એન્ડ ઑફ ધ મૅન! (mumbai samachar)
03:53જૂન મહિનો આવે એટલે લગભગ દરેક બોર્ડના પરિણામો જાહેર થવાની મોસમ આવી લાગે. છેલ્લાં કેટલાંક વરસથી મહારાષ્ટ્ર કે મુંબઈમાં જ નહીં પણ ભારતના મોટાભાગના રાજ્યોના પરિણામોમાં છોકરીઓ છોકરાઓને પાછળ રાખી દે છે. ભાગ્યે જ કોઈ એવી ઑફિસ દેખાશે કે જ્યાં સ્ત્રી સ્ટાફ ન હોય. કૅફે હોય કે મોલ હોય વિમેન મેનેજરની સંખ્યાઓ વધી રહી છે. દેખીતી રીતે ભલે એમ લાગતું હોય કે પિતૃસત્તાક સમાજવ્યવસ્થામાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં ઓછી હોય, પણ આવા અનેક અંતરાયો વટાવીને છોકરીઓ આગળ વધી રહી છે. સીમાસુરક્ષા બળમાં પણ છોકરીઓ હવે ભરતી થઈ રહી છે, જ્યાં સ્ત્રીઓ પહોંચી શકે એવી કલ્પના પણ ન હોય ત્યાં નારી ધીમે પગલે પોતાની હાજરી નોંધાવી રહી છે. તમને નવાઈ લાગી રહી છે ને હું કહેવા શું માગુ છું નહીં?
એક પુસ્તક હાથમાં આવ્યું ધી એન્ડ ઑફ મૅન... ઍન્ડ ધી રાઈઝ ઑફ વિમેન લેખિકા છે હાના રોઝિન.
૧૯૭૦ની સાલમાં બાયોલોજિસ્ટ રોનાલ્ડ એરિકસને એક્સમાંથી વાય ક્રોમોઝોમ છૂટું પાડવાનો ચમત્કાર સર્જ્યો. તેણે અમેરિકાને ચોઈસ આપી બાળકની જાતિ નક્કી કરવાની. આ પહેલી વૈજ્ઞાનિક પદ્ધતિ હતી જેમાં બાળકની જાતિ જન્મ પહેલાં જ નક્કી કરી શકાતી હતી. રોનાલ્ડે અમેરિકાની ક્લિનિક્સને આ પદ્ધતિ લીઝ પર આપી. તે સમયે ફેમિનિસ્ટ વિચારકોએ રોનાલ્ડ પર માછલાં ધોયા. તમે શું ફક્ત છોકરાઓ જ પેદા કરવા માગો છો? છોકરીઓ વગર શું થશે વિશ્વનું કંઈ વિચાર્યું છે... વગેરે વગેરે ૧૯૮૪માં નનમાંથી સોશિયલ સાયકોલોજિસ્ટ બનેલી રોર્બટા સ્ટેઈનબેકરે રોનાલ્ડની શોધ અંગે વાત કરતાં કબૂલ્યું હતું કે લોકોની પહેલી ઈચ્છા હોય છે કે દીકરો જ થાય. સ્ત્રીઓ સેક્ધડ ક્લાસ સિટીઝન બનીને જ રહી જાય છે. તે છતાં જે શોધ રોનાલ્ડે કરી છે તેની અસર થઈ હોત તો આજે હું અને તમારા જેવી સ્ત્રીઓ જ્યાં છો તે સ્થાને નહીં જ હોત. પુરુષોનું રાજ અને પુરુષોની જ સત્તા હોવા છતાં આજે અનેક સ્ત્રીઓ આગળ વધી રહી છે ચૂપચાપ.
