રસોડાથી રણસંગ્રામ સુધી વિસ્તરતું સૌંદર્ય

04:30





નારીવાદના યુગમાં નારીવાદીઓ સ્ત્રીના સૌંદર્યને નકારતા હતા, કારણ કે સ્ત્રી પુરુષને ખુશ રાખવા માટે જ સુંદર દેખાવાનું પસંદ કરતી હતી. પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીનું કામ સુંદર બનીને પુરુષને રિઝવવાનું રહેતું હતું. પણ હવે જમાનો બદલાયો અને વિચારધારા પણ બદલાઈ રહી છે. સ્ત્રી હવે પોતાને માટે સુંદર દેખાવાનું પસંદ કરે છે. તે ગમે તેવી દેખાતી હોય કે ગમે તે કામ કરતી હોય પણ સુંદરતા તેને મળેલું વરદાન છે. પહેલાં એવી માન્યતા હતી કે સ્ત્રીનું સૌંદર્ય ઘરમાં જ સચવાય. બહાર નીકળીને તે કામ કરે તો તેનું સૌંદર્ય વિલાય જાય. બીજું કે સ્ત્રીને અબળા બનાવીને પણ ઘરમાં રાખવામાં આવતી. તે ઘરનો ઉંબરો ઓળંગે તો તકલીફમાં મુકાઈ શકે. આવી માન્યતાઓને કારણે પણ સ્ત્રીઓનું રાજ્ય રસોડા સુધી જ સીમિત રહ્યું હતું. આવી અનેક માન્યતાઓને તોડીને તેણે રસોડાથી અનંત આકાશ તરફ પ્રયાણ કરવાનું ચાલુ રાખ્યું. નારીશક્તિને અબળા જાણનારાઓ જ આજે બાજુ પર હટીને શક્તિને વિકસવાનો માર્ગ મોકળો કરી આપે છે.

આજે આધુનિક યુગમાં પણ અનેક એવાં ક્ષેત્રો છે જ્યાં ગ્લાસ સીલિંગ સ્ત્રીના વિકાસને રુંધે છે. લશ્કર એમાંનું એક ક્ષેત્ર છે. જ્યાં સ્ત્રીઓને પ્રવેશ અપાય છે પણ ફક્ત કેટલાક એવા વિભાગમાં જ્યાં સ્ત્રીએ લડાઈ કે શાંતિમાં રણનીતિમાં ભાગ લેવાનો ન હોય. એટલે જ શહીદ થનારા દરેક પુરુષો જ હોય છે. યુદ્ધમાં સ્ત્રીઓ સક્રિય ભાગ લઈ શકતી નથી. એ ગ્લાસ સીલિંગ કેટલાક દેશોએ તોડીને જાતીય ભેદભાવ દૂર કર્યા છે. હવે ભારત પણ એ દેશોની યાદીમાં પોતાનું નામ નોંધાવવા આતુર છે. ગયા વરસે ફાઈટર પ્લેન પાઈલટ તરીકે ત્રણ મહિલાઓને એરફોર્સમાં સામેલ કરીને ઈતિહાસ રચ્યો હતો તો આ વરસે લશ્કરી જવાન તરીકે સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સ્ત્રીઓએ પોતાની શક્તિ પુરવાર કરીને જ તેમાં પ્રવેશ કરી શકાશે તે બાબત પણ ધ્યાનમાં લેવા જેવી છે, કારણ કે લશ્કર એ એક એવું ક્ષેત્ર છે જ્યાં ગમે તેને પ્રવેશ મળી શકે તેમ નથી. પોતાની લાયકાત પુરવાર કરી શકનાર વ્યક્તિ જ તેમાં પ્રવેશી શકે છે. એમાં કોઈ શંકા નથી કે આપણે ત્યાં એવી ઘણી વિરાંગનાઓ છે જે રણમેદાનમાં રણચંડી બનીને ફરી વળી શકે છે.

