પુરુષ, પૈસા અને પરણેતર

05:58

                                       






આખોય મહિનો બસ રૂપિયાની જ વાતો ચાલી. ચેનલ હોય કે સોશિયલ મીડિયા કે પછી પાનનો ગલ્લો. હાથમાં આવતા રૂપિયા આટલા વ્હાલા કોઈ દી નહોતા લાગતા એવું એટીએમથી બે હજાર રૂપિયા લઈને બહાર નીકળતા લોકોના ચહેરા જોઈને જણાઈ આવતું હતું. એક વ્યક્તિએ તો બે હજારની સો સોની નોટ મળતા એટીએમમાં જ આનંદમાં એક ફુદરડી ફરી લીધી. તો વળી બીજે એક ઠેકાણે એટીએમમાંથી નોટો આવતાં જ ચક્કર ખાઈને પડી ગયા. મોઢા પર પાણી છાંટવાને બદલે રૂપિયા સૂંઘાડવાનું સૂચન કોઈ ટીખળીએ કહ્યું. ઊભા કર્યા તો મેં કહા હુંને બદલે તેમણે પૂછ્યું કે રૂપિયા ક્યાં ? પતિદેવ પણ આજકાલ રૂપિયાની થોકડી લઈને આવે તો તેમની આગતા સ્વાગતા થાય છે. ખાલી હાથે ઘરે જતાં ભલભલા પતિઓએ હિંમત એકઠી કરવી પડે છે. ઘરમાં દાખલ થતાં જ પત્ની મોં સામે એવી રીતે તાકી રહે કે જાણે સોતનને મળીને આવ્યા ન હોય. પત્નીને પણ ખબર હોય કે રૂપિયા એટીએમ કે બેંકની લાઈનમાં ઊભા રહીને લઈ આવ્યા હોય તો પતિની ચાલમાં રવાની હોય, અને જો ન મેળવી શક્યા હોય તો આખું ય જીવન હારી ગયા જેવી બોડી લેંગ્વેજ હોય. થોડીવાર તો પત્ની જોઈ રહે પછી ધીમેથી કહે, ફલાણી બેંકમાં ઓછી લાઈન હતી ત્યાં કેમ ન ગયા ? બાજુવાળાને તો ત્યાંથી રૂપિયા મળી ગયા. દાઝ્યા પર ડામ. ખેર, આ બધું મનને બહેલાવવા માટે સારું છે, બાકી હકીકત જુદી જ હોઈ શકે.

રૂપિયામાં પણ જાતીય ભેદભાવ હોઈ શકે છે અથવા રૂપિયા જાતીય ભેદભાવ કરાવી શકે છે. પૈસાનો માલિક કોણ છે તેના પર બધું નિર્ભર હોય છે. સ્ત્રીઓની અને પુરુષોની પૈસાને જોવાની દૃષ્ટિ જુદી હોય છે. આ હું નથી કહેતી બેંકરો અને ફાઈનાન્સિઅલ એડવાઈઝરો કહે છે. સુઝન હ્રીશમેન બહુ જાણીતી મલ્ટિનેશનલ કંપનીની બેંકર કહે છે કે સ્ત્રીઓ માટે પૈસા એ લાઈફસ્ટાઈલ હોય છે તો પુરુષો માટે પૈસા મોટેભાગે જીત અને હાર (જીવન-મરણના પ્રશ્ર્ન સમાન)છે.

આપણે સફળતા અને અસફળતાને પૈસા સાથે જોડાયેલી માનીએ છીએ. પુરુષની પાસે કેટલી ગાડી કેટલી સત્તા અને કેટલી મિલકત છે તેનાથી તેની સફળતાનું માપદંડ હોય છે. તેથી જ દરેક પુરુષને માટે પૈસા ખૂબ મહત્ત્વના હોય છે. કદાચ એટલે જ વધુને વધુ પૈસા તે યેનકેન પ્રકારેણ ભેગા કરે છે. તે બ્લેક કે વ્હાઈટ મની છે તે બાબત પછીની છે. પૈસા ભેગા કરવા પાછળની માનસિકતાને પણ પહેલાં સમજવી પડશે.

