ભારતનાં પ્રથમ મહિલા ન્યાયાધીશ જેમણે ચીલો ચાતર્યો

01:44





ઈન્ટ્રો – મે ની પાંચમી તારિખે ભારતના પ્રથમ મહિલા ન્યાયાધીશ લીલા શેઠનું અવસાન 87 વરસની ઉંમરે થયું ત્યાં સુધી તેઓ સતત કાર્યરત હતા.

મહિલા ન્યાયાધીશ તરીકે જેમણે ગ્લાસ સીલિંગ તોડીને નવો ચીલો ચાતર્યો એ લીલા શેઠ વિશે આજે વાત કરવી છે. પાંચ વરસ પહેલાં તેમને મુંબઈના એક ફંકશનમાં મળવાનું બન્યું હતું તે વિસરી શકાય તેમ નથી. સાડીમાં જાજરમાન દેખાતા લીલા શેઠના ચહેરા પર નમણાશ અને નમ્ર સ્વભાવ છતાં બુદ્ધિશાળી વ્યક્તિત્વને નજરઅંદાજ કરી શકાય નહીં. ૮૨ વરસની વયે પણ ૬૦ વરસની વ્યક્તિ જેવી ચપળતા તેમનામાં હતી. નિવૃત્તિ બાદ પણ તેમણે સમાજ માટે કામ કરવાનું બંધ નહોતું કર્યું. નિર્ભયા કેસ બાદ સેક્સ્યુઅલ વાયોલન્સ માટેના કાયદા અંગે રચાયેલી જસ્ટિસ વર્મા કમિટીમાં તેઓ હતા. તેમને અફસોસ હતો કે મેરિટલ રેપને ગુનો ગણાવતો કાયદો ઘડી શકાયો નહીં. તેમના વિશે થોડું જાણીએ.

એક દિવસ ૧૯૫૭ના ઇંગ્લેન્ડના અખબારોમાં એક ભારતીય સુંદર નમણી સ્ત્રી પોતાના તાજા જન્મેલા બાળકને લઈને ઊભી હતી તેવો ફોટો છપાયો હતો. અને તેની નીચે લખ્યું હતું મધર ઇન લો તો કોઇ અખબારે છાપ્યું , આઈડિયલ વિમેનહૂડ... લોની પરીક્ષામાં ભારતીય નારીએ ટોપ કર્યું હતું. લીલા શેઠ પ્રથમ મહિલા હતા જેમણે ઇંગ્લેન્ડમાંથી લોની પરીક્ષા પાસ કરી હોય અને તેઓ ભારતનાં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ પણ હતા. તેઓ ૧૯૯૨ની સાલમાં હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટિસપદેથી નિવૃત્ત થયા હતા. તેમણે એવા સમયે ન્યાયાધીશ તરીકે કામ કર્યું જ્યારે મહિલાઓ ઘરની બહાર નીકળે તે પણ નવાઈ ગણાતી. તેમને કોર્ટમાં જોવા લોકો ભેગા થતાં. પટણામાં હાઈ કોર્ટમાં તેમણે કામ કર્યું ત્યારે ત્યાં સ્ત્રીઓ માટે બાથરૂમ પણ નહોતા. લોકોને વિશ્ર્વાસ પણ નહોતો આવતો કે મહિલા કોઈ વખત કાયદાકીય સાચી સલાહ આપી શકે ખરી. ન્યાયાલયમાં પ્રથમ વાર મહિલા તરીકે તેમણે પોતાનું સ્થાન પુરુષો કરતાં સવાયા રીતે પુરવાર થઈને જાળવ્યું. 

તો સાથે જ ત્રણ બાળકોને સરસ રીતે ઊછેર્યાં. દેશ-વિદેશમાં જાણીતા લેખક વિક્રમ શેઠ અને ફિલ્મોમાં આર્ટ ડિરેકટર તરીકે કામ કરતી દીકરી આરાધના અને બિઝનેસમેન શાંતનુના તેઓ માતા છે. સિત્તેરમા વરસે તેમણે ઓન બેલેન્સ નામનું આત્મકથાત્મક પુસ્તક લખ્યું. તેમાં ન્યાયાલયમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતાં બાળકો ઊછેરવા કેટલું કપરું કામ હતું તેનું આલેખન કર્યું છે. એ પુસ્તક દરેક સ્ત્રીએ વાંચવું જોઈએ. ક્યારેક બાળકોને આપેલું વચન જરૂરી કેસની સામે પાળી ન શકાતું ત્યારે તેમને દુખ થતું એવું જણાવતાં લખે છે કે ત્યારે તો સમજાતું નહીં કે શું કરવું પણ પછી તેમણે રસ્તો કાઢ્યો. તેઓ બાળકોને પોતાની પરિસ્થિતિ જણાવી તેમની સલાહ લેતા. એ વિશે વાત કરતાં તેમણે મને કહ્યું હતું કે, બાળકોને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઊછેરવા જોઇએ. તેમને અવકાશ આપવો જોઇએ. જીવનના વિકાસ માટે બાળક હોય કે પુખ્ત વ્યક્તિ તેમને અવકાશ મળવો જોઇએ, બંધનમાં વિકાસ ન થઈ શકે. બાળકોને મુક્ત રાખો, તેમને ઊડવા દો તો જ તેઓ તમારી પાસે પાછા આવશે. આજે આટલા વરસે મને આટલું સમજાય છે. 

