અણગમતા સ્પર્શનું બોડી પોલિટિક્સ (મુંબઈ સમાચાર)
20:11
ભારતમાં રહેનાર ભાગ્યે જ કોઈ એવી સ્ત્રી હશે જેને જાતીય સતામણીનો અનુભવ ન કર્યો હોય. પણ કેટલીક સ્ત્રીઓ બોલી શકે છે.
સ્ત્રીના શરીરને અપમાનિત કરવાની કથા આપણે ત્યાં વારંવાર કહેવાઈ છે. દ્રૌપદીને વ્યક્તિ તરીકે નહીં પણ સ્ત્રીના શરીર તરીકે સભામાં ઘસડી લાવવામાં આવી. તેનું ચીર હરણ કરવામાં આવ્યું, પણ કહેવાતા માંધાતાઓ ચૂપ બેસી રહ્યા. સ્ત્રીનું શરીર નગ્ન કરીને અપમાનિત કરી શકાય એવી માનસિકતા પિતૃસત્તાક સમાજમાં સહજ છે. સ્ત્રીને શરીર તરીકે જ જોવામાં આવે છે. એટલે જ તેને ગમે ત્યારે ગમે તે રીતે સ્પર્શી શકાય. સ્ત્રીનું શરીર ભોગવવા માટે જ છે એવી માનસિકતાને કારણે જ સ્ત્રીની ઈચ્છા-અનિચ્છાની પરવા કરવાની જરૂર ક્યારેય પુરુષને જણાતી નથી. મી ટુ કેમ્પેઈન વિશે ઘણું લખાઈ ચૂક્યું છે અને ચર્ચાઓ પણ થઈ ચૂકી છે પણ મુદ્દો ખતમ નથી થયો. દુનિયા બદલાઈ ગઈ નથી.
મી ટુ એટલે કે હું પણ જાતીય સતામણીનો ભોગ બની છું તેવું કહેવું સહેલું નથી. આ દિવાળીએ ફટાકડાઓ સાથે જાતીય સતામણીનો ચૂપ પડ્યો રહેતો દારૂગોળો અચાનક સળગી ઊઠ્યો. સોશિયલ મીડિયા પર હેશટેગ મી ટુ સાથે જે સ્ટોરીઓ લખાઈ તે વાંચીને આખી દુનિયા દંગ રહી ગઈ. દંગ એટલા માટે કે તેમને ખબર તો હતી જ પણ આવું જાહેરમાં બોલાતું નહોતું. દુનિયાના દરેક સ્ત્રી-પુરુષને ખબર છે કે જાતીય સતામણી થાય છે. એ જાણનારાઓમાં કેટલાક ગુનેગાર હોય છે તો કેટલાક એ ગુનેગારોના ભોગ બનનારાઓ છે. ભોગ બનનાર ચૂપ રહે છે ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. સદીઓથી આ ચાલ્યું આવતું હતું. અચાનક સહન કરનારાઓની સહનશક્તિ જ્વાળામુખીની જેમ ફાટી. તેમાંથી વહેતો લાવા અને ધુમાડો દરેકને દઝાડતો ગયો.
હોલીવૂડના પ્રખ્યાત હાર્વી વિન્સટેન વિરુદ્ધ અભિનેત્રી અલિશા મિલાનોએ સોશિયલ મીડિયા પર સ્ત્રીઓને અપીલ કરી કે મી ટુ સાથે તમે સૌ જાતીય સતામણી વિશેનું મૌન તોડો તો દુનિયાને ખબર પડે કે ખરેખર શું ચાલી રહ્યું છે. અલિશાની ચેલેન્જે દરેક સ્ત્રીના મનમાં બળવો કરવાની હિંમત પેદા કરી. તરત જ પ્રસિદ્ધ ગ્લેમર વર્લ્ડથી લઈને દરેક ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓએ ‘પોતાને પણ જાતીય સતામણીનો અનુભવ થયો છે’ તે કબૂલવા માંડ્યું જાહેરમાં. એક જબરદસ્ત જુવાળ આવ્યો. કેટલાક પુરુષોએ પણ પોતાને થયેલા જાતીય સતામણીના અનુભવો વિશે કહેવાની હિંમત દર્શાવી. તેમાં તો પ્રસિદ્ધ ધારાવાહિક હાઉસ ઑફ કાર્ડના અભિનેતા કેવિન સ્ટેસીએ કામ વિનાના થવાનો વારો આવ્યો. કેવિન સ્ટેસી વિરુદ્ધ ચારેક પુરુષોએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. વિદેશમાં તો અનેક પ્રસિદ્ધ પુરુષોએ નાલેશી સહેવાનો વારો આવ્યો છે. આપણે ત્યાં હજી