જસ્ટિન બીબર, પૉપ કલ્ચર અને એવું બધું
01:54
જસ્ટિન બીબર પાછળ કાલે (10 મેના મુંબઈમાં)યુવાનો હજારો રૂપિયા ઉડાવશે તો આ પોપ્યુલર
કલ્ચર અને બિબર વિશે થોડું ઘણું
જસ્ટિન બીબર ફક્ત ૨૩ વરસનો છે. વરણાગી છે. દુનિયામાં પ્રસિદ્ધ છે.
યુવતીઓ જ નહીં યુવાનો પણ તેની પાછળ ઘેલા ઘેલા છે, કારણ કે જસ્ટિન આજના યુવાનોની ભાષા બોલે છે. આજની જનરેશનને
રિપ્રેઝન્ટ કરે છે. તેના લખેલાં ગીતો પોપ્યલુર એટલે કે પ્રસિદ્ધિના ચાર્ટ પર ધૂમ
મચાવી રહ્યા છે. કિશોરમાંથી પુરુષ થતાં સુધીના જસ્ટિન બીબરના જીવન પ્રવાસને જોઈએ
તો આજના વિશ્ર્વનો ખ્યાલ આવે છે. આજે મીડિયા ચાહે તો તમને ઝીરોમાંથી હીરો બનાવી દે
અને હીરોમાંથી ઝીરો બનાવી દે. તમે બધે જ દેખાઓ તો ધીમે ધીમે તમે પ્રસિદ્ધ થઈ જાઓ.
જો કે સાવ એવું નથી કે જેનામાં કશું જ ન હોય તે પ્રસિદ્ધ થઈ શકે. ટેલેન્ટ એટલે કે
તમારી પાસે કોઈક કલા હોવી જોઈએ અને બીજું કે કરિશ્મા હોવો જોઈએ. જસ્ટિન સાવ
સામાન્ય સિંગલ માતાનું સંતાન હતો. કેનેડાના ઓન્ટેનરિઓમાં તેનો જન્મ. તેના
માતાપિતાએ લગ્ન નહોતાં કર્યાં. તેની માતા પેટ્રિસિઆ મેલેટ્ટ અને પિતા જેરેમી બીબર
છે. બધી માતાઓની જેમ જસ્ટિનની માતા પણ તકલીફોમાં બાળકોને ઉછેરી રહી હતી. તેણે બીજી
વ્યક્તિ સાથે લગ્ન કર્યાં બાદ બીજા બે બાળકો થયાં. ઓફિસમાં કામ કરીને જે થોડું
ઘણું કમાઈ લેતી તેનાથી બાળકોને ઉછેરતી હતી. જસ્ટિન શાળામાં ભણવા ઉપરાંત સંગીતના
લગભગ દરેક વાદ્યો વગાડતા શીખ્યો. સંગીતનો તેનો રસ અને સૂરીલા અવાજથી તે લોકોનો
ગમવા લાગ્યો હતો. શાળામાં અને અન્ય જગ્યાએ પણ તે ગાવાની હરિફાઈઓમાં ભાગ લેવા
માંડ્યો. હરિફાઈમાં લોકોનો હૃદય સાથે ઈનામો પણ જીતવા લાગ્યો હતો. કોઈપણ માતાને
પોતાનો દીકરો સારું પર્ફોમ કરે તે ગમે જ અને દુનિયાને બતાવવુંય ગમે. તેની માતા એ
ગીત ગાતો હોય ત્યારે વીડિયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કરી દેતી જેથી મિત્રો અને
સ્વજનો જોઈ શકે.
તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે આ વીડિયોઝ જસ્ટિનને તેનાથી દૂર લઈ જશે પ્રસિદ્ધિની ટોચે. બ્રાઉન નામનો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ગીતોના વીડિયો જોઈ રહ્યો હતો કે તેની નજરે બીબરનો વીડિયો ચઢ્યો. તેણે જોયું કે આ છોકરામાં કરિશ્મા છે જે લોકોને જકડી રાખી શકે એમ છે. બસ તેણે શોધ આદરીને બીબર સુધી પહોંચી ગયો. ૧૩ વરસની ઉંમરે બીબરને પ્રસિદ્ધિના ચાર્ટ સુધી પહોંચાડવામાં સ્કૂટર બ્રાઉનનો હાથ છે. ત્યારબાદ તો અનેક લોકો જોડાયા. બીબરનો અવાજ, દેખાવ, આત્મવિશ્ર્વાસ અને કરિશ્માએ ખાસ કરીને તેની વયની છોકરીઓમાં ઘેલું લગાડ્યું. બીબરના ગીતોમાં આજના કિશોર વિશ્ર્વના શબ્દો, ભાષા અને લાગણીઓ છે. આજનો યુવાન સાદી સીધી ભાષામાં પોતાના હૃદયની વાત કહે છે. તમે જે કંઈ ન કરી શકતા હો તે બીજું કોઈ કરે અથવા જ્યાં તમે ન પહોંચી શકતા હો ત્યાં કોઈ પહોંચ્યું હોય ત્યારે એને જોતાં આપણા મગજમાં કલ્પનાઓના ઘોડા દોડે છે જે આપણને વાસ્તવિકતાથી થોડો સમય માટેય દૂર લઈ જઈ શકે છે. એક જાતનું આ એસ્કેપિઝમ કહી શકો કે ધ્યાન કહી શકો. વત્તેઓછે અંશે આપણે સૌ કોઈને કોઈ ફેન્ટસીમાં રાચતા હોઈએ છીએ. એ ફેન્ટસીને મીડિયા દ્વારા ફલક મળે છે. દરેકની કલ્પનાનું સ્તર જુદું હોઈ શકે. જસ્ટિન બીબરને ભીડમાં ચંપાતા સાંભળવા માટે હજારો રૂપિયા ખર્ચવી ત્રેવડ હોય તેને માટે બીબર એક કશુંક અલગ છતાં એક દુનિયા જે બીબરની ગાંડીઘેલી ફેન છે એ ટોળાનો હિસ્સો બનવા દે છે.
બીબરને ચાહનારો જેટલો મોટો વર્ગ છે તેટલો જ તેને ધિક્કારનારો કે ન ચાહનારોય વર્ગ છે. જો કે તેમાં કેટલાક તો ફક્ત ઈર્ષ્યાથી જ ધિક્કારતા હશે. કારણ કે આજે બીબર પાસે પૈસો અને પ્રસિદ્ધિ બેસૂમાર છે. કોઈપણ યુવાનને ઈર્ષ્યા આવે એવું જીવન બીબર જીવી રહ્યો છે. દશ વરસ પહેલાં બીબરને પોતાનેય કલ્પના નહીં હોય કે પોતાની પાસે દુનિયામાં કોઈપણ ઈચ્છા પૂરી કરવા માટેની સંપત્તિ હશે. પૈસો અને પ્રસિદ્ધિ ભલભલા વ્યક્તિઓના મગજમાં મદ ભરી દઈ શકે છે. બીબરે જેલમાંય જવું પડ્યું છે અને કોર્ટમાં પણ જવું જ પડ્યું છે. નશો કરીને ગાડી ચલાવવાની ભૂલો તેણે પણ કરી છે. કેનેડિયન પોપ સિંગર છેલ્લા દશ વરસથી સતત સફળતાની સીડીઓ ચઢી રહ્યો છે.
જસ્ટિન બીબર પોપ્યુલર કલ્ચરની એક પેદાશ છે. એક એટલા માટે કે આવા અનેક લોકો આવ્યા, ગયા અને છે. ઈન્ડસ્ટ્રીલાઈઝેશન અને ક્ધઝ્યુમરીઝમનો યુગ આવ્યા બાદ દરેક બાબતને વેચી કઈ રીતે શકાય તે સંદર્ભે જ જોવામાં આવે છે. જસ્ટિન બીબર તેની સાથે સોફા, વોશિંગ મશીન વગેરે અનેક વસ્તુઓ લાવશે. તે વાંચીએ ત્યારે લાગે કે લાઈટ ટ્રાવેલિંગ અને બેક પેકનો કોઈ અનુભવ જસ્ટિન ક્યારેય લઈ નહીં શકે, કારણ કે તેની દરેક બાબતને એક ટેગ લાગેલું રહેશે. દરેક બ્રાન્ડ અને વ્યક્તિઓ તેની સફળતાની સાથીદાર બનવા તત્પર રહેશે. અંબાણી અને શાહરૂખની સાથે સામાન્ય ભારતીય વ્યક્તિઓ જોડાવા આતુર હોય છે તેમ શાહરૂખ અને અંબાણી આજે બીબર સાથે જોડાવા માટે તત્પર છે. પણ બીબર આજનું ફરજંદ છે. યુવાનોનું નેતૃત્વ કરે છે. શાહરૂખ કદાચ બીબરને એપ્રિશિએટ એટલે કે તેના પર્ફોમન્સને