આજનાં સાવિત્રીબાઈ (mumbai samachar)
01:04૬૪ વરસના શકુંતલા સૂર્વેની સાથે અંગ્રેજી અને મરાઠીમાં વાત શરૂ થાય છે. સામાજિક કાર્યકર અને નારીવાદી અભિગમ ધરાવતાં મિત્ર મીના ત્રિવેદી જ્યારે ઓળખ કરાવે છે ત્યારે ફક્ત એટલું જ કહે છે કે શકુંતલા સૂર્વે મારા મૈત્રિણી છે. પછી કહે છે કે તેમનું જીવન મિસાલરૂપ છે. તેમને હાલમાં જ સાવિત્રી એવોર્ડ મળ્યો છે. તેમના દીકરી અને દીકરાના નામની પાછળ પિતાનું નામ નહીં પણ માતાનું નામ શકુંતલા સૂર્વે જોડાયેલું છે. જિજ્ઞાસાવશ શકુંતલા સૂર્વે સાથે વાતચીત શરૂ થાય છે ત્યારે ખબર પડે છે કે શકુંતલાતાઈએ કેટકેટલા સંઘર્ષોને માત આપી આજે આ મુકામ પર પહોંચ્યા છે.
ભૂતકાળની વાત કરતા શકુંતલા સૂર્વેના મોંઢા પર વેદનાની રેખાઓ અંકાઈ જાય છે. તેઓ કહે છે કે ‘આજે તમે જે ઝૂંપડપટ્ટીઓ મુંબઈમાં જુઓ છો તેવી ઝૂંપડપટ્ટીઓમાં મારો ઉછેર થયો છે. ચુનાભઠ્ઠી, બાન્દરા ઝૂંપડપટ્ટીની મને યાદ છે. મારો જન્મ કેઈએમ મ્યુનિસિપલ હોસ્પિટલમાં અને ભણતર પણ મ્યુનિસિપલ શાળામાં જેમ તેમ થયું હતું. પિતા સારું કમાતા પણ મોટાભાગના પૈસા દારૂમાં જ વેડફાઈ જતાં. બાળપણથી ઘરમાં દારૂડિયા પિતાના હાથનો વગર વાંકે માર ખાતા માતાને જોઈ. નાના હતા ત્યારે ડરતાં, ગુસ્સો આવતો પણ અસહાય હતા. જેમ જેમ મોટી થતી ગઈ પિતાનો હાથ પકડીને તેમને ધક્કો મારીને માતાને બચાવવા વચ્ચે કૂદી પડતી. પાંચ ભાઈબહેનોમાં હું સૌથી મોટી હતી. મને ભણવું ગમતું હતું. તેમાં પણ અમે જ્યારે બાન્દરા ખાતે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેવા ગયા ત્યારે ત્યાં થોડું ઘણું અંગ્રેજી મારી કેથલિક બહેનપણીઓ પાસેથી શીખી. સાથે જ અમારી ઝૂંપડપટ્ટી પાક્કી બની રહી હતી. તે સમયે ઘરદીઠ થોડા રૂપિયા આપવાના રહેતા અથવા તો કોઈએક માણસ કામ કરવા આપવો પડતો. પૈસા તો હતાં નહીં અમારી પાસે એટલે રેતી, પથ્થર ઉપાડીને ઘર બાંધવાનું કામ કરીને માતાપિતાને પાક્કું ઘર આપ્યું. પણ ૧૮ વરસની થઈ નથી કે માતાપિતાએ કોંકણની એક વ્યક્તિ સાથે પરણાવી દીધી. તે સમયે વિરોધ કરવાનું સૂઝ્યું નહીં કે હિંમત નહોતી. વળી દરેક છોકરીઓની જેમ પરણવાની ઈચ્છા પણ હોય. કેટકેટલાય સપનાંઓ લઈને હું રત્નાગિરી પાસે આવેલા એક ગામમાં પરણીને પહોંચી, પણ લગ્નની પહેલી જ રાત્રે મને સમજાઈ ગયું કે હું સ્વર્ગમાં નહીં પણ નરકમાં પહોંચી ગઈ છું.
