એચઆઈવી અંત નથી જીવનનો(mumbai samachar)
01:12મુંબઈ પવઈ સ્થિત આવેલા એક મકાનના ફ્લેટમાં બેલ મારીએ તો ટ્રીંગ ન વાગે પણ અંદર લાઈટ ખૂલે બંધ થાય. બધિર વ્યક્તિ ઘરમાં હોય ત્યારે દરવાજાની બેલમાં રીંગ ન હોય પણ બલ્બ ચાલુ બંધ થાય. દરવાજો ખૂલતા શ્યામવર્ણી જ્યોતિ સુંદર હાસ્ય સાથે સ્વાગત કરે છે. નાનકડા ઘરમાં જ્યોતિ તેના પતિ વિવેક અને બિલાડી કૉફી સાથે રહે છે. ગરમાગરમ ચાની સાથે જ્યોતિ સાથે વાત શરૂ થાય છે. જ્યોતિ પાર્શિઅલી બધિર છે. તેને ૮૦ ડેસિબલથી વધુ મોટો અવાજ હોય તો જ સંભળાય છે. કાનમાં પહેરેલું મશીન જોઈ શકાય છે. જ્યોતિ સામે બેસાડીને જ વાત કરે છે, કારણ કે તે સામી વ્યક્તિના હોઠ સામે જોઈને શું કહેવા માગે છે તે સમજી જાય છે.
૩૮ વરસીય જ્યોતિ ધવલે સૂર્વેને યાદ નથી કે બાળપણથી અત્યાર સુધીનો સમય ક્યારેય સંઘર્ષ વિના વીત્યો હોય. તેના જીવનમાં જો કોઈ સારી વાત બની હોય તો ત્રણ વરસ પહેલાં વિવેક સુર્વે સાથે થયેલા લગ્ન છે. તે એચઆઈવી પોઝિટિવ હોવા છતાં વિવેક સૂર્વેએ તેની સાથે લગ્ન કરવાની હિંમત કરી છે. થોડી તોતડી ભાષામાં વાત કરતાં જ્યોતિ કહે છે કે ‘શરૂઆતમાં મને વિશ્ર્વાસ નહોતો કે સોશિયલ મીડિયા પર હું જેની સાથે ચેટ કરી રહી હતી તે ખરેખર મને ચાહે છે અને મારી પરિસ્થિતિને સમજે છે. એચઆઈવી પોઝિટિવ વિશે લોકોને સાચી ખબર જ નથી. આ એઈડ્સ નથી. મારામાં જે વાઈરસ છે તે લોહી પરીક્ષણ કર્યા બાદ જ સમજાય છે. અને તે દવા ખાવાથી ક્ધટ્રોલમાં રહે છે. એચઆઈવી પોઝિટિવ છે પણ તેની તીવ્રતા ઓછી છે એટલે તે સેક્સ દ્વારા પણ ભાગ્યે જ બીજી વ્યક્તિને લાગે છે. જો કે, એચઆઈવી વિશે સમજતાં મને પાંચ વરસ લાગ્યા. હવે હું બીજાને તેના વિશે સાચી સમજ આપવાના પ્રયત્નો કરું છું. તે માટે હું કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે કામ કરું છું.’