એક મેસેજ વ્હોટસ એપ્પ પર વારંવાર ફર્યા કરે છે કે નાના હતા ત્યારે કાગળની હોડી બનાવીને વરસાદના પાણીમાં તરાવવાનો આનંદ આવો હતો, લખોટીઓ રમવાનો આનંદ આવતો હતો, પકડા પકડી રમવામાં આનંદ આવતો હતો, તળાવમાં ધુબાકા મારવાનો આનંદ આવતો હતો, ઉનાળાના ધોમ તડકામાં મિત્રો સાથે ગિલ્લી દંડાનો આનંદ આવતો હતો, ફક્ત ગોળ રિંગ લોખંડની સળીને સહારે ફેરવવાનો આનંદ આવતો હતો જે આજે મર્સિડિઝમાં પણ નથી આવતો વગેરે વગેરે. બધા જ આપણે આ મેસેજ ફોર્વડ કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને કેમ પ્રશ્ન નથી પૂછતાં કે ભાઈ શું કામ ઢગલો રૂપિયા કમાવવા માટે કાળાધોળા કરીએ છીએ. તેમને કોણ ગામના તળાવમાં ધુબાકા મારતા રોકે છે કે કોણ તેમને ફાઈવસ્ટાર રિસોર્ટના સ્વિમિંગ પુલમાં પડવાની ફરજ પાડે છે. સાયકલ ચલાવતાં કોણ રોકે છે અને મર્સિડિઝ ચલાવવાની કોણ ફરજ પાડે છે...આનો એક જ જવાબ છે માનસિકતા. સમાજના ધારાધોરણે બનાવી છે આ માનસિકતા. આદિકાળથી પુરુષ શિકાર કરવા જાય અને સ્ત્રી ઘર સાચવે. બધું ભેગું કરે. શિકારને પકાવે. દરેકનો વિચાર કરે. પુરુષ આજે પણ એકનો એક શર્ટ વરસો સુધી પહેરી શકે. જ્યારે સ્ત્રી ભેગું કરે. એ સ્ત્રીની માનસિકતા.

સાયકોલોજિસ્ટ ઓલિવિયા મેલન લખે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સેક્સ માટે સંવાદ નથી હોતો તેના કરતાં પણ પૈસા બાબતેનો સંવાદ તો નહિવત હોય છે. અને એટલે જ પૈસા સ્ત્રી અને પુરુષને ભિન્ન કરે છે. એ દૂરી વધે છે જો સંવાદ અને પ્રેમ ન હોય તો. ઓલિવિયાની વાત આપણે ત્યાં પણ એટલી જ ખરી લાગે જો ઊંડાણથી વિચારીએ. છૂટાછેડાના વધતા પ્રમાણ માટે સમાજ સ્ત્રી ઘર બહાર નીકળીને કમાતી થઈ એને દોષ આપે છે. સ્ત્રી કમાતી હોય એટલે તેને એમ હોય કે મારા પૈસા મને મારી રીતે વાપરવાનો અધિકાર હોય. તેને એક જાતની સ્વતંત્રતાનો અહેસાસ થાય. સ્ત્રી પૈસાને સ્ટેટસ માટે નહિ પણ સલામતી અને હૂંફ માટે ઉપયોગ કરે છે એવું સાયકોલોજિસ્ટ અને બેંકર-ઈન્વેસ્ટર દરેકનું માનવું છે. તેને માટે ગાડી કરતાં પોતાનું ઘર મહત્ત્વનું હોય છે. સ્ત્રીઓ એટલે જ પૈસા બચાવીને છુપાવીને રાખે છે કારણ કે તેને પોતાના પૈસા હોવાથી સલામતીનો અહેસાસ થાય છે ઉપરાંત તેને કેમ વાપરવા અને કેમ ન વાપરવા તે માટે કોઈને હિસાબ આપવાનો હોતો નથી. સ્ત્રી માટે પૈસા સલામતી ઉપરાંત આનંદ પામવાનું સાધન પણ છે. ખરીદી કરીને સ્ત્રીને જે આનંદની અનુભૂતિ થાય છે તે એને કમ્ફર્ટ ફીલ કરાવે છે.

