દુનિયા એક દંગલ છે (mumbai samachar)

22:02





પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા સામે સતત લડતી નારી માટે દુનિયા એક દંગલ છે. જ્યાં સ્ત્રીઓને પ્રવેશ હજી પણ ન મળે તો નવાઈ નથી લાગતી. દંગલ ફિલ્મમાં દર્શાવાયું કે સ્ત્રીએ જો પોતાની જાતને પુરવાર કરવી હોય તો પુરુષોની સામે એટલે કે પોતાનાથી વધુ શક્તિશાળી વ્યક્તિ સાથે લડીને પુરવાર થવું પડશે. જો સ્ત્રી લડતી નથી કે જીતતી નથી તો તે પુરુષ સમાજમાં હાંસીપાત્ર બને છે. 

ભારતમાં જ નહીં પણ વિશ્ર્વમાં હજી સ્ત્રીઓને બાકાત રાખવા માટે પુરુષો એકજૂટ થાય છે. ગયા વરસે ઈંગ્લેડના એડિનબર્ગમાં મરફિલ્ડ ગોલ્ફ ક્લબમાં મે મહિનામાં સ્ત્રી મેમ્બરને ગોલ્ફ ક્લબથી દૂર રાખવા માટે વોટિંગ થયું. જો કે એડિનબર્ગની સ્ત્રીઓએ બદલો લેવા માટે ક્લબની બહાર મુકાયેલ બેન્ચ ઉપર બોર્ડ લગાવ્યું કે મરફિલ્ડ ગોલ્ફ ક્લબના મેમ્બરે આ બેન્ચ પર બેસવું નહીં. બાય ઓર્ડર એડિનબર્ગની મહિલાઓ. ગયા વરસે અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં પ્રથમવાર સ્ત્રી પ્રમુખને વોટિંગથી લાવી શકાયા નહીં. આધુનિક અમેરિકાની પાર્લામેન્ટમાં પણ સ્ત્રીઓની સંખ્યા પચાસ ટકા નથી અને ત્યાં હજી સુધી પ્રમુખ પદે સ્ત્રી આવી શકી નથી. અને જે પુરુષ સ્ત્રીની સાથે અણછાજતું વર્તન કરવાની કોમેન્ટ કરી શકે તેને પ્રમુખ તરીકે ચૂંટીને લાવી શકે. 

મોરક્કન ટીવીમાં ઘરેલું હિંસાનો ભોગ બન્યા બાદ મોંઢા પરના મારના નિશાનને મેકઅપ કરીને કેવી રીતે છુપાવવા તે બતાવાયું હતું. એનો અર્થ એ કે ઘરેલું હિંસા તો થયા કરે તમે એને મેકઅપની કળા દ્વારા છુપાવી શકો છો. 

લંડનના સાઈકાટ્રિટ ડૉ. જુડિથ મોહરિંગે તાજેતરમાં કરેલા એક સંશોધન પ્રમાણે હજુ આજે પણ કામ કરતી સ્ત્રીઓમાં પુરુષોના પ્રમાણમાં વધુ સ્ટ્રેસ-તાણ જોવા મળે છે. કારણ કે તેમને ઘર, બાળકો, વડીલો અને ઓફિસ એમ ચારે તરફ ધ્યાન આપવું પડતું હોય છે. ડૉ. જુડિથનું કહેવું છે કે કંપનીઓએ અને ઘરમાં પણ સ્ત્રીઓને સપોર્ટ કરવાની જરૂર છે. ઓફિસમાં સ્ત્રીઓને ફ્લેક્સીબલ ટાઈમ આપી શકાય અથવા એવા સંજોગ આવી પડે કે સ્ત્રી ઓફિસ ન આવી શકે તો ઘરેથી કામ કરી શકે તેની પણ છૂટ આપવી જોઈએ. બીજું ઘરેથી પણ જો પુરુષ સભ્યોનો સપોર્ટ મળે અને તેઓ જવાબદારી વહેંચી લઈ શકે તો સ્ત્રીના મન પર ઓછી તાણ આવે. ૨૦૧૬માં જ આવેલા આ રિપોર્ટમાં ૨૫ થી ૫૪ વરસની મહિલાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધતું હોવાનું જાણવા મળ્યું હતું. લગભગ ૩૭ ટકા સ્ત્રીઓને કામને કારણે એન્કઝાઈટી અને તાણને લીધે તબિયત બગડતી હોવાનું જાણવા મળ્યું છે. 