લીલા શેઠ આજે થતાં નારી પર અત્યાચાર અને તેને લગતા કાયદા અંગે હકારાત્મક વલણ સાથે કહે છે કે કાયદા નકામા નથી , કાયદાને સમજતાં, પચાવતાં અને અપનાવતાં વરસો લાગે છે. સાથે સમાજની અને વ્યક્તિઓની માનસિકતા પણ જોડાયેલી હોય છે. ઉદાહરણ તરીકે આજે પણ ડોમેસ્ટિક વાયોલન્સ છે પણ તેને લગતા કાયદાની સમજ અને ઉપયોગિતા સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી છે. સમાજની માનસિકતા આપણી માનસિકતાથી જુદી નથી હોતી. એટલે પોતાના અધિકાર માટે જાગૃત હોવા છતાં અનેક કારણોસર સ્ત્રીઓ જલદી ફરિયાદ નોંધાવતી નથી. જેમકે સમાન મિલકતનો કાયદો ૧૯૫૫-૫૬ની સાલથી છે પણ કેટલીય વખત ભાઈના ઘરનો દરવાજો બંધ થઈ જશે તો બાળકો મામા કોને કહેશે તે ડરે પણ પોતાનો ભાગ મોટાભાગની સ્ત્રીઓ જતો કરે છે. તો કેટલીક સ્ત્રીઓ ભાઈ સામે કેસ પણ કરે છે તો કેટલાક ભાઈઓ પિતાએ વિલ ન કર્યું હોય તો પણ બહેનને ભાગ આપે છે. આમ કાયદો સમજ અને વિચાર તો સમાજમાં મૂકે જ છે પરંતુ, તેનો અમલ સમાજના સ્તરમાં જુદી જુદી રીતે થાય છે. જેમકે સ્ત્રી ભ્રૂણ હત્યાનો કાયદો છે પણ ભણેલાગણેલા લોકો પણ સમજ હોવા છતાં તેને અવગણતા જોવા મળે છે. એટલે ફક્ત કાયદામાત્રથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી તે સમજવું જરૂરી છે. સમાજમાં જાગૃતિ આવતા પરિસ્થિતિ આપોઆપ બદલાય છે. અને બદલાઈ રહી જ છે તે જોઇ શકાય છે. કાયદાની અસર થતા સમય લાગે છે. તે જાદુઈ લાકડી નથી કે ફેરવતાં જ સમાજ બદલાઈ જાય.

ક્ધઝ્યુમરિઝમ, કોમ્યુનલિઝમ અને કરપ્શન આ ત્રણ આજના બાળકોને અસર કરે છે અને યોગ્ય માર્ગદર્શન ન હોય તો તેઓ ખોટા માર્ગે વળી શકે છે, એટલે તેમણે ૨૦૧૦માં વી ધ ચિલ્ડ્રન ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું. લીલા શેઠનું કહેવું છે કે આપણે નસીબદાર છીએ કે ભારતમાં વિચારવાની અને બોલવાની સ્વતંત્રતા છે. આપણે તેનો ઉપયોગ પોતાના અધિકાર માટે જ નહીં, પરંતુ બીજાના અધિકાર માટે પણ કરવો જોઇએ. આ પાયાના જ્ઞાનથી બાળકોને માહિતગાર કરવા જરૂરી છે. બાળકોને કઈ રીતે ઊછેરવા અને જીવનમાં જુદી રીતે વિચારતાં શીખવું હોય તો તેમનાં પુસ્તકો વાંચવા જોઈએ. લીલા શેઠ મૃત્યુ નથી પામ્યાં પણ અમર થઈ ગયા છે ચીલો ચાતરીને આજની નારી માટે નવો માર્ગ કંડારીને. 

You Might Also Like

0 comments