પુરુષ તરીકે શું પરિવારને સમૃદ્ધિ અને
સગવડો આપવી તે જ જવાબદારી છે?
ગાડી ઉપડી રહી હતી અને હું લેડિઝ ડબ્બા સુધી
પહોંચી ન શકી એટલે કોમન ડબ્બામાં ચઢી ગઈ. ડબ્બામાં કેટલાક પુરુષો જે તેમની
વાતચીતમાંથી બિઝનેસમેન જેવા લાગી રહ્યા
હતા. તેઓ મોટેમોટેથી ચર્ચાઓ કરી રહ્યા હતા. ટેક્સને કારણે ધંધાને પડતી અસરો. તેમની
વાતોમાં એક જ સૂર હતો કે તેમની આવક ઓછી થઈ ગઈ હતી અને તકલીફો વધી ગઈ હતી. પણ થોડી
જ વારમાં તેમની વાતોનો ટોપિક બદલાયો. કોઈના દીકરાના લગ્નની વાત ચાલી. ફાઈવસ્ટાર હોટલ
આખી બુક કરી છે થાઈલેન્ડમાં. ચાર દિવસ માટે તે પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે. બસો
મહેમાનોને ભારતથી ત્યાં લઈ જવાના છે. તો બીજાએ પણ વાત કાઢી કે આવતા વરસે તેમની
દીકરીના લગ્ન છે એટલે તેમણે ગોવા જવાનું નક્કી કર્યું છે. ભાવતાલ અને પેકેજ માટે
ખેંચતાણ ચાલી રહી છે. સહેજે કરોડોમાં
લગ્નના ખર્ચાઓ થાય તેની ચર્ચા પણ સહજતાથી થઈ. મને નવાઈ લાગી કે આમાં આવક ક્યાંથી
ઓછી થઈ અને આ વેપારીઓને ક્યાં તકલીફો પડી રહી છે? વળી
તેમાંથી એક બીજી વાત છેડાઈ કે આટલા ખર્ચા પછી ય લગ્નજીવન ટકશે કે નહીં તેની ખાતરી
નથી. તેમને હવે સામી વ્યક્તિઓ પર વિશ્વાસ નથી. બધા લૂંટે જ છે બીજાને એવા આક્ષેપો
ય થયા. છેવટે શું થાય પુરુષોએ કુટુંબની સુખસગવડો અને અપેક્ષાઓ પાર પડવી જ પડે કાંઈ
છૂટકો છે કહીને છૂટા પડ્યા.
આજે આપણે ગ્લોબલ વિલેજની વાત કરીએ છીએ, પણ આપણે
આપણા સલામત ખૂણાઓ છોડીને વિશ્વરૂપે જોઈએ છીએ ખરા એવો સીધો સવાલ આપણે આપણી જાતને
પૂછવાનો છે. ઉપરોક્ત વેપારી પુરુષોની ચર્ચાઓ સાંભળ્યા બાદ હાલમાં જ બે ભિન્ન
સ્તરના અનુભવોમાંથી પસાર થવાનું બન્યું હતું તેની સરખામણી થઈ. એક તો ગુજરાતી ફિલ્મ ચાલ મન જીતવા જઈએ જોઈ અને
બીજું લી યંગ લી નામના આંતરરાષ્ટ્રિય કવિની મુલાકાત વાંચી. ગુજરાતી ફિલ્મમાં એક
કુટુંબની પોતાની પૈસાટકે ખુવાર થવાની સમસ્યાની વાત છે. અનેક લોજીક સ્તરથી ઉપર
વહેતી એ વાતમાં સ્પષ્ટ થાય છે કે ગુજરાતી પુરુષની એક જ મનસા હોય છે. પોતાના
કુટુંબને જરૂરી ન હોય એ બધી જ સુખસગવડો આપવી તે એની ફરજ છે છે એવું માનવું. સ્થૂળ
સુખસગવડો કેટલી મહત્ત્વની હોય છે તે જ સંદર્ભે જીત અને સફળતાને મુલવાય છે. સતત
એસીમાં ઉછરેલા, પીત્ઝા અને મોટરગાડી સિવાયની દુનિયા વિચારી ન શકતા બાળકોમાં મૂલ્યો
અને સંસ્કારની વાત આવે તે માનવું અઘરું લાગે છે. ગુજરાતી પુરુષનું શું એક જ લક્ષ્ય
હોય કે પત્નીને ઘરેણાંથી લાદી દેવી અને બાળકોને એસી ગાડી, એસી ઘર અને ક્રેડિટ
કાર્ડ આપવા.
