સામાન્ય માણસની અસામાન્ય ફિલ્મ (સાંજ સમાચાર)
10:02
- એક સામાન્ય પુરુષના જીવનમાં જ્યારે અસાધારણ સમય
આવે ત્યારે એ ઘડીને પહોંચી વળવા માટેના તેના પ્રયત્નો હીરો જેવા હોય છે.
એક અંગ્રેજી ફિલ્મને અનાયાસે જોવાનું બન્યું.
ફિલ્મ 2013માં બની હતી. આમ તો
ઘણી જૂની કહેવાય પણ આ ફિલ્મ ભારતમાં રિલિઝ થઈ જ નહોતી. ફિલ્મનું નામ છે લોક.
ફિલ્મમાં નાયક ઈવાનની અટક લોક છે. આખીય ફિલ્મમાં આ એક જ પાત્ર દેખાય છે ઈવાન.
પુરુષના જીવનમાં ક્યારેક એવા પણ પ્રસંગ
આવી શકે કે તેણે કઈ બાબતને મહત્ત્વ આપવું તે મુશ્કેલ નિર્ણય બની શકે. અહીં
જીવનમરણનો પ્રશ્ન નથી. અને તે છતાં આ ફિલ્મ થ્રીલર ડ્રામા બની રહે છે. આમ જોઈએ તો
આખીય ફિલ્મમાં ત્રણ જ પાત્રો દેખાય છે. બીએમડબલ્યુ કાર, કારચાલક અને હાઈવે. બીજા
પાત્રો ફક્ત અવાજ રૂપે આવે છે. તે છતાં આખીય ફિલ્મ તમને ઝકડી રાખવા સમર્થ છે.
ફિલ્મનો મુખ્ય નાયક ઈવાન લોક કન્સ્ટ્રકશન એન્જિનયર છે. ક્રોક્રિંટ પૂરવાની તેની
માસ્ટરી છે. નવ વરસથી તે આ કામ કરી રહ્યો છે. ફિલ્મની વાર્તા ઈંગ્લેંડના
બર્મિંગહામથી ક્રોયડોન વચ્ચેના પ્રવાસની છે. બર્મિંગહામમાં રહેતો અને કામ કરતો
ઈવાન રાતના આઠ વાગ્યે પોતાની સાઈટ પરથી ગાડી લઈને નીકળે છે. ઘરે જવાને બદલે તે
હાઈવે તરફ હંકારે છે અને પહેલો ફોન ઘરે કરે છે એ કહેવા માટે કે તે રાત્રે ઘરે નહીં
આવે. ક્રોક્રિંટનું કામ કરતાં તેને સમજાયું હોય છે કે પાયો મજબૂત હોય તો જ ઈમારત ટકી શકે છે.
ફિલ્મ
શરૂ થાય છે ત્યારે લોકનું પાત્ર ભજવતાં ટોમ હાર્ડીના(ઈન્સેપ્શન, ધ રેવરન્ટ, વોરિયર
જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલો અદાકાર)
ચહેરા પરનું ટેન્શન જોઈને લાગે છે કે આ કોઈ એકશન ફિલ્મ હશે. જેમાં એક
સામાન્ય વ્યક્તિ પરાણે હિંસામાં ઘસડાતો હોય છે. પણ ના આ ફિલ્મમાં એવું કશું જ નથી
બનતું. ન તો લોકની ગાડીમાં બોમ્બ છે કે ન તો તેનાં કોઈ સ્વજનું અપહરણ થયું છે. આમ
તો લોકના જીવનમાં ઘટેલી ઘટના ઘણી સામાન્ય છે પણ તેનો સમય લોક માટે પરિક્ષારૂપ બની
રહે છે. બર્મિંગહામથી ક્રોયડોન સુધીનો
પ્રવાસ બેથી અઢી કલાકનો છે. ફિલ્મ 85 મિનિટની છે. ઈવાન લોક પ્રોફેશનમાં અને
કુટુંબમાં ખૂબ જવાબદાર વ્યક્તિ હોય છે. તે પોતાની દરેક જવાબદારી ખૂબ ગંભીરતાપૂર્વક
અને સમજદારીપૂર્વક નિભાવતો હોવાથી તેનાથી લોકો સંતુષ્ટ હોય છે. આ ઈવાન લોકથી સાત