જ્યોતિને બાળપણથી માંડીને તેના વિશે વાત કરવાનું કહ્યું તો એના હસતાં ચહેરા પર આછી વેદનાની ઝાંય છવાઈ ગઈ. બિલાડીને નજીક બોલાવી થોડું વહાલ કરીને કહે, ‘બાળપણની મારી સિન્ડ્રેલા જેવી છે પણ હા જો કે તેનો અંત એવો નથી તે અલગ વાત છે. મને એટલી ખબર છે કે મારો જન્મ રાંચીમાં થયો હતો. મારા પિતા એરફોર્સમાં હતા એટલે બદલી થયા કરે. તે સમયે તેઓ રાંચીમાં હતા. મને સમજણ આવી ત્યારે મને દેખાતું કે મારી માતા મને લગભગ ધિક્કારતી હતી. મારી સાથે ઓરમાયું વર્તન થતું, જ્યારે મારી નાની બહેન સાથે પ્રેમથી વર્તતી. પિતાજી ક્યારેય મારી માતાની સામે કશું કહી શકતા નહીં. વખત એવો પણ આવતો કે મને પેટ ભરીને ખાવાનું ય મળતું નહીં. છેવટે મને ખબર પડી કે આ મારી સાવકી મા હતી. મને જનમ દેનારી માતા પણ જીવે છે તે ખબર પડી અને મળી ત્યારે હું નવમાં ધોરણમાં હતી. તે વખતે પહેલીવાર સગી માતા સાથે મુલાકાત થઈ પણ તે યાદ કરવા જેવી નથી. એ ઘટનાની અસર મારા મન પર ખૂબ જ ખરાબ થઈ. કાનમાં તો હું બાળપણથી જ સાંભળી નહોતી શકતી તે વિશે કહે છે કે મારો એક્સિડન્ટ થયો હતો પણ ડૉકટરનું માનવું હતું કે મને ખરાબ રીતે મારવામાં આવી હોય તે શક્ય છે. ખેર, મારી સગીમાને પણ મારા મારી કશી પડી નહોતી તેની મારા કૂમળા મન પર ખૂબ અસર થઈ અને હું નવમાં ધોરણમાં નપાસ થઈ. મને થતું કે મારો શું ગુનો હતો? પણ તેનો જવાબ કંઈ મળી શકતો નહીં. ખેર, પછી મેં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગમાંથી દસમું ધોરણ પાસ કર્યું.’
જ્યોતિ પિતાના એરફોર્સમાં હોવાને લીધે પોતે પણ પાયલટ થવાના સપના જોતી હતી. પણ તેની ડિસએબિલિટીને લીધે તે શક્ય ન બન્યું. જ્યોતિએ સ્વીકારી લીધું કે તેની બધિરતાએ તેની દુનિયા સીમિત કરી દીધી છે. તે જ સમયે તેણે નક્કી કર્યું કે જીવનને હકારાત્મક રીતે જ જોવું, કારણ કે દુખી થવાથી તેની બધિરતા દૂર નથી જ થવાની. કેટલાક નાના મોટા કામ કરતાં તેનું જીવન જઈ રહ્યું હતું કે એક વ્યક્તિ તેના જીવનમાં પ્રેમ લઈને આવ્યો. તેને થયું કે સિન્ડ્રેલાની જેમ તેનું પણ જીવન બદલાઈ જશે. તેણે એ રાજકુમાર નહતો. સામાન્ય વ્યક્તિ હતો, શરૂઆતમાં તો તેનું જીવન સરસ હતું પણ લગ્નના એક વરસ બાદ તેને ગર્ભ રહ્યો અને આનંદમાં વધારો થશે એમ લાગ્યું કે તરત જ તે તેનો એ ભ્રમ ભાંગી ગયો. તેના પતિનો રંગ બદલાયો ગર્ભપાત કરાવડાવ્યો. એ ક્રમ ચાલુ રહ્યો ત્રણ ગર્ભપાત થવા સુધી. લગ્નજીવનમાં પણ તેને ભાગે શારીરિક અને માનસિક હિંસા સહેવાનું જ આવ્યું. મેરિટલ રેપનો સતત ભોગ બનતી. ગર્ભ રહેતા ગર્ભપાત કરાવવા માટે બળજબરી અને ક્ધડોમ વાપરવાનો પણ પતિનો ઈન્કાર રહેતો. છેવટે જ્યારે ચોથીવાર ગર્ભપાત કરાવવાનો હતો તે કોઈક કારણ સર ન થઈ શક્યો તે જ સમયે તે એચઆઈવી પોઝિટિવ
