આધુનિક નારીવાદ v/s સુપર વિમેન (mumbai samachar)
02:34ફેમિનિઝમ એટ હોમ વિષય પર ચાલતી પેનલ ડિસકશન સમયે સ્ટેજ પર બે પગ પહોળા કરીને કે એક પગ ઉપર કરીને બેસેલી સેલિબ્રિટી સપના ભવનાની જ્યારે કહે છે કે હું પાર્ટનરશીપમાં નથી માનતી. હું જમવાનું બનાવી શકું નહી. કે ન તો હું અપેક્ષા રાખું કે મારા માટે મારો બોયફ્રેન્ડ જમવાનું બનાવે. પણ મને સ્વચ્છતા ગમે છે એટલે હું મારી જાતે ઘર સ્વચ્છ રાખું છું.વાત વિચારવા જેવી છે પાર્ટનરશીપ એટલે દરેક કામ અડધું અડધું વહેચીને કરવું. તેમાં પસંદગીને અવકાશ નથી.
ઓડિયન્સમાં બેઠા બેઠા મને મલાડમાં રહેતા નયનાબહેન, ઘાટકોપરમાં રહેતા સોનલબેન અને મુલુંડમાં રહેતી જીનલ યાદ આવી ગઈ. આ નામો સાચા નથી જ. પણ તેમની મનસ્થિતિ જેવી છે તેવી મોટાભાગની મધ્યમવર્ગીય મહિલાઓની છે. નયનાબહેન ગૃહિણી છે અને તેમને ક્યારેય ફુરસદ નથી હોતી ઘરના દરેક સભ્યોની ઈચ્છાઓ પૂરી કરવામાંથી. તેમની અપેક્ષા હોય કે દિવાળીમાં વીસ જાતના જુદા જુદા ફરસાણ અને મીઠાઈઓ બને અને ઘર સાફ રહે. તેઓ જમવાનું સારું બનાવે એટલે દરેકની ફરમાઈશ પૂરી કરવાની તનતોડ મહેનત કરે. એ બધું કરવામાં તેમની પાસે પોતાના માટે સમય રહેતો નથી. તેમની કોઈ પોતાની પસંદગી હતી કે નહીં તે પણ ખબર નથી. સોનલ સરકારી ઓફિસમાં કામ કરે છે પણ દિવાળી તો પારંપારિક ઢબે ઉજવાય તો જ એમને ચેન પડે. એટલે દિવાળીમાં નાસ્તા અને મીઠાઈઓ નવી નવી બનાવવાની ઉપરાંત ઘર સાફસફાઈ પણ કરવાનું. દિવાળી ન હોય તો પણ દરેક કામ જાતે જ કરવાનો આગ્રહ તેમના પતિનો કારણ કે કામવાળા પર ભરોસો ન કરાય. ઓફિસમાં પણ ડબ્બાઓ ભરી ભરીને લોકોને ખવડાવે. આ બધાની તાણથી તેમને હાઈ બીપી અને સુગરની બિમારી પણ છે. જીનલ ખાનગી કંપનીમાં સારા હોદ્દા પર છે. તેના ઘરે નોકર અને રસોયા હોવા છતાં દિવાળીમાં ઘરે પાર્ટી રાખીને લોકોને બોલાવવાનો શોખ પતિને હોવાથી તેનું કામ બમણું થઈ જાય છે. ઓફિસની સાથે ઘરની સજાવટ અને મેનુ નક્કી કરી તેનું પ્લાનિંગ કરવાનું. એ સિવાય તેણે પોતે પણ ફીટ એન્ડ ફાઈન રહેવાનું કારણ કે સ્લીમ ટ્રીમ સુંદર પત્ની હોવાનું ગૌરવ તેના પતિને છે. તેનો પતિ દિલફેંક પુરુષ છે એટલે જીનલ અસલામતીની લાગણી અનુભવતી શરીર સાચવવા માટે પોતાને ભાવતા ભોજનને માણતી નથી. આ બધી સ્ત્રીઓ કમાતી હોય કે ન કમાતી હોય પણ સુપર વિમેનની જેમ દરેક કામ કરીને પતિ તેમજ પરિવારજનોને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. તેમના જીવનનો એકમાત્ર ગોલ હોય છે તેમનો પરિવાર તેમની પોતાની પસંદગી બહુ જ સીમિત છે. જેમકે તેમને સાડી કે ડ્રેસનો ક્યો કલર ગમે છે કે નથી ગમતો. જો કે પતિ એકવાર પણ તેમની પસંદને વખોડે તો તેમની પસંદગી બદલાઈ જાય છે. તેમને મૈત્રિણીઓ છે, પરંતુ તેમની સાથે વરસમાં એકાદવાર પણ ભાગ્યેજ પોતાની મરજીથી સમય વીતાવી શકે છે. તેમના પરિવારને કોઈ અગવડ ન થાય તેનું ધ્યાન રાખ્યા પછી જ તેઓ મૈત્રિણીઓ સાથે થોડો સમય ડરતાં ડરતાં વીતાવતી હોય છે.
અહીં એવું કહેવાનો મતલબ નથી કે પોતાના પતિ કે પરિવારને પ્રેમ ન કરવો પણ સ્ત્રી પોતાની પસંદગી કે ઈચ્છા વિશે વિચારે એટલે તેને આજે પણ નારીવાદી કહીને ટોણો મારવામાં આવે છે.
