પ્લાસ્ટિકનો સાગર પર્યાવરણને ડુબાડી રહ્યો છે(mumbai samachar)

03:37

                 





ચોમાસામાં જુહુના દરિયાકિનારે જાઓ તો ખારથી અંધેરી સુધીનો રેતીનો લાંબો પટ પ્લાસ્ટિકના કચરાથી છવાઈ ગયો હોય. દૂધની કે અન્ય થેલી, કાંસકા, ટાયર, પેન વગેરે અનેક પ્લાસ્ટિકના પદાર્થોના કિનારા પર ઢગ ખડકાયા હોય. ઈંગ્લીશ ફિલ્મમેકર જો રક્સટોન પ્લાસ્ટિક ઓસન નામે ફિલ્મ બનાવીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરી રહી છે.

પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખરાબ છે તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેનો ઉપયોગ કરવાનું બંધ થવાને બદલે વધી રહ્યું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા જીવન સાથે એટલો વણાઈ ગયો છે કે તેના વિના હવે માનવને ચાલતું જ નથી. તે એટલી હદે કે વિશ્ર્વમાં દર વરસે ૨૮ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. તેમાંથી મોટાભાગનું પ્લાસ્ટિક પર્યાવરણમાં ખડકાય છે. આજે પૃથ્વીમાં એક એવું સ્થળ શોધવું મુશ્કેલ છે કે જ્યાં પ્લાસ્ટિક ન હોય. જો રક્સટોનના અભ્યાસ મુજબ લગભગ ૮ કરોડ ટન પ્લાસ્ટિક દર વરસે સમુદ્રમાં ઠલવાય છે. સમુદ્રમાં જે પ્લાકટોન જૈવિક વનસ્પતિ અથવા પ્રાણીઓ દ્વારા ત્યાગવામાં આવેલ પદાર્થ જે સપાટી પર તરતા હોય છે તેના પ્રમાણમાં હવે પ્લાસ્ટિકનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો આવી જ રીતે પ્લાસ્ટિક સમુદ્રમાં ખડકાતું રહેશે તો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ૨૦૫૦ની સાલ સુધીમાં માછલીઓ પાણીમાંથી લુપ્ત થઈ જશે.
સુંદર સમુદ્રનાં દૃશ્યો પછી ફોટાઓ અને વીડિયોમાં જ જોવાના રહેશે. આજે પણ જે સુંદર સમુદ્રની ફિલ્મો આપણને જોવા મળે છે તેનું શૂટિંગ કરતાં પહેલાં ક્રૂ મેમ્બરોએ કલાકો સુધી કિનારાની કે સમુદ્રના તળની સફાઈ કરવી પડતી હોય છે.
પ્લાસ્ટિકમાંથી છૂટતાં કેમિકલ આપણા સ્વાસ્થ્યને તો નુકસાન કરી જ રહ્યા છે, પરંતુ પ્લાસ્ટિકનો કચરો ખડકીને આપણે પર્યાવરણને ખતમ કરવા પર તુલ્યા છીએ એવું ચોક્કસ જ કહી શકાય. પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ નથી હોતું એટલે કે તેનો નાશ નથી થઈ શકતો. એટલે જો કરોડો ટન પ્લાસ્ટિક જે ઉત્પાદિત થાય છે વિશ્ર્વમાં તેને જો રિસાયકલ ન કરવામાં આવે તો સમુદ્રમાં પણ તેના ડુંગરાઓ ખડકાશે. દરિયો પોતાના પેટમાં કચરો સંઘરતો નથી એટલે ભરતીમાં અનેક કચરાઓ કિનારાઓ પર પથરાયેલા આપણે જોઈએ છીએ. સુંદર દરિયા કિનારાને દરિયો નથી બગાડતો પણ આપણે જ નષ્ટ કરીએ છીએ. કિનારા પર પથરાયેલા કચરા કરતાં હજી અનેક ગણો કચરો સમુદ્રમાં તરતો રહે છે. તેનાથી ડોલ્ફિન, સીલ માછલીઓ સહિત અનેક જળચર પ્રાણીઓ ઘવાય છે. ગાયના પેટમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીકળી હોવાના કિસ્સાઓથી આપણે ટેવાઈ ગયા છીએ. માછલીઓના પેટમાં પણ હવે પ્લાસ્ટિકનું ટોક્સિક અને પ્લાસ્ટિક જમા થઈ રહ્યું છે. જો રક્સટોનની ફિલ્મ પ્લાસ્ટિક ઓસનમાં અનેક દૃશ્યો જોવા મળશે જેમાં માણસોએ સમુદ્રમાં ખડકેલા પ્લાસ્ટિકના ઢગલાઓ જોવા મળશે કે પ્લાસ્ટિકના કચરામાં ફસાયેલી માછલીઓ કે ઘવાયેલી માછલીઓ જોવા મળે. સમુદ્રમાં પ્લાસ્ટિકની દોરીઓ, મોટા ક્રેટ, પેરાશૂટ, ફુટ્યા વિનાના બોમ્બ વગેરે સાથે હજારો પ્લાસ્ટિક બોટલો, થેલીઓ તો ખરીજ. આપણે પણ આજે પશ્ર્ચિમના દેખાદેખી ડિસ્પોઝેબલ લાઈફ સ્ટાઈલ અપનાવી રહ્યા છે. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક લાંબા ગાળે આપણને જ નડવાનું છે તે ભૂલી જઈએ છીએ. એ લાંબો ગાળો વરસોથી શરૂ થઈ ગયો છે એટલે જ જ્યાંને ત્યાં પ્લાસ્ટિક દેખાઈ રહ્યું છે. ઉનાળામાં પાણીની તરસ વધુ લાગે અને વધુને વધુ લોકો પ્લાસ્ટિકની બોટલોનું પાણી ખરીદશે અને પીશે.

