તમે મોદીભક્ત કે ટ્રમ્પવિરોધી?

23:56





શિયાળાની મોસમમાં જેમ પક્ષીઓ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે તેમ વિદેશમાં વસતાં ભારતીયો એનઆરઆઈ ભારતમાં આવે. આ વરસે આવેલા મોટા ભાગના ભારતીયો વાતવાતમાં ટ્રમ્પ માટેની કોમેન્ટ ન કરી હોય તો જ નવાઈ. આપણા વડા પ્રધાન અને ટ્રમ્પની સરખામણી પણ લોકો કરી રહ્યા છે. ખેર, એવું કહેવાય છે કે રાજકીય અભિપ્રાયો ધરાવતાં મનને બદલવું મુશ્કેલ જ નહીં નામુમકિન છે.

પાનના ગલ્લા કે ટ્રેનના ડબ્બામાં કે પછી ઑફિસમાં ચા પીતાં તો ક્યારેક મિત્રો સાથે ડ્રિન્ક લેતાં પુરુષો રાજકારણની ચર્ચાએ ચઢી જતાં હોય છે. પુરુષો લખવું પડ્યું કારણ કે ઓટલા પર બેસીને કે મોર્નિંગ વોક કરતાં કે કીટી પાર્ટીમાં ગંભીરતાથી રાજકારણની ચર્ચા કરતાં સ્ત્રીઓને ક્યારેય જોઈ નથી. હા, ક્યારેક અલપઝલપ વાતો ચૂંટણી સમયે કરી લે તે વાત જુદી છે. આમાં કેટલીક સ્ત્રીઓ અપવાદ હોઈ શકે પણ પુરુષોની જેમ રાજકારણની ચર્ચા કરતાં એકબીજા સામે મારામારી કે અબોલા થઈ જાય એ હદે ક્યારેય સ્ત્રીઓ રાજકારણની ચર્ચા કરતી નથી. રાજકારણની ચર્ચા કરતાં પુરુષો ગુસ્સે થઈ જાય કે અંગત રીતે તેમનો અહંકાર ઘવાય તે નવાઈની વાત લાગતી નથી. સોશિયલ મીડિયા પર પણ બે જૂથ પડી ગયા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. આમાં વિરોધી કે ટેકેદારોના મત એટલા સખત રીતે શબ્દોમાં વ્યક્ત થતાં હોય છે કે તેમના હાથમાં બંદૂક આવી જાય તો સામી વ્યક્તિઓને ગોળીએ ઉડાડી દેવામાં વાર ન લાગે.

જો કે તેમાં એમનો વાંક નથી હોતો, વાંક હોય છે તેમના મગજનો. વૈજ્ઞાનિક રીતે આ પુરવાર થયું છે. ઓરેગોન યુનિવર્સિટીના પ્રોફેસર કેમ્પબેલ જેઓ આઈડેન્ટિન્ટી અને બિલીફ (ઓળખ અને માન્યતા) વિષય પર સંશોધન કરે છે તેમણે ૨૦૧૫ની સાલમાં માણસો પોતાની રાજકીય અને ધાર્મિક માન્યતાઓનો વિરોધ કેવી રીતે લે છે તેનો અભ્યાસ કરીને એક પેપર લખ્યું છે. તો બીજી તરફ દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ જોન્સ કપ્લેને ન્યુરોસાયન્ટિસ્ટ અને લેખક સેમ હેરિસ સાથે મળીને જ્યારે આપણે દલીલ કરીએ છીએ ત્યારે મગજમાં શું થાય છે તે જાણવા માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો. જોગાનુજોગ બન્ને અભ્યાસનું તારણ એક જ આવ્યું છે કે વ્યક્તિની ઓળખ પર આઘાત થાય તો તે સાંખી નથી લેતો. એટલે જ જ્યારે વાતચીત કરતી સમયે બીજી કોઈપણ બાબત કરતાં રાજકારણ કે ધાર્મિક બાબતની તેની માન્યતાઓ કોઈ રીતે બદલી શકાતી નથી. તેનું કારણ છે કે આ માન્યતાની સાથે વ્યક્તિની પોતાની ઓળખ પણ સંકળાયેલી હોય છે. દરેક પુરુષ માટે પોતાની ઓળખ એ તેના પૌરુષીય અહંકારને પોષતી હોય છે. એટલે જ કોઈપણ સાબિતી કે પુરાવાઓ પણ તેમની માન્યતાઓને બદલી શકતા નથી. કપ્લેને તો અભ્યાસમાં ભાગ લેનારી દરેક વ્યક્તિને રાજકીય સંદર્ભે સવાલો પૂછ્યા અને જોયું કે મગજના ક્યા ભાગમાં એક્ટિવિટી થાય છે. અભ્યાસમાં એવું સાબિત થયું કે આપણે માન્યતાઓના પડકારને આપણી ઓળખનો પડકાર માની બેસવાની ભૂલ કરીએ છીએ. આપણી ઓળખ સાથે આપણી માન્યતાઓનું સેળભેળ થઈ જતું હોવાથી જો આપણે સભાન થઈને આપણી ઓળખ અને માન્યતાઓને જુદા ન જોઈએ ત્યાં સુધી માન્યતાઓને ક્યારેય બદલી શકાતી નથી. એટલે જ સામી વ્યક્તિના રાજકીય વિચારો પણ ક્યારેય દલીલ કરવાથી બદલી શકાતા નથી.

