ન્યાય કોઈએ જોયો છે? (mumbai samachar)

08:19





અનીતા હીલનું નામ કોઈને યાદ નથી. આજે ૬૧ વરસની અનીતાને સૌથી વધુ આનંદ થાય છે કે આખીય દુનિયામાંથી એકી સાથે લાખો સ્ત્રીઓ પોતાની સાથે થયેલી જાતીય સતામણી વિશે બોલી રહી છે. ૨૬ વરસ પહેલાં અનીતાએ એકલપંડે જાતીય સતામણીની લડત લડી હતી. તેણે અમેરિકાના સુપ્રીમ કોર્ટના વડાં ન્યાયાધીશ કે જેનું નામ ત્યારના અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશે સૂચવ્યું હતું તેની સામે જાતીય સતામણીની ફરિયાદ કરવાની હિંમત દર્શાવી હતી.

૧૯૮૧માં અનીતા એજ્યુકેશન ઑફિસ ઑફ સિવિલ રાઈટ્સમાં થોમસની આસિસ્ટન્ટટ સેક્રેટરી હતી ત્યારબાદ ૧૯૮૨માં અમેરિકાની ઈક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપર્ચ્યુનિટી કમિશનમાં થોમસ ચેરમેન હતા ત્યાં એટર્ની એડ્વાઈઝર તરીકે જોડાઈ, પણ વરસમાં જ તેણે નોકરી છોડી દીધી. અને તે સ્કૂલ ઑફ લોમાં આસિસ્ટન્ટટ પ્રોફેસર તરીકે જોડાઈ હતી.

૧૯૯૧માં થોમસને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની હતી ત્યારે તેમના ચરિત્ર વિશે અભિપ્રાયમાં અનીતાએ જાતીય સતામણીની વાત કરી અને પછી તે ખાનગી વાત જાહેર થતાં કેસ ચાલ્યો હતો, પણ એ સત્તાશાળી પુરુષ થોમસની ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ. વરસો ચાલેલા એ કેસમાં અનીતાને સફળતા ન

મળી, પણ અનેક ઝંઝાવાતોની સામે તેણે પોતાનું સ્ટેન્ડ ન બદલ્યું. પહેલીવાર ટેલિવિઝનમાં દર્શાવાતાં કેસમાં જાતીય સતામણીની વાત માંડીને કરી.

સત્તા આગળ શાણપણ ન ચાલે પણ એક વાત જરૂર થઈ કે ત્યારબાદ અમેરિકામાં કામના સ્થળે જાતીય સતામણી વિરુદ્ધ સ્ત્રીઓએ બોલવાની હિંમત દર્શાવતા સેક્સુઅલ હરેસમેન્ટ વિશે જાગૃતી લાવવા પ્રયત્નો થયા, પણ અનીતા જે સ્કૂલમાં કામ કરતાં હતાં તેમાંથી એમને કાઢવાના પ્રયત્નો ય કરવામાં આવ્યા અને એમ ન થઈ શકતાં એ સ્કૂલ જ બંધ કરી દેવામાં આવી.

સેક્સુઅલ હરેસમેન્ટ એટલે કે જાતીય સતામણીની ફરિયાદો ખોટી જ હોય છે એવું માનતો પિતૃસત્તાક સમાજ હકિકતમાં તો સત્તાને જોરે સ્ત્રીઓનું શોષણ કરતો હોય છે.

મીટુ કેમ્પેઈન બાદ હમણાં સોશિયલ મીડિયા પર અને તેની બહાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જાતીય સતામણી કરનારના નામ જાહેર કરવા જોઈએ કે નહીં? ૨૪ ઑક્ટોબરે ફેસબુક પર રાયા સરકાર નામની વિદેશમાં રહેતી કાયદાની વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીઓમાં જાતીય સતામણીનો ભોગ બનનાર સ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલા જાતીય સતામણી કરનાર વ્યક્તિઓના નામનું લિસ્ટ જાહેર કર્યું હતું. એ લિસ્ટ તરત જ વાયરલ થયું. અને થોડો જ સમયમાં ઉતારી લેવામાં આવ્યું, કારણ કે દિલ્હીની કેટલીક પીઢ નામાંકિત નારીવાદીઓએ તેનો વિરોધ કર્યો. તેમનું કહેવું છે કે આ રીતે નામ જાહેર ન કરવા જોઈએ, પણ ડ્યુ પ્રોસેસ એટલે કે વિશાખા ગાઈડલાઈન્સ (૧૯૯૭) પ્રમાણે કેસ ચાલવો જોઈએ.

