મેનોપોઝ મજાક નથી (મુંબઈ સમાચાર )

19:32





ઈન્ટ્રો – આપણે ત્યાં સ્ત્રીઓની સમસ્યાઓ વિશે જાહેરમાં ચર્ચા કરવી કે વાત કરવાનું આજે પણ ટાળવામાં આવે છે.

ઓફિસમાં સાથે કામ કરતી બહેને એકવાર કહ્યું કે હવે થાક લાગે છે. કંટાળો આવે છે. સમજાતું નથી શું કામ. ખરું કહું તો કશેક એકલા ભાગી જવાનું મન થાય છે.  તો  એક પડોશી બહેનની વહુ ગર્ભવતી હતી. તેઓ હવે બીજીવાર દાદી બનવાના હતા. તેમણે વાતવાતમાં હૈયુ ખોલતાં કહ્યું કે હું વહુને સમજાવું છું કે આજના જમાનામાં એક બાળક બહુ થયું. ખરું કહું તો મને હવે ગભરામણ થાય  છે. બે બાળકોને કેવી રીતે સંભાળવાના. હકીકતે તેમની વહુ કામ કરતી હતી એટલે તેમના બાળકની જવાબદારી તેમના માથે હતી. ઘરમાં બાળકને સાચવવા માટે બાઈ પણ હતી તે છતાં એ બહેનના ચહેરા પર ભય અને સ્ટ્રેસ સ્પષ્ટ જણાઈ આવતા હતા. એ બહેનને મેનોપોઝની તકલીફો હતી. વધુ જવાબદારી સંભાળી શકે એમ નહોતા. ઓફિસોમાં કે સમાજમાં ક્યારેક મેનોપોઝને મજાક ગણી સ્ત્રી ઉપર હસવામાં આવે છે. પણ સ્ત્રીજે પરિસ્થિતિમાંથી પસાર થતી હોય છે તેના વિશે હજી પણ ગંભીરતાથી વિચારાતું નથી.
ઉપરોક્ત બન્ને કિસ્સામાં સ્ત્રીને પોતાને પણ નગણ્ય લાગતી વાત બીજાને કહેતાં સંકોચ થતો હતો. કારણ કે સ્ત્રી જો આવી વાત કરે તો તેને સાંભળનાર કશુંક બીજું જ વિચારે. એવું પણ વિચારે કે કેટલી સ્વાર્થી કે કેટલી આળસુ બાઈ છે. પણ એવું નથી હોતું. ચાલીસની ઉંમર બાદ કેટલીક સ્ત્રીઓનો સ્વભાવ બદલાવા લાગે છે. તેને પોતાને પણ ક્યારેક સમજાતું નથી. મેનોપોઝ વિશે ભલે આપણે બધા જાણતા હોઈએ પણ હકીકતમાં એ વિશે મોટાભાગની સ્ત્રીઓની જાણકારી પણ અધકચરી હોય છે. તો પુરુષોને તેના વિશે અજાણ જ રાખવામાં આવે છે.  જે જાણકારી મેળવવાની હોય છે તે પણ પડોશી, સ્વજન કે બહેનપણીઓ પાસેથી લેવામાં આવે છે. મોટાભાગની સ્ત્રીઓ તો કહેશે કે મેનોપોઝ જેવું કશું હોતું નથી. બધાને એક સમયે ઉંમર થતા પાળી આવવાની બંધ થાય. થોડું ઘણી તકલીફો થાય પણ એથી કંઈ મરી નથી જવાતું. આ વિશે વધુ જાણવાની ઈચ્છા હતી ત્યાં અમદાવાદમાં મેનોપોઝ ક્લબ ચાલે છે તે વિશે જાણવા મળ્યું.
અમદાવાદમાં નિવૃત્ત ડો. કલા શાહને મળવાનું બન્યું હતું. તેમણે અમદાવાદમાં મેનોપોઝ હેલ્થ ક્લબની શરૂઆત વરસો પૂર્વે એટલે કે 1999માં કરી હતી. કલા શાહ પોતે મહિલા તબીબ છે. તે છતાં તેમને પોતાને જ્યારે મેનોપોઝની તકલીફો થઈ ત્યારે સમજવું સહેલું નહોતું. તેમને અતિશય ગરમી લાગતી અને તડકામાં જતાં શરીર પર ભીંગડા જેવું થઈ જતું. એટલે તેમણે બીજા ડોકટરની સલાહ લીધી પણ થાય એવું કે તડકામાંથી એસી રૂમમાં જતાં જ આ ભીંગડાઓ ગાયબ થઈ જાય અને તકલીફો પણ ગાયબ થઈ જાય. આ વાત છે નેવું ના દાયકાની. ડો. કલા શાહે મુંબઈના ડોકટરોને બતાવ્યું પણ કશી જ ખબર ન પડે. તેમને બીજા ડોકટરોએ તો સાયકોલોજીસ્ટને બતાવવાની સલાહ પણ આપી. કહ્યું કે આ સાયકોલોજીકલ પ્રોબલેમ છે. છેવટે જ્યારે તેમને સમજાયું કે આ પ્રી મેનોપોઝની સમસ્યા છે ત્યારે વિચાર આવ્યો કે જો એક ડોકટર તરીકે મને પણ બીજા ડોકટરો સાયકોલોજીકલ કેસ સમજે તો સામાન્ય સ્ત્રીઓ જે મેનોપોઝમાંથી પસાર થતી હોય અને તેને અનેક સમસ્યાઓ હોય તેમનું શું થતું હશે?  મેનોપોઝ વિશેની સમજ અને તૈયારી આપણા સમાજમાં હોતી જ નથી. કલાબહેન સાદી અને સરળ ભાષામાં કહે છે કે લોકો કહે છે કે પહેલાંના જમાનામાં પણ સ્ત્રીઓને મેનોપોઝ આવતું હતું પણ કોઈ આટલી બૂમાબૂમ નહોતું કરતું. એ તો આવે ને જાય. સમજ્યા હવે. પણ લોકોને એ સમજાતું નથી કે પહેલાંના જમાનામાં લોકો લાંબુ જીવતા નહોતા. પચાસ કે સાઈઠ વરસ તો ઘણું કહેવાય. સ્ત્રીને રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ લગભગ પચાસ પછી આવતું. આજે લોકોની એવરેજ આવરદા એંશીની થઈ છે. એટલે મેનોપોઝ સાથે સ્ત્રીએ ત્રીસ કે વધુ વરસ જીવવાનું હોય