હાના જે રીતે વાત માંડે છે તે વિચારણીય લાગે છે. અહીં પુરુષોને માટે ચેતવણી છે કદાચ. પેલી વાર્તા જે આપણે બાળપણથી વાંચતા આવ્યા છે તે યાદ આવે છે. સસલા અને કાચબાની વાર્તા. બન્ને વચ્ચે રેસ લાગે છે. મંદગતિનો કાચબો ધ્યાન ભંગ થયા વિના પોતાની મંજિલ તરફ લક્ષ્ય રાખીને ચાલતો રહે છે. હાના કંઈક આવું જ કહી રહી છે તેના પુસ્તક દ્વારા. તેના ટાઈટલ પર ન જતાં અન્ડર કરન્ટ વિચાર છે પૌરુષત્વના ખોટા દેખાડાનો અંત. રોનાલ્ડ એરિકસને ૧૯૯૦ની સાલમાં જોયું તો કેટલાક અમેરિકન ક્લિનિક કે જ્યાં તેની આપેલી પદ્ધતિથી દંપતીઓ બાળકની જાતિ નક્કી કરી રહ્યા હતા ત્યાં મોટાભાગના દંપતીઓ છોકરીને જન્મ આપવાનું પસંદ કરતાં હતાં. નારીવાદીઓ જે ૭૦ની સાલમાં એરિકસનની શોધ પર છોકરીઓની સંખ્યા બાબતે જે લોકો ચિંતિત હતા તે બાબતે એરિકસનને પણ ચિંતા થઈ હતી, કારણ કે પિતૃસત્તાક માનસિકતા ધરાવતાં અમેરિકામાં પણ લોકો છોકરો પ્રથમ પસંદ કરે છે તેવું સર્વે બોલતા હતા. એરિકસને જ્યારે ક્લિનિકમાં તપાસ કરી તો તે ભય સાચો ન સાબિત થયો. જો એરિકસનની શોધ ભારતમાં વધુ પ્રસિદ્ધ થઈ હોત તો આપણે ત્યાં ચોક્કસ જ છોકરાના પ્રમાણમાં છોકરીની સંખ્યા હજી ઓછી હોત. ભારત હોય કે અમેરિકા કે પછી વિશ્વનો કોઈપણ દેશ પિતૃસત્તાક સમાજમાં પુરુષોનું વર્ચસ્વ હજી ય છે. હાના આ પિતૃસત્તાક સમાજના ઈતિહાસને પણ ઢંઢોળે છે. પ્રથમ બાળક છોકરો જ હોય તેવી ઈચ્છા આદિકાળથી માનવીને રહી છે. પ્રાચીન ગ્રીસમાં પુરુષો પોતાનું ડાબું ટેસ્ટિકલ બાંધીને રાખતાં, કારણ કે તે સમયે એવી માન્યતા હતી કે એવું કરવાથી છોકરો જન્મે છે. ઈતિહાસ ગવાહ છે કે છોકરાને જન્મ ન આપી શકવાને કારણે સ્ત્રીને મારી નાખવામાં આવતી કે સ્ત્રી જાતે જ મરી જતી. આપણે ત્યાં તો દીકરાને જન્મ ન આપી શકતી સ્ત્રી પોતે જ પતિના બીજા લગ્ન કરાવી આપતી.
૧૯૪૯માં ફ્રેન્ચ લેખિકા સિમોન દ બુવાના પ્રસિદ્ધ પુસ્તક સેક્ધડ સેક્સમાં લખ્યું છે કે સ્ત્રીઓ પોતાની જાતને એટલી હીન માનતી કે જન્મેલી દીકરીઓને ય તે ખરાબ રીતે ઉછેરતી. તેમને હીનભાવ આપતી. જો કે, આપણે જોયું જ છે કે સાત સાત દીકરીઓને જન્મ આપતી માતાઓ દીકરીઓને કોશતી જન્મવા માટે, પણ હાના કહે છે કે હવે માતાઓ દીકરીઓ જન્મે એવું જ ઈચ્છે છે. આજની સ્ત્રી છે તેને પોતાની દીકરી માટે ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે. હવે પહેલી દીકરી પણ એટલા જ આનંદનું કારણ બને છે તેવું વાય ક્રોમોઝોમ જે સંતાનની જાતિ નક્કી કરે છે તેને શોધીને છૂટું પાડનાર એરિકસન પણ કબૂલે છે. પિતૃસત્તાક માનસિકતા ધીમે ધીમે ખતમ થઈ રહી છે એવું એરિકસનનું ૨૦૧૨ની સાલમાં માનવું હતું.
વાય ક્રોમોઝોમને જુદી રીતે ઓળખનાર એરિકસને તે સમયે એવું પણ કહ્યું હતું કે શક્ય હોત તો હું આજે સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવી લેત. હવે છોકરીઓનો જમાનો આવ્યો છે. તેઓ પુરુષ કરતાં વધુ લાંબુ જીવે છે. વળી મક્કમ પગલે પુરુષોના દરેક ક્ષેત્રોમાં પ્રવેશી રહી છે. એવું કહી શકાય કે તેઓ ઘણું સારું કામ કરીને પોતાને પુરવાર કરી રહી છે. તેમની શક્તિ અને સમજ વધુ વિકાસ તરફ લઈ જઈ રહ્યા છે. આ બધું જોઈને લાગે છે કે પુરુષોનો યુગ ખતમ થવા આવ્યો. મારા પૌત્રોને કૉલેજમાં ભણવા પર લક્ષ્ય આપવા બાબતે સલાહ આપવી પડે છે. એરિકસન પોતે મેચો મેન કાઉબોય જેવો છે. તેનું પોતાનું સ્ટડ ફાર્મ છે.
