પુરુષ અને પૌરુષીય અહંકાર (mumbai samachar)
01:10હાલમાં જ રજૂ થયેલી આયુષ્યમાન ખુરાના અભિનીત શુભમંગલ સાવધાન ફિલ્મમાં પૌરુષીય અહંકારની વાત કરવામાં આવી છે, જે કેટલો બટકણો હોઈ શકે. એટલું જ નહીં પિતૃસત્તાક માનસિકતાનોય અહંકાર પુરુષને નુકસાન પહોંચાડી શકે છે એની વાત કરવામાં આવી છે.
પુરુષ અહમ્ની આસપાસ ગેરસમજનાય તાણાવાણા વીંટળાયેલા છે. આ અહમ્ ક્યારેક બરડ તો ક્યારેક પથ્થર જેવો બની જતો હોય છે. સ્ત્રીઓને સૌથી વધુ ડર પુરુષો કરતાં પણ પુરુષોના અહંકારનો લાગે છે. એટલે જ સ્ત્રીઓ પુરુષના અહમ્ વિશે કહેતી હોય છે કે હેન્ડલ વીથ કેર ... કારણ કે પુરુષનો અહમ્ ઘવાય, તૂટે કે પથ્થર બની જાય કોઇપણ પરિસ્થિતિ આવકાર્ય નથી હોતી. અને જો સ્ત્રીને પુરુષના અહંકારને જાળવતાં આવડી જાય છે તો તે રાજ કરે છે. આવી શિખામણ અનુભવી સ્ત્રીઓ નવી પરણવા જઈ રહેલી દરેક યુવતીને આપતી હોય છે.
મેલ ઇગો શબ્દ આપણે આજે વારે વારે વાપરીએ છીએ કે સાંભળીએ છીએ, પણ અહમ્ શબ્દ જ્યારે પુરુષ કે સ્ત્રી સાથે જોડાય કે તેનાં અર્થઘટનો બદલાય છે. પુરુષ અહમ્ શબ્દમાં મિસ્ટીરિયસ પાવરફુલ મશીનનો પડઘો સંભળાય. તો સ્ત્રીને સમજવી અઘરી છે કહીને તેનો વીંટો વાળી દેવામાં આવે છે.
પુરુષનો ઇગો સંવેદનશીલ છે કે કોમ્પ્લેક્સ તે સમજવું અઘરું બની રહે છે. તમે ગુગલમાં સર્ચ કરો તો મેલ ઇગોને જાળવવા માટે શું કરવું તેની અનેક ટિપ્સ વાંચવા મળશે. વળી તેમાં મોટે ભાગે એક બાબત જરૂર દેખાશે કે પુરુષ અહમ્ ખૂબ જ કિંમતી છે અને નાજુક છે તેની સાથે જાળવીને કામ લેવું જોઇએ. જાણેકે પૌરુષત્વ અને અહમ્ બન્ને એક જ ન હોય તેવો પણ ભાસ ઊભો થાય છે. કારણ કે આપણને દરેક બાબતો ચોકઠામાં બેસાડીને જોવાની આદત પડી ગઈ હોય છે. પુરુષનું વર્તન આવું હોવું જોઇએ તો જ તે યોગ્ય અને સ્ત્રીએ અમુક રીતે જ વર્તવાનું. આ આચારસંહિતાઓ કોણે ઘડી ? અનલોક યોર કોન્ફિડન્સના લેખક ડૉ. ગેરી વુડસ કહે છે કે પુરુષ અને સ્ત્રીનું વર્તન તેમના જનનાંગોના આકાર ઉપરથી જાણે નક્કી કર્યું છે. પુરુષની પ્રવૃત્તિઓ બાહ્ય હોય અને સ્ત્રીની પ્રવૃત્તિ આંતરિક હોય. બારમાં બેસીને સિગારેટના કશની સાથે પેગ ચઢાવીને ગાળો બોલે તે પુરુષ.... અને ઘરમાં બેસીને રોટલી વણે કે સાફસફાઈ કરે તે સ્ત્રી. પાનના ગલ્લે પોલિટિક્સ અને ક્રિકેટની પંચાત કરે તે પુરુષ અને ઘરના ઓટલા કે સોસાયટીના બાંકડે બેસીને સાસુ અને પડોશીની પટલાઈ કરે તે સ્ત્રી. આ ક્રમ ઊલટો થાય તો શું પુરુષનું પુરુષપણું ખતમ થઈ જશે ? એવું તો નથી જ હોતું. પણ પુરુષ અંગે ખોટી મિથ ઊભી કરવામાં આવી છે.
