માનસિક પ્રતારણાને જાતિ નથી હોતી
02:15૨૯ વરસનો યુવાન પોતાનું ગળું ટૂંપીને આત્મહત્યા કરે ત્યારે એ કેવી માનસિક પ્રતારણામાંથી પસાર થયો હશે તે કલ્પી શકાય છે. કહેવા માટે એમ પણ કહી શકાય કે એ નબળો હતો. વિપરીત પરિસ્થિતિનો સામનો કરતા તેને ન આવડ્યું. પૂનામાં એક ખાનગી કંપનીમાં કામ કરતો અપૂર્વજીત મિત્રાએ પોતાની પત્ની અને તેના પરિવાર તરફથી થતું માનસિક ટોર્ચર સહન ન થતાં આત્મહત્યા કરી. પિતૃસત્તાક માનસિકતાને કારણે પુરુષને પણ ત્રાસ હોઈ શકે તે તરત જ માનવું અઘરું લાગે છે. પુરુષોને પણ કહેતાં સાંભળ્યા છે કે પુરુષોના આંસુ તો મગરના આંસુ હોય છે. પુરુષપ્રધાન માનસિકતા માટે એકમાત્ર પુરુષ જ જવાબદાર છે એવું મારા જેવી અનેક સ્ત્રીઓ માનવા તૈયાર નથી. આજના જમાનામાં તો નહીં. સ્ત્રીઓની માનસિકતા પણ પિતૃસત્તાક માનસિકતાને પોષવાનું કામ કરે છે.
સ્ત્રી અને પુરુષ જો સરખા જ છે એવું માનીએ તો પુરુષ પણ સંવેદનશીલ હોઈ શકે તે માનવું પડે અને સ્ત્રીમાં જડતા હોઈ શકે તે માનવું પડે. વ્યક્તિત્વ અને સ્વભાવ દરેકનો જુદો હોઈ શકે. લોહીમાં વહેતાં હોર્મોનનો ય પ્રભાવ જીવનના નિર્ણયો પર પડતો હોય છે. પુરુષ એટલે પથ્થર, તેને ગમે તેટલું પીટો તો ય તેમાંથી ખારા આંસુ ન ટપકે. પુરુષ એટલે પથ્થર તેને ગમે ત્યાં નાખો તે એવોને એવો જ રહે. તેને કોઈ અસર ન થાય. પુરુષ એટલે પથ્થર તેને ઘડો એવો ઘડાય. પુરુષ એટલે પથ્થર તેની સાથે માથું અફાળો તો તમારા માથામાંથી જ લોહી નીકળે. પુરુષે પથ્થર જેવા બનવા માટેની માનસિકતાઓ સમાજના વાતાવરણમાં તરતી હોય છે. જેમ સ્ત્રી એટલે સમર્પણ અને ત્યાગની મૂર્તિ. તે પ્રેમમાં પિતા, પતિ અને પુત્રને સરન્ડર કરે, સમર્પણ કરે. જે એવું ન કરે તે સ્ત્રી જ નથી. તે સ્ત્રીના નામે ધબ્બો છે વગેરે વગેરે સારી ભાષામાં આ લખી રહી છું. એવી જ રીતે પુરુષ માટે ય બને છે. પુરુષ પથ્થર જેવો ન હોય તો તે નમાલો (બાયલો જે શબ્દ પ્રયોગ નારીવાદીઓને નહીં ગમે). તે પુરુષ જ નથી. તે સ્ત્રી જેવો છે એ દરેક પુરુષને મોટી ગાળ જેવું લાગે છે. કોઈપણ પુરુષને માનસિક રીતે ખતમ કરવો હોય તો તેને બાયલો કહેવામાં આવે છે. પૌરુષ્ય એ પુરુષનું અમુલ્ય ઘરેણું છે. તેના વિના તે જીવી શકે નહીં. ખેર, આ બધી માન્યતાઓ અને માનસિકતાના આપણે સૌ શિકાર છીએ. આ ભૂમિકા બાંધવી પડી, કારણ કે પુરુષ પત્નીની સતામણીને કારણે આત્મહત્યા કરે તે એક કોલમના સમાચાર બનીને છાપામાં મોટા મથાળા નીચે દબાઈ જાય. જો સ્ત્રી આત્મહત્યા કરે તો પુરુષે શું કર્યું તેની મોટી યાદી અને સ્ત્રીની માનસિક પ્રતારણાની કથાઓ પાનાં ભરીને લખાય. સ્ત્રીને અન્યાય થયા છે તે કબૂલ પણ તેની સામે કાયદા એવા બન્યા છે કે તેને કારણે પુરુષને અન્યાય થઈ રહ્યો છે. કાયદાની કલમ ૪૯૭ અને ૪૯૮ દ્વારા સ્ત્રીની સાથે પુરુષોને પણ અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ કાયદા પ્રમાણે તો બીજાની પત્ની સાથે સંબંધ બાંધનાર પુરુષ બળાત્કાર નહીં પણ એડલ્ટરી માટે ગુનેગાર ગણાય અને એ સંબંધમાં સામેલ સ્ત્રી ગુનેગાર ગણાય નહીં, કારણ કે તેને પતિની મિલકત ગણવામાં આવે છે. આ કાયદા હેઠળ પુરુષને સજા થાય પણ સ્ત્રીને સજા ન થાય. આ જ કલમ દ્વારા સ્ત્રી ફરિયાદ કરે તો પતિને અને તેના કુટુંબીઓને માનસિક કે શારિરીક ત્રાસ માટે જેલ થઈ શકે.