એ વ્યક્તિ હિંસક જાનવરની જેમ મારા પર તૂટી પડ્યો. પછી તો રોજનું થયું . પેટભરીને ખાવાનું તો ક્યારેક જ મળતું પણ માર અને ડામ તો રોજના જ થઈ ગયા. મને સમજાતું નહીં મેં શું ગુનો કર્યો છે. ગુનો કદાચ એટલો જ કે પિતૃસત્તાક સમાજમાં હું સ્ત્રી તરીકે જન્મી હતી. આ લગભગ ૧૯૭૦-૭૧નાસાલની આ ઘટનાઓની વાત કરું છું. દરમિયાન બે બાળકો થયાં. લગ્નના ઘણાં સમય બાદ મને મારા માતાપિતાના ઘરે પહેલીવાર મારો એ પતિ લઈ આવ્યો. પણ તે પહેલાં તેણે મારા બધા સોનાના ઘરેણાં જે મારી માએ આપ્યા હતા તે વેચી નાખ્યા અને ખોટા ઘરેણાં મને આપ્યા. માના ઘરે પહોંચી ત્યારે મને જોઈને મારી માતા તો હેબતાઈ જ ગઈ. મારા આખા શરીર પર ડામ હતા. એક જગ્યા ખાલી નહોતી. કેટલીક જગ્યાએ તો મને પસ પણ થયું હતું. મા મને ડૉકટર પાસે લઈ ગઈ. સારવાર કરી, પરંતુ પાછા સાસરે જવા સમજાવવા લાગી. મેં નક્કી કર્યું હતું કે એ નરકમાં મારે જવું નથી. પણ મારી નાની બહેનોના લગ્ન નહીં થાય તે બીકે માતાપિતા મને સમજાવતા હતા કે છોકરીનું સાચું ઘર તો સાસરું જ હોય. મારો પતિ પણ મને કહી રહ્યો હતો કે હવે તે નહીં મારે, પાછા ઘરે આવવા વિનવી રહ્યો હતો. તે સમયે મેં નક્કી કર્યું હતું કે ભલે જે પણ થાય મારે પાછા એ નરકમાં જવું નથી. બાળકોની સાથે માતાપિતાનું ઘર છોડીને હું ભાડે રહેવા જતી રહી. જે હાથમાં આવ્યું તે કામ કર્યું. ઘરકામ, ટયૂશનો પણ કર્યાં. બારમું પાસ હતી અને ભણવામાં હોશિયાર હતી. એટલે નક્કી કર્યું કે આગળ ભણવું. એસએનડીટીમાંથી કોરસપોન્ડસ કોર્સ સાથે બી.એ.કર્યું. તે દરમિયાન સામાજિક સંસ્થાઓ સાથે કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. સ્ત્રીઓને સમજાવવી કે ઘરેલું હિંસામાંથી બહાર કેવી રીતે નીકળવું. તેમનું શોષણ ન થવા દેવું. અન્યાય સામે હકની લડાઈ કઈ રીતે લડવી વગેરે. મારા પોતાના અનુભવને લીધે હું સચોટપણે સમજાવી શકતી હતી. બી.એ કર્યા બાદ તે સમયે મને ફેમિલી પ્લાનિંગ અને એઈડ્સ સામે જાગૃતિ લાવવા માગતી વિદેશી ફંડ સાથે સંકળાયેલી સંસ્થા ડીકેટી ઈન્ડિયામાં મને સારું કામ મળ્યું. એ સંસ્થાની મદદથી બેંગ્લોર જઈને સામાજીક કાર્યમાં માસ્ટર્સ પણ કર્યુંં. આર્થિક રીતે હું સધ્ધર થવા લાગી. સામાજિક કામો ઉપરાંત પણ ટ્યુશન વગેરે કરતી રહેતી. ફેમિલી પ્લાનિંગ અને એઈડ્સ માટે સ્ત્રીઓને અને પોલીસ, સીબીઆઈ વગેરેમાં કામ કરતાં લોકોને પણ સમજાવવા પડતાં. તે જમાનામાં
