યે બાત કુછ હજમ નહીં હુઈ (saanj samachar)

22:23



ઈન્ટ્રો – ફિલ્મોમાં નાના શહેરોની છોકરીઓને બિન્દાસ અને બોલ્ડ બતાવાય છે તો શું ગામડાંઓ બદલાઈ રહ્યા છે?
બરેલી કી બર્ફી ફિલ્મના ખૂબ વખાણ સાંભળ્યા એટલે રિલેક્સ થવા જોવા ગયા, પણ હાળું મગજ બંધ જ ન થાય. બરેલી જોતાં તનુ વેડ્સ મનુ, લિપસ્ટિક અંડર માય બુરખા, ક્વીન, શુદ્ધ દેશી રોમાન્સ, દાવતે ઈશ્ક વગેરે વગેરે મનમાં ઘુમરાયા કરે. આ બધી ફિલ્મોની વાર્તા ભારતના નાના શહેરોના પરિવારમાં જ આકાર લે છે. સ્ત્રી પાત્રો આ બધામાં જ કંઈક હટકે અને બોલ્ડ બતાવવામાં આવ્યા છે. ગુજરાતના નાના શહેરો રાજકોટ, ભાવનગર, વેરાવળ કે ભૂજના કોઈ પરિવારની વાત આવી શકે ખરી? અરે હા, યાદ આવ્યું સંજય ભણસાલીની રામલીલામાં ગુજરાતી બેકડ્રોપ હતું પણ એવું શહેર તો કદાચ કલ્પનામાં જ હોય. તે છતાં એની હિરોઈન બોલ્ડ હતી. બોલ્ડ હોવું કંઈ ખરાબ નથી. બોલ્ડ એટલે જે જોખમ લેવા તૈયાર હોય, આત્મવિશ્વાસી હોય. ટુંકમાં જીગરવાળું વ્યક્તિત્વ હોય તેને માટે બોલ્ડ શબ્દ વપરાય છે. એવું દેખાય છે કે આજની ફિલ્મોમાં બોલ્ડ વ્યક્તિવાળી કથાનાયિકા દર્શાવવાનો ટ્રેન્ડ છે. સાથે જ સમજદાર અને દીકરીની ખુશીમાં પોતાની ખુશી જોતા માતાપિતા વગરે વગરે, હા જો કે આ સ્ત્રીઓને બિન્દાસ બતાવવી હોય તો સિગરેટ, દારૂ કે પછી સેક્સ બતાવવો જરૂરી બની જાય છે. ફક્ત ક્વીન ફિલ્મના અપવાદ સિવાય. તેમાં એ છોકરી એકલી વિદેશમાં હનીમુન ટુર પર જાય છે. વિદેશી છોકરીઓને એકલી બેકપેક લઈને ભારતમાં રખડતી જોઈ છે, પણ ભાગ્યે જ કોઈ એકલી છોકરીઓ બેકપેક લઈને એકલી ફરવા નીકળી પડતી જાણી છે.   
આમ પણ જે ન હોય તે જોવું દર્શકોને જોવું ગમતું હોય છે. જેમકે સુંદર, મોટા હવેલી જેવા ઘર, ગીત, ડાન્સ અને તે પણ વિદેશના લોકેશનમાં બરફમાં અડધા ઉઘાડા શરીરે નાચતી હીરોઈનોને જોઈને થાય કાશ આપણે બરફમાં સ્વેટર પહેર્યા સિવાય બે મિનિટ પણ ઊભા રહી શકતા હોત. આમાંથી નાચગાનનો ટ્રેન્ડતો આપણે ત્યાં હતો અને વિકસી રહ્યો છે. હવે તો લોકો લગ્ન પહેલાં ફિલ્મના હિરો-હિરોઈનની જેમ પોઝ આપી ગીતમાં ડાન્સ કરતાં વિડિયો પણ શૂટ કરાવે છે. એમાં કશું જ ખોટું નથી. પરંતુ બરેલી જોતાં વિચાર આવ્યો કે સારું છે દીકરીઓને આટલી ફ્રિડમથી ઉછેરવામાં આવતી હોત તો? તનુ વેડ્સ મનુમાં માતાપિતાને દીકરી માટે ફ્રસ્ટ્રેટ થતાં દર્શાવાયાં છે, પરંતુ તેઓ દીકરીને આટલો સ્વતંત્રત મિજાજ કેળવવા જેટલી આઝાદી આપી શકે છે તે જોઈને જ સારું લાગે છે. જ્યારે બીજી તરફ હમણાં જ સૌરાષ્ટ્રની મારી મુલાકાત દરમિયાન એવું જોવા મળ્યું કે કેટલાક સામાજીક મેળાવડામાં સ્ત્રીઓએ દુપટ્ટા સિવાયનો ડ્રેસ પહેર્યો હોય કે સાડી સિવાય આખાય અંગને ઢાંકતો કોઈ પોષાક પહેર્યો હોય તો પણ સુજ્ઞ સમાજ સહન નથી કરી શકતો. આવા વણલખ્યા નિયમો સમાજમાં શિક્ષિત અને કારર્કિદી ધરાવતી સ્ત્રીઓ પણ પાળી રહી હોય ત્યાં આવી ફિલ્મોમાં દર્શાવાતી બોલ્ડ સ્ત્રીઓની વાત કેવી રીતે હજમ થાય? વળી બોલ્ડ અને બ્યુટિફુલ આ સ્ત્રીઓની પોતાની સ્વતંત્રતા દર્શાવવા સિગરેટ અને દારૂનો ઉપયોગ પણ કરવામાં આવે. આપણે ત્યાં સ્ત્રીઓ તમાકુ ખાતી હોય કે બજર ઘસતી હોય તે નવું નથી, પરંતુ જે સહજતાથી મુંબઈ જેવા શહેરમાં સ્ત્રીઓ સિગરેટ પીવે છે કે ફિલ્મોમાં સ્ત્રીઓને જે રીતે દર્શાવે છે એટલી સહજતાથી મેં ક્યારેય ભારતના નાના શહેરોમાં સ્ત્રીઓને સિગરેટ કે દારૂ પીતા જોઈ નથી. જો કે  હું એવું માનતી પણ નથી કે આવું કરનારા પુરુષો કે સ્ત્રીઓ બોલ્ડ અને બિન્દાસ એટલે  કે જીગરવાળા હોય છે કે જોખમખેડુ હોય છે. ઉલ્ટાનું આવું કરનારા હકિકતેતો સ્ટ્રેસ અને ફ્રસ્ટ્રેશનના શિકાર હોય એવું બની શકે. વળી આ ફિલ્મોમાં જે રીતે માતાપિતાને સહજતાથી દીકરીની બોલ્ડનેસનો સ્વીકાર કરતાં દર્શાવાય છે તેવું તો ભાગ્યે જ મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ કુટુંબોમાં બનતું હશે. મેં તો આવું ક્યારેય જોયું નથી, શક્ય છે મારી દુનિયા સીમિત હોય. તમારા ધ્યાનમાં આવા કુટુંબ હોય તો મને જાણ કરશો. એનું કારણ છે કે એક તો મધ્યમવર્ગીય કુટુંબના માતાપિતાએ કેટલાય સંઘર્ષો કરીને બે છેડા ભેગા કરવાના હોય. સંઘર્ષમાં જ તેમનું જીવન પુરું થઈ જતું હોય ત્યાં મુક્તમને વિચાર કરવાનો કે જીવવાનો અવકાશ ઓછો જ હોય છે. તેમાં દીકરીઓને ભણાવવાની કે તેને જીન્સ-ટીશર્ટ પહેરવા સુધીની છૂટ કદાચ આપી શકતા હશે પણ આવા શોખ પોષવા માટે તો લિપસ્ટિક અંડર માય બુરખામાં દર્શાવાયું છે તેમ છોકરીએ ચોરીઓ જ કરવી પડે. નારીના વિકાસની સાથે સિગરેટ અને શરાબ હજમ ન થાય તેમાં કોઈ મોટી વાત નથી. જે નાનાં ગામડાંની નારીઓ સંઘર્ષ કરીને આગળ આવી છે, તેમાં ફોગટ બહેનો, મેરી કોમ અને સાક્ષી, દીપા જેવી છોકરીઓ છે જેમણે ઓલિમ્પિકમાં સફળતા મેળવીને નવો ચીલો ચાતર્યો છે. પૂર્ણા જેવી ફિલ્મો વિશે ખાસ લખાતું નથી કે ચર્ચા નથી થતી જેમાં આદિવાસી છોકરી એવરેસ્ટ સર કરે છે તેની સાચી કથા છે, કારણ કે સિગરેટ, શરાબ અને સેક્સ ગ્લેમરની દુનિયા ઊભી કરે છે. સાચી સફળતા અને સંઘર્ષની ગાથામાં સિગરેટ, સેક્સ અને શરાબનું ગ્લેમર નથી હોતું.
ગામડાંઓ કે શહેરો બદલાઈ નથી રહ્યા. ત્યાં હજી પણ અંધશ્રધ્ધા અને અવરોધો છે. બાબાઓ અને સાધુઓના ચરણ સ્પર્શ થતાં હોય છે અને આ બાબાઓ સ્ત્રીઓનો સ્પર્શ કરતાં હોય  છે. સ્ત્રીઓની સ્થિતિ સમાજમાં ખરેખર કેટલી સુધરી રહી છે તેનો તલસ્પર્શી અભ્યાસ થવો જોઈએ. બેટી બચાઓ અને બેટી પઢાઓ અભિયાન ન કરવા પડે, બળાત્કાર અને જાતીય સતામણીઓ ન થાય, પતિ પત્નીને મારતો ન હોય ત્યારે સમાજમાં સુધાર આવી રહ્યો છે એવું કહી શકાય. આજે નારીને સ્વતંત્રતા આપવામાં આવે છે ખરી પણ પાંજરું ફક્ત મોટું થયું હોય છે. જેમ સિંહ અભયારણ્ય હોય છેને તે રીતે અમુક હદની બહાર સ્ત્રીઓને જવાની છૂટ નથી હોતી. તેને સ્વતંત્રતા કહેવાય ખરી?  

You Might Also Like

0 comments