પૈસા કેમ વાપરવા એ મુદ્દો પતિ-પત્ની વચ્ચે વિસંવાદિતા ઊભી કરી શકે છે. બે વ્યક્તિમાંથી એક કંજૂસ હોય અને એક ઉડાઉ હોય તો એ બન્ને બાબત યોગ્ય નથી જ તે સ્વીકારીને સંવાદ સાધી બન્ને વ્યક્તિ તેમાંથી વચલો માર્ગ કાઢી સહચર્યનો આનંદ માણી શકે છે, પણ સંવાદ લગ્ન પહેલાંથી જ હોતો નથી. લગ્ન પહેલાં બન્ને એકબીજાની આદતો માટે કે રહેણીકરણી માટે વાત કરે છે પણ પૈસા અને સેક્સ વિશે શું વિચારે છે તેના વિશે વાત કરતાં નથી. આ બન્ને બાબતો તો સહજ જ શીખી લેવાતી હોય છે એવું માની લેવાય છે. વળી આપણે ત્યાં તો લગ્નો ગોઠવાતાં હોય છે ત્યારે માતાપિતા જ આર્થિક બાબતો વિશે વાત કરી લેતા હોય છે. છોકરા છોકરીતો એકબીજાની સુંદરતા અને ક્ષુલ્લક ગમાઅણગમા વિશે ઉપરછલ્લી વાતો કરી લેતા હોય છે. પુરુષ કેટલો કમાય છે અને તેના ઘરે કેટલા બેડરૂમ છે, ગાડી છે એટલું જોવું જ છોકરી માટે બસ થઈ પડે છે તો છોકરી કેટલી સુંદર છે. ભણેલી છે અને સંસ્કારી (સમર્પિત) છે તે જ જોવાય છે. તેની કારકિર્દી કે કમાણીનો કોઈ અર્થ નથી હોતો. અને આ બાબતે છોકરીને ય કોઈ વાંધો હોતો નથી. લગ્ન પછી પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ પતિ સંભાળી જ લેશે એવું વિચારે છે, કારણ કે લગ્ન પહેલાં તો તેના પિતાએ એ સંભાળ્યું હોય છે. મોટાભાગની સ્ત્રીઓ કમાતી હોય કે ન કમાતી હોય તેમને ઈન્વેસ્ટમેન્ટમાં કે પૈસા સંભાળતા આવડતું નથી તે સહજતાથી માની લે છે. કારણ કે સ્ત્રીઓમાં આત્મવિશ્ર્વાસ નથી હોતો. કારણ કે તેઓ બીજા પર નિર્ભર રહેતાં જ શીખી હોય છે. અને તે માટે ગર્વ અનુભવતા સ્ત્રી-પુરુષ બન્ને હોય છે. પુરુષને તો પોતાના હાથમાં જ સત્તા રાખવી હોવાથી તે ભાગ્યે જ સ્ત્રીની સાથે પૈસા બાબતે સંવાદ કરશે. તો સ્ત્રીને સલામતી વર, ઘર અને છેવટે સોનું ભેગું કરવામાં જ સંતોષ થતો હોય છે. સોનું ભેગું ન કરતી સ્ત્રી ભાગ્યે જ જોવા મળશે. આમ, પૈસા હકીકતે માનસિકતાને કારણે જ મહત્ત્વના હોય છે. જેમને માટે પૈસા જીવનમાં મહત્ત્વના નથી હોતા તેઓ સાદું જીવન ઉચ્ચ વિચારો ધરાવતા હશે. હવે પશ્ર્ચિમમાં પણ કેટલાક લોકો મિલિયન ડોલરની નોકરીઓ છોડીને મિનિમલ એટલે કે ઓછી વસ્તુઓમાં જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે. તેમને સમજાયું હોય છે કે કરોડો રૂપિયા કદાચ સુખસગવડ ખરીદી શકે છે પણ આનંદિત જીવન જીવવા માટે અવકાશની વધુ અને પૈસાની ઓછી જરૂર પડે છે. સ્ત્રીઓ ઉડાઉ હોય છે પુરુષો પૈસાને રોકાણ કરવાની વૃત્તિના હોય છે તેવી ઉપરછલ્લી વાતો કરવા કરતાં તેની પાછળની માનસિકતાનો અભ્યાસ કરવાની જરૂર હોય છે. કંજૂસાઈ નહીં તો ઉડાઉપણું પણ નહીં જ પણ પૈસાને બેલેન્સ કરવાની જરૂર હોય છે. અને એ બધાં ઉપરાંત જરૂર હોય છે સંવાદની, સમજણની કે જીવનમાં આનંદ મેળવવા માટે કેટલા રૂપિયાની જરૂર છે. જીવનમાં આપણો ગોલ, ધ્યેય શું છે ? ગાડીની પણ જરૂરત હોઈ શકે પણ કેટલી અને કેવી ગાડી તે પણ તો નક્કી કરવું પડશે. એકપણ ગાડી વિના જો કોઈ વ્યક્તિ ખુશ રહી શકતી હોય છે. તો સામેની બાજુ ચાર વ્યક્તિના કુટુંબમાં આઠ ગાડી રાખનારના જીવનમાં કોઈ જ સમસ્યા નહીં હોય તે માનવું અતિશયોક્તિ છે. પૈસા આપણને સગવડ આપી શકે છે પણ સુખ આપી શકે એ જરૂરી નથી. આટલી સાદી વાત આપણે સમજી લઈએ તો જીવનની અનેક સમસ્યાઓ ઉકલી શકે છે. પૈસાને કારણે જ કુટુંબો તૂટ્યા હોય તેવું આપણે આસપાસ કે આપણા જીવનમાં પણ અનુભવ્યું છે. તો પછી પૈસા કેમ મહત્ત્વના થઈ ગયા છે તે વિશે વિચારવાની જરૂર નથી લાગતી ? આ તો એક જુદો વિચાર આપની સમક્ષ મૂક્યો. શક્ય છે મારી ક્યાંક ભૂલ થતી હોય પૈસા અને સુખને અલગ કરીને જોવામાં. જીવન માટે જરૂરી હવા, પાણી અને પ્રકાશ આપણને વગર પૈસે જ મળે છે. એને આપણે કરોડો રૂપિયા આપતાં ય પેદા કરી શકતા નથી. હજી આપણને કુદરત પર આધાર રાખવો પડે છે. હા, તેને રૂપિયા વડે મેળવેલી સગવડોથી પ્રદૂષિત જરૂર કરી શકીએ છીએ.


You Might Also Like

0 comments