સ્ત્રી અને યુદ્ધનો ઈતિહાસ ૪૦૦ વરસ જૂનો છે. આઝાદીના બળવામાં યોદ્ધા બનીને ઝઝૂમનાર રાણી લક્ષ્મીબાઈને તો આજે પણ લોકો ભૂલી શકતા નથી. તે છતાં આજે મોટાભાગના દેશોમાં યોદ્ધાઓની ટુકડીમાં પુરુષો જ હોય છે. યોદ્ધા તરીકે સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ ન કરનારા દેશો આંગળીને વેઢે ગણી શકાય એટલા જ છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, ડેન્માર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, નોર્વે, સ્વિડન અને ઈઝરાયલ જેવા જૂજ દેશો છે જ્યાં લશ્કરની ભરતીમાં સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ કરવામાં આવતો નથી. અમેરિકન સ્ત્રીઓ પણ આર્મીમાં સહાયક તરીકેની ભૂમિકા ભજવે છે. ભારતમાં હજી શરૂઆત થઈ છે ત્યારે વિશ્ર્વની કેટલીક વીરાંગનાઓ જે લશ્કરી ગણવેશમાં પણ સુંદરતામાં બ્યુટિપેજન્ટથી કમ નથી હોતી તેના વિશે જાણીએ. તેઓ સૌંદર્ય સ્પર્ધામાં જવાને બદલે પોતાના દેશની સેવા કરવા માટે લશ્કરમાં જોડાય છે. જો કે આ બધા દેશોની સ્ત્રીઓને હજી ગ્લાસ સીલિંગ તોડવાની વાર છે. એટલે જ તેઓ સુંદર લશ્કરી સ્ત્રીઓની યાદીમાં આવે છે. તે છતાં એટલું કહી શકાય કે સૌંદર્ય શક્તિ બનીને દુશ્મન પર ત્રાટકવા તૈયાર છે.

---------------------------

ગ્રીસ લશ્કર - ગ્રીસમાં દરેક પુરુષે ૧૮ વરસના થયા બાદ ફરજિયાતપણે લશ્કરી તાલીમ લઈ નવ મહિના લશ્કરમાં સેવા આપવાની હોય છે. સ્ત્રીઓ માટે આ બાબત ફરજિયાત નથી. હા તેમની મરજી હોય તો તેઓ પણ લશ્કરમાં સેવા આપવા જોડાઈ શકે છે.

----------------------------

પાકિસ્તાન લશ્કર - આપણા પડોશી દુશ્મન દેશમાં ભલે સ્ત્રીઓને સ્વતંત્રતા ન હોય પણ નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં આપણા કરતાં પહેલાં લશ્કરમાં તેમને જવાનની ભૂમિકા સોંપવામાં આવી હતી. ૨૦૦૬ની સાલથી પાકિસ્તાની આર્મીમાં સ્ત્રીઓ ફાઈટર પાઈલટ તેમ જ નેવીમાં સક્રિય કામગીરી કરી રહી છે. ફક્ત પાકિસ્તાની નેવીમાં જ તેમને સક્રિય ભૂમિકા આપવામાં આવી નથી. પાકિસ્તાની સ્ત્રીઓ પણ સુંદરતામાં કોઈથી પાછળ રહે તેમ નથી.

-----------------------------

અમેરિકન આર્મી -

અમેરિકન લશ્કરમાં લગભગ ૧૪ ટકા સ્ત્રીઓ છે. એટલે કે લગભગ ૧લાખ ૬૫ હજાર જેટલી પણ તેમને મોટાભાગની ફરજ પુરુષોના સહાયક તરીકે કામ કરવાનું સોંપવામાં આવે છે. તે પણ ૨૦૧૨ની સાલથી શરૂઆત થઈ. બીજી ૩૫ હજાર સ્ત્રીઓ ઓફિસર તરીકે આર્મીમાં ફરજ બજાવી રહી છે. કોમ્બેટની ભૂમિકા તેમને હજી પૂર્ણપણે ભજવવાની હોતી નથી.

-----------------------------

ચેક રિપબ્લિકન આર્મી - ચેકોસ્લેવયિકામાં સ્ત્રીને બીજા વિશ્ર્વ યુદ્ધ બાદ જ લશ્કરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમણે બ્રિટન, રશિયાની ટુકડીમાં પણ સહાયક તરીકે સેવા આપી છે. આજે તો ચેક આર્મીમાં તેમનું પ્રદાન મહત્ત્વનું ગણવામાં આવે છે. ખાસ કરીને એરફોર્સને સ્ત્રી ફાઈટર વિના કલ્પવું અશક્ય છે.

