ઈમોશનલ અત્યાચાર (mumbai samachar)
09:35
સચ્ચાજૂઠા ફિલ્મનું આ ગીત દિલ કો દેખો, ચહેરા ના દેખો, ચહેરેને લાખો કો લૂંટા... દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા.... આ ગીત ઝુકરબર્ગે નહોતું સાંભળ્યું તે છતાં તેને ખબર હતી તેનો અર્થ એટલે જ તેને ફેસબુક બનાવવાનો અળવીતરો વિચાર આવ્યો હશે. બીજા અનેક પોપ્યુલર સોશિયલ મીડિયા કાર્યરત હોવા છતાં ગુજરાતીઓને હજી ફેસબુક વધુ ગમે છે એવું મને લાગે છે. આઈ મે બી રોન્ગ બટ ફેસબુક આવ્યા બાદ અનેકના જીવન બદલાઈ ગયાં. અનેકના બદલાશે એવી આશાઓ પાંગરી રહી છે તો અનેકના જીવન બરબાદ પણ થયા. કારણ કે ફેસબુક પરના દરેક ચહેરા સાચા નથી અને ચહેરા પાછળ પણ અનેક મહોરાઓ કામ કરી રહ્યા હોય છે. આ સોશ્યલ સાઈટ્સની શોધ ભાઈ ઝુકરબર્ગે કરી કારણ કે કોલેજના યુવાન-યુવતીઓ એકબીજાનોે સહજતાથી સંપર્ક કરી શકે તેવી એમની મનસા હતી. વળી ઝુકરબર્ગને સાયકોલોજી સમજાણી હશે એટલે જ તેણે વિચાર્યું કે કોલેજમાં ન મળી શક્યા બાદ લોકો ખ્યાલોની અપ્સરાને કઈ રીતે મળી શકે ને શોધ થઈ ફેસબુક નામના ચોતરાની. જ્યાં લોકો એકબીજા સાથે જાહેર એકાંતમાં મળી શકે, ઓળખાણ કરી શકે અને તેને નામ આપ્યું ફેસબુક. આટલી પિષ્ટપિંજણ કરી મારી વાતની ભૂમિકા બાંધી રહી છું. હવે જ્યારે તેમાં અંગત ચેટ ઊમેરાઈ ત્યારે કેટલાક માટે અહીં મૈત્રિણી-મિત્રને શોધવાનો સરળ રસ્તો મળી ગયો, કેટલાક હજી પણ રોમાન્સ કર્યા વિના રહી ગયા હોય તેવા લોકોને તેમજ એકલતામાં અટવાયેલાઓને દુનિયા આખી મળી મૈત્રી કરવા માટે.
આમ મૈત્રી કરવી ખોટું છે એવું નહીં, પરંતુ તેમાં સાચાખોટા ઈમોશન અને ઈમોકેશન ઉમેરાય ત્યારે ગડબડ પણ ઊભી થાય છે. ઈમોશનલ મેલોડ્રામા તેને કહી શકાય. હા શિખર ધવન અને ગુજરાતની ઈન્સ્પેકટર ઉષા રાડા જેવા કેટલાકને ફેસબુક ફળે પણ છે. તે છતાં એવું કહી શકાય કે અહીં મોટેભાગે અહીં અતૃપ્ત આત્માઓ ફરતા હોય છે. ઉંમર, ગમા-અણગમા કે પછી સામી વ્યક્તિ પરિણીત કે અપરિણીત છે તે કોઈ બાબત તેમને સ્પર્શતી નથી. ફક્તને ફક્ત તેઓ કાલ્પનિક રોમાન્સમાં ભટકતા આત્માઓની જેમ વર્તે છે. હા કેટલાક ખરા અર્થમાં મેચ્યોર્ડ વ્યક્તિઓ હોય છે જે કાલ્પનિક રોમાન્સના ખોટા ખ્યાલોમાં નથી જ રાચતી હોતી.