બે ઘડી માણી શકે પરંતુ તેની પાછળ ઘેલો ન થાય કદાચ. પણ તેના બાળકોને માટે બીબર આઈકોન હોઈ શકે. માઈકલ જેકશનનો જુવાળ હતો તેમ આજે જસ્ટિનનો જુવાળ છે. તે શું ખાય છે, પીએ છે, પહેરે છે, કેવા વાળ રાખે છે, તેને શું ગમે છે નથી ગમતું તે દરેક માહિતી વેચાય છે. કારણ કે તેના ફેન બીબર જેવા બનવાની કે એટલીસ્ટ તેના જેવી ફેશન કરવાના દરેક પ્રયત્નો કરશે. બીબરના ફેન તેની સાથે જ વયમાં મોટા થયા છે. બીબર જ્યારે કિશોરાવસ્થા પાર કરીને પુરુષ બની રહ્યો હતો ત્યારે અવાજના બદલાવ સાથે તેના ફેન કરતાં તેને વધુ ભય લાગ્યો હશે. તેના બદલાતા અવાજ વિશે પણ અટકળો થઈ હતી. જો કે બીબર નસીબદાર છે કે તેનો અવાજ ફુટ્યા બાદ પણ તેના અવાજની સોફ્ટનેસ જળવાઈ રહી છે. બીબર ભારતમાં પહેલીવાર આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પોપ સ્ટારની ભારતમાં પણ અનેક વિચિત્ર માગણીઓ છે એવા સમાચારો રોજ રોજ છપાઈ રહ્યા છે. જો કે આ બધી જ પ્રસિદ્ધિ મેળવવાના તુક્કાઓ પણ હોઈ શકે, કારણ કે લોકોને સેલિબ્રિટીની દરેક વિચિત્રતાઓ જાણવામાં ખૂબ રસ હોય છે. પ્રસિદ્ધ વ્યક્તિ જો સરળ અને સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તે તો તેમાં કોઈ ખાસ વાત નથી બનતી. આપણે એક બેગ ભરીને કપડાં લઈ જઈએ તો સેલિબ્રિટી ચાર બેગ લઈને જાય. પણ તે સાથે સોફા, પલંગ, ફ્રિજ અને વોશિંગ મશીન લઈને જાય તો તે વિચિત્ર કહેવાય ખરું ને.
અખબારો અને ટેલિવિઝનના માધ્યમમાં રહેવા માટે જ સેલિબ્રિટિઓની વિચિત્રતાઓ જન્મ લેતી હોય છે. બાકી તેમના વિશેના સમાચારો વાંચવાનો કે જોવાનો લોકોને કોઈ રસ નથી પડતો. લોકોને ગોસિપ કરવા માટે પણ કશુંક હટકે જોઈતું હોય છે. જસ્ટિન સારું ગાય છે. તેનાં ગીતો યુવાનોને ઘેલા ઘેલા કરી મૂકે છે. પણ તે સિવાયના જસ્ટિનના એબનોર્મલ વર્તનમાં લોકોને વધુ રસ પડે છે. બીટલ્સ હોય કે માઈકલ જેકશન હોય કે મેડોના જ કેમ ન હોય તેમના પ્રસંશકો તેમને એબનોર્મલ બનાવે છે. અમિતાભને જોવા માટે તેના ઘરની બહાર જેટલી ભીડ થાય છે તેનાથી અનેકગણી ભીડે બીબરને એક નજર જોવા માટે તે જ્યાં જાય ત્યાંના રહેઠાણ બહાર થાય છે. છોકરીઓ તો રીતસરની તેની નજીક જવા માટે ભૂરાઈ બને છે. છોકરીઓમાં તેના પાછળનું ગાંડપણ જોઈને છોકરાઓને તેની વધુ ઈર્ષ્યા આવતી હોય છે. એટલે જ ઘણા યુવાનોને બીબર પ્રત્યે તિરસ્કાર છે.
પોપ આઈકોન મોઝાર્ટ્સથી લઈને બીટલ્સથી લઈને બોબ ડાયલનથી લઈને અનેક લોકો આવ્યા અને તેમના પ્રસંશકોને ઘેલા કરતાં ગયા. દરેક કલાકારોનો પોતાનો સમય હોય છે. વળી કોઈ નવું આવશે. દરેક વખતે આપણને લાગશે કે આવું તે કંઈ હોતું હશે. પણ એવું જ હોય છે અને એવી જ રીતે જીવાતું હોય છે. ગયા વખતે કલ્ટની વાત કરી હતી. એ કલ્ટ કરતાં તદ્દન જુદી જ જાતનું આ જૂથ હોય છે જે પોતાના આઈકોનને ફોલો કરતું હોય છે. બીબર આજના જમાનાનો, યુવાનોનો આઈકોન છે. એટલે જ તે યુવાનોની જેમ અનરીજનેબલ, સમજાવી ન શકાય તેવી રીતે કે માની ન શકાય તેવી રીતે વર્તી શકે. તે છતાં તે અન્ય યુવાનો જેટલો મુક્ત રીતે ફરી શકે નહીં કે પોતાની રીતે જીવી શકે નહીં. પ્રસિદ્ધિની એ આકરી કિંમત છે.
0 comments