબ ઠંડી હોય. તેમાં પણ જ્યારે ઠંડી હોય અને મોજાં ઊછળતાં હોય ત્યારે ભીના પાણીમાં કામ કરવાનું ખૂબ અઘરું હતું.’
રેસમાં કુલ ૧૨ બોટ હતી. તેમાંય રેસ પૂરા થ્ાવાના છેલ્લા ૧૨ કલાક રસાકસીના હતા. તેમની બોટ બીજા નંબરે આવેલી બોટની લગોલગ લહેરો પર દોડી રહી હતી. ફક્ત ૪૬ સેક્ધડથી તેમની બોટ પહેલા ક્રમાંકે આવી ત્યારે ઈશાની મમ્મી જે હજી રસ્તામાં જ હતી તે જોરથી યા...હુ કરીને ચીસ પાડી ઊઠી હતી.
સમુદ્રોના તોફાનમાં મૃત્યુનો ભય લાગ્યો હતો? કે પછી ક્યારેય એવું થયું કે શું કામ આવું સાહસ કરવા આવી ? સવાલ સાંભળતાંવેંત ઈશા બોલી પડે છે, ‘ નો, વે..તમે માનશો નહીં પણ મને સી સિકનેસ છે. બોટ પર એડજસ્ટ થતાં મને વાર લાગતી પણ તે છતાં ક્યારેય રેસ અધવચ્ચે છોડવાનું મન ન થયું. દુનિયાથી દૂર દરિયામાં રહેવાનું એટલું સારું લાગતું હતું કે હવે મને દુનિયાના આપણે કેટલી પોલ્યુટેડ કરી છે તે દેખાય છે. અને મૃત્યુનો ભય તો કદી ય નથી લાગ્યો, તોફાન હોય ત્યારે બોટને અને જાતને બચાવવા માટે એટલા કામ કરવાના હોય કે કોઈપણ જાતનો વિચાર કરવાનો સમય ન હોય એટલે ડર લાગે છે કે નહીં તે પણ વિચાર ન આવે. અને તોફાન પતે ત્યારે તો એટલા થાકી ગયા હો કે પછી પણ કોઈ વિચાર ન આવે. વળી રેસમાં તો પાછા પડવાનો કે નેગેટિવ વિચાર કરવાનો જ ન હોય. બસ જીતને જ લક્ષ્યમાં રાખીને જાગૃત રહીને મંડી પડવાનું હોય દોડમાં. ગતિ તમારા લોહીમાં, મગજમાં સવાર થાય તો જ રેસમાં ભાગ લઈ શકાય. કેટલાક લોકો થાકી, હારીને અધવચ્ચે છોડીને જતાં રહેતા તે જોઈને થતું કે સાહસ કરવું એટલે લીધેલું કામ ગમે તે થાય બસ પુરું તો કરવું જ. આજે વિચારું છું તો લાગે છે કે સારું જ થયું મેં આ રીતે દરિયામાં ઝંપલાવ્યું. આવો અનુભવ ખૂબ થોડી વ્યક્તિઓ લઈ શકે છે. દરિયાના તોફાન ગજબના હોય છે તો તેની સુંદરતા પણ અપ્રતિમ હોય છે. બન્ને છટા જોવાનો અનુભવ લેવો હોય તો દરિયામાં દુનિયાની પ્રદક્ષિણા કરવી જોઈએ. ’
ઈશા હવે ફોરેન્સિક સાયન્સમાં માસ્ટર્સ કરશે અને હા તે દરમિયાન બીજા અનેક જુદાં જુદાં સાહસો કરવાની ઈચ્છા ધરાવે છે. ઈશા માને છે કે છોકરી તરીકે વિચારવું મારા સ્વભાવમાં નથી અને તે માટે જવાબદાર છે મારા ઘરનું વાતાવરણ જેમાં મને એક વ્યક્તિ તરીકે વિચારવાની અને જીવવાની પ્રેરણા મળે છે.
0 comments