કેટલાક અપવાદ સિવાય મોટા ભાગના પુરુષો અને કેટલીક સ્ત્રીઓ પણ અહીં કાલ્પનિક રોમાન્સની શોધમાં આવે છે. મોઢામોઢ તો કોઈ સ્ત્રી સાથે મિત્રતા બાંધવાની શક્યતા ન હોય કે હિંમતનોય અભાવ હોય તેવા મજનૂઓ લૈલાની શોધ આદરે છે. તેમાં તો કેટલાક વિરલાઓ એવા હોય છે કે શક્ય એટલી દરેક સ્ત્રીને મિત્રતાની રિકવેસ્ટ મોકલશે અને અંગત મેસેજ મોકલશે. જો તેમની રિકવેસ્ટ ભૂલમાં કોઈ સ્ત્રીએ સ્વીકારી લીધી તો તેના પર દે ધનાધન મેસેજોનો મારો ચલાવશે. પેલી સ્ત્રી જો એમ કહે કે મને ચેટિંગમાં રસ નથી તો સામે પૂછશે શું કામ? વળી કેટલાક તો કહેશે કે જો ચેટ ન કરવી હોય તો મિત્રતા બાંધી જ શું કામ? જો તેમનાથી સોશ્યલ કે ડેટિંગ સાઈટ્સ પર કોઈ અપ્સરા ન પટી તો ભુરાયા થઈને મેસેજીસનો મારો ચલાવશે. સોશ્યલ સાઈટ્સ પર તેમને બ્લોક કરી દેવાની સગવડ હોવાથી તેમનાથી છુટકારો મેળવી લેવાય જ છે. પણ તેમનો ધૂંધવાટ હવાઓમાં ઉમેરાતો રહે છે. પછી તેઓ બીજા રસ્તા શોધે. બીજા નામે પોતાનો અંગત ફોટો મૂક્યા વિના પ્રોફાઈલ બનાવી ફરી પ્રયત્નો કરે. તો વળી કેટલાક ડેસ્પરેટ વિરલાઓ સ્ત્રીનો ફોટો અને નામનો પ્રોફાઈલ બનાવીને સ્ત્રીની મિત્રતા કેળવવાનો પ્રયત્ન કરે. આવી વ્યક્તિઓ કાયર હોય છે, તેમનામાં હિંમતનો અભાવ હોય છે. જોકે સહેલું નથી હોતું ચોક્કસ ઈન્ટેનશન સાથે વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે વાત કરવી. વળી ડેટિંગ સાઈટ્સના અભ્યાસ જણાવે છે કે પરિણીત પુરુષોને જ કલ્પનાની પ્રેયસીની ઝંખના હોય છે, કારણ કે આપણે ત્યાં મોટા ભાગના લગ્ન ફક્ત સેક્સ માટે જ થતાં હોય છે. લગ્નમાં પ્રેમનું મહત્ત્વ જ નથી હોતું. એટલે લગ્નના થોડા જ વરસોમાં પતિપત્ની વચ્ચે રોમાંચ નથી રહેતો અને રોમાન્સ તો હતો જ નહીં. એ રોમાંચની શોધ તેમને ફેસબુક પર લઈ આવે છે. અને હવે તો ફેસબુક પર પણ વિડિયો ફોન અને વાત કરવાની સગવડ છે. એસ્લીમેડિસન નામની સાઈટ્સ પરિણીતો માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા માટે જ અસ્તિત્વમાં આવી અને આખાય વિશ્ર્વમાં પ્રસિદ્ધ થઈ અને ભારતમાં તો જાહેરાતનો ખર્ચ કર્યા વિના જ લાખો પુરુષોને મેમ્બર બનવા માટે આકર્ષી શકી.
સરળતાથી આવી મિત્રતા કેળવવા માટે કેટલીય ડેટિંગ સાઈટ હવે મોબાઈલ ઉપર પણ છે. પરંતુ, તેમાં થોડી ઘણી પણ મેમ્બરશિપ ફી ભરવી પડતી હોય છે. તો જ તમે સામી વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકો. આવી સાઈટ પર સ્ત્રીઓને મોટેભાગે ફ્રીમાં મેમ્બરશિપ આપવામાં આવતી હોય છે. મોબાઈલ અને સોશ્યલ સાઈટ કે ઈન્ટરનેટ નહોતા ત્યારે પણ આવી મૈત્રી કેળવવાની ક્લબો ચાલતી હતી. આવી ક્લબોની જાહેરાતો છાપાનાં પાનાં ભરીને આવતી હતી. અને આજે ડેટિંગ સાઈટ્સ અને ફેસબુક જેવી સોશ્યલ સાઈટ્સની લોકપ્રિયતા દર્શાવે છે કે કલ્પનાની પ્રેમિકા મેળવવા માટે માનવ તલપાપડ હોય છે. કેમ ન હોય સ્ત્રી-પુરુષ વચ્ચે આકર્ષણ નામનું કેમિકલ એટમ બૉમ્બ જેટલું જ લીથલ હોઈ શકે. હવે સ્ત્રી-પુરુષ વચ્ચે આકર્ષણ ન રહે તેવું તો શક્ય નથી જ. એટલે જ ભૂતપૂર્વ એરફોર્સ ઓફિસર રણજિત ફેસબુક પર હની ટ્રેપમાં ફસાઈ ગયા હતા અને આઈએસઆઈ માટે જાસૂસી કરવા તૈયાર થયા.
