કંઈક તો છે તમારી ને મારી વચ્ચે (mumbai samachar)

03:56




મોટાભાગના લોકો ફેન્ટસીમાં રાચતા હોય છે કે પોતાને મનગમતું પાત્ર અચાનક એમ જ રસ્તે ચાલતા મળી જશે. સાવ અજાણી વ્યક્તિના પ્રેમમાં પડવાની સિન્ડ્રેલા સિન્ડ્રોમ પણ કહેવાય છે. પોતાને મનગમતી સુંદરી જેને જોતાં જ બસ એમ લાગે કે આ જ એ વ્યક્તિ છે. આ લગ્ન થઈ ગયા હોવા છતાં ક્યારેક કોઈને જોઈને લાગી શકે કે કંઈક કનેકશન છે આ વ્યક્તિ સાથે. જરૂરી નથી કે તે કોઈ રાજકુમાર કે રાજકુમારી હોય. તે કોઈ તમારો મિત્ર પણ હોઈ શકે. ભારતીયો માટે આવા સંબંધો બંધાવા નવાઈની વાત નથી. ટ્રેનમાં આવતા જતાં પણ આપણે સંબંધો બાંધી લેતા હોઈએ છીએ. જો કે આવું બધાની સાથે નથી બનતું. ભાગ્યે જ એવું બને છે કે એ સંબંધો લાંબાગાળાના હોય. કેટલીક વ્યક્તિના વાઈબ્રેશન આપણને ગમી જતાં હોય છે. તો કેટલીક વ્યક્તિ કોઈ જ દેખીતું કારણ ન હોય તે છતાં ગમતી નથી. 

સાયકોલોજીસ્ટ બાર્બરા ફ્રેડિકસને પોઝિટિવ ઈમોશન પર ખાસ્સું સંશોધન કર્યું છે. તે કહે છે કે વિજ્ઞાન દ્વારા એ સાબિત થઈ શકે છે કે પ્રેમ વિશે આપણે જે અત્યાર સુધી જાણતા હતા કે વિચારતા હતા એ ખોટું હતું. સદાબહાર પ્રેમ જેવું કશું જ હોતું નથી. બે વ્યક્તિ વચ્ચે જે હોય છે તે પોઝિટિવ એટલે કે હકારાત્મક વાઈબ્રેશનની આપલે હોય છે. આ આપલે સતત રહે છે એટલે જ લગ્નજીવન ટકે છે. વધુમાં તે કહે છે કે માઈક્રો મોમેન્ટ ઓફ પોઝિટિવ રિઝોનેન્સ બે વ્યક્તિ વચ્ચે અગત્યનો ભાગ ભજવે છે. તેનું કહેવું એમ છે કે પ્રેમ એ બે વ્યક્તિ વચ્ચેની એવી કડી છે જે હકારાત્મક લાગણીઓની આપલે કરે છે. જો આ હકારાત્મક લાગણીઓ બે વ્યક્તિ વચ્ચે નથી રહેતી એટલે પ્રેમ પણ નથી રહેતો. 

અહીં યાદ આવે છે દુનિયાના પ્રખ્યાત જાપાની લેખક હારુકિ મુરાકામીની એક શોર્ટ સ્ટોરીની. તેણે પાંચ વરસ પહેલાં આ વાર્તા લખી હતી. ઓન સીઈંગ ધી ૧૦૦ પરસેન્ટ પરફેક્ટ ગર્લ વન બ્યુટિફુલ એપ્રિલ મૉર્નિંગ. વાર્તાની શરૂઆત થાય છે આ રીતે... 

એપ્રિલની એક સુંદર સવારે ફેશનેબલ વિસ્તાર હારુઝુકુની સાંકડી ગલીમાં મારી બાજુમાંથી સો ટકા પરફેક્ટ છોકરી પસાર થાય છે. 

