મહિલા વૈજ્ઞાનિકોનો ડેટા
21:07
ડૉ જેસ વાડે અને રોહિણી ગોડબોલેએ મહિલા
વૈજ્ઞાનિકો વિશે ડેટા ભેગો કરી જગત સમક્ષ મૂકવાનું કામ કર્યું છે.
સ્ત્રી
અને સાયન્સમાં સફળતા હાંસલ કરે તે વિશે લોકોમાં ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે,
એવું માનવા માટે મજબૂર કરેછે ડૉ જેસ વાડેએ ભેગો કરલો મહિલા વૈજ્ઞાનિકોનો ડેટા.
વિકિ પીડિયા પર તમને મહિલા વૈજ્ઞાનિકો વિશે માહિતી હવે મળી શકે તે માટે
ભૌતિકશાસ્ત્રી ડૉ જેસ વાડેએ મહેનત કરી છે. આ કામ તેમણે એક વરસથી પણ ઓછા સમયમાં
પુરું કર્યું. જેસએ પ્લાસ્ટિક ઈલેકટ્રોનિક્સમાં રિસર્ચ કર્યું છે. તેમને થયું કે
વધુને વધુ સ્ત્રીઓને પ્ વિજ્ઞાન શાખામાં પ્રવેશ કરવા માટે પ્રેરણા મળે તે માટે જે
મહિલાઓ વિજ્ઞાન ક્ષેત્રે કામ કરી રહી છે તેમના વિશે જાણકારી જાહેર થવી જોઈએ.
મહિલાઓની સિદ્ધિ વિશે આમ પણ ઘણું ઓછું લખાતું હોય છે. મહિલાઓને તેમના કામનો જશ પણ
યોગ્ય રીતે મળતો નથી.
2016ની
સાલમાં હિડન ફિગર્સ નામે સત્ય ઘટના પરથી ફિલ્મ બની હતી. તેમાં આફ્રિકન અમેરિકન સ્ત્રીઓ
હ્યુમન કોમ્પ્યુટર જેવું કામ કરતી હતી. કેથરીન જ્હોનસન, ડોરોથી વોગન અને મેરી
જેકસને નાસાના ચંદ્ર પર માનવ યાન મોકલવા માટે ખૂબ જ પાયાનું કામ કર્યું હતું. આ
ત્રણ સિવાય પણ અનેક સ્ત્રીઓ છે જેમણે વિજ્ઞાન ક્ષેત્રે મહત્ત્વનું કામ કર્યું છે
અને તેમના વિશે અત્યાર સુધી કોઈ માહિતી મળતી નહોતી. ગયા વરસે જેસે વાડેએ દરરોજનું
એક પાનું લખીને લગભગ 270 જેટલી મહિલા વૈજ્ઞાનિકો વિશેની માહિતી ભેગી કરીને તેમને
જરૂરી પ્રસિદ્ધિ આપી.
જેસ
જ્યારે ભણી રહી હતી ત્યારે એનું ધ્યાન ભૌતિકશાસ્ત્રમાં શક્ય તેટલી નિપૂણતા હાંસલ કરવાનું જ હતું, એટલે તેને ખ્યાલ
ન આવ્યો કે બહુ ઓછી છોકરીઓ વિજ્ઞાનશાખામાં હતી. જ્યારે પીએચડી કરી રહી હતી ત્યારે
એને સમજાયું કે તે લગભગ એકલી હતી. તેને લાગ્યું કે સ્ત્રી વૈજ્ઞાનિકો ખૂબ જ સારું
કામ કરી રહી હોવા છતાં છોકરીઓ આ શાખામાં ઓછી આવે છે તો તેમને પ્રેરિત કરવાનું કામ
કરવું જોઈએ. એવી માન્યતા પણ છે કે સ્ત્રીઓને વિજ્ઞાનમાં રસ નથી પડતો કે એ તેમનો
વિષય ન હોઈ શકે. ખેર, તેણે શાળાઓમાં જઈને વાત કરવાનું શરૂ કર્યું. વધુને વધુ
છોકરીઓને વિજ્ઞાનશાખામાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાનું કામ શરૂ કર્યું. એનું કારણ
છે કે જેસ જાણતી હતી કે પીએચડી કરવું કેટલું અઘરું છે તેમાં પણ એકલી સ્ત્રી તરીકે
જુસ્સો જાળવી રાખવો ય અઘરો હોય છે. સ્ત્રીઓને વિજ્ઞાન શાખા તરફ વાળવા અનેક પ્રયાસો
થાય છે છતાં તેમની સંખ્યા ઓછી છે કારણ કે તેમના કામની ઓળખ થતી નથી. જેસ પ્રોફેસર
કિમ કોબ અમેરિનક ક્લાઈમેટ સાયન્ટિસ્ટને મળી કે નેશનલ જ્યોગ્રોફીના તંત્રી સુઝન
ગોલ્ડબર્ગને (પ્રથમ મહિલા જેમણે આ પોષ્ટ મેળવી હોય) મળી ત્યારે નવાઈ લાગી કે એમના
વિશે વિકિપીડિયામાં કોઈ માહિતી નથી. કારણ કે તેમની નોંધ લેવાનું જ ચૂકાઈ જવાયું
હતું.