ગયા વરસે પણ ૩૫ વરસના એક યુવાને પત્ની દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી. તો ૨૦૧૫ની સાલમાં ૩૨ વરસના ઝાંસીના રહેવાશી અવધેશ યાદવે આત્મહત્યા કરી. તે પૂર્વે તેણે પોતાને અને પરિવારને પત્નીના પરિવાર તરફથી થઈ રહેલી પ્રતારણાનું વર્ણન કરતો પત્ર લખ્યો. માતાપિતાએ અન્યાય વિરુદ્ધ પુત્રીની પડખે ઊભા રહેવાનું હોય છે તે બરાબર છે પણ અન્યાય કરવા માટે નહીં. પુત્રીને એવી સદ્ધર બનાવો કે તે પોતાના પગ પર ઊભી રહી શકે દરેક સંજોગોમાં. બીજા પર નિર્ભર ન રહે જેથી અન્યાય સહેવાનો પ્રશ્ર્ન જ ન રહે. જેનું પોતાનું વ્યક્તિત્વ હોય તે બીજાના વ્યક્તિત્વ પર પ્રહાર નથી કરતા. કહેવત યાદ આવે કે નબળો ધણી બૈરા પર શૂરો. અહીં પણ જાતીય ટિપ્પણી છે જે ખોટું જ છે. દરેક વ્યક્તિ પોતાનાથી નબળા પર જ જુલમ કરતી હોય છે. તેનાથી સબળી વ્યક્તિ તો તેનો જુલમ સહન કરે જ નહીં. અને લગ્ન વ્યવસ્થામાં સૌથી વધુ મતભેદ લગ્ન સમારંભના ખર્ચાને લીધે જ શરૂ થતા હોય છે. લગ્ન સમારંભોમાં ધૂમ ખર્ચા કર્યા બાદ જો લગ્ન ખર્ચાના હિસાબોના ઝઘડાથી જ શરૂ થવાના હોય તો તે ક્યારેય સાથે સાત પગલાં સાથે ચાલી શકતા નથી. આટલી સાદી વાત જેને સમજાય છે તેઓ મોટેભાગે સાદાઈથી લગ્ન કરશે. લગ્નની વિધિએ પવિત્ર અગ્નિની સાક્ષીએ પવિત્ર સંબંધની અરસપરસના વિશ્ર્વાસની શરૂઆતનું પ્રતીક છે. તે સમયે પોતાના પરિવાર અને મિત્રોની હાજરીથી આનંદનો પ્રસંગ બની રહે છે. પણ આવા સમારંભો જ્યારે સંપત્તિનું વરવું પ્રદર્શન માત્ર બનીને રહી જાય છે ત્યારે બે વ્યક્તિ કે બે પરિવાર જોડાઈ શકતા નથી. ગયા અઠવાડિયે આત્મહત્યા કરનાર ૨૯ વરસનો મિત્રા કે અન્ય યુવાનો જે આત્મહત્યા કરે છે તેઓ હજી પોતાની કારર્કિદીની ટોચે નથી પહોંચ્યા હોતા.
