વાઈફાઈ લાગણીઓ મારે ટાઢાપહોરના ગપ્પા (સાંજ સમાચાર)

22:09



– સોશિયલ મીડિયા પર લાગણીઓની સાથે ફેક ન્યુઝ ફેલાંવતા આપણે  મેસેજ ફોરર્વડ કરતાં બે ક્ષણ અટકીને વિચારીએ તો?

ચાની દુકાને કે પાનનાં ગલ્લા પર કે પછી ગામના ચોતરા પર જેવી રીતે વાત કરતાં હોઈએ છીએ તે જ રીતે હવે આપણે સોશિયલ મીડિયા પર ગામની પટલાઈ કરતાં બેસીએ છીએ. સોશિયલ મીડિયામાં ફેસબુક અને વ્હોટ્સએપ સામાન્ય રીતે બધાની પહોંચમાં હોય છે. વધુ ભણેલા અને અંગ્રેજી જાણતા લોકો ટ્વીટર પર ટ્વીટ કરીને પોતાના મંતવ્યો રજૂ કરતાં હોય  છે. 
આપણે એટલા બધા સામાજીક છીએ કે  કોઈનો ફોન નંબર આપણી પાસે આવ્યો નથી કે તેને વ્હોટ્સએપ પર મેસેજોનો મારો ચલાવતાં અચકાતા નથી. સામી  વ્યક્તિને આપણે પૂરા ઓળખતા ય ન હોય તે છતાં જાણે આપણી નૈતિક જવાબદારી થઈ જાય છે કે તેને ચેતવણી આપતાં, કોઈકે ફોરર્વડ કરેલા પણ જાણે પોતે જ એ લખ્યા હોય તે રીતે  કેટલાક લોકો તો તેમાં પોતાની લાગણીઓ પરોવીને બીજાને દે ધનાધન ફોરર્વડ કરવા માંડે. એ મેસેજમાં મોટેભાગે સમાચારો હોય, કુદરતી રીતે સ્વાસ્થ્ય જાળવવાના નુસખાઓ હોય, કોઈ બાળક ખોવાઈ ગયું છે કે પછી કોઈ બાળકને લોહીની જરૂર છે. હા, અકસ્માત અને આગના બનાવો તો ન્યૂઝ ચેનલો કરતાં પણ વધુ વિસ્તૃત રીતે ફોટાઓ સાથે આગળ મોકલે. મુકેશ અંબાણીના ઘરે આગ લાગી હોય તો તેના ફોટાઓ કલાકમાં વિશ્વભરમાં પહોંચી ગયા હતા. 
આ બધું તો ઠીક પણ ક્યારેક આવા ગપ્પગોળા ફેલાવતાં મેસેજ દ્વારા હુલ્લડો થઈ શકેને લોકોમાં આતંક ફેલાઈ શકે. હજી ગયા વરસે ગુજરાતમાં પાટિદારોના અનામત આંદોલન દરમિયાન આવા ગપ્પા મારતાં ફેક ન્યૂઝ ફેલાંતા અટકાવવા નેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આપણને મળતાં મોટાભાગના મેસેજ ફેક એટલે કે ખોટા હોય છે. આપણે જે કંઈ વાંચીએ છીએ તે આપણી લાગણીઓને સાચીખોટી રીતે હળી કરે છે. કેટલાક મેસેજ આપણને પોઝિટિવ બનાવે છે તો કેટલાક મેસેજ આપણી નેગેટિવ લાગણીઓને છંછેડે છે. આપણને જો આ મેસેજના સંદેશાઓ અસર ન કરતા હોય તો તેને આપણે ફોરર્વડ નથી કરતા. જોકની આપલેની સાથે  ચોક્કસ વર્ગ દ્વારા એટલે કે રાજકીય રીતે મોટિવેટેડ મેસેજીસ દ્વારા લોકોની લાગણીઓને ચોક્કસ દિશામાં દોરી જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. લોકોની લાગણીઓને એક ચોક્ક્સ દિશામાં દોરી જવા માટે માણસોને પગાર આપીને રોકવામાં આવે છે. દરેક રાજકિય પાર્ટી અને પ્રસિદ્ધિ ઈચ્છતી વ્યક્તિઓ પણ પબ્લિક રિલેશન અને ટેકનોલોજીના સહારે લોકોની વિચારધારા ઘડે છે. આવા ફેક ન્યુઝ એટલે કે ટાઢા પહોરના ગપ્પાઓ મેસેજીસ રૂપે ફેલાતા અટકાવવાનો કોઈ ઉપાય ખરો ?  પહેલો ઉપાય છે કે દરેક વ્યક્તિ પોતે સભાન રહી દરેક મેસેજીસ ફોરર્વડ કરવાનું બંધ કરે. પોતાની જાત પર સંયમ રાખવા માટેની સભાનતા જાળવવી અઘરી છે. 