નામ અઘરું, કામ એથીય અઘરું (mumbai samachar)

23:40




ચીનની યુવતી ચાન યુંગ ટીંગે ગ્લાસ સિલિંગ તોડીને પુરુષોની ફૂટબોલ ટીમની સૌપ્રથમ મહિલા કોચ બની રચ્યો ઈતિહાસ


ચીની નામ ઉચ્ચારવું આપણને અઘરું લાગે પણ ચીનની ૨૭ વરસની યુવતી ચાન યુંગ ટીંગે એનાથી પણ અઘરું કામ કરીને ગિનેસ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગેકૂચ કરી રહી હોવા છતાં હજી કેટલાંક એવાં ક્ષેત્રો છે જેમાં હજી સુધી પુરુષોનું જ આધિપત્ય રહ્યું છે. જેમ કે રમતગમતમાં સ્ત્રીઓની ટીમનો કોચ પુરુષ હોઈ શકે પણ પુરુષોની ટીમના કોચ તરીકે કોઈ સ્ત્રી હોય તેની કલ્પના થઈ શકે એમ નથી. તેમાં પણ મેચોમેનની રમત ગણાતી ફૂટબોલની રમત તો વિશ્ર્વમાં મોટાભાગના દેશોમાં રમાય છે. ક્રિકેટ કરતાં પણ ફુટબોલની રમત વિશ્ર્વના પુરુષોમાં પ્રસિદ્ધ છે. ફૂટબોલની લોકપ્રિય રમતગમતના ૧૫૦થી વધુ વરસના ઈતિહાસમાં આજદિન સુધી જે નથી બન્યું તે ૨૭ વરસની ચાન યુંગ ટીંગે કરી બતાવ્યું. ફૂટબોલની રમત પાછળ આખું ય વિશ્વ ઘેલું છે. ફૂટબોલના ખેલાડીઓ પાછળ યુવતીઓ ઘેલી હોય તે પણ સ્વીકારી શકાય પણ આ વરસે એક સમાચારે આખાય વિશ્વને અચંબામાં મૂકી દીધા. હોંગકોગની ઈસ્ટર્ન સ્પોર્ટસ ક્લબના પુરુષ ફુટબોલ ટીમની કોચ એક યુવતી છે. આ વાત ત્યારે બહાર આવી જ્યારે એપ્રિલ ૨૦૧૬માં ચીનમાં રમાતી પ્રિમિયર લીગની મેચ ઈસ્ટર્ન ક્લબે વીસ વરસમાં પહેલીવાર જીતી. એના બીજા જ દિવસે ચાનને ગિનેસ બુક ઓફ રેકોર્ડનું બહુમાન મળ્યું. 

સ્ત્રીઓ પણ ફૂટબોલ રમતી થઈ છે પણ હજી વિશ્ર્વમાં મહિલા ફૂટબોલ રમત એટલી લોકપ્રિય કે પ્રસિદ્ધ નથી ત્યાં ચાને પુરુષોની ટીમના કોચ બનવા સુધીની સફર કઈ રીતે કરી તેની વાત જાણીએ. ચાનની વાત કરીએ તો તે કઈ રીતે પુરુષોની ફૂટબોલ ટીમની કોચ થવા માટે ગ્લાસ સિલિંગ તોડી શકી તે બાબતે વિશ્ર્વભરની મીડિયાએ તેનો ઈન્ટરવ્યું કર્યો છે. એ પહેલાં કોઈએ ચાનના કોચ થવા બાબતે ધ્યાન નહોતું આપ્યું. આજે હોંગકોંગની ઈસ્ટર્ન ક્લબ ચાનને કોચ બનાવવા માટે ગર્વ અનુભવે છે પણ કોચ બનવા સુધીનો સફર બહુ કપરો હતો. 

ચાનને ફુટબોલમાં રસ બહુ મોડો શરૂ થયો હતો. તે કોલેજમાં આવી એટલે કે લગભગ ૧૯ વરસની હતી ત્યારે યુનિવર્સિટીમાં તેણે રિજનલ ફૂટબોલ ક્લબમાં મહિલા વિભાગમાં રમવાનું શરૂ કર્યું. તેણે ચીનની રાષ્ટ્રીય ટીમ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવાની શરૂઆત કરી હતી. ચાનના પરિવારે તેની ખૂબ ટીકા કરી હતી, કારણ કે ચીનમાં સ્ત્રી ફૂટબોલ ટીમના ખેલાડીઓ અને સ્ટાફને આજીવિકા કે કોઈ મહેનતાણું નથી મળતું કે કોઈ વળતર નથી મળતું એટલે તેમણે પોતાની આજીવિકા માટે બીજું કોઈ કામ કરવું જ પડે. જ્યારે પુરુષ ખેલાડીઓને રાષ્ટ્ર તરફથી આજીવિકા મળતી હતી. ચાનને સ્પોર્ટસ મેડિસિન અને હેલ્થ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે સેલ્ફ ફાઈનાન્સ લોન લેવી પડી હતી.

