ઝખ્મી દિલોં કા બદલા ચુકાને આયે હૈં દિવાને..
22:36સદ્દામ હુસેનને માનવતાનું મર્ડર કરવા માટે ઈરાકી - અમેરિકન બેઝ કેમ્પમાં ૨૦૦૬માં ફાંસી આપવામાં આવી હતી. સદ્દામે ૧૯૮૨ની સાલમાં દુજૈલ ગામમાં ૧૪૮ શિયાઓની કત્લેઆમ કરાવી હતી. ઓસામા બિન લાદેને તાલિબાનનીસાથે કત્લેઆમ કરી આતંક મચાવ્યો હતો એટલે અમેરિકાએ પાકિસ્તાનમાં છુપાઈને બેસેલા ઓસામા બિન લાદેનને શોધીને મારી નાખ્યો હતો. તો પછી હિટલરના શાસનકાળમાં નાઝીઓએ યહૂદીઓની લાખોની સંખ્યામાં (લગભગ ૬૦લાખ) કત્લેઆમ કરી હતી. તેમાં નિમિત્ત બનનારા અનેક લોકો ભાગીને છુપાઈને જીવી રહ્યા છે તો અનેક લોકો હજી સુધી પકડાયા નથી. માનવીય હત્યાકાંડને સિત્તેર વરસ થયા છતાં હજી પણ નાઝીઓને શોધીને તેના પર કેસ ચાલી રહ્યો છે તેવું કોઈ કહે તો માનવું અઘરું લાગે.
માનવતા પર થયેલો જબરદસ્ત કુઠારાઘાત તે યહૂદીઓની કત્લેઆમ. આ પૃથ્વીના પટ પરથી યહૂદીઓને ખતમ કરી નાખવાની પેરવી કરવામાં આવી અને કત્લેઆમ કરવા માટે ગેસ ચેમ્બર્સ અને ટોર્ચર કેમ્પની ઈન્ડસ્ટ્રી ચાલી રહી હતી એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તેના પરથી અનેક વાર્તાઓ, નવલકથાઓ અને ફિલ્મો બની છે. લોકો યુરોપની સુંદરતા જોવા જાય છે ત્યાં જ માનવતાની કત્લેઆમમાં નિર્દોષ ભૂલકાંઓ, સ્ત્રીઓને પણ ક્રૂરતાપૂર્વક હણી નાખવામાં આવ્યા હતા એ ગેસ ચેમ્બર અને કોન્સનટ્રેશન કેમ્પ જોવા જાય છે ત્યારે આજે પણ તેમના દિલ બેસી જાય છે. હિટલર તો મૃત્યુ પામ્યો પણ હજારો નાઝી સૈનિકોેની મદદ વગર હિટલર એકલો તો આ કત્લેઆમ કરી જ ન શક્યો હોત. એટલે તેની સાથે ભાગ લેનારા હજારો સૈનિકો હજી પણ પકડાયા નથી. એ દરેકને શોધી શોધીને તેમના પર કેસ ચલાવીને સજા આપવાનું કામ હજી પણ ચાલી રહ્યું છે તે જાણીને નવાઈ લાગે. પણ હજી જે થોડાઘણા ૯૦ કે તેનાથી વધુ વયના નાઝીઓને શોધી શોધીને તેમના પર માનવીય અધિકારનું હનન કરવાનો ખટલો ચલાવવા માટે જેરૂસલેમમાં ઈફ્રેમ ઝુરોફ્ફ નામનો ૬૭ વર્ષનો વ્યક્તિ છેલ્લો નાઝી હન્ટર તરીકે ઓળખાય છે તેને મિત્રો મજાકમાં મિ. હોલોકાસ્ટ પણ કહે છે. ૩૫ વરસથી તે નાઝી વૉર ક્રાઈમ રિસર્ચના ડિરેકટર તરીકે કામ કરી રહ્યો છે. તેની ઓફિસમાં ૭ મે, ૧૯૪૫ના દિવસનું ન્યુયોર્ક પોસ્ટનું પહેલું પાનું ફ્રેમ કરીને રાખેલું છે. જેની હેડલાઈન છે નાઝીસ ક્વીટ. ઝુરોફ્ફ પોતે પણ યહુદી છે. તેની ઓફિસમાં કત્લેઆમન કરનારાઓનો ઈતિહાસ અનેક ફાઈલોમાં ફાઈલ થઈને પડ્યો છે.
