સત્તા, સેક્સ અને ઈડિપસ કોમ્પલેક્સ
22:31
પૌરુષિય અહંકાર પુરુષને પોતાને અને
બીજાને પણ વાગતો હોય છે. સત્તા અને સેક્સ એ બે તેના પાવરપ્લે હોય છે.
અમેરિકન લેખક ટકરમેક્સના લાખો વાચકો છે. તેનું
કારણ છે કે જે બીજા પુરુષો નથી કરી શકતા તે એણે કરી બતાવ્યું. તેણે પોતાની
ડ્રિન્કિંગ હેબીટ, આલ્કોહોલ પીવાની આદત અને સેક્સ વિશેની વાતો જાહેરમાં લખવાનું
શરૂ કર્યું હતું. શરૂઆત તેણે બ્લોગથી કરી હતી પણ પછી તેનું પુસ્તક પણ બહાર પડ્યું
અને તે બેસ્ટસેલર બન્યું. જો કે હવે તે બેડબોયમાંથી ગુડબોય બની રહ્યો છે એવું પણ
તેણે કબૂલ્યું છે. એના પુસ્તકનું નામ છે કે ‘આઈ હોપ
ધે સર્વ બીઅર ઈન હેલ’ ખાસ્સુ
ચર્ચામાં રહ્યું તે પુસ્તક. તેણે થોડો સમય પહેલાં લખ્યું કે હવે હું બોલ્ડ નહીં
લખું કારણ કે હવે મને સમજાયું છે કે એ યોગ્ય નથી એટલે મારું જીવન બદલાઈ ગયું છે.
હું જે જીવતો ન હોઉં તે લખવાનો અર્થ નથી. હવે ટકરમેક્સ સલાહકાર તરીકે લખે છે. બાય
ધ વે એ લેખક જ નહીં સારો વક્તા પણ છે. પૌરુષિય અહમને બુસ્ટ કરતા લખાણો તે લખતો અને
એટલે જ તેના લાખો ફોલોઅર છે.
ટકરમેક્સ પ્રસિદ્ધ થયો કારણ કે આપણે દંભી
સમાજવ્યવસ્થાના ભાગ છીએ એટલે કેટલીક બાબતો વિશે ક્યારેય વાત નથી કરતા. સ્ત્રીના
માસિક સંદર્ભ વિશે જેમ વાત નહોતી થતી એ જ રીતે સેક્સ વિશે પણ વાત કરવાનું ટાળતા
હોઈએ છીએ. તેમાં ય સેક્સપ્રચૂર જોક્સ આપણે એકબીજાને ચોક્કસ ફોરર્વડ કરીશું પણ
કેટલીક બીમારી વિશે કે આપણા માટે જરૂરી હોય તેવી બાબત વિશે વાત કરવાનું આપણે ટાળતા
જ હોઈએ છીએ. બીજી સ્ત્રીઓની સુંદરતા અને સેક્સ અપીલ વિશે વાત કરવી જેટલી સહેલી
લાગે છે પુરુષોને એટલી જ સહજતાથી પોતાના સેક્સુઅલ પ્રોબલેમ વિશે વાત કરી શકાતી
નથી. મિત્રો સાથે તો નહીં જ પણ ડોકટર પાસે પણ જવાનું મોટાભાગે ટાળવામાં આવે છે.
સેક્સુઅલ સમસ્યાઓને અનામી પત્રવ્યવહાર કરીને અખબારોની કોલમમાં પૂછી લેવાની. તેમાં
પણ સૌથી વધુ પ્રશ્નો શીઘ્ર સ્ખલન સંદર્ભે જ આવતા હોય છે. પુરુષો માટે લીબીડો એ ખૂબ
જ મહત્ત્વની બાબત હોય છે. લીબીડો એ પુરુષનું પુરુષાતન કે ઈગો છે એમ જ કહો ને.