મહિના પહેલાં જીવનમાં એક ભૂલ થઈ ગઈ હોય છે તેને કારણે જ આજે તેણે બધું ગુમાવવાનો
વારો આવ્યો હોય છે. સાત મહિના પહેલાં તે ઓફિસના કામે બહારગામ ગયો હોય છે ત્યાં એક
સહકર્મચારી સાથે એક વખત સેક્સ માણ્યું હોય છે. એ કુંવારી કર્મચારી માતા બનવાની હોય
છે અને સાતમા મહિને જ તેને પ્રસવની પીડા ઉપડે છે. ક્રોયડોનમાં રહેતી એ કર્મચારી
બીથન જે પ્રસુતિની પીડામાંથી પસાર થઈ રહી
હોય છે તેમાં પોતાની પણ જવાબદારી હોવાનું ભાન ઈવાન લોકને છે એટલે જ તે એની પડખે ઊભા રહેવા જઈ રહ્યો છે. તે બીથનને સાત મહિનામાં
ક્યારેય બીજીવાર મળ્યો જ નથી. ન તો એને બીથન માટે કોઈ લાગણી છે. ઈવાનને પોતાની
પત્ની અને બાળકો માટે ખૂબ પ્રેમ હોય છે. બીજું કે
એ દિવસે રાત્રે તેણે ખૂબ અગત્યનું કામ કરવાનું હોય છે. યુરોપમાં સૌથી મોટું
કામ તેને મળ્યું હોય છે. ન્યુક્લિઅર અને આર્મી વિસ્તારની બહાર એક મકાન ઊભું
કરવાનું હોય છે અને મકાનના પાયામાં 300થી વધુ ટ્રક કોન્ક્રિટ ભરવાનું હોય છે. આ
કામ તેના સિવાય બીજું કોઈ કરી શકે જ નહીં.
એ ઘરે ફક્ત ફુટબોલની ફાઈનલ મેચ પોતાના કિશોરવયના દીકરાઓ અને પત્નીની સાથે માણવા જ
જવાનો હતો.
ફિલ્મ શરૂ થાય છે ત્યારે એ ક્રોયડોન જવાનો નિર્ણય
લઈ ચૂક્યો હોય છે. બર્મિંગહામથી ક્રોયડોન સુધીમાં તે સતત ફોન પર ઘર, ઓફિસ અને
ક્રોયડોનમાં બીથનની સમસ્યાઓ ઊકેલવામાં વ્યસ્ત રહે છે. ફક્ત ટોમ હાર્ડીનો ચહેરો,
કાર અને ફોન પરની વાતચીત પ્રેક્ષક તરીકે આપણને જકડી રાખવામાં સફળ થાય છે. પ્રેક્ષક સતત એન્કઝાયટીમાં ફિલ્મ જુવે છે કે હવે શું થશે? લોક
તેની હાથ નીચેના વિશ્વાસુ માણસને પાયામાં કોન્ક્રિંટ ભરવાનું કામ સોંપે છે. પહેલાં તો એ વ્યક્તિ ના પાડે છે જવાબદારી લેવાની
કારણ કે આ કામ ખૂબ કાબેલિયત અને ગંભીરતાપૂર્વક કરવું પડે એમ છે. લોક તેનામાં
વિશ્વાસ જગાવે છે, અને તેને કામ કરવા તૈયાર કરે છે. ગાઈડ કરે છે. વચ્ચે અનેક
વિઘ્નો આવે છે તેને પણ તે શાંત ચિત્તે ઉકેલવાનો પ્રયત્ન કરે છે. તેના બોસને તે જાણ
કરે છે કે તે બહારગામ જઈ રહ્યો છે, પણ કોન્ક્રિંટ ભરવાનું કામ પુરું થઈ જશે. તેના
નવ વરસની નિષ્ઠાની કદર હોવા છતાં બોસ તેને
નોકરીમાંથી બેદખલ કરે છે તાત્કાલિક ધોરણે. તે છતાં લોક તેમને કહે છે હું હાથમાં
લીધેલું કામ મારી જવાબદારી પૂરી કરીને જ કામ છોડીશ. આ બધા દરમિયાન તેની પત્ની સાથે
ઘરે વાત થાય છે.