અમેરિકામાં અનીતા હીલનો કેસ થયો એ જ અરસામાં રાજસ્થાનમાં ભંવરી દેવી પર બળાત્કાર થયો, પણ તેના આરોપીઓ છૂટી ગયા. અદાલતે એમ કહ્યું કે સવર્ણો દલિતોને અડતા ય નથી તો બળાત્કાર ક્યાંથી થાય. એડ્વાન્સડ સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝ, ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના પ્રોફેસર વિભૂતિ પટેલ જેમણે વીસ વરસ સુધી આ વિશાખા ગાઈડલાઈન્સ હેઠળ કામના સ્થળે રચાતી સેક્સુઅલ હરેસમેન્ટની ફરિયાદ તપાસવાની ઈન્ટરનલ કમ્પલેઈન કમિટીમાં સક્રિય કામ કર્યું છે.

વિભૂતિ પટેલનું કહેવું છે કે મુંબઈ યુનિવર્સિટિની કમિટીમાં જ્યારે તેઓ હતા ત્યારે ૨૦૬ ફરિયાદ આવી પણ ફક્ત ૬ સ્ત્રીઓએ જ લેખિત ફરિયાદ કરતાં કેસ ચાલ્યો હતો. જાતીય સતામણીની માનસિક-શારીરિક પ્રતારણા તો ખરી જ પણ તેની ફરિયાદ કરીને એ તકલીફો ઓર વધે છે, કારણ કે સત્તા પુરુષો પાસે હોવાથી ન્યાય મેળવવો અઘરો જ નહીં અશક્ય બની જતો હોય છે. વળી ડ્યુ પ્રોસેસમાં ફરિયાદ કર્યા બાદ કમિટી તપાસ ત્રણ મહિના સુધી ચાલે. તે દરમિયાન ફરિયાદ કરનાર સ્ત્રીને વધુ પ્રતારણા સહન કરવાની. જો તે કોન્ટ્રેકટ પર એજ્યુકેશ સિસ્ટમમાં હોય તો નોકરી જાય, વળી કામ તો તેણે એ જ પુરુષ સાથે કરતાં રહેવાનું એટલે વધુ તકલીફો સહેવાની આવે. તેના પર બદલો પણ લેવાય વગેરે.

આજે સ્ત્રીઓ ભણીગણીને સફળ થવા લાગી છે એટલે પુરુષોને અસલામતીનો અનુભવ થાય છે એટલે સ્ત્રીને નીચી બતાવવા તે એવો અહેસાસ કરાવી શકે કે તે માંસનો ટુકડો જ છે. કેટલી સ્ત્રીઓને ન્યાય મળ્યો છે તે બતાવો? ૧૯૭૮માં નર્સ જે કોમામાં રહ્યા અને ગુજરી ગયા તે અરુણા શાનબાગ પર બળાત્કાર કરનાર વોર્ડબોય છૂટી ગયો. તે સમયે પણ હૉસ્પિટલમાં લોકો અરુણા માટે બોલતાં કે તે ચટક ચાંદણી હતી એટલે જ તેની સાથે આવું થયું. કેમ બીજી કોઈ નર્સ પર ન થયું. અરુણા હોશિયાર હતી. નિયમિત સારી રીતે કામ કરતી. એટલે સ્ટાફમાં લોકપ્રિય પણ હતી, જ્યારે પેલો વોર્ડબોય અનિયમિત અને કામચોર હતો એટલે તેણે સાંભળવું પડતું. પુરુષ તરીકે વઢ ખાવી કેટલું અપમાનિત હોય એટલે તેણે આ રીતે અરુણા પર બળાત્કાર કરી તેને મારી નાખવાની કોશિશ કરી બદલો લીધો.

મહિલા સામાજિક કાર્યકર્તા ફ્લેવિઆ અગ્નેશે એક આર્ટિકલમાં લખ્યું છે કે કાયદાને હું માન આપું છું, પણ જાતીય સતામણીના કેસમાં એકમાત્ર શક્તિ મીલ ગૅન્ગરેપ કેસમાં આરોપીને સજા સંભળાવવામાં આવી. બાકી જાતીય સતામણીના કેસમાં આરોપી કરતાં ફરિયાદ કરનાર સ્ત્રીએ જ ઘણું ગુમાવવું પડતું હોય છે.

જાતીય સતામણીના કેસમાં હજી વધુ કાયદાઓ અમલમાં મુકાય કે સખત પગલાં લેવાની જરૂર છે. આપણા નોબેલ વિજેતા વૈજ્ઞાનિક પચૌરી વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરનાર તેમની આસિસ્ટન્ટટ સ્ત્રીએ હાલમાં જ એક લેખમાં સ્ત્રીઓને ચેતવી છે કે જાતીય સતામણી વિરુદ્ધ ફરિયાદ કરો તો સૌ પહેલાં તમારું બૅન્ક બેલેન્સ બનાવો, પછી નોકરી છોડી દો, વકિલ શોધો અને દરેક જાતના અપમાનો માટે મન મક્કમ કરો.