એટલે કે ૮૦ના દાયકામાં હજી લોકો સેક્સ અને એઈડ્સ વિશે વાત કરતાં અચકાતાં હતાં. ભગવાનની કૃપાથી મારામાં એ આવડત હતી. કામ અઘરું હતું પણ જીવનમાં જે તકલીફો જોઈ હતી તેના કરતાં તો સહેલું જ લાગતું. બાળકોને સારી રીતે ઉછેરવા તે જ મારું લક્ષ્ય હતું. તે પણ એકલે હાથે. મારી મોટી દીકરી પાંચમા ધોરણમાં આવી ત્યારે એણે મને સવાલ પૂછ્યો કે મારા પિતાએ તને ખૂબ તકલીફો આપી છે, અને તું જ અમને સંઘર્ષ કરીને ઉછેરી રહી છે તો મારા નામની પાછળ મારે પિતાનું નામ નથી જોઈતું. તારું જ નામ જોઈએ છે આઈ. હું સામાજિક કામો કરી રહી હતી અને મને પણ લાગ્યું કે વાત સાચી છે એટલે નામબદલી કરવા માટે ગેઝેટિયર પાસે મારા બાળકોને લઈ ગઈ. દીકરીને જોઈને નાનો દીકરો પણ કહે કે મને પણ પિતાનું નામ નથી જોઈતું. બાળકોને સમજાવ્યું કે ફોર્મ હું ભરી આપીશ પણ અધિકારીઓને તમારે જ સમજાવવા પડશે. તેમાં હું વચ્ચે નહીં આવું. તે સમયે મારી આંખમાં આંસુ હતા પણ હૃદય ગર્વથી છલકાઈ રહ્યું હતું. મારાં વિદ્રોહી વિચારો અને સામાજિક કામની અસર બીજા પર થાય કે ન થાય પણ મારા બાળકો સમજી રહ્યાં હતાં. તેમનો ઉછેર યોગ્ય રીતે થઈ રહ્યો હતો. બસ ત્યારથી તેમના નામ નીના શકુંતલા સૂર્વે અને રાહુલ શકુંતલા સૂર્વે તરીકે જ લખાય છે. કામ કરતાં ભણવું , એકલા હાથે બાળક ઉછેરવા, ઘર બનાવવું એકલી યુવાન સ્ત્રી માટે કેટલું અઘરું હોય છે તે અનુભવો લખવા માટે પુસ્તક જ લખવું પડે. ખેર, પણ એ દિવસો ય વીતી ગયા છે તેનો મને આનંદ છે. એટલે એ કડવા અનુભવો મારે હવે વધુ યાદ નથી કરવા.’
આજે તેમની દીકરી અને દીકરાઓ ભણીગણીને સ્થાયી થયા છે. દીકરાએ ગોવામાં હોલિડે હોમ શરૂ કર્યું છે. અને શકુંતલાતાઈ નિવૃત્ત થઈને પોતાનું જીવન પોતાની રીતે જ જીવે છે. તેમણે અનેક સામાજિક સંસ્થાઓ સાથે કામ કર્યું. મિલકામદાર અને બળાત્કાર પીડિતાઓને ન્યાય મળે એ માટે મોરચાઓ કાઢ્યા. ફેમિલી પ્લાનિંગ માટે માલેગાંવ જેવા મુસ્લિમ વિસ્તારોમાં જઈને પણ લોકોને સમજાવવાનું અઘરામાં અઘરું કામ કર્યું. અને નિવૃત્તિ બાદ પણ પગવાળીને બેઠાં નહીં. વસઈમાં રહેતાં શકુંતલાતાઈ હજી પણ આવી પડતાં નાના-મોટાં સામાજિક કામો કરી રહ્યાં છે. નિર્ભર ક્યારેય રહ્યા નહોતા એટલે આજે પણ કોઈના પર આધાર રાખવો તેમને ગમતો નથી. ૫૮ વરસે ગાડી ચલાવતાં શીખવા ગયા તો અધિકારીઓએ કહ્યું કે મેડમ હવે આ ઉંમરે તમે નહીં શીખી શકો. તો તેમને ખોટા પાડ્યા. બાળકોને કહ્યા વિના સેક્ધડ હેન્ડ ગાડી લઈ હાથ સાફ કરી. ૬૦માં જન્મદિને પોતાને માટે નવી ગાડી ખરીદી અને હવે જાતે ડ્રાઈવ કરે છે.
શકુંતલા સૂર્વે મહિલાઓને એક જ શીખ આપતાં કહે કે કોઈપણ બાબતે બીજા ઉપર નિર્ભર ન રહો. જીવનના નિર્ણયો જાતે લેતાં શીખો. કોઈપણ જાતની હિંસા કરો નહીં અને સહો પણ નહીં.
0 comments