આ બાબત મગજના એમઆરઆઈ કરવાથી પુરવાર થઈ શકી છે. જ્યારે તેમણે અભ્યાસમાં ભાગ લેનાર વ્યક્તિઓ સાથે રાજકીય સંદર્ભે દલીલો કરી તો મગજમાં આવેલ ઓળખના ભાગમાં અને નકારાત્મક ભાગમાં એક્ટિવિટી જોવા મળી હતી. પ્રોફેસર કેમ્પબેલ પણ કહે છે કે લોકો પોતાની ઓળખ પર થતાં વારને સહન કરી શકતા નથી. જો પુરાવાઓ વ્યક્તિને ખરાબ સાબિત નથી કરતી તો તેઓ પોતાની માન્યતાઓનો વિરોધ નહીં કરે. એટલે કે જો માન્યતાને બદલતા પુરાવાઓ સ્વીકારીને જો વ્યક્તિ ખરાબ કે ખોટી પડે તો તે ક્યારેય માન્યતાને બદલવા અંગે વિચારશે નહીં પણ પોતે જે માને છે તેને જડની જેમ વળગી રહેશે. પણ જો તે પુરાવાઓ વ્યક્તિને ખોટી કે ખરાબ સાબિત નથી કરતી તો તે પોતાની માન્યતાઓને તટસ્થતાથી જોવાનો પ્રયત્ન કરશે.

આ બાબતને આપણે કેટલાક ઉદાહરણ દ્વારા જોઈએ તો ગાય બાબતે જે હિંસા થોડો સમય પહેલાં થઈ હતી તે માન્યતાને આભારી છે. હિન્દુ હોવાની ઓળખ સાથે ગાયનો સંદર્ભ હોવાની માન્યતાઓને કારણ એ વ્યક્તિને ખૂબ જ આગ્રહી બનાવે છે. ટ્રમ્પની માઈગ્રેશન અને આતંકવાદી વિરોધની માન્યતાઓ સાથે કેટલાય અમેરિકનોને પોતાની ઓળખને બહાલી મળતી લાગવાથી તેમનો વૉટ ટ્રમ્પને પક્ષે ગયો છે. અને જેઓ હિલેરીના ટેકેદાર હતા તેઓ હતાશ થઈ ગયા કારણ કે હિલેરીના ટેકારૂપે તેમની પોતાની માન્યતા પણ હતી.

નોટબંદી કે પાકિસ્તાનના હુમલા કે પછી હાલમાં ખાદીબોર્ડના કેલેન્ડરમાં બાપુને બદલે મોદીના ફોટા સંબંધે પુરુષોએ જેટલી ઉગ્રતાથી ચર્ચાઓ કરી છે તેવી ચર્ચા ક્યારેય બેંગલુરુમાં થયેલા છેડતીના બનાવો બાદ નથી કરી. કારણ કે તેમાં તેઓના પુરુષાતન પર કુઠારાઘાત છે. પૌરુષીય માનસિકતાને ખરાબ દર્શાવવામાં આવે છે. રાજકીય ચર્ચાઓ કરતાં ઉગ્રતાથી થતી દલીલોમાં મોટાભાગે ફેંકોલોજી જ હોય, કારણ કે પોતાની માન્યતાને સાચી સાબિત કરવા વ્યક્તિ જીજાનથી પ્રયત્નો કરશે. એ પોતે સાચો છે તે સાબિત કરવાનું હોય છે એટલે નહીં કે તેમની માન્યતાઓને.

દરેક બાબતને તટસ્થતાપૂર્વક જોઈ શકનાર વ્યક્તિ જ માન્યતાઓને પણ બદલી શકે છે, પરંતુ એવું મોટે ભાગે બનતું નથી. એેવું પણ કહી શકાય કે એવું બનવું અઘરું છે. અહીં પહેલી કહેવત યાદ આવે છે કે સિંદરી બળે પણ વળ ન છોડે તેવી જ રીતે વ્યક્તિનો સ્વભાવ જે તેની ઓળખ છે તે બદલવું મુશ્કેલ હોય છે. તેનું મોટું ઉદાહરણ ૨૦૧૪ની સાલમાં જોવા મળ્યું હતું. જેઓ ભાજપ નહીં પણ મોદી વિરોધી હતા તેઓ ક્યારેય માનવા તૈયાર નહોતા કે મોદી બહુમતીથી જીતીને વડાપ્રધાન બનશે.

અહીં હું મોદીભક્ત નથી એટલે મહેરબાની કરીને તમારી માન્યતાઓ બાજુ પર મૂકીને આ ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરશો. મોદી વડા પ્રધાન બન્યા છતાં તેમના વિરોધીઓ મોદીની લોકપ્રિયતાને સ્વીકારવા તૈયાર નથી કે લોકશાહીને સ્વીકારવા તૈયાર નથી. તેમના ભૂતકાળને ભૂલીને આગળ કશું જ વિચારવા તૈયાર નથી. અમેરિકામાં પણ લોકો ટ્રમ્પ બહુમતીથી ચૂંટાઈને આવ્યા છતાં તેને સ્વીકારવા તૈયાર નથી. જેમ ભક્તો તેમની કોઈ નબળી બાજુ જોવા કે સ્વીકારવા માગતા નથી એમ તેમના વિરોધીઓ તેમની કોઈ સારી બાબત જોવા તૈયાર નથી. દરેક વ્યક્તિ પોતે જે જૂથ અને ઓળખ સાથે સંકળાયેલા હોય તેનાથી તેમની માન્યતા બંધાતી હોય છે.






You Might Also Like

0 comments