ચોરસ ટીપું (mumbai samachar 8-3-18)
05:05
– મહિલા દિનની સૌને શુભેચ્છા, આજે
મહાનતાની વાત નથી કરવી બસ મારા તમારા વિશ્વની વાત કરીએ.
મહિલા દિન ઉજવવાની શરૂઆત સમાન અધિકારની માગ માટે
થઈ હતી પણ આજે આપણે તે સમાન અધિકાર
પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવા માટે ઉજવીએ છીએ. સમાન અધિકાર એટલે શું? એવું
તમારામાંથી કેટલાયને થાય પણ ખરું. અમને તો કોઈ અન્યાય થતો હોય એવું નથી લાગતું.
અમારું જીવન સરસ રીતે જીવાયું છે અને જીવાઈ રહ્યું છે. નારીવાદએ ખરેખર નારીઓના ભલા
માટે છે? એવો સવાલ પણ મને પૂછાયો છે. તો ચાલો આજે રસોઈઘર
જે મહિલાઓનો ઓરડો છે એવું મનાય છે તેની વાત કરીએ. મહિલા દિન નિમિત્તે દર વરસે લખાતો ઈતિહાસ અને
મહાન નારીઓની ગાથાઓ નથી લખવાં આજે. હા, કોઈક ઈન્દ્રા નુયી બને, સુષમા સ્વરાજ બને, ફાઈટર પ્લેન ઉડાવનાર પહેલી મહિલા અવનીનું ગૌરવ
થાય. કારણ કે આ બધા ચોરસ ટીપાં છે. આ વિચાર આવ્યો આપણાં જાણીતા લેખિકા ધીરુબહેન
પટેલની વાર્તા ચોરસ ટીપું વાંચીને.
આ વાર્તા આમ તો બાળવાર્તા છે. 92 વરસના ધીરુબહેન
બાળવાર્તા લખે તેમાં કલ્પનાનો વિસ્તાર સમજના દરેક સીમાડાને તોડીને અવકાશમાં વિહરે
છે. સૌથી સરસ વાત એ છે કે સમજની કેટલીક બાંધેલી વાખ્યાઓ તોડવાની વાત ધીરુબહેન કરે
છે. ટીપું ગોળ જ શું કામ એવો કોઈ બાળકને વિચાર આવી શકે. પણ પાણીનું ટીપું ગોળ જ
હોય એ વિશે આપણને ક્યારેય પ્રશ્ન નથી થતો. રોટલી પણ ગોળ જ હોય તે ચોરસ કે ત્રિકોણ
ન હોઈ શકે. સ્ત્રીએ રસોડું સંભાળવાનું જ, અમુક જ રીતે વર્તવાનું, અમુક જ રીતના
કપડાં પહેરવાના, હવે તો ઉપભોક્તાવાદ વધ્યો હોવાથી કમાણી કરવા પણ જવાનું અને સાથે
ઘરની દરેક જવાબદારી પણ નિભાવવાની. સ્ત્રી જો લગ્ન ન કરે અને કરે તો ય રસોડામાં જાય
જ નહીં, ધારોને કે આજે પુરુષ વર્તે છે એ જ રીતે વર્તે તો? એવી કલ્પના ભાગ્યે જ કોઈ પુરુષ કે સ્ત્રી કરી
શકે કે સ્વીકારી શકે. મોટાભાગના પુરુષને
આજે પણ આવી સ્ત્રી જીવનસંગીની તરીકે ન જ ચાલે. તેને તો નક્કી કરેલાં
માપદંડવાળી પાણીના ગોળ ટીપાં જેવી સ્ત્રી
જ જોઈએ. તેનો બીજો કોઈપણ આકાર તેને સ્વીકાર્ય નહીં બને. સ્ત્રીને ચોઈસ આપવામાં નથી
આવતી. આ ચોઈસ આપવી એટલે સમાનતા. બીજાને
ગમે તે પ્રેમ હોઈ શકે, પણ પોતાને જે ગમે છે તે કરવું સ્ત્રી પોતે પણ વિચારી શકતી નથી અને પોતાને ગમે
તે કરી શકવું એ સ્ત્રી માટે ય પણ પ્રેમમાં શક્ય બનવું જોઈએ .