2013માં વ્હોટ્સએપ વિડિયોને કારણે ઉત્તર પ્રદેશમાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યા હતા જેમાં 62 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. હમણાં થોડો સમય પહેલાં લિન્ચિંગની ઘટના પણ ખોટા મેસેજીસને કારણે બની હતી. આ બધું જોઈને બેંગ્લુરુમાં રહેતાં પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપનીમાં કામ કરતી બે વ્યક્તિઓએ વ્હોટ્સએપ પરથી ફેક ન્યુઝ દૂર કરવાનું બીડું ઝડપ્યું. દરરોજ લાખો કરોડો મેસેજ જનરેટ થતાં હોય તેમાંથી ફેક ન્યુઝ શોધવા તે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેટલું અઘરું કામ છે. આ  વ્યક્તિઓ છે શમ્માસ ઓલિયાથ અને બાલક્રિષ્ણ બીરલા. તેમણે ચેકફોરસ્પામ ડોટ કોમ કંપની પાર્ટનરશીપમાં શરૂ કરી છે. આખો દિવસ પોતાનું કામ કર્યા બાદ રાતના દશ વાગ્યા બાદ આ રીતે તેમની સમાજસેવા શરૂ કરે છે. તેઓ માને છે કે ફેક ન્યુઝ જે નુકસાન કરે છે સમાજનું તે આપણે સૌએ ભોગવવું પડે છે. જો વ્યક્તિઓ પોતે ધ્યાન ન રાખે તો કોઈએ તો આ કામ કરવું જ પડેને. ફેક ન્યુઝની સમસ્યા આજે આખા વિશ્વમાં છે. ભારતમાં વ્હોટ્સએપ વાપરનાર લગભગ 20 કરોડ લોકો છે. આ આંકડો સતત વધી રહ્યો છે. ફેસબુક અને ટ્વીટરની જેમ વ્હોટ્સએપ વાપરનારે પોતાનું અકાઉન્ટ નથી ખોલવાનું હોતું. સ્માર્ટ મોબાઈલ હોય તો સરળતાથી વ્હોટ્સએપ વાપરી શકે છે. વળી અંગત રીતે આ મેસેજીસ ફોરર્વડ થતા હોઈ તેની ધારી અસર ઉપજાવી શકાય છે તેની જાણ મેસેજીસ બનાવનારોને હોય છે. તેમાં ય વચ્ચે દાઉદની સંપત્તિ યુનાઈટેડ અરબમાં પકડાઈ, દાઉદ પકડાયો અને લેટેસ્ટ છે મોદીને યુનેસ્કોએ બેસ્ટ વડાપ્રધાન જાહેર કર્યા. બાલક્રિષ્ણ કહે છે કે માર્કેટિંગ કરતી કંપનીઓ લોકોને લલચાવતા મેસેજીસની સાથે વાઈરસ મૂકી દે છે જે તમારી અંગત ઈન્ફોર્મેશન મેળવી લે છે. વ્હોટ્સએપ મેસેજીસ બનાવવાની ફેકટરીઓ ચાલે છે એવું કહેવું ખોટું નથી. આ લોકો કેવા મેસેજીસ વાયરલ થાય છે તેનું ધ્યાન રાખે છે. રાજકીય પાર્ટીઓ જ નહીં પણ બીજા અનેક લોકો આવી ફેકટરી દ્વારા પોતાનું કામ કઢાવી લે છે. પ્રસિદ્ધિ મેળવવા માટે સેલિબ્રિટીઓ પણ ફેક ન્યુઝ વહેતા કરે છે. બાલક્રિષ્ણ કહે છે કે તમે જાતે પણ તમને મળેલો મેસેજ સાચો છે કે નહીં તે ગુગલ પર કી વર્ડ ટાઈપ કરીને તપાસી શકો છો. 
ટેકનોલોજી બે ધારી તલવારની જેમ કામ કરે છે એવું ચોક્કસ જ કહી શકાય. વ્હોટ્સએપ પર ફોરર્વડ થઈ આવેલા મેસેજીસ મહેરબાની કરીને આગળ ફોરર્વડ કરતા પહેલાં વિચારો કે તમારે કોઈના વિચારોના હાથા બનવું છે કે નહીં.  ફેક ન્યુઝને કારણે કેટલી વૈમનસ્યતા વધી રહી છે. જક્કીપણું વધી રહ્યું છે. હિંસા વધી રહી છે તે સમજવાની જરૂર છે. જો કે આ ફેક ન્યુઝની સમસ્યા ફક્ત ભારતમાં જ છે એવું નથી. વિશ્વમાં આ સમસ્યા ભરડો લઈ રહી છે. લાગણીઓની પરિભાષા ઈન્ટરનેટે બદલી નાખી છે. ટેકનોલોજી પર વર્ચ્યુઅલ ટોળું લાગણીઓને દોરે છે.  




You Might Also Like

0 comments