હાના કહે છે કે સદીઓથી પિતૃસત્તાક પાવર ભલે ડોમિનેટ કરતો રહ્યો, પણ હવે બધું ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. ઈકોનોમી અને કલ્ચરમાં આવતો બદલાવ દુનિયા બદલવા સમર્થ છે. ગ્લોબલ ઈકોનોમી જે રીતે વિકસી રહી છે તે જોતાં દીકરો જ જન્મે તે ઈચ્છા હવે ખતમ થઈ રહી છે. દક્ષિણ કોરિયાનું ઉદાહરણ આપતાં હાના લખે છે કે આ દેશ કટ્ટર પિતૃસત્તાક માનસિકતા ધરાવતો હતો. જે સ્ત્રી દીકરાને જન્મ ન આપી શકે તેને ઘરના નોકરની જેમ રાખવામાં આવતી. તેને માણસ ગણવામાં જ ન આવતી. ૧૯૭૦-૮૦ના દાયકામાં કોરિયામાં સરકારે ઈન્ડસ્ટ્રિયલાઈઝેશન તરફી વલણ અપનાવ્યું. સ્ત્રીઓ પણ ફેકટરીમાં કામ પર જવા લાગી. ધીમે ધીમે ભણવા લાગી. એટલે ક્લેરીકલ કામ કરવાથી પ્રોફેશનલ કામો પણ સ્ત્રીઓ કરવા લાગી. સરકારે કાયદા સ્ત્રી તરફી કર્યા. સ્ત્રીઓ છૂટાછેડા લે તો બાળકોને રાખી શકે અને બાળકોના નામની પાછળ માનું નામ લખી શકે. મિલકતમાં વારસ પણ છોકરીઓ બની શકે. વર્લ્ડ બૅન્કના ડેમોગ્રાફર અને એશિયા એક્સપર્ટ મોનિકા દાસગુપ્તા કહે છે કે દીકરાની ઈચ્છા રાખવાનું ત્યાં લગભગ ખતમ થઈ ગયું છે. ૧૯૮૫માં પચાસ ટકા કોરિયન સ્ત્રીઓ દીકરાની ઈચ્છા રાખતી હતી. ધીમે ધીમે તેની ટકાવારી ઘટવા લાગી. ૨૦૦૩માં ફક્ત ૧૫ ટકા સ્ત્રીઓ જ દીકરાની ઈચ્છા રાખતી હતી. આજે તો ત્યાં દીકરો કે દીકરીના જન્મમાં કોઈ ભેદ જ નથી રહ્યો. આવું જ ચીન અને ભારતમાં પણ થઈ રહ્યું છે તેવું મોનિકાનું નિરીક્ષણ છે.
હાના ત્યારબાદ ડાર્વિનની થિયરી પણ બદલાઈ રહી હોવાનું જણાવતાં કહે છે કે પુરુષ સ્ટ્રોન્ગ છે એટલે બહાર જાય કમાઈને લાવે અને સ્ત્રી કેરિંગ છે ઘરના કામ કરે, બાળકો ઉછેરે. એવું પણ આજે થઈ રહ્યું કેટલાક અંશે તે છતાં કામના પ્રકારો બદલાયા છે. પુરુષે એવા કામ કરવાના નથી હોતા જે ગુફામાં રહેતો માનવ કરતો હતો. ૨૦૦૬માં ડેવ્હલપમેન્ટ ડેટાબેઝ તૈયાર કરતી આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ દ્વારા ૧૬૨ દેશોમાં સ્ત્રીઓનો પોલિટિકલ અને ઈકોનોમિક પાવરનો અભ્યાસ કર્યો. તેમાં જાણવા મળે છે કે એકાદ બે અપવાદ સિવાય જે દેશોમાં સ્ત્રીઓ પાસે વધારે પાવર હતો એ દેશનો વિકાસ પણ ઘણો થયો હતો. દેશના વિકાસમાં ફાળો આપતી એજન્સીઓ આ બાબતને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓનો પોલિટિકલ ક્વોટા વધારવા માટે ૧૦૦ દેશોને ફરજ પાડી હતી.
ટૂંકમાં હાના અનેક ઉદાહરણો આપીને કહે છે કે પિતૃસત્તાક સંસ્થાનો અંત આવી રહ્યો છે. ઍન્ડ ઑફ ધી મેન એટલે પિતૃસત્તાક માનસિકતાએ ઊભા કરેલા પુરુષના બાહ્ય આડંબરના અંતની વાત હાના કહી રહી છે. જો કે, કેટલાક મુદ્દા પર તમે હાના સાથે સહમત થાઓ કે ન થાવ તો પણ આપણી આસપાસ જે રીતનો બદલાવ આવી રહ્યો છે તે જોતાં હાનાનો આશાવાદનો સ્વીકાર કરવાનું મન થાય ખરું. આવતા લેખમાં આનો વિસ્તાર કરીને બીજો મુદ્દો જોઈશું જેમાં પુરુષોના ઈમોશનની વાત કરીશું.
0 comments