ધીરુબહેન પટેલ મારા પ્રેરણામૂર્તિ છે કારણ કે તેઓ
સહજ રીતે સ્ત્રી અને પુરુષના વ્યક્તિત્વનો સ્વીકાર કરે છે. તેમના સાહિત્ય સર્જનમાં
જાતિવાદ નથી. કોઈ સામે વિરોધ નથી
હોતો પણ અન્યાય સામે હંમેશ કલમ અને જીવન
દ્વારા પોતાનો મત વ્યક્ત કર્યો છે. એટલે જ તેમણે સ્ત્રીના પર્યાયવાચક બનેલા રસોડા વિશે
સો કાવ્યો લખ્યા છે. ધીરુબહેનને ગાંધીઅન વિચારધારા ધરાવતાં માતાપિતાએ ઉછેરમાં જ કેટલાક
ગુણો રોપી દીધા હતા તે એમને મળનાર દરેક જોઈ શકે છે. ખાદીની સુતરાઉ સાડી, ગળામાં
તુલસીની કંઠી, ચહેરા પર રમતિયાળ સ્મિત. ગૃહિણીઓને સાહિત્ય વાંચતાં, લખતાં કરવા તે
એમનું અન્ડરકવર એજન્ટ જેવું કાર્ય. હાલ અમદાવાદ રહે છે તો ત્યાં પણ વિશ્વા નામે
ગૃહિણીઓનું એક ગ્રુપ રચ્યું અને તેમને પોતાની જાતનો પરિચય કરાવે છે. સ્ત્રી
હોવાને કારણે નહીં પણ સર્જક હોવાને લીધે તેઓ દરેક રસોઈઘરમાં ડોકિયું કરે છે અને
તેમને વિવિધ વ્યંજનોની સાથે સંબંધો,સ્નેહ,
લાગણીઓની સોડમ આવે છે જેને તેમણે
કવિતારૂપે લખી. તેમની કિચન પોએમ્સ પહેલાં અંગ્રેજીમાં
લખાઈ હતી. ત્યારબાદ કિચન પોએમ્સ ત્યારબાદ જર્મનીમાં, મરાઠીમાં અને અન્ય ભાષાઓમાં
પણ અનુવાદિત થઈ. છેલ્લે તેમણે જાતે ગુજરાતીમાં અનુવાદ કર્યો. ધીરુબહેનની વાત એટલે
કરી કે તેમના કિચન પોએમ્સમાં જે સ્ત્રીનું ભાવ વિશ્વ રજુ થયું છે તેમાં ક્યાંક
તમને તમારી જ વાત પણ જડી આવે.. પીટર દ ઓનિલ ભારતના રોઈટર્સના ખબરપત્રી હતા તેમણે આ
કિચન પોએમ્સ વરસો પહેલાં લંડનમાં ઓનલાઈન પ્રસિદ્ધ કરી હતી. તેમણે કિચન પોએમ્સ વિશે
લખ્યું છે કે, “કોઈ વીસરાઈ ગયેલા મસાલાની ગંધ કે માના હાથની
સ્મૃતિથી આજે પણ આપણા દિલમાં જે ફરી વાર જાગી ઊઠે છે તે અમૂલ્ય અનુભૂતિ આપણી
મોંઘામૂલી મુડી છે. ધીરુબહેન જ્યારે ચપટીક આ ને ચપટીક તે ની વાત કરે છે ત્યારે
કેવો ખજાનો આપણી સામે પથરાય છે.” તેમની કેટલીક કવિતાઓ જોઈએ કદાચને તેમાં આપણો જ
કોઈ ચહેરો દેખાય...
‘રસોઈનું રણશિંગું ફૂંકાશે
પ્રતિદિન ત્રણ ત્રણ વાર
રોજે રોજ – હરરોજ – દરરોજ !
ક્યારેય ખાડો નહીં,
શ્વાસ ખાવાયે અટકવાનું નહીં.
આવી એકધારી મજૂરી એટલે કેટલા કલાકો થયા જીવનના? ’
અવની ચતુર્વેદી ભલે આકાશે ઊડતી પણ મોટાભાગની
યુવતીઓનું ધ્યેય હોય છે સારું કમાતો, દેખાવડા યુવક સાથે પરણી જવું. ધીરુબહેનની
કવિતામાં એ પ્રતિબિંબ થાય છે.
‘ પણ એ ગર્વીલો માણસ મને જોઈએ છે.
મારે એને મારો પોતાનો કરી લેવો છે.