પચૌરી હોય કે તરુણ તેજપાલ હોય તેમને સપોર્ટ કરનાર પિતૃસત્તાક માનસિકતા પુરુષો અને સ્ત્રીઓમાં પણ છે જ. રાયા સરકારના લિસ્ટમાં ભારતની દરેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ હતી. રાયા સરકારનો ઉદ્દેશ હતો કે સતામણી કરનારના નામ જાહેર થાય તો બીજી સ્ત્રીઓ પોતાને સજ્જ કરી શકે, બચાવી શકે.

સતામણીનો ભોગ બનનાર સ્ત્રીનું નામ જાહેર ન કરવું, કારણ કે તેણે હજી વધુ તકલીફો ન સહેવી પડે. કેટલાકને વાંધો છે કે નિર્દોષ પુરુષોને અન્યાય થાય છે, પણ એ તો વિચારો કે જે સ્ત્રી ફરિયાદ કરે છે તેણે જ સજા ભોગવવી પડતી હોય છે તેવો ઈતિહાસ રહ્યો છે. જાતીય સતામણી કરનાર પુરુષ તો સત્તા સ્થાને હોય છે અને જે સ્ત્રીઓ મજબૂર હોય છે કામ કરવા તેમનું જ જાતીય શોષણ તેઓ કરતાં હોય છે. સત્તા ધરાવતી સ્ત્રીની સાથે તેઓ સારી રીતે વર્તતા હોય છે. જાતીય સતામણી સહેનાર મોટાભાગની સ્ત્રીઓ સામનો કરવાનું કે ફરિયાદ કરવાનું ટાળતી હોય છે, કારણ કે તેમણે પિતૃસત્તાક સમાજમાં જીવવાનું હોય છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને બ્રિટિશ કાઉન્સિલે હાલમાં જ કરેલા સર્વે અનુસાર યુનિવર્સિટીઓમાં ફક્ત ૩ ટકા વાઈસ ચાન્સેલર સ્ત્રીઓ છે અને ૧.૫ ટકા સ્ત્રીઓ જ પ્રોફેસર પોઝિશન ધરાવે છે. એટલે કે સત્તા સ્થાને પુરુષો જ છે. બાકીની સ્ત્રીઓ તેમના હાથ નીચે મોટાભાગે ટેમ્પરરી પોઝિશનમાં કામ કરતી હોય છે, જેમની પોતાની અનેક મજબૂરીઓ હોય છે કામ કરવા માટે.

વિશાખા ગાઈડલાઈન્સ વિશે વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ ઑફ વિમેન્સે જ કહ્યું છે કે કામ કરતી ૬૦ ટકા સ્ત્રીઓને આ કાયદાની જાણકારી નથી. અને જેટલી પણ સ્ત્રીઓએ ફરિયાદ કરી છે તેમણે જ સજા ભોગવી છે, કોઈ પુરુષને સજા થઈ હોવાનું સાંભળ્યું છે કદી? ૨૦૦૫માં ઈન્ડિયન ઍરફોર્સની પાયલટ અંજલી ગુપ્તાએ તેના ત્રણ સુપિરિયર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરી તો અંજલીને જ કોર્ટમાર્શલ કરવામાં આવી.

વરસ બાદ ત્રણ ટ્રેઈની સ્ત્રીઓને પણ જાતીય સતામણીની ફરિયાદ કરવા બદલ કાઢી મૂકવામાં આવી હતી. એક તો આવી ફરિયાદ કરવાની હોય છે તો પણ પુરુષોને જ. દરેક જગ્યાએ પુરુષો જ સત્તા પર હોય છે જેમને જાતીય સતામણી સમસ્યા લાગતી નથી. કેપીએમજી જેવી મોટી ઑડિટ સંસ્થામાં પણ એક મોટા હોદ્દા પર કામ કરતી સ્ત્રીએ પોતાના સહકાર્યકર વિરુદ્ધ ફરિયાદ કરી તો તેને નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી.

જેટલા પણ જાતીય સતામણીના કેસ થયા છે તેમાં ભાગ્યે જ કોઈ પુરુષને સજા થઈ છે, કારણ કે તેમાં કોઈ પુરાવા સ્ત્રી પાસે હોતા નથી. સ્ત્રી ખોટી ફરિયાદ કરે છે તે કહેનારે હકિકત જોવી જોઈએ કે ફરિયાદ કરનાર સ્ત્રીએ ત્યારબાદ અનેક કિંમત ચૂકવવી પડતી હોય છે, જ્યારે પુરુષને કોઈ જ કિંમત ચૂકવવાની હોતી નથી.

પુરુષપ્રધાન સમાજમાં આજે સફળ અને બૅન્ક બેલેન્સ ધરાવતી સ્ત્રીઓ બોલી શકે છે, પણ ગરીબ અને સામાન્ય સ્ત્રીઓ તો બોલી પણ શકતી નથી. મીટુ કેમ્પઈન બાદ ફક્ત થોડી ઘણી સ્ત્રીઓએ બોલવાની હિંમત કરી પણ તેમના ય અવાજ સ્થાપિત હિતો દ્વારા દબાવી દેવામાં આવે છે.

You Might Also Like

0 comments