શહીદ પતિને પગલે લશ્કરમાં (mumbai samachar)
02:26‘મને જાણતા દરેક ઑફિસરે ચેતવી હતી કે તને ત્યાં કોઈ સ્વાતિ મ્હાડિક તરીકે નહીં ઓળખે. સીમા સુરક્ષા બળની પરીક્ષામાં કોઈ તમારું નામ નહીં પૂછે ત્યાં તમે એક નંબર બનીને ઓળખાશો અને કોઈ દયા-માયા નહીં દાખવવામાં આવે. ’ ૩૭ વર્ષનાં સ્વાતિ ગર્વભેર કહે છે કે સર્વિસ સિલેકશન બોર્ડ (એસએસબી)ની પરીક્ષામાં તેની ઓળખ માત્ર ચેસ્ટ નંબર તરીકે જ હતી પછી તે લેખિત પરીક્ષા હોય કે ગ્રુપ ચર્ચા હોય કે પછી પેનલ ડિસકશન. સ્વાતિ ભારપૂર્વક કહે છે કે એસએસબીમાં તે પાસ થઈ હોય તો માત્ર એક સામાન્ય ઉમેદવાર તરીકે નહીં કે સંતોષ મ્હાડિકની પત્ની તરીકે એટલે જ તે ગૌરવભેર ચેન્નાઈ પોતાની ટ્રેઈનિંગ લેવા પહોંચી ગઈ છે.
૩૮ વર્ષીય કર્નલ સંતોષ મ્હાડિક ઍન્ટી ટેરર ફોર્સ ૪૧ રાષ્ટ્રિય રાયફલના કમાન્ડિંગ ઑફિસર હતા. તેઓ જમ્મુ-કાશ્મીરના કુપવારામાં આતંકવાદીઓ સાથેની લડાઈમાં ૧૭, નવેમ્બર ૨૦૧૫ની સાલમાં બહાદુરી દાખવતા શહીદ થયા હતા. તેઓ સતારાના પોગરવાડી નામના નાનકડા ગામના દૂધનો વ્યવસાય કરતા કુટુંબમાંથી આવે છે. આજે પણ તેમના ભાઈઓ એ વ્યવસાય સંભાળી રહ્યા છે. કર્નલ સંતોષને સૈન્યમાં જોડાવાની અદમ્ય ઈચ્છા હોવાને કારણે તેઓ સિપાહી બન્યા હતા. ૨૦૦૩ની સાલમાં તેમના લગ્ન સ્વાતિ સાથે થયા હતા તે જ સમયે તેમણે સ્વાતિને કહી દીધું હતું કે મારો પહેલો પ્રેમ લશ્કર અને દેશ માટે છે. તેમને બે બાળકો છે. તેઓ હાલ છ વરસ અને બાર વરસની ઉંમરના છે. સ્વાતિ પાસે માસ્ટર્સ ઈન સોશિયલ વર્કની ડિગ્રી છે અને શિક્ષિકાની ટ્રેઈનિંગ લીધા બાદ શિક્ષિકા તરીકે કામ કરતી હતી.
નવેમ્બર ૨૦૧૫માં પતિ સંતોષ મ્હાડિકના શહીદ થયા બાદ તેણે નક્કી કર્યુ હતું કે તે હવે ભારતીય લશ્કરમાં જોડાશે. હકીકતે તો સ્વાતિને પણ તેના પતિની જેમ લશ્કર માટે પ્રેમ છે. સ્વાતિએ નવેમ્બરમાં કહ્યું હતું કે મારા પતિનો પહેલો પ્રેમ લશ્કર માટે હતો. તેમનો યુનિફોર્મ ભીંત પર લટકતો જોઈને મન ખિન્ન થઈ જતું. તેમના પ્રેમને જીવંત રાખવાનો એક જ ઉપાય હતો તે લશ્કરમાં જોડાઈને યુનિફોર્મને ફરી જીવંત કરવો. તેને પહેરીને ગૌરવભેર દેશની સેવા કરવી. ભવિષ્યમાં અમારા બાળકો પણ લશ્કરમાં જોડાઈને દેશની સેવા કરશે.
શરૂઆતમાં તો ઘરમાં લોકોએ વિરોધ કર્યો. સ્વાતિનાં સાસુ દીકરો ગુમાવ્યા બાદ વહુને ગુમાવવા તૈયાર નહોતા, પરંતુ સ્વાતિની પ્રબળ ઈચ્છા સામે તેમણે નમતું જોખ્યું. સ્વાતિના સાસરાવાળાઓએ બાળકોની જવાબદારી ઉપાડી લીધી અને સ્વાતિ પૂના જઈને એસએસબીની તૈયારીઓ કરવા લાગી. શારીરિક અને માનસિક તૈયારીઓ તેમણે દિલ લગાવીને કરી, કારણ કે તેમને ખબર હતી કે બીજા બધા ઉમેદવારો તેનાથી ઉંમરમાં નાના હશે. તેમણે એસએસબીની પાંચે પાંચ પરીક્ષાઓ પાસ કરીને બીજી મહિલાઓ માટે એક દાખલો બેસાડ્યો છે. જો દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો જીવનની દરેક અડચણો પાર કરી શકાય છે.
સ્વાતિએ શારીરિક અડચણો પાર કરતી સમયે પતિને ગુમાવ્યાનું દુખ મોટું લાગતું હતું એટલે ફિજિકલ સ્ટ્રેન્થની દરેક પરીક્ષાઓ તેમણે સરળતાથી પાર કરી હતી. એટલે જ જ્યારે એસએસબીનું પરિણામ આવ્યું ત્યારે સ્વાતિને સૌથી વધુ પતિની યાદ આવી હતી. થોડો વખતતો મૂઢ બની ગઈ હતી, કારણ કે કોની સાથે આવા આનંદના સમાચાર વહેંચું ને ખુશ થાઉં? ૩૭ વરસની ઉંમરે એસએસબીની પરીક્ષા પાસ કરવી સહેલું તો નહોતું જ પણ તેમના પ્રેમને યાદ કરીને એમના માટે જ હું મહેનત કરી શકી.
લશ્કર તેમનો પહેલો પ્રેમ હતો અને હવે મારા માટે પણ તે જ છે. મારા પતિના બલિદાનને એળે નહીં જવા દઉં. તેમના અધૂરાં કામો હું અને બાળકો પૂરા કરવાના પ્રયત્નો કરીશું. એ જ સાચી અંજલિ હશે તેમને. તેઓ જે યુનિફોર્મ પહેરતા હતા તે હવે હું પહેરીશ એટલે મારા માટે ફરી આનંદના દિવસો આવશે. સ્વાતિ કહે છે કે સંતોષના ગયા બાદ સૂની જિંદગીમાં નવો ધ્યેય મને મળ્યો તેની જ તૃપ્તિ છે. સંતોષ હંમેશાં કહેતા કે જીવનમાં તૃપ્તિ હોવી જોઈએ.
હાલ સ્વાતિ ચેન્નાઈમાં અગિયાર મહિનાની ટ્રેઈનિંગ લઈ રહી છે તે પૂરી થયા બાદ તે લેફ્ટનન્ટ તરીકે આર્મીમાં જોડાશે.
0 comments