અમુક રંગો પુરુષના અને અમુક રંગો સ્ત્રીના એ કોણે નક્કી કર્યું. એક મિત્ર દંપતીએ નવો મોટો ફ્લેટ લીધો અને તેને જાણીતા ઇન્ટિરિયર ડિઝાઈનર પાસે ડિઝાઈન કર્યો. એમના ઘરે જઈએ એટલે ગર્વ સાથે તમને ડિટેઈલમાં ઘર બતાવે, દરેક બાબત ચોકસાઈપૂર્વક નક્કી કરેલી. દરેક વસ્તુની જગ્યા અને રંગોનો મેળ પાડેલો. તેમને એક દીકરી અને દીકરો પણ છે. તેઓ ટીનએજર છે. તેમનો રૂમ બતાવતા દંપતીના ચહેરા પર ગર્વની ઝલક બમણી થઈ જતી. દીકરાનો રૂમ બ્લ્યુ રંગનો અને તેમાં બોક્સિંગ બેગ, ફૂટબોલરના ચિત્રો... દરેક બાબત પૌરૂષીય હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેવું જણાવ્યું. દીકરીનો રૂમ પિંક રંગનો ... સિલ્કની ચાદર, દીવાલ, કબાટ, તકિયા દરેક વસ્તુ પિંકના શેડમાં અને દરેક વસ્તુમાં ગર્લી ટચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે ક્યાંક વાંચેલું યાદ આવ્યું કે ૧૯મી સદીમાં પિંક - ગુલાબી રંગ તે પુરુષોનો ગણાતો અને બ્લ્યુ રંગ તે સ્ત્રીત્વની ઓળખ હતો. આ વ્યાખ્યાઓ કોણે બાંધી હતી અને કોણે બદલી હતી ? તે આપણે જ વિચારવું રહ્યું ને!
કેટલીક વખત આ ડિફાઈન્ડ એટલે કે નક્કી કરેલા વર્તનને કારણે ખોટા અહંકારમાં પુરુષ પોતાનું અને અન્યનું અણધાર્યું નુકસાન પણ કરી બેસે છે. પોતાની મર્દાનગીની જવાબદારી સમજીને સ્ત્રીની રક્ષા માટે લડાઈ કરી શકતો પુરુષ સ્ત્રી પર બેરહમીથી બળાત્કાર પણ કરી શકે છે.સાયકોલોજીના જનક ફ્રોઇડની દરેક વાત સાથે આપણે સહમત ન થઈએ તોય.. ઇગોની વાત આવે તો ફ્રોઇડને યાદ કરવો જ પડે કારણ કે તેણે જ આ સુપર ઇગોની થિયરી આપી છે. તેના મતે ઇચ્છાઓનો જન્મ થાય છે તમારા વ્યક્તિત્વમાંથી જે તમારી ઓળખ છે. આ ઓળખમાં સુપરઇગો પણ જેકિલ એન્ડ હાઈડની જેમ છુપાયેલો છે. કોઇ એક જાણીતા સાયકોલોજીસ્ટે કહ્યું છે કે યદશહ ળફક્ષ મજ્ઞ ૂવફિ,ં લજ્ઞજ્ઞમ ળફક્ષ જ્ઞક્ષહુ મયિફળ જ્ઞર. આ ઇવિલ એટલે ઇગો અહમ એવું ફ્રોઇડનું કહેવું છે.