કિમ
કોબે કોરલ અંગે અભ્યાસ કરી રહ્યા છે અને તે માટે તેઓ સમુદ્રોના તળમાં ડૂબકી લગાવે
છે. આમ પાયાનું કામ કરતી અને પોતાના ક્ષેત્રમાં ઉત્તમ કામ કરતી મહિલાઓ વિશે તેણે
પહેલીવાર માહિતી ભેગી કરી ઓનલાઈન મૂકી, આમ કરતાં તેને લાગ્યું કે હજી વધુ નામો છે
જે જાહેર નથી થયા. બસ તે મંડી પડે છે વધુ સ્ત્રી વૈજ્ઞાનિકોને શોધવા અને તેમની
માહિતી ભેગી કરવા. જો કે તેના પર એક પુરુષ વિદ્યાર્થીઓ આરોપ લગાવ્યો કે કિમ ઓનલાઈન
ડેટાને બગાડી રહી છે. પોતાની જાણીતી વ્યક્તિઓને પ્રમોટ કરી રહી છે. વગેરે વગેરે...
જેસ કહે છે કે મને ખબર છે કે એ વ્યક્તિ સાચો નથી. ડાર્વિનના સમયથી સ્ત્રીઓ પોતાના
અધિકાર માટે લડી રહી છે. સ્ત્રીઓ માટે ભેદભાવ સમાજમાં સદીઓથી થતો રહ્યો છે. તેમાં
પણ સ્ત્રીની સિદ્ધિની વાત સ્વીકારવી સહેલી નથી હોતી. જે માહિતી ભેગી કરી છે
તેમાંથી અનેકને હું ક્યારેય મળી નથી પણ તેમના વિશે માહિતી ભેગી કરી છે. આ બધું
કરીને તે શું મેળવી રહી છે તેવા સવાલના જવાબમાં જેસે કહ્યું હતું કે જ્યારે સ્ત્રી
વૈજ્ઞાનિક વિશે જાણકારી મળે છે અને તેમને એવોર્ડ મળે છે ત્યારબાદ છોકરીઓ તેમની
આસપાસ જે ઉત્સુકતાથી વીંટળાય છે તે જોઈને
જ મારું હૃદય હરખાય જાય છે. વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ કરેલા પ્રદાનને ઓળખ મળે તો
સમાનતાનું વાતાવરણ સર્જાય. મહિલા સશક્તિકરણની વાતો કરવા માત્રથી કશું ન વળે પણ જે
મહિલાઓ કેટલીય તકલીફો અને અગવડો સાથે ચોક્કસ મકામ પર પહોચે છે તો તેને ઓળખ મળવી
જોઈએ.
2008નો
યુનેસ્કોનો સાયન્સ એવોર્ડ મેળવનાર તમસીન માથેર વિશે જાણકારી હવે વિકિપીડિયા પર મળી
શકે છે. માથેર પ્રોફેસર ઓફ વોલ્કેનોલોજી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણાવે છે.
પ્રોફેસર ડોરોથી યેબોહ મનુ માઈક્રોબાયોલોજીસ્ટ છે. તેમને આફ્રિકન છે. તેઓ
ઈન્ટરનેશનલ યુનિયન એગેઈન્સ્ટ ટ્યુબરક્યુલોસિસ અને લંગ ડિસિઝ અભ્યાસ માટે વર્લ્ડ
હેલ્થ ઓર્ગેનાઈઝેશનના બોર્ડ મેમ્બર છે તો એડવાઈઝરી બોર્ડ ઓફ નેશનલ ટ્યુબરક્યુલોસિસ
પ્રોગ્રામના ચેરપર્સન છે. આવી તો અનેક સ્ત્રીઓ છે જેમણે પોતાના ક્ષેત્રમાં સફળતા
હાંસલ કરી છે. આવી સ્ત્રીઓને જેમના વિશે દુનિયાને ખાસ ખબર ન હોય તેમના વિશે માહિતી
ભેગી કરીને મૂકી રહી છે તે માટે જેસ વાડેને ધન્યવાદ આપવો ઘટે.
આ
આર્ટિકલ લખવાનો મકસદ પણ એ જ છે કે આપણે ત્યાં પણ અનેક સ્ત્રીઓ છે જેમણે
વિજ્ઞાનક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે. મંગળ પર યાન મોકલાયું તેમાં ઈસરોમાં પાયાનું
કામ કરનાર નંદિની હરીનાથ, સીથા સોમસુંદરમ અને મીનલ રોહિત હતા. ત્રણે મહિલા વૈજ્ઞાનિકો
વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે.