સોશ્યલ સાઈટ હોય કે ડેટિંગ સાઈટ હોય મોટા ભાગના પુરુષોને ચેટ કરતા નથી આવડતું તેવી સ્ત્રીઓની ફરિયાદ હોય છે. અને પુરુષોને પણ વિમાસણ હોય છે. એટલે હની ટ્રેપ બનીને આવેલી સ્ત્રીએ ઓફિસર રણજિતની વાતમાં રસ હોય કે ન હોય તેની સાથે મધભરી વાતો કરી. આ જ રીતે કેટલીક વખત વ્યવસાયી સ્ત્રીઓ ગ્રાહક શોધવા કે પછી પૈસા પડાવવા માટે પણ ફેસબુક પર પુરુષો સાથે મિત્રતા કરી તેમને ફસાવતી હોય છે. આવા કિસ્સાઓ બહાર આવવા મુશ્કેલ છે, કારણ કે તેમાં બદનામી થવાનો ભય હોય છે. કાસાનોવા જેવું વ્યક્તિત્વ ધરાવતા પુરુષોને નારીનું હૃદય જીતતા આવડતું હોય છે. જે પુરુષોને ફક્ત ને ફક્ત સ્ત્રીના શરીરમાં રસ હોય છે તેઓ હંમેશા શું કરે છે? ક્યાં છે? શું પહેર્યું છે? તેવા વાહિયાત પ્રશ્ર્નો કરશે જેનો સ્ત્રીને સખત કંટાળો હોય છે. જે રીતે રૂબરૂમાં પુરુષ સ્ત્રીને જે રીતે જુવે અને તેને કેટલી સ્પેસ આપે છે તે સ્ત્રી નોંધ્યા બાદ થોડો ઘણો પણ રસ દાખવે છે. તે જ રીતે ઓનલાઈન ચેટિંગમાં પુરુષની વાતચીતમાં સ્ત્રીને જો રસ પડે કે સ્પેસ લાગે તો જ વાત આગળ વધે છે નહીં તો તે સંવાદના દરવાજા બંધ કરી દે છે. વળી કેટલાક પુરુષો સ્ત્રીના ફોટાઓ પર અંગત સંબંધો હોય તેવી કોમેન્ટ લખતા હોય છે. તે એમની માનસિક વૃત્તિઓ છતી કરે છે. કેટલાક વાચકો પ્રશ્ર્નો પૂછે છે કે પુરુષને કેવી રીતે ખબર પડે કે સ્ત્રી શું ઈચ્છે છે ? વળી પુરુષો જ પહેલ કરે એવું સ્ત્રી ઈચ્છતી હોય છેને? તો લ્યો અહીં ફેસબુકિયા રોમિયો બનવાની કેટલીક ટિપ્સ -
સ્ત્રી સાથે ઓનલાઈન કે ઓફ્ફલાઈન વાતચીત કરતી સમયે અંગત સંબંધો ન હોય તો ગમે તેવી કોમેન્ટ કરતાં પહેલાં બે વાર વિચારવું જોઈએ. સ્ત્રીને આદર આપો એટલે પહેલો જંગ જીતી લેવાય. પ્રેમિકા બનવા તૈયાર હોય તે સ્ત્રી પણ સૌપ્રથમ પુરુષની આંખમાં ને વાતમાં આદર જોવા ઈચ્છે છે. સિવાય કે હની ટ્રેપ બનીને આવેલી સ્ત્રી લાડકા નખરાં કરશે અને તમારી આંખમાં કે વાતમાં આદર નહીં હોય તો તેની પણ પરવા નહીં કરે. હા, એવા નખરાં જરૂર કરશે જે દ્વારા પુરુષ સહજ જ તેના તરફ ખેંચાઈ આવે. બાકી સહજ મિત્રતા જ જો પુરુષ ઈચ્છતો હોય તો તે માટે પ્રયત્નો કરવાની જરૂર નથી હોતી. સ્ત્રી પણ સારો પુરુષમિત્ર હોય તે ઈચ્છતી હોય છે. બીજું સતત પાછળ પડી જતા પુરુષોનો સ્ત્રીને કંટાળો આવે છે. કેટલાક પુરુષો સતત ઓનલાઈન હાજર જ હોય. જેવી કોઈ સ્ત્રી ઓનલાઈન આવે કે તરત જ સવાલજવાબ કરવા લાગશે. એટલે જ સ્ત્રીને પઝેસિવ એટલે કે કાબૂમાં રાખવા માગતો, સતત તેનો પીછો કરતા પુરુષથી ડર લાગે છે. તે ક્યારેય સતત માથે ઝળૂંબી રહેતા પુરુષને પસંદ નથી કરતી. તો વળી કેટલાકને સતત મેસેજીસ ફોરવર્ડ કરવાની આદત હોય છે. તેવા પુરુષોનો પણ સ્ત્રીને કંટાળો આવી શકે છે. તો કેટલાક સતત અંગત પ્રશ્ર્નો પૂછતા હોય છે. ક્યાં ગઈ હતી? કેમ આટલો સમય લાગ્યો ઓનલાઈન આવતા? તો વળી કેટલાક પુરુષો છાશ લેવા જવું ને દોણી સંતાડવા બેસે તેવો ઘાટ કરતા હોય છે. સ્ત્રી સાથે વાત કરતાં ઈચ્છા તો હોય સેક્સની વાત કરવાનો પણ ઈચ્છે કે સ્ત્રી જ વાત શરૂ કરે. તો એવું નથી થતું. વળી સ્ત્રીઓને સેક્સની
વાતો કરવી ઓછી ગમે. ઉંમરના પ્રમાણે વાતોમાં પણ પુખ્તતા સ્ત્રી ઈચ્છી શકે છે. તે ટીનએજરની જેમ આખો દિવસ ઘૂટરઘૂં ન કરી શકે.
સ્ત્રી-પુરુષના રસના વિષયો એક જ હોય તો વાતચીત સરળતાથી થઈ શકે છે. એટલે જ્યારે લાગે કે સ્ત્રીના રસના વિષય સાથે વાત ન કરી શકાય તો પુરુષે પોતે જ સમજીને વાત આગળ વધારવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. રસિક વાતો કરીને સ્ત્રીને હસાવી શકતો પુરુષ ચેટમાં પણ સ્ત્રીનું દિલ સરળતાથી જીતી શકે છે. અરસિક અને રસિક વાતો વચ્ચેનો ભેદ સમજો અને પછી જ કલ્પનાની પરી શોધો. પણ પહેલા પોતાનામાં સ્થિર થઈને જેવા છો તેવા જ રજૂ થાઓ તો વાતચીત આગળ વધી શકે.
ફેસબુક પર દરેક સ્ત્રી મિત્રતા શોધવા કે ફ્લર્ટ કરવા જ આવે છે તેવું નથી. ફેસબુક આજે ફક્ત મિત્ર શોધવાની સાઈટ નથી રહી. લાઈક માઈન્ડેડ વ્યક્તિઓ પોતાના મત વિશે ચર્ચાવિચારણા કરવા અહીં આવે છે. એમ કહો ને એક ચોતરો છે જ્યાં બે ઘડી આખા ગામની ખબર મળે અને ચર્ચાવિચારણા કરી શકાય. ફેસબુક દ્વારા હવે તો આંદોલન અને ચળવળ પણ થઈ શકે છે. એટલે ફેસબુક પર નવરી જમાત બની રખડવા કરતાં સારા લેખો કે ટિપ્પણીઓ વાંચીને જ્ઞાન વધારી શકાય. નવરાં બેઠાં નખ્ખોદ વાળવા કરતાં ક્રિએટિવ બની શકાય. બેસ્ટ ઓફ લક.
0 comments