સોનુઉઉઉઉઉ...તને મારા પર ભરોસો નહીં કે...!
08:50
સોશિયલ મીડિયાને કારણે લોકપ્રિય થયેલ સોનુઉઉ વિશે
કેટલીક વાતો
સોનુઉઉ.. તુલા માયા (માજ્યાવર) વર ભરોસા નાય
કા.... (અર્થાત સોનુ તને મારા પર ભરોસો નહીં કે...) છેલ્લા કેટલાક સમયથી આ મરાઠી
ગીત લાખો લોકોએ જોયું, ગાયું અને વાયરલ કરી મૂક્યું. એટલું જ નહીં ગુજરાતી, સુરતી,
કચ્છી અને ભારતની અનેક ભાષાઓમાં ભાષાંતર થયેલા તેના વર્જન પણ ધૂમ મચાવી રહ્યાં છે.
કાઠિયાવાડી વર્જન આવ્યું કે નહીં? ગુજરાતમાં
લોકોને કદાચ સવાલ થાય કે આ સોનુ જ કેમ? બકા કે ચકા કે એવું બધું કેમ નહીં? પણ
લોકોને સોનુઉઉ બહુ ગમ્યું એટલે બકા કે એવું કશું ના આવ્યું તેના ગુજરાતી વર્જનમાં
ય. કહે છે કે આ મરાઠી લોકગીત છે. તેને અજય ક્ષીરસાગર નામના ગાયકે નવી રીતે લખ્યું
અને ગાયું અને લોકોમાં વાયરલ એટલે કે લોકપ્રિય થયું. સોનુ કોને કહેવાય? વેલ, જેમ ગુજરાતમાં બકાનો ઉત્પાત થયો હતો થોડો
સમય પહેલાં સોશિયલ મીડિયા ઉપર એ જ રીતે સોનુ એ લાડનું નામ છે. ઓરિજિનલી અમદાવાદમાં
પેદા થયેલ બકા પુરુષવાચક નામ છે પણ ક્યારેક તમે સ્ત્રીઓ માટે ય વાપરો જ છો આદતવશ.
સુજ્ઞ વાચકગણ જો બકાનો જન્મ અમદાવાદમાં ન થયો હોય તો મારા જ્ઞાનમાં વધારો કરવા
વિનંતી, હું ખોટી પણ હોઈ શકું તેનો સ્વીકાર છે. આપણે આજે સોનુ વિશે ચર્ચાવિચારણા
કરીશું. એટલે સોનુઉઉઉ મારા પર ભરોસો રાખ....
સોનું
નામ વિશે વિચારતાં જણાયું કે આ શબ્દ ઓપન માઈન્ડની પેદાશ છે. મહારાષ્ટ્રમાં લોકો
કૂતરા-બિલાડીને ય સોનુ નામ આપી શકે છે અને માણસને ય સોનું જેવા હુલામણા શબ્દોથી
બોલાવી શકે છે. સોનુને જાતિ નડતી નથી. તે પુરુષ માટે ય વાપરી શકાય છે અને સ્ત્રી
માટે પણ અને પ્રાણીઓ માટે પણ વાપરી શકાય છે. એકઝેક્ટલી એટલે જ સોનુ ખૂબ પ્રખ્યાત
થઈ રહ્યું છે. સોનુઉઉ આ ગીતમાં કોઈપણ જોડકણું ફીટ બેસી શકે છે. વળી તેમાં સૂર અને
તાલની ખાસ જરૂર નથી. સોનુના નામની જેમ જ આ ગીત ઓપન ફોર ઓલ છે તેથી પણ વાયરલ છે.
