શાંતિ વેચાણ માટે મુકાય છે, બોલો! (mumbai samachar)
03:39૨૦૧૧ની સાલમાં ફિનલેન્ડ દેશના પ્રવાસન ખાતાએ શાંતિ અનુભવવા માટે ફિનલેન્ડ આવો એવી જાહેરાત કરી હતી. શાંતિને તેમણે વેચાણ માટે મૂકી હતી. માત્ર મુંબઈ શહેરમાં જ નહીં, કોઈપણ શહેરમાં શાંતિનો અનુભવ કરવો અઘરો છે. ટ્રાફિક અને માણસોનો સતત અવાજ. મુંબઈમાં એક સ્થળ હતું કાન્હેરી કેવ્સ કે જ્યાં શાંતિ માટે જઈ શકાતું હતું, પરંતુ ત્યાં પણ રવિવારે લોકોનો ધસારો વધી ગયો છે. વાહનો અને લોકોનો એટલો ઘોંઘાટ હોય કે જંગલની શાંતિ પણ ડહોળાઈ જાય. શાંત સ્થળે લોકો શાંતિ જાળવતાં નથી. આમ આપણી આસપાસની દુનિયા વધુ ને વધુ કોલાહલ અને ઘોંઘાટભરી થતી જાય છે ત્યારે શાંતિ આપણા માટે કેટલી જરૂરી છે તે જાણવું જરૂરી છે. વધુ ને વધુ અભ્યાસ દ્વારા હવે સાબિત થઈ રહ્યું છે કે શાંતિ આપણા મગજ માટે ખૂબ જરૂરી હોય છે.
૨૦૧૩ની સાલમાં બ્રેઈન, સ્ટ્રકચર એન્ડ ફંકશન જરનલમાં એક અભ્યાસ છપાયો હતો. ઉંદર પર જુદાં જુદાં અવાજ અને શાંતિની કેવી અસર થાય છે તેનો અભ્યાસ કર્યા બાદનું તારણ હતું. એ અભ્યાસમાં હકીકતમાં તો શાંતિનો ઉપયોગ ઉંદરોને ક્ધટ્રોલ કરવા માટે થતો હતો, પરંતુ વૈજ્ઞાનિકોને જણાયું કે દરરોજ બે કલાકની શાંત વાતાવરણમાં રાખ્યા બાદ ઉંદરોના હિપ્પોકેમ્પસમાં નવા સેલ પેદા થતાં હતાં. મગજના આ સેલ યાદશક્તિ, લાગણી અને નવું શીખવા માટે જરૂરી હોય છે. આ નવા સેલ ન્યૂરોનની છણાવટ કરી તેને સિસ્ટમમાં પરોવવામાં મદદરૂપ થાય છે. ટુંકમાં શાંતિ મગજના વિકાસ માટે જરૂરી બની જાય છે. શાંત વાતાવરણમાં મગજ માહિતીઓનું સક્રિયપણે છણાવટ કરી મૂલ્યાંકન કરી શકે છે.
વૈજ્ઞાનિક જોસેફ મોરાન લખે છે કે તમે જ્યારે કોઈ અવાજ કે કામ પૂરું કરવાના ધ્યેયથી વિચલિત નથી થતાં ત્યારે તમારું મગજ વધુ સારી રીતે વિચારી શકે છે. તેને એક જ બાબત પર સ્પષ્ટતાથી છણાવટ કરવાનો મોકો મળે છે. મગજને પણ પોતાની સ્વતંત્રતા જોઈતી હોય છે. આસપાસનો કોલાહલ, અવાજ મગજને વારંવાર ધ્યાનભંગ કરે છે. એથી તે યોગ્ય રીતે કામ કરી શકતું નથી કે પૂર્ણ રીતે કામને ન્યાય આપી શકતું નથી. કોલાહલ અને અવાજથી મગજને તાણ અને ચિંતા અનુભવાય છે. શાંતિમાં એ ચિંતા અને તાણ ધીમે ધીમે ઓગળે છે. અવાજ અને કોલાહલથી આપણા મગજમાં ઊભી થતી તાણને લીધે શરીર પર તેની અસર થતી હોય છે. આજે મોટાભાગના જે રોગ થાય છે તે સ્ટ્રેસ એટલે કે તાણને લીધે હોય છે તે પણ સાબિત થયું છે. તમે પોતે કોઈ ચિંતા ન કરતાં હો પણ કોલાહલ અને ઘોંઘાટને લીધે મગજમાં તાણ અને ચિંતાના હોર્મોન પેદા થતાં હોય છે. ૨૦૦૨ની સાલમાં સાયકોલોજીકલ સાયન્સ મેગેઝિનમાં એક અભ્યાસ પ્રસિદ્ધ થયો હતો. મ્યુનિક એરપોર્ટનું સ્થળાંતર થયા બાદ બાળકોના સ્વાસ્થ્ય પર થયેલી તેની અસર. ઘોંઘાટભર્યા વાતાવરણમાં રહેવાથી બાળકોના મગજ પર એટલી અસર થઈ કે તેઓ અવાજને અવગણવાનું શીખી ગયા હતા. તેને કારણે તેઓ બિનજરૂરી જ નહીં પણ જરૂરી અવાજ પ્રત્યે પણ બેદરકાર બન્યા હતા જેમ કે કોઈ બોલતું હોય તો પણ ભાગ્યે જ તેઓ સાંભળતા હોય. તેનાથી વિપરીત નિરવ વાતાવરણ મગજને રિલેક્સ એટલે કે તાણ રહિત બનાવે છે. તે એટલે સુધી સાબિત થયું છે કે રિલેક્સિગં સંગીત સાંભળવા કરતાં બે મિનિટની શાંતિ મગજ માટે વધુ અસરકારક હોય છે.
શાંત વાતાવરણ મગજને એટલું શાંત કરે છે કે બ્લડપ્રેશર અને બ્લડ સર્ક્યુલેશન ઉપર પણ તેની અસર થતી હોય છે. ઘોંઘાટ અને કોલાહલ વ્યક્તિના કામ અને શીખવાની પ્રક્રિયા વિચલિત કરે છે. તેના પર્ફોર્મન્સ ઉપર પણ તેની અસર થાય છે. બાળકોની ભાષા શીખવાની ગતિ અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની ગતિ ધીમી થાય છે એટલું જ નહીં. હાઈવે, રેલવેલાઈન કે એરપોર્ટ નજીક રહેતાં બાળકોની સ્મરણશક્તિ અને શીખવાની શક્તિ ક્ષીણ થતી જાય છે. પણ જો સમયાંતરે વ્યક્તિ શાંત વાતાવરણમાં જાય છે તો અવાજને કારણે ક્ષીણ થયેલી શક્તિ પાછી મેળવી શકાતી હોય છે. તેથી વેકેશન લઈને કે વીકએન્ડ પર કુદરતી શાંત વાતાવરણમાં જવું જોઈએ. ટ્રેકિંગ પર કે પિકનિક પર જાઓ તો પણ અવાજ કરવાને બદલે શાંત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
0 comments