ખોવાયેલી આત્મકથા મળશે ખરી? (published in Mumbai samachar)
01:25એક અંગ્રેજી ફિલ્મ 'ધ વર્ડસ' જોયાનું યાદ આવે છે. જેમાં એક લેખકને બીજા કોઈની ખૂબ સારી રીતે લખેલી સ્ક્રિપ્ટ મળે છે. એ લેખક સ્ક્રિપ્ટને પોતાના નામે છપાવી દે છે. ત્યારબાદ એ સ્ક્રિપ્ટનો ખરો લેખક પુસ્તક જોઈને પુસ્તક પર જેનું નામ છે તેને પત્ર લખી મળવા બોલાવે છે. ખેર, આજે આ વાત યાદ આવી જ્યારે જાણ્યું કે સદગત લેખિકા મહાશ્વેતાદેવીએ પોતાની આત્મકથા ૨૦૦૭ની સાલમાં લખવાનું શરૂ કર્યું હતું પણ ચાર વરસ પહેલાં તેમણે ઘર બદલ્યું તેમાં અડધી લખેલી એ ડાયરી ખોવાઈ ગઈ.
મહાશ્વેતાદેવીનું જીવન પણ અદ્ભુત નવલકથાથી કમ નહીં જ હોય. એમાં પણ મહાશ્ર્વેતાદેવી જાતે જ એને આલેખતા હોય તો વાત જ કંઈક ઓર હોય. ૨૦૧૧ની સાલમાં મહાશ્વેતાદેવી મુંબઈ આવ્યાં હતાં ત્યારે તેમને રૂબરૂ સાંભળવાનું, જાણવાનું સદ્ભાગ્ય મળ્યું હતું.
મહાશ્વેતાદેવી દરેક વાત આછા રમૂજ સાથે સ્પષ્ટતાપૂર્વક કરી શ્રોતાઓનું દિલ જીતી લેતાં હતાં. એ મુલાકાતમાં તેમના જીવન પરથી બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી જોવાનો લ્હાવો મળ્યો હતો. મહાશ્વેતાદેવીના પુસ્તકો અને કામ વિશે જાણતા જ હતા અને તે માટે આદર હતો જ પરંતુ, તેઓ જે રીતે જીવન જીવ્યા તે જાણીને તેમના માટેનો આદર અનેક ઘણો વધી ગયો. મહાશ્વેતાદેવી તેમના જમાનાથી અનેકગણા આગળ હતા. હજી બે એક વરસ પહેલાં જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં તેમણે ક હ્યું હતું તે શબ્દો વાંચ્યાનું યાદ આવે છે. નહું હવે મારી જાતને દોહરાવું છું. નેવુંમાં વરસને ટકોરા મારવાની છું ત્યારે હવે યાદો મારા ચાળા પાડતી હોય તેવું લાગે છે. હું એક જર્જરિત જુનું મકાન છું અને તેમાં વરસો પહેલાં રહી ગયેલા લોકોની ભૂતાવળ જાણે વાતો કરે છે. મારી વાર્તાઓના પાત્રો, કંઈ કેટલાય લેખકો અને મારા જીવનમાં આવેલા પાત્રો જેમની સાથે હું જીવી છું, પ્રેમ કર્યો છે અને ખોયા છે. જો કે એ દરેક વખતે વિશેષાધિકાર હોય તેવું જરૂરી નથી. પણ શું થાય જ્યારે વ્યક્તિની શક્તિ ખતમ થઈ જાય? શક્તિ ખતમ થઈ જવાથી ફુલ સ્ટોપ નથી આવી જતું કે ન તો એ ટ્રેનનું છેલ્લું સ્ટેશન છે કે તમે ત્યાં ઊતરી જઈ શકો. એટલું કહી શકું કે બસ બધું હવે ધીમું પડી રહ્યું છે. પાછા જવાનું પણ હવે શક્ય નથી દેખાતું એમ કહી શકાય કે બસ તમે એકલા છો એવું લાગે.’
મહાશ્વેતાદેવીએ પછી પોતાના બાળપણથી યુવાન થવા સુધીના તબક્કાને યાદ કર્યો હતો.