વ્યવસાયિક ક્ષેત્રે સખત હરીફાઈ અને સફળતાની અપેક્ષાઓનો બોજો એ યુવાન વેંઢારી રહ્યો તેવામાં તેની શારીરિક માનસિક જરૂરિયાતોમાં સંગિની બનનાર વ્યક્તિ તેની પાસે લગ્નના ખર્ચાનો હિસાબ માગે અને તેના પર દહેજના અને પરિવાર પર જાતીય સતામણીના આરોપ લગાવે ત્યારે એ યુવાન હતાશ થઈને આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. અવધેશ યાદવ અને મિત્રાની કહાણીમાં વધુ ફરક નથી. અમારી મિત્રને ત્યાં કામ કરતો રસોઈયો દર બે મહિને ચારે દિવસ ગામ જાય, કારણ કે ત્યાં એના પર તેની પત્નીએ કેસ કર્યો છે. એ કેસના પૈસા ચૂકવવા માટે જ તે મુંબઈ કામ કરવા આવ્યો હતો. તેના પિતાને એટેક આવ્યો ત્યારે એ રડી પડ્યો, કહે કે તેમની દવા કરાવવાના પૈસા તે આપી શકતો નથી. તેની દરેક કમાણી કેસમાં અને મુંબઈમાં રહેવા ખાવા માટે જ વપરાઈ જાય છે. ગામમાં તો ખેતીમાં તેના ભાઈઓનો પણ ભાગ હોય એટલે ખાસ કશું બચે નહીં. આ બધા કિસ્સા વળી એક યુવાન પતિની આત્મહત્યાના સમાચાર વાંચીને યાદ આવ્યા. સ્ત્રીઓને અન્યાય ન થવો જોઈએ તો સ્ત્રીઓએ અન્યાય પણ ન કરવો જોઈએ. દીકરી એટલે દીકરી કે દીકરી વહાલનો દરિયો વગેરે સંદેશાઓ સોશિયલ મીડિયામાં ગર્વભેર ફેરવતા પિતા તેને અન્યાય સહેવો નહીં અને અન્યાય કરવો નહીં તેવા ગુણની કેળવણી આપીને મોટી કરે. દીકરાને પુરુષ જાતિમાં જન્મ્યાનું ખાસ પ્રિવિલેઝ ન આપે તો પણ અનેક પ્રશ્ર્નો પેદા ન થાય. કોઈપણ સમસ્યાના મૂળમાં તો ખોરવાયેલું સંતુલન એટલે કે બેલેન્સ ન હોવું જ હોય છે. જો સંતુલન બરોબર હોય તો સમસ્યાઓ જીવલેણ નથી હોતી. નાના મોટા ઝંઝાવાતો જરૂર આવે પણ વ્યક્તિએ મારું કે મરું તેવા નિર્ણયો લેવા નથી પડતા. ટકી જવાતું હોય છે વિપરિત સંજોગોમાં પણ.
આ લેખ લખતા પહેલાં એક સ્ત્રી તરીકે મારે પણ પહેલાં આ સત્ય સ્વીકારવાનું અઘરું હતું પણ ૨૦૧૪ની સાલમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આંકડાઓ જોયા તો આંચકો લાગ્યો. તેમના કહેવા મુજબ પરણેલી સ્ત્રીઓ કરતાં પરિણીત પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધારે છે. ( આ બાબત ભારતમાં જ નહીં ઈંગ્લેન્ડ, અમેરિકા પણ પાછળ નથી.) ૨૦૧૪ની સાલમાં સાઈઠ હજાર પરિણીત પુરુષોએ આત્મહત્યા કરી હતી જ્યારે ૨૭ હજાર પરિણીત સ્ત્રીઓએ આત્મહત્યા કરી હતી. સંશોધનમાં એવું જાણવા મળે છે કે પત્નીના મૃત્યુ બાદ કે છૂટાછેડા લીધેલા પુરુષોનું આત્મહત્યા કરવાનું પ્રમાણ ઓછું છે જ્યારે એ બાબતે સ્ત્રીઓની સંખ્યા વધુ હોય છે. પારિવારિક સમસ્યા અને માંદગીને કારણે પણ સ્ત્રી કરતાં પુરુષો આત્મહત્યા વધુ કરે છે. પુરુષોમાં માનસિક તાણને દૂર કરવા માટે આલ્કોહોલ પીવાનું પ્રમાણ વધુ હોય છે જે માનસિક રીતે વધુ હતાશા તરફ લઈ જવામાં કારણભૂત બને છે. વળી પુરુષ હોવાને કારણે તે બીજાની સામે રડતો નથી કે પોતાની પીડા પણ ખૂલીને કહેતો ન હોવાથી માનસિક પ્રતારણા સહેવાની તેની ક્ષમતા પણ સ્ત્રી કરતાં ઓછી હોય છે.
આમ જોઈએ તો આ બધું જ વાહિયાત લાગે, કોઈપણ વ્યક્તિએ બીજી વ્યક્તિને એવો ત્રાસ આપવો જ ન જોઈએ કે તે અપમાનિત થવાને કારણે હતાશ થઈને આત્મહત્યા કરવાના વિચાર કરવા માંડે. મારવું કે મરી જવા સુધીની પરિસ્થિતિનું સર્જન માનવી પોતે જ કરે છે. ખેર, જાગ્યા ત્યારથી સવાર. અન્યાય કરનાર અને અન્યાય સહેનાર બન્ને ગુનેગાર છે. સ્ત્રી અને પુરુષનું સર્જન સમાજ જ કરે છે. જાતીય ભેદભાવ અને અન્યાયને દૂર કરીને સ્વસ્થ સમાજનું નિર્માણ પણ સમાજ જ કરી શકે છે.
0 comments