આતંકવાદીઓ કે સરમુખત્યાર રાજા કે સરકાર મનફાવે તેમ નિર્દોષ લોકોને ઊડાવી દે છે. આમ જોઈએ તો એમાં પણ સામૂહિકપણે જ લોકો કત્લેઆમ કરતા હોય છે કોઈ એકાદી વ્યક્તિ એકલે હાથે લાખો લોકોની કત્લેઆમ કરી શકે તે માનવું અશક્ય જ લાગે. સાચીખોટી કોઈપણ રીતે નેતા કત્લેઆમ કરવા માટે ઉશ્કેરે પણ વ્યક્તિ જ્યારે એ કત્લેઆમમાં જોડાય છે ત્યારે પોતાની ઈચ્છા ક્યાંક તો હિંસા કરવાની હોય જ છે. એટલે આ હિંસક મનોવૃત્તિને હકીકતે સજા આપવાની વાત હોય છે.
ઝુરોફ્ફને અનેક લોકો કહે છે કે હવે તો આટલા વરસે કત્લેઆમ કરનારા નાઝીઓ વૃદ્ધ અને અશક્ત થઈ ગયા હોય, તેમને પોતાના કરેલા કર્મેાનો અફસોસ હોય જ. તો પછી હવે તેમના પર કેસ ચલાવી આરોપી પુરવાર કરી સજા અપાવવાનો શો અર્થ ? વાત સાચી પણ લાગે કારણ કે હજી ત્રણ મહિના પહેલાં એપ્રિલ ૨૦૧૬માં હ્યુબર્ટ ઝફ્કે (૯૫ વરસ) પર ૩૬૮૧ યહુદીઓને હણી નાખવામાં ભાગ ભજવ્યો હતો તેના પર કેસ ચાલી રહ્યો હતો પણ તેની બગડતી તબિયતને લીધે કેસ બંધ કરવો પડ્યો. તો અર્નેસ્ટ ટ્રેમિલ ઓસ્ચવિઝ નામના કોન્સનટ્રેસન કેમ્પમાં ગાર્ડ હતો અને ૧૦૭૫ વ્યક્તિઓને મારી નાખવાનો તેના પર આરોપ હતો પણ કોર્ટ તેને સજા સંભળાવે તે પહેલાં જ મૃત્યુ પામ્યો. કેટલાક વ્હીલચેરમાં કોર્ટમાં આવે છે. ઝુરોફ્ફ આ બધાને દુનિયામાં ઘાસમાંથી સોય શોધવાની હોય તેવી તકલીફોથી શોધી લાવે છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ ન્યાય નથી પણ બદલો લેવાની ભાવના છે.