હોવાનું જાણવા મળ્યું. બાળકના જન્મબાદ તે ડિપ્રેશનનો શિકાર બની. એચઆઈવી પોઝિટિવ હોવાને કારણે પણ તે ભાંગી પડી હતી. આ બધાની સાથે તેણે જીવન સામે ઝઝૂમવાનું શરૂ કર્યું. એકલપંડ તે માંડ બે વરસે તેમાંથી બહાર આવી તો પતિએ બીજી સ્ત્રી માટે તેને છૂટાછેડા આપ્યા અને દીકરો પણ લઈ લીધો. તેનો કેસ લડી રહેલા વકિલ તેને ખાસ મદદ કરી ન શક્યા. માંડ માંડ તેણે જાતને સંભાળી અને નાના મોટા કામ કરીને પોતાનું જીવન ટકાવી રાખવા લાગી. એટલું તો નક્કી હતું કે તે કદીય જીવનથી હાર નહીં માને. તે ફાઈટર પ્લેન ઉડાવવા માગતી હતી તે ન સહી પણ જીવનમાં તો તે ફાઈટર બની જ શકે છે તે નક્કી હતું. તેની લડાઈ એવા સંજોગો સામે હતી જેમાં તેણે ઘવાવાનું જ હતું. તેના દીકરાને મળવાના રાઈટ્સ માટે લડવા માગતી હતી, પણ તે સમયે તેની પાસે સારો વકિલ કરવાના પૈસા નહોતા. તે છતાં તેણે નક્કી કર્યું કે તે જીવનથી હાર નહીં માને.
તેના પતિ તરફથી કશી મદદ નહોતી મળી. નાના મોટા કામ કરવાની સાથે તે એચઆઈવી પોઝિટિવ સંદર્ભે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું. તેને છેવટે વિવેક સૂર્વેનો પરિચય થયો અને ત્રણ વરસ પહેલાં લગ્ન થયા. વિવેક એક મેગેઝિનમાં આર્ટ ડિરેકટર તરીકે કામ કરી રહ્યા છે. બન્ને સાથે મળીને પણ લોકો સામે સાબિત કરવા લાગ્યા કે એચઆઈવી પોઝિટિવ પણ એક બીમારી છે અને તેની સાથે પણ વ્યક્તિ સહજતાથી જીવન જીવી શકે છે. જ્યોતિ સ્ટીગમા પ્રોજેક્ટની બ્રાન્ડ એમ્બેસેડર છે. તો બીજી અનેક રાષ્ટ્રિય, આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ સાથે સંકળાઈને એચઆઈવી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે છે. એચઆઈવી પોઝિટિવ સ્ત્રીઓને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે મદદરૂપ થાય છે. તેની ઈચ્છા છે બિહેવિયર સાયકોલૉજીનો ડિપ્લોમા કોરસપોન્ડસ કરીને એચઆઈવી પેશન્ટને મદદરૂપ થવું. તે કહે છે લોકો એચઆઈવીને સંસર્ગજન્ય રોગ માને છે અને એવી વ્યક્તિને નજીક ન આવવા દે. લોકોનો વહેવાર એચઆઈવી પોઝિટિવ જાણતા જ બદલાય જાય છે. તેથી જ લોકો સહજતાથી બહાર નથી આવતા. હું મારા ફોટા સાથે લોકોને જણાવું છું કારણ કે હું જો સ્વસ્થ જીવન જીવી શકું છું તો તમે પણ સ્વસ્થ અને નોર્મલ જીવન જીવી શકો છો. બસ ફક્ત યોગ્ય દવાનું નિયમિત સેવન કરવાનું અને ચેકઅપ કરાવતાં રહેવાનું. કૅન્સર માટે ય લોકોને પહેલાં ભય હતો જ તેવો ભય આજે એચઆઈવી માટે છે. મારું બાળક પણ એચઆઈવી નેગેટિવ જન્મ્યું હતું. અને મારો પતિ પણ એચઆઈવી નેગેટિવ છે. આજે સોશિયલ મીડિયા દ્વારા પણ અનેક એચઆઈવી પોઝિટિવ લોકોને જ્યોતિ માર્ગદર્શન આપી રહી છે. હિંમત આપી રહી છે. સાચે જ જ્યોતિએ સાબિત કર્યું છે કે તે ખરા અર્થમાં ફાઈટર છે.
0 comments