દૃષ્ટિ ગુમાવ્યા બાદ મોટું સપનું સાકાર (મુંબઈ સમાચાર)
06:29‘હું જ્યારે સાત વરસની હતી ત્યારે મારી આંખોની સામે સદંતર અંધારું છવાઈ રહ્યું હતું. શરૂઆતમાં એ સ્વીકારવું મારા માટે સહેલું નહોતું. મેં બધાની સાથે વાતો કરવાનું બંધ કરી દીધું. આખી દુનિયા મારી સામેથી છીનવાઈ ગઈ હતી અને તે પણ મારા કોઈ વાંકગુના વિના. ડૉકટર પાસે કે મંદિરમાં જવાનું મેં બંધ કર્યું. મારે બધું જ છોડી દેવું હતું. અંધારી દુનિયામાં મને રસ નહોતો પડતો. તે વખતે મારા માતાપિતા મને નાગપુરના યોગ અભ્યાસ મંડળમાં લઈ ગયા. હું યોગઅભ્યાસ અને પ્રાણાયામ કરવા લાગી. ધીમે ધીમે મારું મન શાંત થયું અને જીવનમાં ફરી રસ પડવા લાગ્યો. જે જીવન મારે ભાગે આવ્યું છે તેનો સ્વીકાર કરવા લાગી.’ એક મુલાકાતમાં ભક્તિએ પોતાના જીવનના બદલાવને વર્ણવતાં કહ્યુ ંહતું.
નાગપુર પાસેના એક નાનકડા ગામ કાટોલમાં ભક્તિનો પરિવાર રહેતો હતો. તેના પિતા રમેશ ઘાટોલે ઈન્સ્યુરન્સ કંપનીમાં ડેવ્હલપમેન્ટ ઑફિસર છે અને તેની માતા સુષમા ગૃહિણી છે. તેઓ ભક્તિ અને તેની બહેન સાથે નાના ગામમાંથી નાગપુર શહેરમાં ભક્તિના ઈલાજ માટે શિફ્ટ થયા. છ મહિનાની ઉંમરે ભક્તિની જમણી આંખમાં રેટિનોબ્લાસ્ટોમાં નામે એક જાતનું કેન્સર થયું. ડૉકટરોએ કૅન્સરને ડાબી આંખમાં ન પ્રસરે તે માટે બધા પ્રયત્નો કર્યા. ભક્તિના પિતા તેને લઈને હૈદરાબાદ અને ચેન્નાઈ પણ ઈલાજ માટે લઈ ગયા. નાનકડી ભક્તિએ લગભગ ૨૫ કેમોથેરેપીમાંથી પસાર થવું પડ્યું, પણ કોઈ ઉપાય કામ ન આવ્યો અને સાતેક વરસની ઉંમર પહોંચતા સુધીમાં તો ભક્તિએ પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.
ધીમે ધીમે ભક્તિએ જ્યારે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કર્યો ત્યારે મોટી બહેનની મદદથી શાળામાં જવાનું અને ભણવાનું શરૂ કર્યું. જો કે આંખની દૃષ્ટિ ગુમાવ્યા પછી સહેલું નહોતું રેગ્યુલર શાળામાં જવું. સાથે જ તેણે બ્રેઈલ લિપિ શીખવા માંડી. જો કે તેને એમાં મજા નહોતી આવતી. એ જ સમયે તેનો સંપર્ક આત્મદીપન સોસાયટી દ્વારા અંધ વ્યક્તિઓને કોમ્પ્યુટર શીખવાડતા જિજ્ઞાસા કુબડે સાથે થયો, અને ભક્તિના અંધ જીવનમાં ફરી પ્રકાશ ફેલાયો.