આ અહમ ન હોય તો સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્ર્વાસની ઊણપ વર્તાય છે તો જો વધુ પડતો હોય તો તેમાંથી ઉદ્ધતાઈની વાસ પણ આવે છે. પુરુષ અહમમાં વારંવાર આ બન્ને બાબતો જોઇ શકાય છે કારણ કે બાળપણથી પુરુષે આમ જ વર્તવાનું અને આમ ન વર્તાય તેના ચોકઠાં પાડી દેવામાં આવ્યાં હોય છે. એ ચોકઠાઓ સ્ત્રીઓ માટે ય પાડવામાં આવ્યાં જ છે પણ તેને માટે ફેમિનીસ્ટ મુવમેન્ટ શરૂ થઈ. જ્યારે પુરુષને માટે આ ચોકઠામાં ગોઠવાઈને વર્તવા સિવાય છૂટકો જ નથી. તેને સતત પૌરુષત્વની ધાર પર ચલાવવામાં આવે છે. તેને બિચારો બાપડો કહેવા માત્રથી તેની હસ્તીને ખતમ કરી નાખવામાં આવી શકે. કહેવાય છે કે પુરુષને મારવો હોય તો હથિયારની જરૂર નથી હોતી. તેના અહમને વારંવાર ઠેસ પહોંચાડો કે તોડી પાડો બસ પુરુષ ખતમ. આ બાબતનો જાણે અજાણે સ્ત્રીઓ ઉપયોગ કરી લેતી હોય છે.
બાળપણથી છોકરો તેની માતાને ગર્વ થાય તેવો બાળક બની રહેવા માટે તનતોડ મહેનત કરે છે. અને જ્યારે તે મોટો થાય છે ત્યારે એનો પડઘો તેને ગમતી સ્ત્રીમાં પણ જોવા ઇચ્છે છે. જો સ્ત્રી પુરુષને સતત ટોક્યા કરે કે બેજવાબદાર છે એવું કહે તો વાત ત્યાં પૂરી થઈ જાય છે. એ પુરુષ એવી સ્ત્રી સાથે કદીય જોડાઈ શકતો નથી.
ધારો કે પત્નીએ પતિને ઑફિસેથી આવતાં કોઇ વસ્તુ લાવવાનું કામ સોંપ્યું હોય અને સાંજે પતિ તે વસ્તુ લાવવાનું ભૂલી જાય તો પત્ની ગુસ્સે થઈ તેને કહે કે, તમે સાવ બેજવાબદાર છો આટલું પણ કરી નથી શકતા. તો બસ અહમની આગ ભડકશે. પુરુષને થશે હું આટલું ન કરું તેમાં અત્યાર સુધી મારી કરેલી દરેક બાબત બેકાર..? હું બેજવાબદાર. પુરુષને અમુક જ શબ્દો સંભળાય છે જે તેના ઇગોને ફ્લેટર કરે પંપાળે યા તો તેના ઇગોને ઠેસ પહોંચાડે. તેને શબ્દોની ભાષા કરતાં વર્તનની ભાષા સ્પષ્ટ સમજાય છે. બે પુરુષો વચ્ચે જ્યારે વાત થાય છે ત્યારે કોઇ બ્લેમ ગેમ કે ઇમોશનલ ગેમ ન રમાય. મેન ટુ મેન સીધીને સટ વાત હોય છે. પુરુષોને સમજવા માટે આ બાબત સ્ત્રીઓએ સમજવાની જરૂર છે.
પુરુષે પણ પોતે જ સાચો છે એવો ખોટો અહમ રાખ્યા વિના બીજી વ્યક્તિ પણ સાચી હોઇ શકે તેવી દૃષ્ટિ કેળવે તો અનેક સમસ્યાઓ નિવારી શકાય છે. સાયકોલોજીસ્ટોનું કહેવું છે કે અહમના પડદા નીચે સારઅસારનાં સમીકરણો ખોરવાય નહીં તેના યોગ્ય પ્રમાણભાન સાથે પુરુષ વર્તે તો ઑફિસ હોય કે ઘર તે સુપરહીરો બની શકે છે. મોટેભાગે પુરુષનો અહમ જ તેને તારે છે કે મારે છે. જે પુરુષ અહમને ઈસ્યુ બનાવે તે ક્યારેય સફળ થઈ શકતો નથી. તેને લાગે છે કે તે જીતી રહ્યો છે પોતાની બાજીમાં પણ જીતીને પણ તે હારેલો જ રહે છે. સત્તા અને અહંકારમાં પુરુષ છકી શકે છે. સત્તા અને નમ્રતામાં સાચા અર્થમાં સફળ અને લોકપ્રિય થઈ શકે છે.
0 comments