સાયકોલોજીકલ સ્ટિમ્યુલેશન

01:51




 ધારો કે તમે સોશિયલ મીડિયા બંધ કરી દો તો શું થાય ?

ગયા અઠવાડિયાનો આર્ટિકલ જો વાંચ્યો હોય તો એમાં લખ્યું હતું કે આપણે આપણી રીતે વિચારતા પણ નથી. આપણે જે ભાષા બોલીએ છીએ, જે રીતે જીવન જીવીએ છીએ તે બીજાઓ એટલે કે વસ્તુઓ વેચનારાઓ અને રાજકારણીઓ જેમ ઈચ્છે છે તેને જ ફોલો કરીએ છીએ. આ લેખનું મથાળું ફોર અ ચેન્જ અંગ્રેજીમાં છે. કારણ કે હું ઈચ્છું છું કે તમે બે ક્ષણ જરા થોભો અને વિચારો. મથાળું  અંગ્રેજીમાં છે તેની ટીકા કરીને નકારાત્મકતા પણ ઊભી કરી શકાય. કેમ અંગ્રેજી શું કામ મેડમ? આપણી ભાષાના શબ્દો ન વાપરવા જોઈએ. માતૃભાષા માટે મને માન છે અને મારું શિક્ષણ પણ તે જ ભાષામાં થયું છે. ઘરમાં અમે શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરીએ છીએ. અંગ્રેજી માધ્યમમાં ભણેલા દીકરા સાથે પણ. તે છતાં અંગ્રેજી વાંચુ છું અને આદતવશ કેટલાક શબ્દો તમારી જેમ જ હું પણ વાપરું છું. પણ અહીં આ  શબ્દો જાણીજોઈને વાપર્યા છે. 
તેનો અર્થ થાય કે માનસિકતાને ઝણઝણાવવી કે તેને તરંગિત કરવી. જે કામ આજે આખો  સમાજ કરી રહ્યો છે. સેક્સોલોજીસ્ટ પ્રકાશ કોઠારીનું પ્રિય અને પ્રસિદ્ધ વાક્ય છે કે સેક્સ બે કાન વચ્ચે હોય છે બે પગ વચ્ચે નહીં. હિન્દી ફિલ્મોમાં જે રીતે રોમાન્સના સીન આવે તે જોઈને મન ઉત્તેજિત્ત થઈ જતું હોવાનું દરેકે અનુભવ્યું હશે. એવું જ પોર્નોગ્રાફિ જોતી સમયે પણ થાય છે. આ મનને આંદોલિત કરવાનું કામ જ દરેક માર્કેટિંગવાળા કે રાજકારણીઓ કરતા હોય છે. ઈમોશન કે લાગણીઓને ઝંઝોળવાથી તેમાં પેદા થતા તરંગો યોગ્ય પરિણામ લઈ આવે છે. તમે જાહેરાત  જુઓ કે ઊસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસૈ? બીજાની ઈર્ષ્યાનો ભાવ તરત જ આપણને અસર કરે છે. સાબુ વેચવા માટે લાખો રૂપિયાની જાહેરાત કરવી પડે તે બાબત જ કેવી લાગે. સાબુની જરૂર પડવાની જ છે અને આપણે તે ખરીદવાના જ છીએ, પરંતુ અમુક જ બ્રાન્ડનો ખરીદીએ એટલે તેની જાહેરાત કરવી પડે. તમારા મગજને એ રીતે તરંગિત કરવું પડેકે તમને એ જ બ્રાન્ડનો સાબુ ખરીદો અને વિચારો કે મારો શર્ટ બીજા કરતા વધુ સારો છે.
આ તો સાદું ઉદાહરણ છે. આ રીતે અનેક બાબતો આપણા મનને સતત સ્ટિમ્યુલેટ કરતી રહે છે. સતત તેને હલબલાવી નાખવાને લીધે તેમાં તાણ ઊભી થાય છે. પેલું ફેમસ ગીત યાદ આવે કે  ઈસ શહેરમેં હર શખ્સ પરેશાનસા ક્યું હૈ. સૌરાષ્ટ્રના લોકો મુંબઈમાં આવે તો તેમને ટ્રેનની ગરદી અને લોકોને દોડતા જોઈને આઘાત લાગે. પણ જ્યારે એ જ લોકો જો મુંબઈમાં સ્થાયી થાય તો પૈસા કમાવવા માટે મુંબઈની લોકલ ટ્રેનમાં હડદોલા ખાતા, દોડતા શીખી જાય. સતત દોડતો આ માનવ એટલો તંગ હોય હંમેશા કે વાતવાતમાં