તે દરમિયાન ચાને ફુટબોલ ડેટા એનાલિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેને યુથ ટીમ માટે આસિસ્ટન્ટંટ કોચ બનવાનો મોકો મળ્યો. ધીમે ધીમે તે ચીનની કેટલીક મોટી ક્લબ સાથે પણ સંકળાવા લાગી. જો કે તે છતાં મોટેભાગે પડદા પાછળ રહીને જ કામ કર્યું. આમ પણ યુરોપમાં સૌથી લોકપ્રિય આ રમતમાં મહિલા કોચની કલ્પના પણ હજી સુધી થઈ શકે એમ નથી. એશિયામાં પણ એ જ હાલ છે. ચાનને હેડ કોચ બનવાનો મોકો ડિસેમ્બર ૨૦૧૫ સુધી મળ્યો નહતો. તે સમયે એ આસિસ્ટન્ટંટ કોચ તરીકે ઈસ્ટર્ન ક્લબમાં જોડાયેલી હતી. હેડ કોચે રાજીનામું આપતા કોચ બનવા માટે ચાન જ એક ક્વોલિફાઈડ સ્ટાફ હોવાને કારણે તેને કોચ બનાવવામાં આવી ત્યારે કોઈને પણ ખ્યાલ નહોતો કે આ પગલું ફૂટબોલમાં એક ઈતિહાસ બની જશે. 

આપણે ત્યાં આઈપીએલ રમાય છે તે રીતે ફૂટબોલની પ્રિમિયર લીગ ચીનમાં પણ રમાય છે. તેમાં ઈસ્ટર્ન ક્લબ ક્યારેય ચેમ્પિયન બન્યું નહોતું કે તેના ચેમ્પિયન બનવાની કોઈને આશા પણ નહોતી. ચાને કોચ બન્યા બાદ પોતાના ડેટાબેઝનો અભ્યાસ કામે લગાડીને ખેલાડીઓને તૈયાર કર્યા. તેને કોચ તરીકે પસંદ કરવામાં આવી કારણ કે ત્યારે ટીમ માટે બીજો કોઈ પર્યાય નહોતો. બીજો પુરુષ કોચ મળે ત્યાં સુધીના ગાળા માટે તેની આવડતને ધ્યાનમાં રાખીને કોચ બનાવવાનું જોખમ ક્લબે લીધું હતું. ચાન જાણતી હતી કે આ એક જ મોકો તેને મળ્યો છે પુરવાર થવાનો. બીજો કોઈ કોચ આવે તે પહેલાં તેણે પુરવાર થવાનું હતું. વળી તે કંઈ પ્રોફેશનલ ફૂટબોલર તરીકે રમી પણ નહોતી. શરૂઆતમાં સહેલું ય નહોતું પુરુષોના ક્ષેત્રે કામ કરવું પણ તેને એક તક મળી હતી તે એણે ઝડપી લીધી. તે કહે છે કે તમે તમારું સપનું પૂરું કરવા માટે દિલોજાનથી મહેનત કરી શકો છો. હકીકતમાં સ્ત્રીઓ સપના જોતા જ ડરતી હોય છે. બીજી વાત એ છે કે હોંગકોંગમાં સ્ત્રી-પુરુષના ભેદભાવ ઘણા ઓછા કે નહીંવત છે એટલે તમારે ફક્ત પુરવાર જ થવાનું હોય છે અને તે મેં કરી બતાવ્યું. તે છતાં શરૂઆતમાં ચાનનો સ્વીકાર સહજતાથી ન પણ થયો હોય. જો કે કોઈપણ નવા કોચ તરફ થોડીઘણી શંકા થઈ જ હોત પરંતુ સ્ત્રી હોવાને નાતે કદાચ તે શંકા જરાક વધુ હશે. ચાનને પોતાને ય થોડો સમય નર્વસનેસ લાગી હશે. તે છતાં તેણે આત્મવિશ્ર્વાસપૂર્વક આવડત ફૂટબોલના મેદાન પર પોતાના પ્રિય ખેલાડી ડેવિડ બેકહમને યાદ કરીને મૂકી દીધી હતી ગોલ કરવા માટે. ચાન યુંગે સ્ત્રીઓ માટે નવો ચીલો પાડી આપ્યો. પુરુષોની ટીમને સ્ત્રી કોચ જીત તરફ લઈ જઈ શકે છે તેવો વિશ્ર્વાસ સ્થાપી આપ્યો. કેમ નહીં જો સ્ત્રી આખા દેશની નેતા બની શકે તો એક ટીમની નેતા પણ બની જ શકે છે.

અહીં એક વિચાર એ પણ આવે કે જો ચાનની ટીમ ચેમ્પિયન બની ન હોત તો શું ચાનને બીજી તક આપવામાં આવી હોત? કે પછી તેના સ્થાને પુરુષ કોચની શોધ થઈ રહી હતી તે વેગ પકડત? તેના જવાબ આપણે સૌ કોઈ જાણીએ છીએ જ, પરંતુ આજે તો ચાન યુંગ ટીંગની સફળતાને બિરદાવવાની છે. ચાનનું નામ બીબીસીના દુનિયાની સો વગદાર મહિલાઓના લિસ્ટમાં પણ આવી ગયું છે.



You Might Also Like

0 comments