નારીવાદને આજે પણ ખોટી રીતે સમજવામાં આવે છે. નારીવાદ પુરુષોનો વિરોધ નથી કરતો પણ સમાન અધિકારની માગણી કરે છે. સ્ત્રીઓને પસંદગીનો અવકાશ આપવાની હિમાયત કરે છે. કરવા ચોથનું વ્રત કરવું કે નહીં, તેણે સાડી પહેરવી કે જીન્સ પહેરવું, તેણે મેકઅપ કરવો કે નહીં, તેણે લગ્ન કરવા કે ન કરવા, તેણે બાળકો પેદા કરવા કે ન કરવા, તેણે લાંબા વાળ રાખવા કે બોય કટ કરાવવા, જમવાનું બનાવવું કે નહીં. મંદિરમાં જવું કે નહીં વગેરે વગેરે... સેલિબ્રિટી બ્યુટીશીયન, ફોટોગ્રાફર, મોડલ સપના ભવનાની જેવી અનેક સ્ત્રીઓ આજે પોતાની પસંદગી મુજબનું જીવન જીવે છે. પોતાની છાતીના ઉભારને સંકોરીને બેવડ વળીને ચાલતી સ્ત્રીઓની સામે આધુનિક સ્ત્રીઓ બિન્દાસ પોતાને ગમે તે પહેરવા માગે છે અને સુંદર દેખાવા માગે છે પણ પોતાને માટે નહીં કે પુરુષને માટે.
જો કે સામે પક્ષે એવી પણ દલીલ થાય છે કે પુરુષને ગમે છે એટલે સેક્સી જાહેરાત અને ફિલ્મોમાં કામ કરતી સ્ત્રીઓએ પોતાનું દેહનું પ્રદર્શન કરીને વલ્ગર ગીતો કરવા કરતાં પોતાની પ્રતિભાને ઉજાગર કરતા કામ કરવા જોઈએ.
સાઈઠના દાયકામાં બ્રા બર્નિગ આંદોલન થયું હતું તેનો મુદ્દો હતો.સમાન અધિકાર માટેની સ્વતંત્રતાની માગણી પ્રત્યે ધ્યાન દોરવા માટે એ પ્રતીકાત્મક બાબત હતી. તેને આજના સંદર્ભે સેક્સી દેખાવું કારણ કે પુરુષોને ગમે છે તે પણ નારીવાદની વિરોધી બાબત હોવાનું કેટલાક લોકો માને છે. સાથે જ તેઓ એમ નથી કહેતા કે સ્ત્રીઓએ શોર્ટ ન પહેરવા કે ટૂંકા સ્કર્ટ ન પહેરવા. અંગત રીતે સ્ત્રીએ પોતાની પસંદગી પ્રમાણે વર્તવું જોઈએ નહીં કે તેમની પાસેથી એ રીતની અપેક્ષા રાખવામાં આવે છે એટલે. જેમ કે વજન ન વધવાનું ધ્યાન રાખવું તે સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ સમાજની ઈચ્છા હોય કે પાતળી, ગોરી છોકરી જ સુંદર દેખાય એટલે તે માટે મન મારીને તનતોડ મહેનત કરવી તે યોગ્ય નથી જ.
નારીવાદનો આજે ઘણા પુરુષો આદર કરે છે કારણ કે તેઓ પોતે પણ પૌરુષીય અપેક્ષાઓથી પીડાતા હોય છે. નારીવાદ એટલે સમાન અધિકારની વાત તો પુરુષને પણ તે અનેક માન્યતાઓમાંથી ફ્રિડમ આપે છે. અપેક્ષાઓના ભારથી સ્ત્રી અને પુરુષો સરખા જ પીડાતા હોય છે. સ્ત્રીને જો પસંદગી અને સમાન અધિકાર આપવામાં આવશે તો પુરુષને પણ અનેક અપેક્ષાઓમાંથી મુક્તિ મળશે તેવું જે પુરુષોને સમજાય છે તે સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વનો આદર કરે છે.
જ્યારે સામાન્ય નારી દરેક રીતે પોતાની જાતને પુરવાર કરવા માટે પોતાની જાતને સુપર વિમેન માનીને વધારે જ ગુલામીમાં સપડાતી જાય છે તેની એને ખબર નથી પડતી. રસોડામાંથી તે સીધી આઠ કલાકની નોકરી કરીને બે કલાક પ્રવાસ કરે છે તો પાછી સાંજે ઘરે જઈને રસોડામાં જાય છે. ઉપરાંત આધુનિક નારી હોવાની અપેક્ષાઓ પણ પૂરી કરે છે. જે અપેક્ષાઓ અટવાતી નથી તે દુનિયા ફરીને આનંદ કરે છે. જે અપેક્ષાઓ પૂરી કરવાના પ્રયત્નો કરે છે તે ઘરની બહાર પણ પોતાની મરજીથી જીવી શકતી નથી. પછી તે ટૂંકુ શોર્ટ પહેરે કે સાડી પહેરે, કારકિર્દી બનાવે કે ગૃહિણી હોય જો તેના કેન્દ્રમાં પોતાની પસંદગી કે વ્યક્તિત્વનો વિચાર નહીં હોય તો તેમને નારીવાદ સાથે કશી જ લેવા દેવા નથી. મોટેભાગે સ્ત્રીની પોતાની માનસિકતા જ તેમને કોઈ અધિકાર કે પસંદગીનો અવકાશ આપતી નથી.
0 comments