-----------------------------

રોમાનિયન આર્મી - યુરોપિયન દેશોમાં આમ પણ સ્ત્રીનું સૌંદર્ય મંત્રમુગ્ધ કરી દે તેવું હોય છે. રોમનિયન આર્મીનો ગણવેશ પહેરેલી સ્ત્રીઓ કોઈપણ સૌંદર્ય સમ્રાજ્ઞીને હરાવી શકવા સમર્થ છે. રોમાનિયાની સ્ત્રીઓએ લશ્કરી ગણવેશમાં મોસ્ટ એટ્રેકટિવ આર્મીનું બિરૂદ મેળવી ચૂક્યું છે. જો કે હજી ત્યાંની સ્ત્રીઓને કોમ્બેટ ઓપરેશનની ફરજ આપવામાં આવતી નથી.

-----------------------------

બ્રિટિશ આર્મી - સુંદર આર્મીના લિસ્ટમાં સાતમું સ્થાન ધરાવનાર બ્રિટિશ આર્મીમાં સ્ત્રીઓએ લાંબી મજલ કાપી છે. તેમને હજી સુધી સમાન અધિકાર આપવામાં આવ્યો નહોતો.

-----------------------------

ઓસ્ટ્રેલિયન આર્મી - ૧૮૯૯ની સાલથી ત્યાંની સ્ત્રીઓ લશ્કરમાં સેવા આપતી આવી છે. શરૂઆતમાં તેઓ ફક્ત નર્સિંગ વિભાગ જ સંભાળતી હતી, પણ બીજા વિશ્ર્વયુદ્ધ બાદ તેમણે પુરુષોના સહાયક તરીકે યુદ્ધમાં કામ કરવા માંડ્યું અને ૧૯૭૦ બાદથી તો તેઓ લશ્કરના દરેક વિભાગમાં પુરુષો સાથે ખભેખભા મિલાવીને કામગીરી પાર પાડે છે. એક જવાન તરીકે કામ કરવામાં આ સૌંદર્ય સમ્રાજ્ઞીઓ પાછી નથી પડતી. વિશ્ર્વમાં ત્રીજા નંબરે સુંદર આર્મીના લિસ્ટમાં સ્થાન મેળવેલ છે.

---------------------------

પોલેન્ડ આર્મી - પોલેન્ડ આર્મીમાં લગભગ ૨૫૦૦ સ્ત્રીઓ લશ્કરમાં છે. પોલેન્ડ આર્મીમાં સ્ત્રી પુરુષના ભાગલા કે ભેદભાવ સહેજ પણ નથી.

----------------------------

રશિયન લશ્કર - રશિયન સ્ત્રીઓ સુંદરતામાં અપ્રતિમ હોય છે. તેમના સૌંદર્યમાં રહસ્યમયતાનો રસ પણ ભળેલો હોવાથી તેમનું સૌંદર્ય આકર્ષક બની રહેતું હોય છે. આ રશિયન સ્ત્રીઓ લશ્કરમાં આગળ પડતો ભાગ ભજવવામાં પણ પાછળ નથી પડતી. રશિયન ઈતિહાસમાં તેમને અવગણી શકાય તેમ નથી. તેઓ લશ્કરમાં દરેક વિભાગમાં નિપૂણતાથી પોતાનું સ્થાન જમાવે છે.

---------------------------

ઈઝરાયલ આર્મી - ઈઝરાયલમાં દરેક વ્યક્તિએ ૧૮ વરસની ઉંમર બાદ લશ્કરી તાલીમ લઈને સેવા આપવી ફરજિયાત છે. એટલે જ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સમાં ૩૧ ટકા સ્ત્રીઓ છે. સુંદર સ્ત્રીઓ શસ્ત્રો સાથે સીમા પર પુરુષોની સાથે ખભેખભા મિલાવીને લડતી હોય તે દૃશ્ય અહીં સામાન્ય છે. કદાચ એટલે જ ઈઝરાયલ આર્મીને દુનિયાની સૌથી સુંદર આર્મી કહી શકાય.

You Might Also Like

0 comments