ઝુરોફ્ફને આવા અર્થહીન કામો છોડી દેવાની સલાહ આપવામાં આવે ત્યારે એણે એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યું કે યુરોપના ઓસ્ટ્રિયા, ક્રોશિયા, હોલેન્ડ, પોલેન્ડ વગેરે અનેક જગ્યાઓમાં લાખોની સંખ્યામાં યહૂદીઓને, સર્બને ચૂંટી ચૂંટીને મારી નાખવાનું ઘૃણિત કામ જે લોકોએ કર્યું છે તેમને માફ કરી દેવામાં આવે તો તેમને ક્યારેય પોતે માનવતાનું હનન કર્યું છે તેે સમજાશે નહીં જ. કારણ કે લોકો મને કહેતા હોય છે કે હવે તો એ લોકો પણ પોતાના કામ પર પસ્તાતા હશે. તે સમયે યુવાનીના જોશમાં તેઓ બીજાના બહેકાવામાં આવીને કત્લેઆમ કરી હશે પણ એ વાત સાચી હોય તો મને વાંધો નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી જેટલા પણ કત્લેઆમ કરનાર નાઝીને મળ્યો છું તેમાંથી એકપણ જણે સોરી નથી કહ્યું કે ન તો તેમને કોઈ અફસોસ થયો છે કે તેમણે ક્યારેક ખોટું કામ કર્યું છે. જો કોઈ કાર્યવાહી તેમના પર નહીં થાય તો દુનિયામાં આવા લોકોને લાગશે કે કત્લેઆમ કરનારાને કોઈ સજા નથી થતી. નવાઈ તો એ લાગી કે કેટલાક દેશોમાં તો આવા લોકો પર કામ ચલાવવાને બદલે તેમને દેશભક્ત જાહેર કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કામ હું કરું છું કારણ કે લોકોને લાગવું જોઈએ કે તમે ખોટું કામ કરો છો તો વહેલા મોડા પરિણામ ભોગવવાં પડે છે. આજે દુનિયા આગળ વધી રહી છે, પ્રગતિ થઈ રહી છે તે સારું જ છે. પાછલું બધું ભૂલીને આગળ વધવામાં ખોટું કશું જ નથી પણ આટલા મોટા સ્તરે માનવોની કત્લ થઈ હોય તે થઈ જ નથી એમ આંખ આડા કાન કરવા તે યોગ્ય નથી. એવો માનવહત્યાકાંડ ફરી નથી બન્યો તે સારું છે અને ન જ થવો જોઈએ. તે છતાં વહેલો મોડો ય ન્યાયતો થવો જ જોઈએ.
ઝુરોફ્ફની વાત એટલે કરી કે ક્ષમા આપી દેવાની વાત આપણને તરત જ સમજાય છે પણ ન્યાયની વાત સરળતાથી સમજાતી નથી. ઝુરોફ્ફને ખબર હોય કે સામી વ્યક્તિ વીસેક હજાર લોકોને હણી નાખવામાં સક્રિય હતો તો પણ તે એને મારી નથી નાખતો કે તેની સાથે કોઈપણ જાતનું ગેરવર્તન નથી કરતું બસ તે કાયદાનું પાલન કરી તેના પર ખટલો ચલાવે છે. પુરાવાઓ તો હવે મળવાના નથી કે ન તો જેને મારી નાખ્યા હોય તેના કોઈ સગાસંબંધી જીવતા હોવાની શક્યતા પણ ઓછી જ હોય છે પણ ર૦૦૯માં જ મ્યુનિકમાં જ્હોન દેમજાન્જુક જેણે એક ડેથ કેમ્પમાં કામ કર્યું હતું તેના પર ચાલી રહેલા ખટલા વખતે નક્કી કરવામાં આવ્યું કે ઘૃણાના ભાવથી કરવામાં આવેલા હત્યાકાંડમાં કોઈ પુરાવા ન હોય તો પણ ખટલો ચાલી શકે.
આ આખોય લેખ લખવા પાછળનો વિચાર એ જ છે કે દરેક હત્યાકાંડના મૂળમાં ધિક્કાર હોય છે અને તે વળી તિરસ્કારના બીજ વાવીને જાય છે. આજે પણ આપણે બે ભિન્ન વાડાઓ બાંધીને તિરસ્કારની તલવારોને ધાર કાઢીને કત્લેઆમની તૈયારીઓ તો નથી કરતાને ? દુનિયાના કોઈપણ ખૂણે થતી હિંસા અને કત્લેઆમની અસર આપણને વહેલીમોડી થતી જ હોય છે. માનવીય મૂલ્યોનું જતન જરૂરી છે નહીં તો ક્યાંક આપણે પણ એ હિંસાના હાથા બની શકીએ છીએ.
0 comments