તે છતાં તેના વિશે ક્યારેય ચર્ચા કે સલાહ લેવાના
પ્રયત્નો મોટાભાગના પુરુષો નથી કરતા. મુંબઈના પરાંમાં પ્રેકટિસ કરતા એક જાણીતા
સેક્સોલોજીસ્ટે ઈન્ટરવ્યુ દરમિયાન
જણાવ્યું હતું કે સેક્સુઅલ સમસ્યા સંદર્ભે પુરુષો ખૂબ જ ઓછા આવે છે. અને તેમાં પણ
મોટાભાગના લોકો પોતાનું સાચું નામ પણ છુપાવે અને કેટલીય જરૂરી હકિકત પણ છુપાવતા
હોય છે. તેમની માનસિક સારવાર કરવાની જરૂર લાગતી હોય છે પણ પુરુષો ખુલીને વાત કરી
શકતા નથી. તે સમયે એવા પુરુષની સારવાર કરવી ખૂબ અઘરું હોય છે. લીબીડો એટલે કે
જાતિયવૃત્તિ સાથે તેમનું પુરુષપણું જોડાયેલું હોય છે. તેને કારણે તેઓ ખૂબ ક્રોધી,
ઝઘડાળું, શંકાશીલ અને મારપીટ પણ કરતા હોય છે. ક્યારેક જાતીય સતામણી પણ આવા પુરુષો
જ કરતા હોય છે. આ વાત એટલે કરવી પડી કે છેલ્લા વરસથી નામાંકિત અને શિક્ષિત
પુરુષોના નામ મીટુ કેમ્પઈન એટલે કે જાતીય સતામણીના સંદર્ભે બહાર આવ્યા છે. લોકોને
આઘાત એટલે લાગ્યો કે અત્યાર સુધી બધા જ જાણતા હોવા છતાં એવો દંભ આચરાઈ રહ્યો હતો
કે ગલીના ગુંડાઓ અને વિકૃત મનોવૃત્તિ ધરાવનાર કે વિલન જેવો વ્યક્તિ જ જાતીય સતામણી
કરી શકે. આપણી ફિલ્મોમાં પણ હીરોને ક્યારેય બળાત્કાર કે જાતીય સતામણીના કિસ્સામાં
નથી બતાવતા. કે તેના વિશે એવું વિચારવું પણ યોગ્ય નથી લાગતું. હીરો, હીરોઈનની
છેડતી કરે તે માન્ય હોય છે આપણને. પણ વિલન કરે તે માન્ય નથી હોતું. અહીં વિલનને
સારો ચિતરવાનો પ્રયત્ન નથી પણ માનસિકતા સમજવાની વાત છે. આપણા માટે કેટલીક બાબાત સ્વીકાર્ય હોય છે અને કેટલીક નથી હોતી એટલે
જ્યારે એવું બને છે તેના પ્રત્યે આંખઆડા કાન કરીએ છીએ. પુરુષોમાં જાતિયવૃત્તિ વધુ
હોય તે સ્વીકારી લેવામાં આવ્યું છે. કેટલાક પુરુષો પોતાની વૃત્તિ પર કન્ટ્રોલ કરી
શકે છે અને કેટલાક નથી કરી શકતા. કેટલાકને
લાગે છે કે કોઈને ખબર ન પડે તે રીતે પોતાની સત્તામાં છે ત્યાં સુધી છૂટ લેવામાં
કોઈ વાંધો નથી હોતો. સ્ત્રી-પુરુષોના સંબંધો આમ પણ કોમ્પલિકેટેડ હોય છે. તેમાં
પાવરપ્લે દ્વારા થતી જાતિય સતામણી ઓર કોમ્પલિકેટેડ બની જાય છે.
પુરુષ આમ પણ બીજા પુરુષ સાથે કે બીજી વ્યક્તિ
સાથે ક્યારેય અંતરંગ વાત કરી શકતો નથી. તેને પોતાની કોઈપણ લાગણી વિશે કે અંગત વાત
કરવાથી પૌરુષિય આઘાત અનુભવાય છે. એટલે જ પોતાના સુખદુખને બીજાની સાથે શેઅર ન કરી
શકતા પુરુષજાતિમાં ડિપ્રેશન તેમજ આત્મહત્યાનું પ્રમાણ પણ વધુ હોય છે તે સાબિત થયું
છે. બીજી કોઈ અંગત વાત ન કરી શકતો પુરુષ
પોતાના સેક્સુઅલ અનુભવ વિશે કે સમસ્યા વિશે પણ વાત કરી શકતો નથી. પોતાની
જાતિયવૃત્તિ વિશે તમે ક્યારેય કોઈ ડોકટર
કે મિત્ર સાથે વાત કરી છે ખરી? શક્યતા છે જ નહીં. પત્ની સાથે પણ ખુલ્લા દિલે
વાત ન કરી શકતા પુરુષો હોય છે. સેક્સ સમયે પણ કપડાં પહેરી રાખતાં પુરુષો હોય છે.
જો કે આવા પુરુષો મોટેભાગે બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બન્યા હોઈ શકે.વળી આ જાતીય સતામણી પણ મોટેભાગે પુરુષો દ્વારા જ થઈ
હોય છે. આ બધા ઘાવ વિશે તેઓ ક્યારેય વાત કરતા નથી. તે વિકૃતિરૂપે કે બીમારીરૂપે બહાર આવે છે ત્યારે પુરુષને પોતાને ય સમજાતું
નથી કે શું કરે. પ્રતિષ્ઠિત પ્રોફેસરો, સ્પોર્ટસ કોચ, ડાયરેકટરો, પ્રોડ્યુસરો, એકટરો, ડોકટરો આ બધા
પુરુષો માટે પણ એ જ પરિસ્થિતિ હોય છે. તેઓ પોતાના ક્ષેત્રમાં જ્યારે સફળ થાય છે
ત્યારે પાવરપ્લે ગેમ શરૂ થાય છે. જો કે સેક્સ પણ પાવરપ્લે ગેમ જ છે. પુરુષ એવો જ
હોય એવી માન્યતાઓ હજી પણ આપણા સમાજમાં સ્વીકાર્ય છે. ઉત્તરપ્રદેશના જાણીતા નેતાએ
એક સમયે બળાત્કારી વિશે કહ્યું હતું કે લડકે હૈ ગલતી હો જાતી હૈ ગરમ ખૂન જો હૈ વગેરે
વગેરે ફ્રોઈડે પણ ઈડિપસ કોમ્પલેક્સની વાત કરતા કહ્યું હતું કે
પુરુષો આખરે પુરુષ જ હોય છે. છોકરાઓ
પિતાને મારીને માતાની સાથે સેક્સ કરી શકે છે. સ્ટિફન માર્સે નામના લેખકે હાલમાં એક
પુસ્તક લખ્યું છે ‘અનમેડ બેડ – ધ મેસી ટ્રુથ અબાઉટ મેન એન્ડ વિમેન
ઈન ધ 21 સેન્ચુરી’ તેણે એક જગ્યાએ લખ્યું છે કે પુરુષોએ પોતાની
મસ્ક્યુલિનિટિ (પુરુષાતન) બાબતે વિચારવું પડશે. મુક્ત અને ખરાબ વર્તન કરવા માત્રથી
પૌરુષિય તાકાત સાબિત નથી થતી. તેનું કહેવું છે કે અમે પુરુષો ક્યારેય સેક્સ વિશે
યોગ્ય માહિતી કે જ્ઞાન મેળવતા નથી. પોતાની વૃત્તિને સમજવાનો પ્રયત્ન કરતા નથી.
એવું માની લેવામાં આવે છે કે અમે બધુ જ જાણીએ છીએ. ત્યાં જ તકલીફ ઊભી થાય છે.
જાતીયસતામણીના કિસ્સાઓ સમાજમાં બહાર આવી રહ્યા છે ત્યારે આઘાત લાગે છે. એવું નથી
કે આ સિલસિલો અટકે છે. આ કિસ્સાઓ હમણાં નથી બન્યા, બનતા આવ્યા છે અને બની રહ્યા છે
પણ સ્ત્રીઓ એ વિશે મૌન સેવતી હતી કે તેમનો અવાજ નીકળે નહીં તેની તકેદારી રાખવામાં
આવતી હતી. મીટુ કેમ્પેઈનમાં કેટલાક પુરુષોને વાંધો હતો કે આ રીતે નામ જાહેર કરવાની
ચળવળ ખોટી છે, તેમાં નિર્દોષ પુરુષ કુટાઈ જાય છે. પણ એ વિચારાતું નથી કે આટલી બધી
સ્ત્રીઓ વરસો પહેલાંની વાત બોલવાની હિંમત કરી રહી છે તો આટલા બધા પુરુષો તે પણ
શિક્ષિત, સારા ઘરના, પરિણીત પુરુષો કેમ આવું કરતા હતા તે વિશે વિચારવાની વાત નહોતા
કરતા. પુરુષ કેમ આવું વર્તી શકે છે એ વિશે ગંભીરતાથી નહીં વિચાર થાય તો પુરુષોને
પણ તકલીફો વેઠવી પડશે બે રીતે. એક તો તેમને સતત પોતાની પત્ની,દીકરી, બહેનની ચિંતા
રહેશે અને બીજું ક્યાંક તેમનું નામ પણ જાતીયસતામણીમાં બહાર ન આવે.
એકવીસમી સદી વિશેનો સ્ટિફનનો અભ્યાસ કહે છે કે
આજના પુરુષો એગ્રેસિવ હોવાની માનસિકતાનું ગૌરવ લેવા માંડે ત્યારે તકલીફો ઊભી થતી
હોય છે. ટકરમેક્સની જેમ ખોટા પુરુષાતનની કહાનીઓ ઘડવામાંથી પુરુષઓએ બહાર આવવું પડશે. પુરુષાતન એટલે જોશ કે ફોર્સ જ
નહીં પણ તેના પરનું નિયંત્રણ પણ ખરો પુરુષ કરી શકે છે. મીટુ કેમ્પેઈન બાદ પણ હજી
સમાજમાં ફરક નથી આવ્યો. રોજ નવા જાતીયસતામણી અને બળાત્કારના કિસ્સાઓ બહાર આવી જ
રહ્યા છે. શું હજી નથી લાગતું કે પુરુષે પોતાનો પુરુષાતનના ખોટા ખ્યાલોની
માન્યતાઓને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ?
0 comments