સ્ત્રીઓને
સાણસી મૂકીને સાયન્સ સુધી જવામાં આજે પણ માન્યતાઓના અવરોધો નડે છે ત્યારે કેટલીક
સ્ત્રીઓ જે પોતાની અને સમાજની ગ્રંથિઓને તોડી શકી છે તેમની ઓળખ હવે આગળ વધી રહી
છે. આપણે ત્યાં રોહિણી ગોડબોલેએ 2008માં લીલાવતીસ ડોટર નામે એક પુસ્તક લખ્યું
હતું. તેમાં સો ભારતીય મહિલા વૈજ્ઞાનિકો પાસે આત્મકથાત્મક વાત વણી લીધી હતી. આજે
જેસ વાડે જે કામ ઓનલાઈન કરી રહી છે તેવું જ કામ રોહિણી ગોડબોલેએ કર્યું છે. રોહિણી
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ બેંગ્લુરુમાં સેન્ટર ફોર આઈ એનર્જી ફિઝીક્સમાં
પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમને રસ હોય તેઓ ઓનલાઈન પણ પુસ્તક મેળવી શકે
એમ છે.
ભારતમાં
આજે પણ દરેક સ્ત્રીને ઘર બહાર પગ મૂકતાં પહેલાં અને પછી ય અનેક પડકારોનો સામનો
કરવો પડતો હોય છે. જરૂરત હોય છે ફક્તને ફક્ત પોતાના વિચારોની સ્પષ્ટતાની મોટાભાગની
સ્ત્રીઓને ખબર જ નથી હોતી કે પોતે શું કરવા માગે છે, એટલે જ તેઓ સમાજે દોરેલી લીટીએ
ચાલવા માંડે છે. અને જ્યારે સમજાય છે કે
પોતે શું કરવા માગે છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે અથવા તેમનામાં ચીલો
ચાતરીને ચાલવાની હિંમત જ રહી હોતી નથી. રોહિણી ગોડબોલે આજે વિજ્ઞાનના ક્ષેત્રે
આંતરરાષ્ટ્રિય નામ છે. તેમણે જર્મનીના વૈજ્ઞાનિક સાથે મળીને હાઈ એનર્જી ફિઝિક્સમાં
એક પ્રયોગ કર્યો હતો. જે સફળ રહેતાં તે ડ્રીસ-ગોડબોલે ઈફેક્ટ નામે પણ ઓળખાય છે. આ
જ રોહિણી ગોડબોલે બાળપણમાં 8 ધોરણ સુધી વિજ્ઞાન કે ગણિત ભણ્યા જ નહોતાં. તેઓ
કન્યાશાળામાં ભણતા હતાં જ્યાં છોકરીઓને વિજ્ઞાનનો વિષય શીખવાડવામાં નહોતો આવતો.
રોહિણીએ જાતે વિજ્ઞાન વાંચ્યું અને સ્ટેટ મેરિટ સ્કોલરશીપની પરીક્ષા આપી. સૌના
આશ્ચર્ય વચ્ચે તેઓ પાસ થયા. આ જોઈને શાળાના ગણિત શિક્ષકે તેમને ગણિત શીખવાડવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે
અનેક સ્કોલરશીપ મેળવી વિજ્ઞાન વિષયે અભ્યાસ ચાલુ રાખ્યો. આઈઆઈટી, મુંબઈમાંથી
સિલ્વર મેડલ પાસ થયા બાદ તેઓ પાર્ટિકલ
ફિઝિક્સમાં પીએચડી કરવા માટે ન્યુયોર્ક યુનિવર્સિટિ ગયા જેને માટે તેમને સ્કોલરશીપ
પણ મેળવી હતી. તેઓ આજે વિમેન્સ ઈન સાયન્સ ઈન ઈન્ડિયાના પેનલ મેમ્બર તરીકે પણ ફરજ
બજાવી રહ્યા છે. ભારતીય સ્ત્રીઓમાં રહેલી વૈજ્ઞાનિક થવાની ક્ષમતાને ઓળખીને તેને
બહાર લાવવાનું કામ કરે છે.
2014માં
આઈઆઈટી કાઉન્સિલમાં રોકેટ સાયન્સમાં ટેસી
થોમસ અને વિજ્યાલક્ષ્મી રવિન્દ્રનાથનને નોમિનેટ કરવામાં આવ્યા હતા. ટેસી થોમસનને
અગ્નિપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પહેલાં મહિલા છે તે જેમને ભારતના અનેક
મિસાઈલ્સ પ્રોજેક્ટ્સમાં ડિરેકટર તરીકે લેવામાં આવ્યા હોય.આપણી અગ્નિ મિસાઈલ્સ
પ્રોજેક્ટસના તેઓ માસ્ટર માઈન્ડ છે. આજે અગ્નિ-3,
અગ્નિ -4, અગ્નિ-5 મિસાઈલ્સ પ્રોજેક્ટ્સ ભારતીય સંરક્ષણના ભાથામાં સૌથી
શક્તિશાળી શસ્ત્ર છે. તેમાં એક
મહિલાનું માસ્ટર માઈન્ડ છે તે બાબતે દરેક
સ્ત્રીએ ગર્વ લેવા જેવો છે. ટેસીના હાથ નીચે આજે અનેક સ્ત્રી વૈજ્ઞાનિકો તૈયાર થઈ
છે અને કામ કરી રહી છે. ટેસી માને છે કે વિજ્ઞાનને જાતીય ભેદભાવ નથી નડતો. જેની
પાસે ટેલેન્ટ છે તે સ્ત્રીએ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવું જોઈએ.
0 comments