એ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘ હું બ્રેઈલ લિપી શીખી પણ ખરું કહું તો મને તે ગમતી નહોતી. જેવી હું કોમ્પ્યુટર શીખી કે મારી દુનિયા બદલાઈ ગયું. બધું અચાનક મારા માટે સહેલું બની ગયું. કોમ્પ્યુટર મારા માટે અલાદ્દીનના જીન જેવું હતું. હવે હું મારા દરેક કામ જાતે કરી લેતી હતી. ઈમેઈલ દ્વારા હું સંપર્કમાં રહી શકતી હતી. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકું છું. ઈન્ટરનેટના ઉપયોગથી અનેક જાણકારી મેળવી શકું છું. મેં મારી શાળાની પરીક્ષામાં પણ કોમ્પ્યુટર દ્વારા આપી હતી. છેક ૧૦મા ધોરણની પરીક્ષા વખતે જ મારે રાઈટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.’
દસમા ધોરણમાં તે રાજ્યમાં ડિસએબલ કેટેગરીમાં ૯૪ ટકા સાથે પ્રથમ આવી હતી. બારમા ધોરણમાં પણ તે ૮૮ ટકા માર્કસ સાથે નાગપુરમાં બીજા નંબરે આવી હતી. અને હાલમાં જ તેણે નાગપુર યુનિવર્સિટીમાં બીએ પ્રથમ વરસમાં પોલિટિકલ સાયન્સમાં સૌથી વધુ માર્કસ મળતા તેને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે, મારા માટે આ બધું મેળવવું
સહેલું નહોતું. બીજાઓ કરતાં મારે વધુ મહેનત કરવી પડતી હતી. જો કે મને ક્યારેય એવું નથી લાગ્યું કે મારામાં કશુંક ખૂટે છે. મારી વિકલાંગતાને કારણે મને ક્યારેક તકલીફ જરૂર પડી છે, પરંતુ મને મારાં સપનાઓ પૂરા કરતાં રોકી નહીં શકે. જીવન સુંદર છે તેની પ્રતિતી મને થઈ રહી છે અને મારે તેને ભરપૂર માણવું છે.’ જીજ્ઞાસા કુબડેએ રેટિનાના રોગને લીધે અઢારમેં વરસે દૃષ્ટિ ગુમાવી હતી. તેમનું કહેવું છે કે જન્મથી કોઈ અંધ હોય તો તેને જીવનને સ્વીકાર કરતાં એટલી તકલીફ નથી પડતી જેટલી એકવાર જોઈ શકતી વ્યક્તિને થાય છે. તેને માટે ધણું અઘરું બને છે પોતાના જીવનને નવેસરથી સ્વીકારતાં. હું એ પીડા અને પ્રોસેસમાંથી પસાર થઈ ચૂકી હતી એટલે ભક્તિને મદદરૂપ થઈ શકી. મારી તકલીફોને લીધે જ હું અંધ વ્યક્તિઓને મદદરૂપ થવા માટે મેં સામાજીક સંસ્થા શરૂ કરી. જીવનમાં વ્યાપેલા અંધારાને સમજવો અને સ્વીકારવો અઘરો હોય છે. સપનાં બધા રોળાઈ જતાં લાગે તે વખતે વ્યક્તિને દૃષ્ટિ વિના જીવન જીવવાની સાથે સપના જોતાં પણ નવેસરથી શીખવું પડે છે. ભક્તિ હોંશિયાર છોકરી હતી એટલે તે ઝડપથી બહાર આવી શકી, વળી તેના માતાપિતા અને બહેનનો સહકાર અને મહેનત પણ હતા જ.
ભક્તિએ અત્યાર સુધીનો પથ અનેક વિટંબણા છતાં સારી રીતે કાપ્યો છે. અને તેની સામે એણે બીજો લાંબો રસ્તો દેખાઈ રહ્યો છે. તે સાયકોલોજીસ્ટ બન્યા બાદ આઈએસ ઓફિસર બનવાની મહેચ્છા ધરાવે છે. તેના અવાજમાં આત્મવિશ્ર્વાસ છલકાય છે તો વ્યક્તિત્વમાં સાદગી, સુંદરતા અને દૃઢ મનોબળ દેખાઈ આવે છે. ઓલ ધ બેસ્ટ ભક્તિ.
0 comments