ઈન્ટ્રો - બદલાતા સમય સાથે આજે સ્ત્રીઓએ પોતાની જાતનો સ્વીકાર કરવાની જરૂર છે. પછી તમે શ્યામ હો કે જાડા હો કે બટકા હો કે લાંબા જ કેમ ન હો
વળી પાછી ફેરનેસ ક્રીમ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. આજના ટેક્નોલોજીના યુગમાં પણ છોકરીનો દેખાવ જ નહીં તેનો રંગ પણ તેની યોગ્યતા-અયોગ્યતા નક્કી કરતી હોય છે. અભિનેતા અભય દેઓલે કહ્યું કે કોઈપણ સેલિબ્રિટીએ ફેરનેસ ક્રીમની જાહેરાતમાં કામ ન કરવું જોઈએ. વાચકોને ખ્યાલ જ હશે કે અનેક અભિનેતા અને અભિનેત્રીઓ ફેરનેસ ક્રીમની જાહેરાતમાં ભાગ લેતી હોય છે. કોઈપણ સ્ત્રીઓ ફુલ લેન્ગ્થ મિરર એટલે કે આયના સામે આવીને ઊભી રહે એટલે પોતાને આગળ-પાછળ અને ઉપર-નીચે-આડી-અવળી થઈને ચોક્કસ જ જોઈ લેશે. સ્ત્રીઓ આમ આયનાની સામે ઊભી રહીને શું જોતા હોઈએ છીએ? તેમાં પણ બે-ચાર સ્ત્રીઓ સાથે ઊભી હોય તો પોતાને આયનામાં જોતાં બીજી સ્ત્રીઓ સાથે તરત જ પોતાની સરખામણી કરશે. ચહેરો, વાળ, સ્તન, કમર, પેટ, નિતંબ, પગ અને ઊંચાઈ અંગે પણ પોતાને જ ખૂબ ક્રિટિકલી જોશે.
આયનામાં જોતાં દરેક સ્ત્રી વિચારતી હોય છે કે મારું પેટ કેટલું ઓછું હોય તો સારું લાગે? થોડીક વધુ ઊંચાઈ હોય તો વધુ સારું લાગે કે પછી વાળ થોડા લાંબા કે ટૂંકા હોવા જોઈએ. નિતંબ થોડા ભરાવદાર છે કે નહીં? પગ વધુ જાડા તો નથી લાગતાને? ચહેરા પર કરચલીઓ, ડાઘાતો નથીને? ત્વચા થોડી ખૂલતી હોય તો સારું? બજારમાં કેટકેટલી ક્રીમ મળતી હોય છે. આપણે આપણી જાતને જ જો નહીં સ્વીકારીએ તો બીજા આપણને કેવી રીતે જેવા છીએ તેવા સ્વીકારે. બજારમાં મળતી અનેક જાતની ક્રીમ કેમ લાખો રૂપિયાનો વકરો કરે છે? કારણ કે આપણે તેને ખરીદીએ છીએ. શા માટે દરેક રીતે આપણે બીજાના આંકેલા ધોરણે પાર ઊતરવાની ઈચ્છા રાખવી જોઈએ? આપણને આપણામાં વિશ્ર્વાસ ન હોવાને કારણે સતત કહેતા હોઈએ છીએ કે થોડુંક ડાયેટિંગ કરું કે થોડીક કસરત કરી લઉં તો વધુ સારી દેખાઉં. સ્વાસ્થ્ય માટે દરકાર કરવી અને દેખાવ માટે દરકાર કરવી તે બન્ને અલગ બાબત છે. અભય દેઓલ જ નહીં નંદિતા દાસ પણ ફેરનેસ ક્રીમ સામે વરસોથી ઝુંબેશ ચલાવી રહી છે. ગયા વરસથી રાજ્યસભા અને લોકસભામાં પણ ફેરનેસ ક્રીમને બૅન કરવા માટેની ચળવળ કેટલાક લોકો ચલાવી રહ્યા છે.
શ્યામવર્ણની છોકરી સફળ ન થઈ શકે કે તેના લગ્ન ન થાય તેવું દર્શાવતી જાહેરાતો સમાજમાં ખોટાં ધોરણોને બહાલી આપતી હોય છે. દરેક વ્યક્તિ અલગ હોય છે. વળી પુરુષોને માટે તો ફેરનેસ ક્રીમની જાહેરાતો હમણાં થોડો સમયથી આવવા લાગી, પરંતુ પુરુષના દેખાવ માટે કોઈ ધારાધોરણ હોતા નથી. તેમના દેખાવ માટે ધારાધોરણ હોવા જોઈએ એવું કહેવાનો મતલબ નથી. એવું થવું પણ ન જોઈએ. તો પછી સ્ત્રીઓના દેખાવ માટે શા માટે આગ્રહ સેવવામાં આવે છે? સમાજને બદલવા માટે જરૂરી છે કે આપણી જાતને બદલીએ. ક્યારેય પુરુષો આયનામાં જોઈને પોતાના દેખાવને વખોડતા નથી. આપણી આસપાસ જોઈશું તો પુરુષોના દેખાવમાં પરફેકશન હોતું નથી. તેની સામે આપણને કોઈ વાંધો પણ હોતો નથી, પણ સ્ત્રીને પોતાના દેખાવ માટે એટલો અસંતોષ હોય છે કે તેને માટે એ સર્જરી કરાવતાં પણ અચકાતી નથી.
સુંદર દેખાવા માટે હજારો રૂપિયા બ્યુટીપાર્લરમાં અને સૌંદર્ય પ્રસાધનોમાં આપણે વાપરીએ છીએ, કારણ કે આપણને હિરોઈનો કે મોડેલ જેટલા ગ્લેમર્સ દેખાવું હોય છે. સતત આપણી ટીકા કરતા આપણે આપણામાંથી ક્યારે વિશ્ર્વાસ ખોઈ બેસીએ છીએ તેનો ખ્યાલ પણ નથી આવતો. આવી માનસિકતાને પોષવાનું બંધ કરીશું તો સમાજની માનસિકતાય બદલાશે. સુંદરતાની વ્યાખ્યા આપણે જ ઘડવાની છે. ગોરા હોવું કે પાતળા હોવું કે જાડા હોવું મહત્ત્વનું નથી. મહત્ત્વનું છે આપણે કેટલી સારી રીતે જીવીએ છીએ.
બીજું ન કરી શકીએ તો એટલું જરૂર કરી શકીએ કે આપણે આપણી જાતને અને બીજી મહિલાઓને દેખાવ સંબંધે વખોડવાનું બંધ કરીએ. દેખાવ કરતાંય મહત્ત્વનું છે જીવન જે ગૌરવભેર, સ્વાભિમાનપૂર્વક જિવાતું હોય. જાગ્યા ત્યારથી સવાર. આપણી દીકરીઓમાં પણ આ વિચાર રોપીને આવનારા ભવિષ્યને બદલી શકીએ. આપણી જાતને દેખાવથી હીન માનવાનું ટાળી શકીએ. સ્વસ્થ તન અને મન જીવનને સુંદરતા બક્ષે છે એ સત્યને ન વીસરીએ. બાહ્ય દેખાવ બદલાતો હોય છે. ખતમ થતો હોય છે. તેને વધુ મહત્ત્વ આપવાની જરૂર નથી.
- 06:06
- 0 Comments