સુંદરતા એટલે યુવાન દેખાવાની ઘેલછા! (mumbai samachar)
23:48દિવાળી આવી કે બ્યુટીપાર્લરમાં લાંબી લાઈન લાગે. કેટલાક બ્યુટીપાર્લરમાં તો તમારે આગોતરી એપોઈન્ટમેન્ટ નોંધાવવી પડે. એ સિવાય સ્ત્રીઓની ખરીદીના લિસ્ટમાં હવે એન્ટિએજીંગ ક્રીમ અનિવાર્યપણે હોય જ. ફક્ત એન્ટિએજીંગ નહીં પણ ગ્લેમર ક્રીમ, વ્હાઈટનેસ અને મેકઅપ લુક આપતી અનેક જાતની ક્રીમ બજારમાં સસ્તાથી અતિશય મોંઘાદામે મળે છે. સુંદર કે યુવાન દેખાવામાં જ હોય છે તેવી માનસિકતા સ્ત્રીઓના મનમાં રોપી દેવામાં આવી છે.
ત્રણેક વરસ પહેલાં ૪૨ વરસની અમેરિકાની ફ્રિલાન્સ પત્રકાર કરેન ગ્રોસે પ હજાર ડોલર રૂપિયા ખર્ચીને પોતાના દેખાવમાં દશ વરસ ઓછા કર્યા. તેણે બોટોક્સથી માંડીને દરેક જાતની બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી જોઈ. છેવટે તેણે આ વિશે આર્ટિકલ લખ્યો પોતાનો પહેલાંનો અને પછીનો ફોટોગ્રાફ પણ છાપ્યો. છેવટે કબૂલ્યું કે દેખાવમાંથી દશ વરસ ઓછા કરવા ખૂબ મોંઘું છે, પણ પરિણામ રૂપે આયનામાં પોતાની જાતને સુંદર યુવાન જોઇને જે હરખ થાય તેની કિંમત આંકવી મુશ્કેલ છે. વળી લોકો પણ તમે યુવાન સારા દેખાતા હો તો આકર્ષાય છે. તમને વખાણે છે. એટલે જ એન્ટિએજીંગ પ્રોડક્ટસની માગ વધી રહી છે તેવું સંશોધનમાં સાબિત થઈ રહ્યું છે. ૩૦ ટકા ભારતીયોએ કબૂલ્યું છે કે યુવાન દેખાવા માટેની બ્યુટી ટ્રીટમેન્ટ અને દેખાવને આકર્ષક બનાવવા માટેના ખર્ચાઓ વધી રહ્યા છે. દેખાવ માટેના ખર્ચાઓ જરૂરી બની ગયા છે જે તેમના માતાપિતા માટે નહોતા. યાદ કરો તમારી માતા કે નાનીનો મેકઅપનો કે સૌંદર્ય પ્રસાધનનો ખર્ચ કેટલો હતો.
મીડિયામાં સતત આવતી જાહેરાતો જેમાં તમારી ઉંમરથી દશ વરસ નાના દેખાઓ. ગોરાપન ઓર નિખરી ત્વચા બસ એક મિનિટ મેં, લુક યંગ ઇન જસ્ટ ફાઈવ મિનિટ્સ, ચહેરા પરની કરચલીઓને મિટાવો. વગેરે વગેરે આપણને સતત અહેસાસ કરાવે છે કે એ ક્રિમ કે સાબુની આપણને કેટલી જરૂરત છે, કારણ કે યુવાન, સુંદર ગોરા હો તો તમારા તરફ લોકો આકર્ષાય છે. નોકરીમાં પણ તમને સારી તક મળે છે. યુવાન સુંદર સ્ત્રીને આસાનીથી સફળતા મળે છે તેવી માન્યતા છે જે કેટલેક અંશે સત્ય પણ છે.