એટલે હું રાંધતાં શીખીશ
અને એના હૃદય લગી પહોંચવાનો
બીજો કોઈ રસ્તો નહીં જડે ત્યાં લગી
એને જમાડીને જ જીતી લઈશ. ’ તો વળી આગળ બીજી એક કવિતામાં લખે છે કે
‘લોકો કહે છે કે ,
પશ્ચિમના કેટલાક દેશોમાં
રસોડું જ મહત્ત્વનું ગણાય છે.
સૌથી વિશાળ, સૌથી સરસ
વધારેમાં
વધારે હવા-ઉજાસવાળો ઓરડો
રસોડા માટે રખાય છે.
હશે ! પણ
રસોડું શું એવી જગ્યા નથી.
જ્યાં રસોઈ થતી હોય?
અને રસોઈ હંમેશા સ્ત્રીઓને જ નથી કરવી પડતી ?
જેલ મોટી હોય કે નાની,
અંધારી હોય કે પ્રકાશવાળી,
તેથી કંઈ ખાસ ફરક પડે ખરો? ’
રસોઈઘર કે રસોડા વિશે તેમણે નારીજગતની દરેક અવસ્થા અને લાગણીઓને આવરી
લીધા છે. નવી વહુ માટે કહે છે કે,
‘ અલી નવી વહુ ! મારી
સામે ડોળા ન કાઢ.
મેં તને મારો દીકરો આપ્યો છે, રસોડું નહીં.’ તો વળી શીતળા સાતમનો અનુભૂવ કહે છે કે, ‘
આજે રસોડું શાંત છે. એકલું પોતાની જાત સાથે મઝા કરે છે. આજે એની
વાર્ષિક રજા છે ને!’
ધીરુબહેન કવિતામાં કોઈપણ સ્ત્રીને બજારમાં કેરી
કે નવું વાસણ જોઈને જે આનંદ થાય છે તે પણ વણી લીધો છે. આકાશમાં ઊડવાનો જે આનંદ
અવનીને મળી શકે છે કે સુષમા સ્વરાજને જે આનંદ લોકસભામાં દલીલ કરીને મળી શકે છે તે
જ આનંદ કોઈ ગૃહિણીને નવી વાનગી બનાવીને કે પછી રસોડા માટે નવી વસ્તુ ખરીદવામાંથી ય
મળી શકે છે. તો વળી કોઈને રોજ રોજની આ એકધારા કામથી કંટાળો ય આવી શકે છે. તો વળી
કોઈ સ્ત્રીને કદી રસોડામાં જવું જ ન હોય તે ય શક્ય છે. સ્ત્રી પોતાની મરજીથી
અન્નપૂર્ણા બને કે પછી ડોકટર કે રાજકારણી કે પછી પાયલટ કે વ્યવસાય કરે તે પોતાની
મરજીથી જીવનનો નકશો બનાવે તે જ યોગ્ય છે. ધીરુબહેને ફિલ્મ, વાર્તાઓ, નાટકો,
બાળવાર્તાઓ, નવલકથા એમ અનેક રચનાત્મક સાહિત્યની રચના કરી છે. અને હા સ્ત્રીના એટલે
કે આપણા મનની વાત કિચન પોએમ્સમાં આલેખી છે
તેમના વિશે આટલું જ જાણવું બસ નથી પણ તેઓ
પરણ્યા છે કે નહીં તેનાથી કોઈ ફરક પડે ખરો? એક વ્યક્તિ તરીકે તેઓ પોતાની ટર્મ્સ એન્ડ
કન્ડિશન સાથે જીવ્યા છે અને હજી ય એ જ રીતે જીવે છે.
ધીરુબહેનના જીવનમાંથી પ્રેરણા લઈને મહિલા દિને
આપણે આપણી જાતને વ્યક્તિ તરીકે જોવાનો પ્રયત્ન કરીએ. એવી વ્યક્તિ કે જે પ્રેમ કરી
શકે છે પણ લાગણીવેડા નથી કરતી. બીજાને આદર આપે છે પણ પોતાના વ્યક્તિત્વને પણ સાચવે
છે. બીજાની ઈચ્છાઓને પૂરી કરે છે તેની સાથે પોતાની ઈચ્છાને દિલના છાના ખૂણે ધરબી
નથી દેતી. તે પાછળ કે આગળ નહીં સૌની સાથે ચાલે છે. આ વખતનો મહિલા દિનનો થીમ છે
પ્રેસ ફોર પ્રોગ્રેસ. વિકાસ માટે પ્રયત્ન કરીએ. સ્ત્રીનો વિકાસ થાય તો આખા
કુટુંબનો અને સમાજનો વિકાસ થાય છે.
0 comments