પણ નામાંકિત અભિનેત્રીઓએ કે મોડેલ્સે મી ટુ કહીને કોઈ નામો નથી આપ્યા. સૌથી વધારે જાતીય સતામણી કાસ્ટિંગ કાઉચને નામે ગ્લેમર વર્લ્ડમાં થતી હોવાનું જાણ્યું છે, પણ તેના વિશે ક્યારેય કોઈ બોલતું નથી. પત્રકાર બરખા દત્તે પોતાના પુસ્તકમાં બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બન્યાનું કબૂલ્યું છે. કલ્કી કોચલીને પણ. ધ ન્યુઝમિનિટની એડિટર ધન્યા રાજેન્દ્રએ પણ મી ટુ કહીને પોતાની વાત કહી છે કે કોલેજ જતાં આવતાં બસ કે ટ્રેનના પ્રવાસમાં કે પછી કોઈ ફંક્શનમાં પણ ગમે ત્યારે અણગમતો સ્પર્શ અનુભવાયો હતો. રિપોર્ટર તરીકે જોડાઈ ત્યારે સિનિયર પત્રકારે પણ સ્પર્શ કર્યો. ધન્યા લખે છે કે એવું કરતી સમયે એ પત્રકારે કહ્યું કે તારું શર્ટ મને તને સ્પર્શ કરવા ઉશ્કેરે છે. પછી તો અનેકવાર અન્ય લોકોએ પણ અણગમતાં સ્પર્શ કર્યા.
આવું ફક્ત ધન્યાની સાથે જ નથી થતું પણ રસ્તે જતી દરેક સ્ત્રી સાથે બને છે. દરેક જગ્યા જ્યાં ભીડ હોય ત્યાં સ્ત્રીને અણગમતાં સ્પર્શ થતા જ રહે છે. મોટેભાગે સ્ત્રીઓ બોલતી નહોતી, કારણ કે તેમાં એમનો જ વાંક હોય છે. તેઓ સ્ત્રી શરીર ધરાવે છે અને કપડાં એવાં પહેરે છે કે પછી રસ્તા પર ચાલે છે કે કામ કરવા જાય છે કે પછી તેનું વર્તન એવું હોય છે કે જેથી પુરુષનો ક્ધટ્રોલ જ નથી રહેતો પોતાના ઉપર. સ્ત્રીના શરીર વિશે ગંદી કોમેન્ટ થઈ જાય કે પછી તેને સ્પર્શવાનો અધિકાર સમજી લેવાય છે. વાંક સ્ત્રીઓનો જ હોય છે કે તેઓ પુરુષને લલચાવે છે. સુરતના જાણીતા સાહિત્યકાર, પત્રકાર રવીન્દ્ર પારેખ વિરુદ્ધ પણ હાલમાં અનેક સ્ત્રીઓએ ફરિયાદ કરતાં તેમને સાહિત્ય પરિષદની કમિટીમાંથી રાજીનામું આપવું પડ્યું. તેઓ સ્ત્રીને ફેસબુક મેસેન્જરમાં અંગત સંદેશાઓ મોકલતા. તેમાં લખતાં કે તારું રૂપ કે આકર્ષક વ્યક્તિત્વ મને લલચાવે છે. આ તો એકાદ નામ છે જે બહાર આવ્યું છે. જે બહાર નથી આવ્યા એવા અનેક કિસ્સાઓ અને સતામણી હોઈ શકે છે. બોલીવૂડમાં હજી બધા ચૂપ છે. એક માત્ર બહુ ન જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું કે બોલીવૂડમાં પણ સ્ત્રીએ કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર રહેવું જ પડે છે. સ્ત્રીના શરીર સાથે દરેક છૂટ લેવાનો અધિકાર માની લેવામાં આવે છે. પ્રશંસકોની ભીડ પણ અભિનેત્રીને અણગમતાં સ્પર્શ આપે છે. મોડેલ મલ્લિકા દુઆએ પોતાને થયેલા જાતીય સતામણીના અનુભવની વાત કહી ત્યારે તેની સાથે સોશિયલ મીડિયામાં હેરાન કરવામાં આવી. આવું કહેનાર સ્ત્રીઓને પણ સોશિયલ મીડિયામાં ખરાબ રીતે ઉતારી પાડવામાં આવે છે. એટલે પણ કોઈ પોતાના અનુભવો હજી કહેતી નથી કે નામ બોલતી નથી. સ્ત્રીનાં કપડાં કે કામ કોઈપણ પુરુષને તેની અનિચ્છા વિરુદ્ધ સ્પર્શ કરવાની પરવાનગી નથી જ આપતું.