આપણે ત્યાં ૨૦૦૭માં એસએનડીટી યુનિવર્સિટીના બી. દાસગુપ્તા અને એસ. ખુરાનાએ મુંબઈમાં કમર્શિયલ એકમો દ્વારા પ્લાસ્ટિક બોટલો કેટલી વપરાય છે તેનો અભ્યાસ કર્યો હતો તે પ્રમાણે મહિનાની લગભગ ૨૫ લાખ પ્લાસ્ટિક બોટલોે વપરાઈ. જેમાં સોફ્ટ ડ્રિન્ક અને પાણી ભરવામાં ઉપયોગ થયો હતો. જ્યારે અમેરિકામાં ૨૦૧૪માં થયેલા અભ્યાસ અનુસાર ત્યાં વ્યક્તિ દીઠ વરસની ૩૧૫ બોટલ વેચવામાં આવી તેવો અંદાજ મળ્યો હતો. આ બધા આંકડા રિસાઈકલિંગ યુનિટ તરફથી અંદાજવામાં આવ્યા છે. બીજું એક સત્ય જાણવા જેવું છે કે બોટલમાં મળતાં પાણીનું ઉત્પાદન કરવા માટે છગણું વધુ પાણી વપરાય છે. હવે તો દરેક પ્રવાહી પ્લાસ્ટિકની બોટલોમાં જ વેચાય છે. ભારતમાં તો સોફ્ટ ડ્રિન્કની બોટલ અને પાણીની બોટલોમાં ફરી ફરી પાણી ભરીને વાપરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ બોટલો બનાવવામાં માટે પેટ પ્લાસ્ટિક વપરાય છે. વારંવાર એ બોટલમાં પ્રવાહી ભરીને વાપરવાથી તેમાં બેક્ટેરિયા પેદા થાય છે તેમ જ એ પ્લાસ્ટિકને વારંવાર વાપરવાથી રસાયણ છૂટું પડીને પ્રવાહીમાં ભળે છે. તેથી એકવાર વપરાયા બાદ આ બોટલોને ક્રશ કરીને ફેંકી દેવી જોઈએ. આ બોટલો મોટેભાગે રિસાયકલ થઈ શકે છે.

દરેક પ્લાસ્ટિક ક્ધટેનર કે બોટલની નીચે ત્રિકોણાકારની સાથે નંબર લખેલો હોય છે. પેટ ૨ નંબર લખેલું પ્લાસ્ટિક દૂધ, ડીટરજ્ન્ટ કે બટર ક્ધટેનર તરીકે વપરાય છે, તેને ફરીને વાપરી શકાય છે. તે જોખમી નથી હોતું. માઈક્રોવેવમાં કોઈપણ પ્લાસ્ટિક ન વાપરવું જોઈએ. કારણ કે કોઈપણ પ્લાસ્ટિક ગરમ થતાં તેમાંથી કેટલાંક રસાયણો છૂટાં પડીને તેમાં રાખેલા ભોજનમાં ભળી જાય છે.

પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય તેટલો ન કરવો એ જ હિતાવહ છે. એક જમાનો હતો જ્યારે આપણે ત્યાં માટીના, કાચના અને સ્ટેઈનલેસ સ્ટીલનાં વાસણો અને ડબ્બાઓનો ઉપયોગ થતો હતો. જો કે હવે વિશ્ર્વભરમાં જાગૃત વ્યક્તિઓ પ્લાસ્ટિકનો ઉપયોગ સભાનપણે ઓછો કરી રહ્યા છે. પ્લાસ્ટિકની થેલીઓને કારણે ગટરો ચોકઅપ થતાં પૂરની સ્થિતિ મુંબઈગરાઓએ અનુભવી જ છે. આમ તો સમુદ્ર મોટેભાગે પોતાના પેટમાં કશું સંઘરતો નથી પ્લાસ્ટિક પણ કિનારાઓ પર સાભાર પરત પાથરી દે છે તે છતાં પાણીમાં ગરમ થઈને અનેક રસાયણો સમુદ્રના પાણીને ટોક્સિક બનાવી દે છે જે જળચર પ્રાણીઓના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તેના સૌંદર્યને નુકસાન કરે છે. પર્યાવરણને નુકસાન કરે છે જે છેવટે મનુષ્ય જાતિને જ નુકસાન કરતાં ઠરે છે. કઈ રીતે તે જોઈએ-
-આપણે જે ઓક્સિજન શ્ર્વાસમાં લઈએ છીએ તેનો ૭૦ ટકા ઓક્સિજન સમુદ્ર પેદા કરે છે.
-પાણી જે આપણને મળે છે તેમાંથી ૯૭ ટકા પાણી સમુદ્રની દેન છે.
-આપણે જે સીઓટુ એટલે કે કાર્બન પેદા કરીએ છીએ તેમાંથી ૩૦ ટકા કાર્બન સમુદ્ર શોષી લે છે.
-૨૦૦૭ની સાલમાં ૨.૧૨ બિલિયન ટન પ્લાસ્ટિક આપણે સમુદ્રમાં ઠાલવ્યું છે.
-૨૦૧૦માં ૨૧૫ મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક સમુદ્રમાં ઠલવાયું હોવાના આંકડા મળે છે.
-૨૦૧૪, મેક્સિકો ગલ્ફનો ૪૦૦૦સ્કેવર માઈલનો વિસ્તાર પ્રદૂષણને કારણે જીવસૃષ્ટિ રહિત બની ગયો છે. દુનિયામાં આવા બીજા ૪૦૦ કરતાં વધુ ડેડજોન સમુદ્રમાં ઊભા થયા છે અને તે પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે જ. દર વરસે લાખો ટન કચરો જે સમુદ્રમાં ઠલવાઈ રહ્યો છે તેમાં પ્લાસ્ટિક પણ છે જેની આવરદા હોય છે ૪૦૦ વરસ.
જે પ્લાસ્ટિક સમુદ્રમાં નથી તે જમીનમાં દટાય છે કે પછી બાળી નાખવામાં આવે છે. દરેક રીતે તે આપણને નુકસાન જ પહોંચાડે છે.
એવું નથી કે અત્યાર સુધી પ્લાસ્ટિકના આ ઢગલાઓને ઓછો કરવા દુનિયામાં કશું જ નથી થયું. પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવે છે પણ હજી સુધી ઘરવપરાશના ૧૨ ટકા પ્લાસ્ટિકને જ રિસાયકલ કરવામાં આવે છે. ૨૦૧૦ની સાલમાં વારવિક યુનિવર્સિટીએ પ્લાસ્ટિકને રિસાયકલ કરીને ફ્યુલ બનાવવાનો પ્રોસેસ શોધી કાઢ્યો છે. અમેરિકન નેવી અને કેટલીક ક્રુઝ પોતાના પ્રવાસ દરમિયાન વપરાતું પ્લાસ્ટિક ૫૦૦૦ સેન્ટિગ્રેડની ગરમીએ ગરમ કરી તેને ફરીથી વાપરવા માટે તૈયાર કરે છે. કેનેડિયન કંપનીએ પ્લાઝમા પ્લાન્ટ દ્વારા એક સાથે ૧૦૦ કરોડ ટન પ્લાસ્ટિક રિસાયકલ કરવાનું શરૂ કર્યું છે. ડચ વ્યવસાયિક એવું ડિવાઈસ બનાવી રહ્યો છે કે તે દુનિયાના સમુદ્રમાંથી લાખો ટન પ્લાસ્ટિકનો કચરો જમા કરશે. જર્મની જેવા કેટલાક દેશોમાં એવો કાયદો છે કે જે કંપનીઓ પ્લાસ્ટિક પેદા કરે તે જ એના કચરાનો નિકાલ કરવા જવાબદાર હોય. કંપનીના પ્લાસ્ટિક કચરાના કલેકશન યુનિટો ઠેર ઠેર રાખવામાં આવ્યા જ હોય. ૨૦૧૩ની સાલમાં પેરુના લિમા શહેરમાં એક સામાજિક કાર્યકરે પ્લાસ્ટિક બૅંક શરૂ કરી જેમાં લોકો પ્લાસ્ટિકને નાખી જાય. તે પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવે. વૈજ્ઞાનિકો અને અભ્યાસુઓ કહી રહ્યા છે કે આપણે એટલે કે માનવજાતે સમજવાની જરૂર છે કે પ્લાસ્ટિક ડિસપોઝેબલ નથી. આપણે આ બધા પેકેજિંગની જરૂર નથી. ૧૯૬૦ની સાલમાં આપણે ૮૦લાખ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું હતું આજે ૩૦ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે. કલ્પના કરો કે થોડાં જ વરસોમાં આપણે પ્લાસ્ટિકના સમુદ્રમાં હોઈશું. પૃથ્વીને નષ્ટ કરવામાં પ્લાસ્ટિક કારણભૂત બને તો નવાઈ નહીં.


You Might Also Like

0 comments