આ સંશોધન જો ભારતમાં થાય તો ચોક્કસ જ ૩૭ ટકાને બદલે ૭૩ ટકા કે એનાથી વધુ પ્રમાણમાં સ્ત્રીઓ તાણમાં જીવતી હોવાનું જાણવા મળે. કારણ કે આપણે ત્યાં સ્ત્રીઓને પ્રવાસ કરવામાં બે કલાક કે તેનાથી વધુ જતાં હોય છે. તે ઉપરાંત આઠ કલાકની નોકરી અને ઘરે જઈને સવાર સાંજની રસોઈ, બાળકોનું ઘરકામ અને બીજી માગણીઓ પૂરી કરવાની. સાસુ-સસરા, માતાપિતા અને મહેમાનોને સાચવવાના. વહેવારો જાળવવાના વગેરે અનેક કામ કરવાના હોય છે. કેટલાક પુરુષો મદદ કરાવતાં હોય છે પણ તેની ટકાવારી ૧૦ ટકા પણ હોય તો ઘણું કહેવાય. ડૉ. જુડિથે ગ્લાસ સિલિંગ એટલે કે ઓફિસમાં પણ પુરુષોનું વલણ સ્ત્રીઓને આગળ ન આવવા દેવાનું હોય છે. તે માટે બધા જ પુરુષો એકજૂટ થઈ જતાં હોય છે. અને તે પણ આજની એકવીસમી સદીમાં. 

કુસ્તીના મેદાનમાં કે રમતગમતના મેદાનમાં કેટલીક સ્ત્રીઓ આગળ આવી શકશે, પરંતુ બાકીની સ્ત્રીઓનું બ્રેઈન વોશ પિતૃસત્તાક વિચારધારાથી કરવામાં આવતું હોવાથી હજી પણ પરિસ્થિતિમાં ફરક પડતો નથી. 

દબંગ બનીને લડીને એકલદોકલ સ્ત્રીઓ કેટલીક સફળતા મેળવી શકે છે. બાકીની સ્ત્રીઓએ સતત દંગલમાં જવાની તૈયારીઓ કરવી પડે છે. જો સમાજની વિચારધારા બદલાય તો તેણે ગુણવત્તાને જ પુરવાર કરવાની રહે છે પણ સ્ત્રીઓએ પુરુષની સામે, પિતૃસત્તાક વિચારધારાની સામે લડવાનું હોય છે. જે સહેલું નથી હોતું. પછી તે હિલેરી ક્લિન્ટન હોય કે ગામડાની કોકિલા હોય.

મોલેસ્ટેશન એટલે કે છેડતીની ઘટનાઓ દરવરસે કોઈને કોઈ શહેરમાં થાય જ છે. પુરુષો દ્વારા સ્ત્રીઓને નીચે પાડવી હોય તો તેની જાતીય છેડતી કે બળાત્કાર કરવામાં આવે છે. છેડતીની કેટલીય ઘટનાઓ તો ક્યારેય રિપોર્ટ પણ નહીં થતી હોય. દરરોજ ઘરની બહાર નીકળતી સ્ત્રીઓએ પુરુષોની કપડાંની આરપાર વીંધીં નાખતી નજરથી બચવું પડે. સહજતાથી તે રોજબરોજનું જીવન પણ જીવી શકતી નથી. તેમાં જ્યારે ગીતા ફોગટ કે સાક્ષી મલિક કે પીવી સિંધુ કે અદિતી અશોક જેવી એકાદી સ્ત્રીઓ પુરુષોના ક્ષેત્રમાં પ્રવેશ કરે તો તે મોટી ઉપલબ્ધિ મનાય છે. બાકી મહિલા ક્રિકેટરો ગમે તેટલું સારું પ્રદર્શન કરે મેદાનમાં તો પણ તેમને પુરુષોને મળે છે એ રીતે એકપણ જાહેરાત કે વેતન મળતું નથી. કે ન તો તેમના સમાચારો પહેલાં કે છેલ્લા પાનાં પર છપાય છે. જ્યાં સુધી જાતીય ભેદભાવ રહેશે ત્યાં સુધી સ્ત્રી માટે રોજ દંગલમાં પ્રવેશ મેળવવા માટે સખત (પુરુષોથી વધારે) મહેનત કરવી પડશે.





You Might Also Like

0 comments