‘ હું જે વાતાવરણમાં જન્મી અને ઉછરી તેમાં મારા જેવી સ્વભાવ કે વર્તનવાળી છોકરી હોવી તેવી કલ્પના પણ અશક્ય છે. હું ઘરમાં સૌથી મોટી, તમને એવો અનુભવ થયો છે કે નહીં તે ખબર નહીં પણ દરેક સ્ત્રીને સેક્સનો પહેલો અનુભવ કુટુંબમાંથી જ થતો હોય છે. કિશોરાવસ્થાથી જ મારામાં શારીરિક આકર્ષણ વધુ હતું એવું મને કહેવામાં આવતું અને જો કે મને પણ એવું અનુભવાતું. એ સમયે અમે ટાગોરથી ખૂબ પ્રભાવિત હતા. હું તે સમયે શાંતિનિકેતનમાં ભણતી હતી. હું જે કંઈ પણ કરતી તેમાં સહજ પ્રેમમાં પડી જવું સ્વાભાવિક હતું. પ્રેમમાં પડવાના અનેક અનુભવો મને થયા છે. ૧૩ થી ૧૮ વરસની ઉંમર સુધી હું મારા દૂરના એક ભાઈના ગળાડૂબ પ્રેમમાં હતી. તેમના પરિવારમાં આત્મહત્યા કરવાની જાણે પરંપરા હતી. એણે પણ આપઘાત કર્યો. દરેક જણ મને તે માટે ગુનેગાર ઠેરવવા લાગ્યા. કહેતા કે તેણે મને પ્રેમ કર્યો પણ પામી ન શક્યો એટલે આઘાતમાં આપઘાત કર્યો. જે સાચું નહોતું. તે સમયે હું કોમ્યુનિસ્ટ પાર્ટીના સંપર્કમાં હતી. મને લાગતું કે આટલી નાની ઉંમરને આ રીતે વેડફી નાખવી બરાબર નથી તેણે આ રીતે આપઘાત કરવાની જરૂર નહોતી. હું એ પીડાના મારથી કચડાઈ ગઈ કારણ કે આખોય પરિવાર મને જ આરોપી માનતો હતો. બસ ૧૬ વરસની ઉંમર બાદ મારા માતાપિતા અને અન્ય પરિવારજનને સમજાતું નહોતું કે મારા જેવી છોકરીની સાથે કઈ રીતે પનારો પાડે. શારીરિક આકર્ષણને હું છુપાવતી નહોતી એ તેમને અજુગતું લાગતું હતું. તેને ખરાબ માનવામાં આવતું હતું. મને મિડલ ક્લાસમેન્ટાલિટી સામે સખત આક્રોશ છે. મૂલ્યોના નામે તેઓ લાગણીઓ-ઈચ્છાઓને કચડે છે. એટલે જ પછીથી લખવાનું શરૂ કર્યું. લેખનની દુનિયા જ મારા માટે સાચી દુનિયા હતી જેમાં હું જીવી શકતી. આગળ-પાછળ ગમે ત્યાં જઈ શકતી.’
પોતાના સમય કરતાં આગળ વિચારતાં મહાશ્વેતાદેવીનાં વિચારો બદ્ધતાને ઓળંગી મુક્ત રીતે વહેતા હતા. તેમણે પોતાને જે યોગ્ય લાગ્યું તેવું જીવન જીવ્યું. લગ્ન કર્યા પણ જ્યારે એમ લાગ્યું કે લગ્નમાં જીવાશે નહીં તો જાતને અને બીજાને છેતરવાને બદલે તે જમાનામાં છૂટા પડવાનું સાહસ પણ કર્યું. એક નહીં બે વાર. એ જમાનામાં જ્યારે છોકરી પરણીને સાસરે જાય પછી ગમે તે થાય તે મૃત્યુ પામીને જ બહાર નીકળે એવી સમાજની વિચારધારા હતી. એટલું જ નહીં તેમની કાલ્પનિક દુનિયા વાસ્તવિકતાને અવગણતી નહોતી પણ પડકારતી હતી. સામાન્ય માણસોના સંઘર્ષોને તેઓ જોઈ શકતા અનુભવી શકતા હતા એટલે જ તેઓ સામાજિક ચળવળમાં સક્રિય ભાગ લેતાં હતાં. આદિવાસીઓની સાથે તેમને ઘરોબો હતો. ઊંધા પ્રવાહે વહેવાની તેમની શક્તિ જોરદાર હતી. સ્ત્રી હોવા છતાં તેઓ જાતીય ભેદભાવથી પર રહીને વ્યક્તિ તરીકે વિચારતાં એટલું જ નહીં પણ એ રીતે જીવી પણ શકતાં. તેમને સાહિત્ય અકાદમી, મૅગ્સૅર્સ એવોર્ડ , જ્ઞાનપીઠ તેમ જ પદમશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમણે ૧૦૦ નવલકથાઓ ૨૦ પુસ્તકો ટૂંકી વાર્તાઓના આપ્યા છે પણ તેઓ આત્મકથા ન આપીને ગયાં તેનો અફસોસ રહેશે. મહાશ્વેતાદેવી તેમના લખાણ અને કામથી સદાય જીવંત રહેશે તેમણે ખાલી જૂનું ઘર બદલ્યું પણ નવા સરનામે જન્મે તેની રાહ જોઈએ.
0 comments