ઝઘડી પડે. ટ્રેનમાં મારામારી નવી વાત નથી. હવે તો ગરદીમાં પણ લોકો એકબીજા સામે જોવાને બદલે મોબાઈલમાં જુએ છે. મોબાઈલમાં સોશિયલ મીડિયામાં સતત એકબીજાને ઉતારી પાડતા સંદેશાઓ મોકલે અને લખે. બળાત્કાર જેવા મામલે પણ હિન્દુ-મુસ્લિમનું કાર્ડ ફેકાય અને પછી વળી એના પર ચર્ચાના દોર દ્વારા બાબરી મસ્જિદ કે સોમનાથના મંદિરની ધ્વંશની વાતો ઊખેડાય. ખરજવું થયું હોય તો તેને ખંજવાળીએ તો તેમાંથી લોહી નીકળે. પીડા થાય તે છતાં તેને ખંજવાળવાની જે મજા આવે તેને અટકાવવી કેટલી મુશ્કેલ હોય છે તે થોડેઘણે અંશે આપણે  સૌ આ વાત જાણીએ જ છીએ.
અત્યારે એવું જ થઈ રહ્યું છે. ધર્માંધતાને છંછેડવાની અને ધિક્કારની ભાષા બોલવાની. ફેસબુક પર તો બીજાને ઊતારી પાડતા લખાણ લખો કે પછી નફરતથી ભરેલા વાક્યો ઠપકારો એટલે તેમાં હામી ભરાવનારાઓની સંખ્યા વધતી દેખાશે.  સેક્સ અને નફરત એ બે બાબતમાં માણસોને ખૂબ રસ પડે છે. એકતા કપૂર પણ આ વાત સારી રીતે જાણતી હતી એટલે તેની ધારાવાહિકોમાં નેગેટિવ પાત્રો હોય જ. નકારાત્મકતા વિના કોઈ ડ્રામા ઊભો ન થઈ શકે એવું કોઈકે મને એકવાર કહ્યાનું યાદ છે. તમારી વાર્તામાં નકારાત્મકતા એટલે કે વિલન હોય તો જ તેમાં ટ્વીસ્ટ આવે. મહાભારત અને રામાયણમાં નકારાત્મક પાત્રો એટલે કે કૌરવો અને કૈકેયીનું પાત્ર જ ન હોય તો? કે પછી દશરથને શ્રવણના માતાપિતાએ શ્રાપ  ન આપ્યો હોત કે પછી દ્રૌપદીએ કડવાં વેણ ન કહ્યા હોત તો શું મહાભારત કે રામાયણ આપણને એટલી રસપ્રદ લાગત ખરાં એ એક પ્રશ્ન જ છે. ઘરના જ ઝઘડાઓ વિસ્તરીને યુદ્ધના મેદાન સુધી પહોંચ્યા હતા. નફરત, ઈર્ષ્યા અને લોભ એ ત્રણ બાબતોને લીધે જ મહાભારત અને રામાયણ રચાયું. એ જ ત્રણ બાબતો આજે પણ આપણને સુખી કે દુખી કરી રહી છે. પ્રેમની ભાષા આપણને જચતી નથી કે જતું કરવાનું આપણને રુચતું નથી કારણ કે તો પછી કોઈ સંઘર્ષ ઊભો નથી થતો.
આપણે વાતો શાંતિની કરીએ છીએ પણ સતત સંઘર્ષને પોષવામાં વધારે આનંદ આવે  છે. એ સંઘર્ષ ઊભો કરવામાં ક્યાંક યુદ્ધ ન છેડાઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. નફરતના બીજ વાવીને આપણે શું મહાભારત કે રામાયણમાં રહેલી નકારાત્મકતાને પોષવી છે કે પછી તેમાં પણ જતું કરવાની અને માનવીયતાને આપણે અપનાવવાની છે. રામરાજ્યની વાતો કરતાં હિંસા કરવાનો અર્થ ખરો? અંગત જીવનમાં આપણે અન્યાય સામે બાથ ભીડતા નથી પણ તંત્રની સામે કે અથવા સોશિયલ મીડિયામાં આસમાની સુલતાની કરવામાં પાછા પડતા નથી એનું કારણ એ પણ છે કે સામે કોઈ વ્યક્તિ નથી પણ છબી છે. અને છબી તમને કોઈ નુકસાન પહોંચાડી શકતી નથી. લાગે છે કે આજે આપણા પ્રેમની જેમ  ગુસ્સો અને નફરત પણ નપુંસક બની ગયા છે.



You Might Also Like

0 comments