છે. વળી આજની તાણભરી જીંદગીમાં કેટલીક સ્ત્રીઓને ત્રીસ કે ચાલીસ વરસે જ મેનોપોઝ આવી જાય છે. મેનોપોઝમાં ઈસ્ટ્રોજોન અને પ્રોસ્ટોજોન હોર્મોન ઘટી જાય છે. આ હોર્મોન ઘટી જવાને કારણે જ માસિક આવતું બંધ થાય છે. અને શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. જો કે દરેક મહિલાઓને સમસ્યાઓ થાય જ એવું નથી. પણ લગભગ 80 ટકા મહિલાઓને એક યા બીજી સમસ્યાઓ પીડતી હોય છે. તેમાં સૌથી વધુ મોટી સમસ્યા હોય છે. લાગણીઓની ઉથલપાથલ. ઘડીકમાં ગુસ્સો આવે. ઘડીકમાં રડવું આવે. ઘડીકમાં માથું દુખે. સખત ગરમી લાગે, ગભરામણ થાય, થાક લાગે, કંટાળો આવે, હતાશા આવે. હોર્મોનલ ફેરફારોને કારણે માનસિક અને શારીરિક તકલીફો થતી હોય છે.
કલાબહેન કહે છે કે સ્ત્રી જ્યારે મેનોપોઝમાં આવે છે તે સમયે જીવનમાં બીજા પણ ફેરફારો થતા હોય છે. બાળકો મોટા થયા હોય, પોતાના વિશ્વમાં ખોવાઈ ગયા હોય. પતિ પણ કારર્કિદીમાં ટોચે હોય. ઘરમાં સ્ત્રી જ એક જો ગૃહિણી હોય તો નવરી પડી હોય. નહીં તો બાળકોના લગ્ન કરવાના હોય એટલે કામ વધે. આ બધા સાથે જ્યારે મેનોપોઝ હોય ત્યારે એને યાદશક્તિના, એનર્જીની સમસ્યા સતાવતી હોય એટલે કામ જેમ થવું જોઈએ તે થઈ ન શકે. એટલે સ્ત્રીને પોતાના પર ગુસ્સો આવે, બીજા પર ગુસ્સો આવે. થાય કે કોઈને તેની પડી નથી. વળી ક્યારેક કામ ન થાય એટલે ઘરમાં બાળકો અને પતિ અને સાસુ હોય તો તે પણ બોલે કે હવે તું આળસુ થઈ ગઈ છે. કામ કરતી નથી કે કામ બરોબર કરતી નથી. કશામાં ભલીવાર નથી. વગેરે વગેરે
આ અપમાન અને પોતાની પરિસ્થિતિ બન્ને સામે લડતી સ્ત્રી વધુ ઝઘડે. પહેલાં તો ગાંડી ય ગણતા હવે તો કદાચ તેને કહે કે સાયકોલોજિસ્ટ પાસે જા. પણ જો એમ સમજાય કે હવે પોઝ કરવાનો સમય છે. પહેલાં કરતાં સ્ત્રીએ કામ ઓછું કરવું જોઈએ. જેથી તાણ ન આવે. થોડો કે અવકાશ પેદા કરવો જોઈએ. પોતાની સમસ્યાઓને સમજવાનો. બીજું કે તેના ઘરનાઓને પણ સમજાવું જોઈએ કે ચાલીસ કે પચાસ પછી અમુક કામ ન કરી શકતી સ્ત્રી આળસુ નથી. તે બોલતી હોય તો સાંભળવું કે તેની મદદ કરવી. તેના બદલાતા સ્વભાવને સમજીને તેને સહાય કરવી જાત સાથે લડવામાં. જો એવું નથી થતું તો ડિપ્રેશન આવે છે. સ્ત્રી પોતાની જાતને ધિક્કારવા લાગે છે કે પછી આત્મહત્યાના વિચારો પણ કરવા લાગે છે.
આજે ચાલીસ કે પચાસ વરસની સ્ત્રીઓને બ્લેડ પ્રેશર, થાઈરોઈડ કે પછી ડાયોબિટિશની બીમારી લાગુ પડતી જોવા મળે છે. આ બીમારીઓ થવાનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ હોય છે. ઉંમર વધતાં મેનોપોઝને કારણે  કામ કરવાની શક્તિ ઓછી થતાં તાણ વધે છે અને તેનાથી બીજી સમસ્યા અને આ ચક્ર ચાલુ જ રહે છે. એટલે જરૂરી છે કે ચાલીસ પછી સ્ત્રીઓએ પોતાના માટે થોડું જીવવાનું શરૂ કરવું જોઈએ. કોઈ શોખ કેળવવો. મિત્રો સાથે આનંદમાં સમય વિતાવવો. કસરત કે યોગાસન કરવા, પ્રાણાયામ કરવો. સ્ટ્રેસ એટલે કે તાણ વધે એવા કામ ન કરવા જોઈએ. ડો કલા શાહને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે તો તેમની સલાહથી મેનોપોઝ વિષયને યુનિવર્સિટિના અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમનું માનવું છે કે મેનોપોઝ વિશેની માહિતી વીસ વરસની ઉંમરથી જ બાળકોને આપવી જોઈએ. જેથી તેઓ પોતાની માતાના વર્તનને સમજીને સહાયરૂપ બની શકે અને જ્યારે તેઓ પોતે પણ મેનોપોઝમાં આવે ત્યારે તેમને ખબર હોય કે શું કરવું ને શું ન કરવું. ડો. કલા શાહે મેનોપોઝ ક્લબ દ્વારા કવ્વાલી અને ગરબાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ સુધી મેનોપોઝની વાત સરળતાથી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે મલ્લિકા સારાભાઈની દર્પણ એકેડમીના સહયોગથી કથાચાલીસી નામની ટીવી ધારાવાહિક પણ ગુજરાતીમાં બનાવી છે તેનું પ્રસારણ દૂરદર્શન પર થયું છે. તેને યુટ્યુબ પર જોઈ શકાય છે.