તે દેખાવમાં એટલી સુંદર નહોતી કે ન તો એણે આકર્ષક કપડાં પહેર્યાં હતાં. તે ઉંમરમાં ય નાની નહોતી. લગભગ ત્રીસેક વરસની હશે. એટલે કે છોકરી પણ તેને ન કહી શકાય. તેના વાળ પણ બરાબર ઓળેલા નહોતા. જાણે ઊંઘમાંથી ઊઠ્યા બાદ વળી ન ગયા હોય. તે છતાં પચાસ ડગલાં દૂરથી ય હું સમજી ગયો હતો કે તે મારા માટે સો ટકા પરફેક્ટ છે. તેને જોતાં જ મારા હૃદયની ધડકનો વધી ગઈ હતી અને ગળામાં શોષ અનુભવાતો હતો. 

આખી ય વાર્તામાં બન્ને જણાંએ વાત કરી જ નથી. બસ પાસપાસેથી પસાર થયા છે. લેખક વિચારે છે કે વાત કરી હોત તો સારું હતું. પણ વાતની શરૂઆત કેમ કરવી જોઈતી હતી તે દ્વિધા હોય છે. વાર્તાનો કથાનાયક પોતે ય ૩૨ વરસનો છે. તે કહે છે કે શક્ય છે કે અમે જો વીસેક વરસની ઉંમરે મળ્યાં હોત તો કદાચ વાત કરી શકાત. કદાચ પેલી સ્ત્રીને ય લાગ્યું હશે કે એ મારા માટે સો ટકા પરફેક્ટ હતો. પણ એ પોઝિટિવ વિચારને પકડી શકવાની ક્ષમતા અમુક ઉંમર પછી રહેતી નથી એવું લેખક અનુભવે છે. આમ ફક્ત એકવાર કોઈ વ્યક્તિને બસ ગલીમાંથી પસાર થતા સમયે જોઈને આખીય વાર્તા રચાઈ જાય છે. 

પોઝિટિવ સ્પંદનો ક્યારેક ભીડમાં કોઈને એક ક્ષણ જોઈને ય થઈ શકે છે, પણ આપણે તેના તરફ ધ્યાન નથી આપતા. સાયકોલોજીસ્ટ બાર્બરા કહે છે કે આવી ક્ષણો દિવસમાં અનેકવાર તમને સ્પર્શી જતી હોય છે. પછી તે બાળક સાથે હોય, મિત્ર સાથે હોય, પડોશી સાથે કે પછી સાવ અજાણી વ્યક્તિ સાથે કે પછી પ્રિયપાત્ર સાથે પણ હોઈ શકે. બાર્બરા ખૂબ સંશોધન બાદ કહે છે કે રસ્તામાં ચાલતાં સાવ અજાણી વ્યક્તિ સાથે કે સાથે કામ કરતી વ્યક્તિ સાથે કે કોઈ દુકાનની સેલ્સગર્લ્સ કે જેમના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય તેવી વ્યક્તિ સાથે પણ તમે આ રીતે માઈક્રો મોમેન્ટ્સ અનુભવી શકો છો.

હોલીવૂડ અને બોલીવૂડમાં આવા વિષય સાથે ફિલ્મો બની છે. બીફોર સનરાઈઝ નામની ફિલ્મમાં ટ્રેનમાં પ્રવાસ કરતાં બે યુવાનો સહજ એકબીજા તરફ આકર્ષાઈને વાત કરે છે. અને પછી તેમણે બીજે દિવસે જુદી દિશાની ટ્રેન પકડવાની છે એ દરમિયાન રાતના આખું શહેર ફરે છે. અને પ્રેમમાં પડે છે. છૂટા પડતી વખતે નક્કી કરે છે કે તેઓ કોઈ એડ્રેસ કે ફોન નંબરની આપલે નહીં કરે. ચોક્કસ સમયે ફરી મળવાનું નક્કી કરે છે. બસ ત્યાં આ ફિલ્મ પૂરી થાય છે. ત્યારબાદ આ ફિલ્મની સિકવલ બને છે નવ વરસ બાદ બીફોર સનસેટ તેમાં એ જ વ્યક્તિઓ ફરી મળે છે નવ વરસ બાદ અને ફરી આકર્ષાય છે. ખેર, ફિલ્મની સ્ટોરી નથી લખવી અહીં બસ એટલું જ કહેવું છે કે કેટલીક વ્યક્તિ સાથે તમારું માઈક્રો કનેકશન હોય છે. લગ્નજીવન લાંબું નથી ટકતું કારણ કે તે માઈક્રો કનેકશન તૂટી ગયું હોય છે. પછી બીજાં કારણો તો બહાના જ હોય છે છૂટા પડવાના એવું બાર્બરાનું સંશોધન કહે છે. તેનું કહેવું છેકે સદાબહાર પ્રેમ જેવું કશું હોતું નથી. બે વ્યક્તિ વચ્ચે માઈક્રો ઈમોશનલ કનેકશન થાય છે તે લાંબો સમય પણ રહી શકે. હા તે માટે ફિજિકલ એટલે કે સદેહે બન્ને સામસામે હોવા જોઈએ. તમે જ્યારે એકબીજાથી દૂર હો છો તો ત્યારે કનેકટેડ જરૂર હો છો પણ પ્રેમમાં નથી હોતા. પ્રેમમાં હોવા માટે નજીક હોવું જરૂરી છે. એવું બાર્બરાનું સંશોધન કહે છે.