વાયરલ એટલે લોકપ્રિય, કેટલીક વ્યક્તિઓ જે
સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતી તેની જાણ ખાતર. સોનુ પિકનિક સોન્ગ તરીકે
મહારાષ્ટ્રમાં પ્રખ્યાત હતું જ પણ ચોમાસું બેસતાં રેડિયો જોકી મલિશ્કાએ મુંબઈ
મહાનગર પાલિકાને રસ્તાના ખાડાઓ વિશે ટોણો મારતું સોનુ ગીત ગાયું. ખાડાઓથી બેહાલ
મુંબઈગરાઓએ તે ગીતને વાયરલ કરી મૂક્યું. મલિશ્કાના સોનુ ગીતમાંથી પ્રેરણા લઈને
દરેકે પોતાની સમસ્યાઓને પોતપાતાના સોનુને પ્રેમથી ગાઈને સંભળાવવા માડ્યું. સુરતની
એક કોલેજના પ્રોફેસરોએ તો સ્ટુડન્ટ માટેનું વર્જન બનાવીને મૂકી દીધું. અમદાવાદની
મ્યુનિસિપાલટીને ખાડાઓ વિશે ટોણો મારતું ગીત પણ બની ગયું. સોનુઉઉ કહીને તમે લોકોને
પોતાની વાત સંભળાવી શકો છો. પણ સાવધાન દરેકને સંભળાવવું ગમે છે પણ સાંભળવું ગમતું
નથી. મલિશ્કાએ બીએમસીને પ્રેમથી સોનુ કહીને સંભળાવેલું ગીતની કિંમત મલિશ્કાએ
ભોગવી. આરજે મલિશ્કાના ઘરે બીએમસીએ દરોડો પાડીને કૂંડાની નીચે રાખેલી ટ્રેમાંથી
ડેન્ગ્યુના મચ્છર શોધીને તેને સામે ચોપડી દીધી. ખેર, બીએમસીની આ ચાલ તેમને ઓર ભારે
પડી અને લોકોએ મુંબઈના ખાડાઓ વિશે રમૂજ કરતાં વિડિયો અને તસ્વીરો મૂકીને મલિશ્કાને
સાથ આપ્યો. બીએમસીનું તો એમ પણ કહેવું છે કે જેટલી બૂમાબૂમ થાય છે એટલા ખાડા રસ્તા
પર નથી. સૌરાષ્ટ્રવાસીઓની જાણ ખાતર
મુંબઈના રસ્તાઓ વિશે કહી શકાય કે તે ચંદ્રની સપાટીની યાદ અપાવે એવા છે. મને ખબર છે
કે ધોધમાર વરસાદ બાદ કાઠિયાવાડના રસ્તાઓની હાલત પણ ખસ્તા જ છે. હવે તમે જ કહો
વરસાદ પડવાથી રસ્તાઓમાં ગોબા પડે તેમાં બિચારા પ્રશાસનનો શું વાંક? એ
લોકોતો દર વરસે રસ્તાઓ બનાવે છે અને દર વરસે વરસાદ આવીને તેને બગાડી જાય છે. અહીં
તમે કહેશો પણ રસ્તા હરખા બનાવે તો ઓઓમ ખાડા નોં પડે... વાત સાચી તમારી પણ સોનુને
ખાવામાં રસ છે. કેટલાક સોનુ પૈસા ખાય છે તો કેટલાક સિમેન્ટ પણ ખાય છે. તો
કેટલાક આખેઆખા રસ્તા પણ ખાઈ જાય એવું ય બને. બટકું બટકું બધા ખાય એટલે જ ખાડા
દેખાય છે. વળી જો દર વરસે વરસાદમાં ખાડા ન પડે તો નવા
રસ્તા બને કઈ રીતે અને પછી ભૂખ લાગે તો સોનુ બિચારો ખાય શું? મુંબઈમાં
તો કેટલાક ખાડાઓએ કેટલાય ચોમાસા જોઈ લીધા છે. આ ખાડાઓને પણ નામ આપવા જોઈએ..શું કહો
છો?
એક વાત તો માનવી જ પડે કે સોનુઉઉઉએ દરેક સમસ્યાને
પ્રેમથી ગીત ગાતા કહેવાનો નવો ચીલો ચાતરી આપ્યો છે. કેટલાક પતિઓએ પણ સીધેસીધું પત્નીને
કહેવાની હિંમત ન હોય એટલે પત્નીઓને નામે ગીત બનાવી દીધું અને અપલોડ કરી દીધું.
પ્રેમથી સોનુ કહીને કૂતરાને બોલાવશો તો એ તમારી સામે પૂછડી પટપટાવતો આવીને ઊભો
રહેશે. સોઓઓનુ બોલતાં તમારા અવાજમાં કુમાશ આવી જ જાય. વઢતી વખતે પણ સોનુઉઉઉ બોલતા
તેમાં કુમાશ અનુભવી શકાય છે. સોનુ શબ્દને તમે અનેક રીતે લાડલડાવીને બોલી શકો છો.
વળી સોનું એટલે કે કિંમતી ધાતુએ અર્થ પણ તો આપણા મનમાં સંગ્રાહાયેલો છે. સોનું
આપણને સૌને કેટલું પ્રિય છે તે કહેવાની જરૂર છે? સોનું
ખરીદી ન શકાય તો કંઈ નહીં પ્રિય વ્યક્તિ કે પ્રિય પ્રાણીને સોનુ કહીને સોના જેવો
ભાવ તો રાખી જ શકો. બાકી સોનુઉઉઉઉ હજી તો અનેક વર્જનોમાં બનશે અને લોકોને બનાવશે.
સોનુઉઉ તું મને લાઈક કરવાનું ભૂલતો નહીં રે... (સોશિયલ મીડિયા પર જ સ્તો) આજે તો
જેટલી લાઈક વધારે એટલી જ સફળતા અને માર્કેટમાં બોલબાલા પણ વધે જ સ્તો. વાયરલ અને માર્કેટિંગની વધુ વાતો આવતા અંકે
વાચકકકક મને વાંચતો રહેજે ... હોં કે.....
0 comments