એક તો સ્ત્રીની સાથે જ્યારે અચાનક જે બને છે તે હેબતાઈ જાય છે. બીજું કે મોટેભાગે નાની બાળકીઓ કે બાળક કે પછી મજબૂર સ્ત્રીઓ સાથે વધારે છૂટ લેવાના પ્રયત્નો થતાં હોય છે. સ્ત્રીને એવો અહેસાસ કરાવવામાં આવે છે કે તારું શરીર જ એવું છે કે વર્તન એવું છે કે સ્પર્શ થઈ જ જાય. ગુનાહિતતા પુરુષે અનુભવવાને બદલે સ્ત્રી અનુભવે છે. અનેક વરસોથી આ અણગમતા સ્પર્શ વિરુદ્ધ બોલાઈ રહ્યું છે પણ ગયા મહિને એકસાથે લાખો મહિલાઓએ પોતાને પણ જાતીય સતામણીનો અનુભવ થયો છે એવું કહીને ધરતીકંપનો આંચકો પિતૃસત્તાક સમાજને આપ્યો છે.
જો કે રેપ અ હિસ્ટ્રી ફ્રોમ ૧૮૬૦ના લેખિકા અને બર્કબેક કોલેજના ઈતિહાસના પ્રોફેસર જોએના બુરકે કહે છે કે અઢારમી સદીથી નારીવાદની ચળવળ શરૂ થઈ ત્યારથી જાતીય સતામણી વિશે ચર્ચાઓ થઈ છે. પણ હાલમાં જે થઈ રહ્યું છે તેમાં પહેલી વાર ભોગ બનનાર હજારો નહીં લાખો સ્ત્રીઓ દુનિયાભરમાંથી એક સાથે બોલી રહી છે. અત્યાર સુધી સતામણીનો ભોગ બનનાર સ્ત્રીઓ પોતે જ ગુનાહિતતાનો અનુભવ કરતી હતી. જો કે તે છતાં આટલી ચર્ચાઓ થઈ રહી છે કારણ કે સુંદર અને પ્રસિદ્ધ સ્ત્રીઓ બોલી રહી છે એટલે પણ તેના તરફ ધ્યાન ખેંચાયું છે. બાકી ગરીબ અને સામાન્ય દેખાવની સ્ત્રીઓ તો હજી પણ ચૂપ છે. તેઓ બોલશે તો કોણ સાંભળશે? કોણ ધ્યાન આપશે?
વાત સાચી છે. સામાન્ય, ગરીબ, બ્લેક કે દલિત સ્ત્રી પર બળાત્કાર થયો હોત કે તેણે આ રીતે જાહેરમાં વાત કરવાની હિંમત કરી હોત તો તેને આટલું મહત્ત્વ મળત ખરું? અરે તેમના પર થયેલા બળાત્કારની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવતાંય તેમને આંખે અંધારા આવી જાય છે. અને તેમના પરના અત્યાચારના સમાચારો અંદરના પાને સૂવડાવી દેવાય અને તેની કોઈ ચર્ચાય ક્યારેય ન કરવામાં આવે. રાજકારણ પર લાંબી ચર્ચાઓ કરનારા પણ જાતીય સતામણીની વાત પર ચર્ચા કરવાનું ટાળે છે. લાખો સ્ત્રીઓના શરીરને અભડાવવામાં આવ્યું હોય તે છતાં એ ચર્ચાનો વિષય કે વિરોધનો વિષય નથી બનતો. હા, કેટલાક પુરુષો ચોક્કસ જ કહેશે કે અરે આમાં તો નિર્દોષ પુરુષ પણ કુટાઈ જશે. સાચી ફરિયાદ છે કે ખોટી કોણ નક્કી કરે? એવા સવાલોય ઉઠાવાય. અરે, ભાઈ આટલી બધી સ્ત્રીઓ જે અત્યાર સુધી સ્ત્રીનું શરીર હોવાને કારણે જ જે સહન કરી રહી હતી તેના પર વિચાર કરો તો સમજાશે કે એમનો શું વાંક હતો? એ લોકો પણ નિર્દોષ જ છે તે છતાં સતત રોજ એ શરીરને કારણે જે અવહેલના, અણગમતા સ્પર્શ બળાત્કાર કરતાં હોય મન પર તેની કલ્પના કેમ કરી શકતા નથી. તેની ચિંતા કેમ કરતાં નથી? તો શું દરેક સ્ત્રીને મા, બહેન ગણવી એવો તીખો પ્રશ્ર્ન સામે મારશે. ના, દરેક સ્ત્રીને મા કે બહેન ગણવાની જરૂર નથી પણ તેની ઈચ્છા અનિચ્છા તો જાણો... તેને વ્યક્તિ તરીકે આદર આપો. તેના પર આંખો કે શબ્દોથી કે સ્પર્શથી બળાત્કાર ન કરો.
0 comments