તમને આ અટપટું લાગે છે ને? એક ફિલ્મ આવી હતી જોગિંગ પાર્ક તેમાં એક આધેડ અને એક યુવતી દરરોજ જોગિંગ પાર્કમાં મળે છે અને બન્ને વચ્ચે દોસ્તી બંધાય છે. હાલમાં જ આવેલી નસીરુદ્દીન અને કલ્કી કોચી અભિનિત વેઈટિંગ નામની ફિલ્મમાં પણ આવા જ કોઈ માઈક્રો મોમેન્ટ્સની વાત કરવામાં આવી છે. લેખકો અને ફિલ્મકારો આવી માઈક્રો મોમેન્ટ્સ જોઈ શકે છે. પકડી શકે છે. પણ સામાન્યપણે આપણે તેનો સ્વીકાર નથી કરી શકતા. આપણે તે માઈક્રો મોમેન્ટ્સને પ્રેમના નામથી જરૂર ઓળખી શકીએ. એટલે જ જ્યારે પ્રેમ કરતાં હોય તે વ્યક્તિ સાથે લગ્ન ન થાય ત્યારબાદ જીવન ખતમ નથી થઈ જતું. વળી બીજી કોઈ વ્યક્તિ સાથે માઈક્રો મોમેન્ટસ સર્જાય છે. એક જ વ્યક્તિ સાથે વારંવાર એ માઈક્રો મોમેન્ટ્સ સર્જાતું રહે તેવું પણ બની શકે છે. અને કમભાગ્યે તમને એવી માઈક્રો મોમેન્ટ્સ ક્યારેય અનુભવાય નહીં તો તમને એકલતા સતાવે છે. 

જીવનમાં કશુંક ખૂટતું હોય તેવું લાગ્યા કરે અને પછી એકલતાનો અજગર ભરડી પણ જાય. વિદેશમાં એક બહુ સરસ બાબત છે તે એ કે રસ્તે જતાં બે અજાણી વ્યક્તિ એકબીજાની સામે થાય કે તેઓ સ્માઈલથી અભિવાદન કરીને આગળ વધે. સરસ મજાનું સ્માઈલ એટલે કે સ્મિત સુંદર ફૂલની જેમ બીજી વ્યક્તિને સહજ આનંદ આપી શકે છે. જરૂરી નથી કે તમે એ વ્યક્તિ સાથે સંબંધ બાંધો પણ માઈક્રો મોમેન્ટ્સ દ્વારા આનંદ જરૂર વહેંચી શકાય. બીજાને આપેલો આનંદ પહેલાં આપણને આનંદિત કરે છે. તો પોઝિટિવ માઈક્રો મોમેન્ટ્સ આસપાસ પ્રસરાવતાં આનંદિત જીવનનો અનુભવ કરી શકાય. તેને માટે પ્રેમમાં પડવું જરૂરી નથી. રસ્તે ચાલતાં ઝાડ પર ખીલેલું ફૂલ કે પતંગિયું આપણને આનંદ આપી શકે છે એવી જ રીતે કોઈ વ્યક્તિના પોઝિટિવ વાઈબ્રેશન તમને મધુર ક્ષણો આપી શકે છે.


You Might Also Like

0 comments