પત્ની કેથરીનને તે છેલ્લા કેટલાક મહિનાથી જણાવવા
માગતો હોય છે તેની એક ભૂલ વિશે પણ કહી નથી શક્યો. હવે તેણે જણાવવું જ પડે છે કે
બીજી સ્ત્રી તેના બાળકને જન્મ આપી રહી છે અને તે પ્રિમેચ્યોર્ડ ડિલિવરી છે સાતમાં
મહિને અને તે સ્ત્રી એકલી છે, ડરેલી છે. બાળક તેનું છે એટલે તે પોતાની જવાબદારી
સમજીને જઈ રહ્યો છે. પંદર વરસના લગ્ન જીવનમાં તેનાથી એક જ ભૂલ થઈ છે. તે માફી માગે
છે, પણ કેથરીન આ પરિસ્થિતિ સ્વીકારી શકતી નથી. તે ફોન પર જ ઈવાન લોકને કહી દે છે
કે હવે તે ઘરે પાછો ન આવે. એ ડાઈવોર્સ લેવા માગે છે. તેનું લગ્નજીવન ખતમ થઈ જાય
છે. આ બધા વચ્ચે ક્રોયડોનથી પણ ફોન આવે છે. બીથનને બે મહિના વહેલાં તકલીફો શરૂ થઈ
હોય છે. બાળકના ગળામાં નાળ ભેરવાઈ ગઈ હોય છે. ઓપરેશન કરવા સિવાય છૂટકો નથી. તે
ગભરાતી હોય છે. તેની સાથે હોસ્પિટલમાં કોઈ હોતું નથી. તે ઈચ્છે છે કે ઈવાન લોક તેની
પડખે હોય. પરિસ્થિતિ ગંભીર છે. ઈવાન તેને ફોન પર સધિયારો આપે છે અને કહે છે કે તે
રસ્તામાં જ છે અને સાથે જ છે. બાળક તેની જવાબદારી છે પણ વનનાઈટ સ્ટેન્ડ તેની ભૂલ
હતી અને તે બીથનને ચાહતો નથી તે હકિકત છે.
જવાબદાર વ્યક્તિ હોવાને લીધે ઈવાન લોક ઘણું સહન
કરે છે. પણ તે પોતાનો સ્વભાવ નથી છોડતો. તેના સારા સ્વભાવની કદર નાના માણસો તેનું
કામ તેની ગેરહાજરીમાં રાત જાગીને પણ પરફેક્ટ રીતે કરવા કટિબદ્ધ થાય છે. પણ તેનો
બોસ કે પત્ની તેને સમજવાનો પ્રયત્ન નથી કરતાં કે ન તો તેની પડખે ઊભા રહેતા. આ પરિસ્થિતિમાં ઈવાન શાંત
ચિત્તે એક પછી એક ફોન કરતો સમસ્યાઓ ઓછી કરવાનો પ્રયત્ન કરે છે. એમાં એક ફોન તેના
દીકરાનો ય છે. તેનો કિશોરવયનો દીકરો પામી ગયો છે કે તેના પિતા કોઈ તકલીફમાં છે અને
માતા તેમનાથી નારાજ છે. એ ફક્ત એટલું જ કહે છે કે પપ્પા તમને ગમતી ફુટબોલ મેચ મેં રેકોર્ડ કરી રાખી
છે. તમે જ્યારે સવારે ઘરે આવશો ત્યારે
આપણે એ મેચ બધા સાથે બેસીને જોઈશું. જાણે એવી જ રીતે કે તેનું પરિણામ આપણે જાણતાં
જ નથી. સાથે મમ્મીએ બનાવેલો નાસ્તો અને તમને ગમતો બીયર પણ હશે. બસ તે વખતે
પહેલીવાર ઈવાનની આંખમાંથી ઝળઝળિયાં વહેવા લાગે છે. તેમાં સુખ અને દુખ બન્ને ભાવ જોઈ
શકાય છે.