અચાનક યુવાન અને સુંદર દેખાવાની જાહેરાતો વધવા કેમ માંડી તે વિશે વિચારતા થોડું સંશોધન કર્યું તો કેટલાક મુદ્દા ધ્યાનમાં આવ્યા. પુરુષો કરતાં સ્ત્રીઓ પર પાંચ વરસ વહેલા વૃદ્ધત્વની નિશાનીઓ દેખાય છે. પુરુષોને સફેદ વાળ આવ્યા બાદ પણ સેક્સી દેખાવનું બિરુદ મળે છે, જ્યારે સફેદવાળ ધરાવતી સ્ત્રીઓને વૃદ્ધ ગણવામાં આવે છે. જ્યોર્જ ક્લુની, અમિતાભ બચ્ચન,આમિર ખાન, સલમાન ખાન,શાહરુખ ખાન આજે પણ મહિલાઓમાં લોકપ્રિય છે. તો તેની સામે કઇ પ્રૌઢ અભિનેત્રીઓ લોકપ્રિય છે તે કહેવું મુશ્કેલ છે. એક નામ તરત જ યાદ આવે તે હોલીવૂડની અભિનેત્રી મેરિલ સ્ટ્રિપનું જે આજે પણ લોકપ્રિય છે.
એક સર્વે પ્રમાણે ૯૦ ટકા લોકો એવું માને છે કે મહિલાઓને સુંદર અને યુવાન દેખાવા માટેની તાણના ભોગ બનવું પડે છે. ફક્ત ઑફિસમાં જ નહી, પરંતુ, પરિવારમાં, મિત્રોમાં દેખાવ બાબતે સતત સરખામણી થતી હોય છે. એટલે દરેક નારી સતત સુંદર અને યુવાન દેખાવા માટેના પ્રયત્નો કરતી રહે છે. દેખાવ અંગેની સભાનતા સહજતાથી આકાર લેતી હોય તો વાંધો નહીં, પરંતુ તેની ઘેલછામાં તાણગ્રસ્ત રહેતી મહિલાઓના આંકડા વધી રહ્યા છે. સારા દેખાવાનો અર્થ યુવાન દેખાવું એવો થઈ રહ્યો છે તે યોગ્ય નથી.
છેલ્લાં ચાર વરસમાં સુંદર દેખાવા માટે મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ ઉપર સ્ત્રીઓનો ખર્ચો સતત વધી રહ્યો છે. જો ખરચવાનું ગજુ હોય તો ૨૦૦૯માં અંદાજે ૧૦૦૦થી ૧૫૦૦ મહિનામાં હતો તો ૨૦૧૦માં એ વધીને અઢી ગણો થયો એટલે કે અઢીથી ચાર હજાર અને આજે પાંચ હજારથી દશ હજાર રૂપિયા પણ ઓછા પડી શકે. વાળ, ત્વચા અને ચહેરાના દેખાવને સુધારવા માટે આવકના ૩૦ ટકા ખર્ચ આજની નારી કરે છે. વાળ કપાવવા, રંગવા, શેમ્પુ, કન્ડિશનર, એન્ટિએજિંગ સાબુ, ક્રિમ, ફેસ વોશ, લિપસ્ટિક, આઈલાઈનર, મશ્કરા વગેરે મસ્ટ જરૂરિયાતની યાદીમાં ઉમેરાઈ રહ્યા છે. દેખાવને લીધે આત્મવિશ્ર્વાસ વધે છે એવું મોટાભાગની મહિલાઓ માને છે. દેખાવ એટલે ગોરી ચમકતી ત્વચા, સુંદર યુવાન ચહેરો. લગ્ન, નોકરી કે પ્રમોશન દરેક ક્ષેત્ર માટે આ પાસપોર્ટ જેવું કામ કરે છે એવું એક મહિલાએ અમને જણાવ્યું. સફેદ વાળ અને પ્રૌઢા માટે જાણે દુનિયાના દરેક ક્ષેત્ર બંધ થઈ રહ્યા છે અને આ પરિસ્થિતિ નારી માટે હતાશાજનક છે.
યુવાન રહેવા માટેની યયાતિની ઇચ્છા પોતાના પુત્રનું ખૂન કરાવે છે. તો સતત યુવાન અને સુંદર દેખાવા માટેની સમાજની માગણી નારીના પોતાના અંગત વ્યક્તિત્વને કચડી નાખવા સક્ષમ છે. યુવાન હોવું એ માનસિકતા નહીં પણ બાહ્ય પરિબળો પર આધારિત છે એવું ઠસાવાઈ રહ્યું છે. એટલે જ બ્યુટી ઇન્ડસ્ટ્રી આજની નારીની માનસિકતાને લીધે ફૂલીફાલી રહી છે કે બ્યુટી ઇન્ડસ્ટ્રી પોતાના નફાને માટે નારીની માનસિકતા બદલી રહી છે તે વિચારવાની તાતી જરૂર છે.
0 comments