મેનોપોઝના ત્રણ તબક્કા હોય છે. પ્રી મેનોપોઝ, પેરી મેનોપોઝ અને મેનોપોઝ. મોટેભાગે માન્યતા છે કે માસિક આવતું બંધ થાય એટલે મેનોપોઝ આવ્યું. પણ આ તબક્કાઓ દસથી પંદર વરસ પણ ચાલી શકે છે. પ્રી મેનોપોઝમાં થોડીઘણી શારિરીક અને માનસિક સમસ્યાઓ સ્ત્રીને અનુભવાય. ક્યારેક વધુ કે ઓછો રક્તસ્ત્રાવ માસિક સમયે આવે. મૂડ સ્વીંગ અનુભવાય. પેરી મેનોપોઝના સમયે પણ મૂડસ્વીંગ વધુ પ્રમાણમાં અનુભવાય. માસિક વધુ કે ઓછું આવે કે પછી તેનો સમયગાળો વધે. તે સમયે અવારનવાર ડોકટરી તપાસ કરાવવી જરૂરી છે. મોટેભાગે દર બે કે ત્રણ મહિને અને પછી છ મહિને એમ પાળી આવવાનો સમય ધીમે ધીમે લંબાતા વરસ સુધી ન આવે તો પછી મેનોપોઝનો સમય શરૂ થાય છે. અને તે સમય સ્ત્રી જીવીત રહે  ત્યાં સુધી રહે છે. મેનોપોઝની અનેક સમસ્યાઓ હોય છે. કોઈને એક યા બીજી સમસ્યા હોય તો કોઈકને ખાસ કશું જ ન જણાય. એથી એવું ન માનવું કે મેનોપોઝની સમસ્યા હોતી જ નથી કે તેને માટે કશું જ વિચારવાની જરૂર નથી. હા થોડી જાગૃતિ અને થોડી કાળજી સાથે આ સમય પણ સારી રીતે પસાર કરી શકાય છે. તે વિશે વધુ વાતચીત કે સંવાદ કરવાથી સમસ્યાઓ હળવી કરી શકાતી હોય છે. મેનોપોઝ દરમિયાન અનુભવાતી સમસ્યાઓનું લિસ્ટ ઘણું લાંબુ છે. દરેક મહિલાઓ માટે જુદો અનુભવ હોઈ શકે છે. દરેકનું બંધારણ અને પરિસ્થિતિ જુદા હોવાને કારણે સમસ્યાઓ પણ જુદી હોય છે. ફક્ત તેમાંથી સારી રીતે પસાર થવા માટે કુટુંબનો સ્નેહ અને કાળજી જરૂરી છે.    

You Might Also Like

0 comments