લી યંગ લી મૂળ ચીનનો છે પણ ઈન્ડોનેશિયામાં
જન્મ્યો અને ઉછર્યો. હાલ અમેરિકામાં રહે છે. તેણે ઘર વિશેના તેના ખ્યાલ વ્યક્ત કરવાનું કહેતા
કહે છે કે ઘર એ શબ્દ છે જેના દરેક પોતાની રીતે અર્થ કરે પણ મોટેભાગે લોકો પોતાની
ફેઈલ્યોરિટીની જવાબદારી બીજા પર નાખી દેવા માટે ઘરનો ઉપયોગ કરતા હોય છે. ઘરનો એક
ખ્યાલ સલામતી છે પણ ખરેખર તે હોય છે ખરું. લોકો દેશને પણ ઘર માનતા હોય છે કે એક
સ્ટ્રકચર એટલે કે ચાર દિવાલોના એક સ્ટ્રકચરને પણ ઘર માનતા હોય છે. પણ ઘર એક
માનસિકતા છે. હું ને મારા ભાઈબહેનોના ઉછેરમાં જ એક સમજાઈ ગઈ હતી કે અમારા માતાપિતા
અમારી રક્ષા કરી શકે કે સલામતી આપી શકે એમ નહોતા. (લીં યુંગ લીના દાદા ચીનના પ્રથમ
રિપબ્લિકન પ્રમુખ હતા. તેના પિતા એક રાજકારણીના અંગત ડોકટર હતા ઈન્ડોનેશિયામાં
તેમને રાજકિય જેલ ભોગવવી પડી હતી) બીજાની
ભૂલો અને અપરાધની સજા મારા માતાપિતાએ ભોગવવી પડી હતી. ચીન છોડીને ઈન્ડોનેશિયમાં
નવેસરથી શરૂઆત કરી, બાળકોની સુરક્ષા માટે તેમણે ઈન્ડોનેશિયા છોડીને અમેરિકા
રેફ્યુજી તરીકે રહેવું પડ્યું. આવી પરિસ્થિતિમાં તમે “ઘર” કોને કહો. મારી પરિસ્થિતિમાંથી પસાર થયા સિવાય આ
વાત સમજવી મુશ્કેલ છે પણ આજે હું વિશ્વમાં જોઉં છું કે આજે દરેક વ્યક્તિ બીજાને
બ્લેમ કરે છે. પોતાની જવાબદારી કોઈને
સમજવી નથી. આજે દરેકને માટે ઘર એક સમસ્યા છે.
એમ જોવા જઈએ તો આ પૃથ્વી પણ આપણું ઘર જ છે ને ! આખીય પૃથ્વી ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. તેના
વિશે આપણે કેમ વિચારતા નથી. આપણા ઘરની જવાબદારી બીજાની કેવી રીતે હોઈ શકે.
લીં યુંગ લીની વાત વિચારવા જેવી નથી લાગતી.
એકમાત્ર આપણું ઘર ચાર દિવાલોમાં તો નથી જ ને. આપણા વેદ-ઉપનિષદમાં પણ પૃથ્વીને માતા
કહી છે. વૈશ્વિક વિચાર આપણી સંસ્કૃતિ છે પણ આપણે ફક્ત આપણા જ અંગત સ્વાર્થ વિશે
વિચારીએ છીએ. જો સમાજ, દેશ અને દુનિયામાં બધું બરાબર નહીં હોય તો આપણું ઘર પણ સલામત નહીં હોય. સાચો પુરુષ એ જ છે કે પોતાની જવાબદારી સમજે અને
યોગ્ય રીતે વર્તે. આપણી આસપાસની દરેક વ્યક્તિ, દરેક બાબતનો આદર કરે. પોતાની સફળતા
માટે જેમ પોતે યશ લે છે તેમ નિષ્ફળતાનો સ્વીકાર કરવાનું વિચારે. પુરુષ એ જ છે કે
સ્ત્રીનો, સંપત્તિનો, સમાજનો આદર કરે. પોતે આદર કરશે તો બાળકો પણ આદર કરતા શીખશે.
આપણે આસપાસ જોઈશું તો મોટાભાગના પુરુષો બિઝનેસ ન ચાલવા માટે સરકારની પોલીસીને દોષ
દેશે. આ આજનું નથી. લોકો તેને મોદી સાથે ન સાંકળે. પોતાની નિષ્ફળતાને મોટાભાગના
પુરુષો પરિસ્થિતિ અને બીજાઓને જવાબદાર ઠેરવશે. સફળ એ જ હોય છે જે દરેક
પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા તૈયાર હોય છે. અને સફળતા પૈસાથી માપવી નકામી છે.
ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે અનેક પૈસાદારો ખાલી હાથે સ્થળાંતર કરવા તૈયાર
હતા. સીરિયા અને પેલેસ્ટાઈનમાં સલામતી અને શાંતિ વધારે મહત્ત્વની છે. ધારો કે એક
દિવસ કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિને બ્લેમ ન કરે તો ? લી
યુંગ લીની મુલાકાતમાં કહેલી એક વાત ખૂબ સ્પર્શી ગઈ. તે એ કે આ પૃથ્વી પર આપણે બધા,
હું તમે એકેએક જણ હિંસા, તોડીનાખનારા, સતત અપેક્ષાઓમાં જીવનારા, સતત ભેદભાવ
રાખનારા, રચનાત્મક, નવી જાણકારી, નવા આઈડિયાઝ, પ્રેમાળ, ઋજુ, સ્વાર્થી,
તુમાખીભર્યા, સંવેદના વિનાના, દંભી છતાં વિઝનરી પ્રાણીઓ છીએ. આપણે સતત ભેદભાવ સાથે
સમાજવ્યવસ્થા જાળવી રાખી છે. તે જાળવવા માટે અનેક વાર્તાઓ, કથાઓ અને ગીતો પણ રચ્યા.
તેના મતે વિશ્વભાવનાની વાત કરીએ છીએ પણ આપણામાં વિશ્વભાવના કેળવતા જ નથી. કોઈ એવો
સમાજ છે જ નહીં જે પોતાને બીજાથી જુદો કે અલગ ન માનતો હોય. ઘર, પરિવાર, દેશ, જાતિ,
વર્ગભેદ, ધર્મ, જાતીય પસંદગી, સાહિત્ય એ દરેકનો શું મતલબ જો આપણે સતત એકબીજાને
મારી નાખવા, ખતમ કરવા માટે તૈયાર હોઈએ તો?
પૃથ્વી આજે બિયોન્ડ રિપેર થઈ ગઈ છે.
આ કવિ કોઈપણ દેશનો હોય અને તમે એને વાંચ્યો હોય
કે ન વાંચ્યો હોય કે પછી ક્યારેય તેનું નામ ન સાંભળ્યું હોય તે છતાં એણે જે વાત
કરી છે તે ખૂબ વિચાર માગી લે એવી છે. આપણે
આપણા બાળકોને કેવું ભવિષ્ય આપવા માગીએ છીએ તે વિચારવાની જરૂર છે. સોશિયલ મીડિયા,
અખબાર કે ટેલિવિઝન પર સતત તમને ઘર્ષણ અને આક્ષેપોની, હિંસાની જ ભાષા સંભળાય છે.
પછી આપણે કહીએ કે આજકાલ યુવાનો ખૂબ હિંસક બની રહ્યા છે. કેરલેસ એટલે કે બેતમા બની
રહ્યા છીએ. તો એમાં વાંક કોનો આપણો જ ને. જેવા આપણે છીએ એવો જ સમાજ આપણે રચીએ છીએ.
સ્વ.નારાયણ ગાંધીએ એકવાર પોતાના પ્રવચનમાં સરસ વાત કહી હતી તે અહીં યાદ આવે છે.
આપણી દરેક પ્રવૃત્તિ અને દરેક વિચારોની અસર વિશ્વ પર પડે છે. કારણ કે દરેક વ્યક્તિ
અને વસ્તુ એકબીજા સાથે જોડાયેલા છે. તેને નકારી ન શકાય.
દરેક વ્યક્તિ એ જ હવા લે છે જે કુદરતી રીતે મળે
છે. તેના પર જો સીમઓ બાંધી શકાતી હોત તો હવાના ય દામ લાગત અને તેને માટે પણ હિંસા
અને લડાઈઓ થતે. પૃથ્વી આપણે નથી બનાવી, તે છતાં જમીનના ટુકડા માટે આપણે લડીએ છીએ.
તેના પર આપણો માલિકીભાવ દિવાલો રચીને સાબિત કરીએ છીએ. ઘરની સલામતીની વ્યાખ્યા પણ
છેતરામણી જ છે એ વાત કેટલી સાચી છે. શબ્દોની પેલે પાર જઈને આપણે નવા સમાજની રચના
માટે વિચારવું રહ્યું. સલામતીની ખોટી વ્યાખ્યામાં આપણે હિંસક, ભેદભાવયુક્ત માહોલ જ નથી રચી રહ્યાને એ
વિચારવું જોઈએ.
- 08:57
- 0 Comments