ફિલ્મના અંતમાં તે હજી હોસ્પિટલની નજીક હોય છે
અને બાળકનું રૂદન ફોન પર સંભળાય છે ને સાથે બીથનનો ઉત્સાહિત અવાજ. ઈવાનનું પછી શું
થાય છે તે દર્શકોની કલ્પના પર છોડી દેવામાં આવ્યું છે. ફક્ત ફોન પરની વાતચીત અને
ચહેરા પરના ભાવ દ્વારા આખીય ફિલ્મ તમને જકડી રાખે તેવું એ ફિલ્મ જોયા વગર માનવું
મુશ્કેલ લાગે. લેખક, દિગ્દર્શક સ્ટીવન નાઈટની સિનેમા બનાવવાની પ્રતિભા આમાં જણાઈ
આવે છે. આમ તો આ ડ્રામા જ છે પણ તેને ફિલ્મ બનાવવાની હિંમત કાબીલે દાદ છે. આ ફિલ્મ
નથી બનતી તે કહેવું મુશ્કેલ લાગે. તેના કેટલાક સંવાદો ય અદભૂત છે. જેમકે
કોન્ક્રિંટ ભરવાના કામ માટે સામી વ્યક્તિને તૈયાર કરવા માટે ઈવાન કહે છે કે “ડુ ઈટ
ફોર કોન્ક્રિટ વીચ ઈઝ એઝ ડેલિકેટ એઝ બ્લડ ” (લોહી જેટલા જ નાજુક કોન્ક્રિંટ માટે ય
તું આ કામ કર) અથવા “ડુ ઈટ ફોર ધ પીસ ઓફ સ્કાય વી આર સ્ટીલિંગ વીથ અવર
બિલ્ડિંગ” (એ આકાશના ટુકડા માટે ય કર જે આપણે મકાન દ્વારા ચોરી લેવાના છીએ.) તો બીથન
ઓપરેશન થિયેટરમાં જતાં પહેલાં ઈવાનને કહે છે કે તું આવશે જ ને? હું
રાહ જોઈ રહી છું. આઈ એમ વેઈટિંગ. મને યાદ
આવે છે વેઈટિંગ ફોર ગોદો. ખેર તું તો વાંચતો નથી કે થિયેટર પણ જોતો નથી.
એક સામાન્ય માણસના જીવનમાં જીવનમરણનો પ્રશ્ન તો ન
કહી શકાય પણ તે છતાં એવી પરિસ્થિતિ આવતી હોય છે જેમાં સારું ખરાબ મૂલવવાનું નથી.
બસ એ પરિસ્થિતિમાંથી યોગ્ય માર્ગ કાઢવાનો હોય છે. ક્યાંક પોતાના નિર્ણય પર એકલા
ઊભા રહેવાનું હોય છે. પુરુષ તરીકે પુરવાર થવાનું હોય છે. અને એ સહેજ પણ સહેલું
હોતું નથી. એ પરિસ્થિતિ તમારી તરફ કોઈ દયામાયા દાખવતી નથી. ત્યારે ફ્રસ્ટ્રેશન કે
કાયરતાને અતિક્રમી જવાની હોય છે. આ ફિલ્મ પુરુષની કથા કહેતી ફિલ્મ છે. જે આખરે તો
એકલો જ છે. કંઈક હટકે ફિલ્મ જોવી હોય તો ઓનલાઈન મેળવીને જોઈ લેશો.
0 comments